વિજ્ઞાનથી પરિપૂર્ણ છે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા
સાઉન્ડ રેકોર્ડિંગ, ક્રોમા, સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી ફિલ્મની સુંદરતામાં વધારો કરવામાં મદદ મળી રહે છે
દર્શકોને ફિલ્મ જોવામાં અને માણવામાં જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ એક ફિલ્મ મેકરને ફિલ્મ બનાવવામાં અને એની તમામ પ્રક્રિયામાં સામેલ થવાથી આવે છે. ફિલ્મ મેકિંગની પ્રક્રિયા જટિલ તો છે પણ સાથે સાથે કંઈક નવીનતમ કાર્ય કરવા માટે પણ પ્રેરે છે. એક જ વાર્તાને અલગ અલગ દ્રષ્ટિકોણથી કહેવાની દરેક વાર્તાકાર અને ડિરેક્ટરની ખાસિયત હોય છે. વળી, ફિલ્મ મેકિંગમાં એવી ઘણી નાની-નાની કાર્યપ્રણાલી આવરેલી હોય છે જેને સામાન્ય દર્શકવર્ગ જાણતું સુદ્ધા નથી. ટૂંકમાં કહીયે તો ફિલ્મ મેકિંગની પ્રક્રિયા વિજ્ઞાનથી પરિપૂર્ણ છે.
ઢોલીવૂડના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી ભારતીય ફિલ્મ મેકિંગની વાત કરીયે તો આઝાદી પહેલાની ખાસ કરીને ફિલ્મ ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારની ફિલ્મો પર નજર કરતા માલૂમ થાય છે કે હીરો-હીરોઇન એક જ જગ્યાએ ઊભા રહી ગીત ગાતા. અથવા એવા ગીતો જોવા મળે છે જેમાં કલાકારોની ગીત દરમ્યાન ઓછી હલનચલન હોય. વાસ્તવમાં એ સમયે ગીત રેકોર્ડ કરવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ હોવાને લીધે આ કિમીયો ઉપયોગમાં લેવામાં આવતો. વળી, જે કલાકાર અભિનય કરતો હોય, ગીત પણ તેણે જ ગાવાનું રહેતું. કે.એલ. સહેગલ અને અશોક કુમારની ફિલ્મોમાં તમને આ પ્રકારનો અભિનય અચૂક જોવા મળશે.
આથી પણ થોડા પાછળ જઈએ તો ભારતની પહેલી બોલપટ ફિલ્મ ‘આલમઆરા’ 1931 માં રિલીઝ થઈ ત્યારે 1927 માં અમેરિકામાં ‘ધ જાઝ સિંગર’ નામની બોલપટ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. નોંધનીય છે કે ધ્વનિ સંયોજનનું કામકાજ પણ એ જ સમયમાં શરૂ થઈ ગયું હતું. મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનને આપણે ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે યાદ કરીયે છીએ પણ જૂજ લોકો જાણે છે કે તેમનું યોગદાન સાઉન્ડ રેકોર્ડિંગ તેમ જ મોશન પિક્ચર કેમેરાના નિર્માણમાં પણ છે. એડિસન અને અન્ય વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોના આધારે જ પ્રકાશવીજ કોષ, જેને ફોટોઇલેક્ટ્રોનિક સેલ કહેવામાં આવે છે, નો ઉપયોગ કરીને ફિલ્મની પટ્ટી પર જ સીધેસીધો ધ્વનિ અંકિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને સમય જતાં એમાં અનેક સુધારા પણ થયા.
જોકે સાઉન્ડની આ સમસ્યનું સમાધાન આવ્યું બીજા વિશ્વયુદ્ધ પછી. 1950 ના સમયમાં ચલચિત્રોની ધ્વનિપ્રણાલીમાં એક ક્રાંતિકારી શોધ થઈ. ટેપરેકોર્ડરની શોધ સાથે ફિલ્મના ધ્વનિ (સાઉન્ડ) નું રેકર્ડિંગ કરવા માટે ચુંબકપટ્ટીનો ઉપયોગ શરૂ થયો. ડાયલૉગ્સ, ગીત, પાર્શ્વસંગીત વગેરેનું જુદા જુદા સાઉન્ડ ટ્રેક પર રેકર્ડિંગ કરી છેલ્લે તેનું અસરકારક રીતે મિશ્રણ કરાવા માંડ્યું. આ પ્રણાલીની મદદથી ધ્વનિને વધુ સ્પષ્ટ બનાવી શકાયો. આજની તારીખમાં આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ અને વીએફએક્સ જેવી અનેક ટેક્નોલોજીનો પ્રયોગ કરી સાઉન્ડ અને વિઝ્યુઅલ્સને પણ ઈચ્છિત રૂપરેખા આપી શકાય છે. જે ગાયક કલાકારો આજે આપણી વચ્ચે હયાત નથી તેમના અવાજને આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સની મદદથી પુનઃ સજીવન કરવાના પ્રયોગો ચાલી રહ્યા છે, જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. મોબાઈલ જેવા ઉપકરણમાં મળતી અત્યાધુનિક સુવિધાઓ એ વાતનો પૂરાવો છે કે વિજ્ઞાનને હરણફાળ છલાંગ લગાવી અનેક ક્ષેત્રની કાયાપલટી દીધી છે, જેમાંનું એક ક્ષેત્ર ફિલ્મ ઉદ્યોગ પણ છે.
હોલીવૂડની ‘સ્પાઇડર મેન’ હોય, બોલીવૂડની ‘પઠાણ’ હોય કે ઢોલીવૂડની ‘કસૂંબો’ કે ‘ઝમકૂડી’ હોય, દરેકે દરેક ક્ષેત્રની ફિલ્મમાં આધુનિક ટેક્નોલોજીનો તડકો લગાડવામાં આવ્યો હોય છે. સાઉન્ડ ઉપરાંત ફિલ્મ મેકિંગમાં ગ્રીન કે વાદળી રંગના પડદાનો પણ અતિશય ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્રીન કે વાદળી રંગનું કપડું કહેવામાં ભલે કપડું કે પડદો હોય પણ આ પડદાને લીધે જ મોટી સ્ક્રીન પર નવાઈ પામી જવાય એવા દ્રશ્યો તૈયાર કરવામાં આવે છે. આ પડદાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભાષામાં ક્રોમા કહેવામાં આવે છે, જેને ન્યુઝ ચેનલમાં તેમ જ અનેક ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવે છે.
‘જુરાસિક પાર્ક’ થી માંડીને ‘બાહુબલી’ અને ‘ફક્ત પુરુષો માટે’ સુધીની લગભગ તમામ ફિલ્મોમાં આ ક્રોમાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ક્રોમાની મદદથી ફિલ્મના કોઈપણ દ્રશ્યને રૂપેરી પડદે આકર્ષકપણે રજૂ કરી શકાય છે. ડાયનાસોરથી ભાગતા લોકો હોય કે ‘હેરી પોટર’ નો નિંબસ ઝાડુ પર ઉડવાનો સીન હોય કે પછી ભલે ને ‘ફક્ત પુરુષો માટે’ માં દર્શાવાતો કુદરતનો દરબાર હોય, આ તમામ દ્રશ્યો ક્રોમા પર શૂટ થયા પછી કોમ્પ્યુટર પર એડિટ કરવામાં આવે છે અને એ દ્રશ્ય વાસ્તવિક લાગે એની ખાતરી કરવામાં આવે છે. જ્યારે સ્વર્ગમાં કોઈ ભગવાન સાથે વાત કરી રહ્યા હોવાનો દ્રશ્ય હોય ત્યારે ઈશ્વરની આજુબાજુ એક પવિત્ર એવો સફેદ રંગનો પ્રકાશ દર્શાવવામાં આવે છે, આજુબાજુ સ્વચ્છ અને સુંદરતા પ્રદર્શિત કરવા બાગ-બગીચા, ઉડતા પક્ષીઓ જેવા તત્વો દર્શાવવામાં આવે છે, આ બધું ક્રોમા અને વીએફએક્સનો કમાલ છે.
હિંદી ફિલ્મોમાં પણ પહેલાં માત્ર ધાર્મિક અને ચમત્કારી ફિલ્મોમાં સ્પેશયલ ઇફેક્ટનો ઉપયોગ કરાતો હતો. હવે તે સામાન્ય બની ગયું છે. ‘ગુલામ’ (1998) માં આમીરખાનને પાટા પર પૂરપાટ ધસી આવતી ગાડી સામે દોડતો દર્શાવાયો છે. છેક છેલ્લી ઘડીએ તે પાટા પરથી નીચે ઊતરી જાય છે. આ ર્દશ્યમાં વાદળી પડદા પ્રોસેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. પાટા પર વાદળી રંગનો પડદો મૂકીને તેની સામે પાત્રને દોડતો દર્શાવાયા બાદ ગાડીનું પણ એ જ રીતે ચિત્રાંકન કરીને બંને ર્દશ્યોને જોડી દેવાયાં હતાં. ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999) ના એક ર્દશ્યમાં આકાશમાં અસંખ્ય પતંગો ઊડતી દર્શાવાઈ છે. એ પણ કોમ્પ્યૂટરની કમાલ હતી. ત્રણ-ચાર પતંગો ઊડતી હોય એવો શૉટ લીધા બાદ મલ્ટી-પ્લેક્સિયન ટેક્નોલોજી વડે ત્રણ-ચાર પતંગોને અસંખ્ય બનાવી દેવાઈ હતી. રજનીકાંતની ફિલ્મ ‘રોબોર્ટ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતી ફિલ્મ ‘હું ઈકબાલ’ માં પણ આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરી અનેક ઈકબાલ દર્શાવવામાં આવ્યા હતા.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com





Comments
Post a Comment