મૂળરાજ રાજડા એટલે લેખક, અભિનેતા અને દિગ્દર્શકનો ત્રિવેણી સંગમ

જેના નામમાં જ બે વાર ‘રાજ’ શબ્દ આવે છે એવા મૂળરાજ રાજડાનું પરિવાર આજે પણ ગુજરાતી કલાક્ષેત્રે સક્રિય છે 



ગુજરાતી રંગભૂમિ, ચિત્રપટ, સાહિત્ય જગતમાં એવા અનેક કલાકારો અને ખ્યાતનામ હસ્તીઓ થઈ ગયા છે જેમણે નવથી પાંચ નોકરી કરવાની સાથે નાટકો અને ફિલ્મોમાં યોગદાન આપ્યું છે. મૂળરાજ રાજડા એવા જ નામાંકિત વ્યક્તિઓમાંના એક છે. આજની યુવા પેઢી કદાચ તેમને નહીં ઓળખે પણ જો રામાનંદ સાગરની આઇકોનિક સિરીયલ રામાયણને યાદ કરીએ અને એમાં પણ શાંત પ્રકૃતિ ધરાવતા જાનકીનંદન રાજા જનકને યાદ કરીયે તો મૂળરાજ રાજડાનો ચહેરો સૌથી પહેલા નજર સામે તરવરી ઉઠે. 



 

જે પ્રમાણે બોલીવૂડમાં કપૂર ફેમિલીનું વટવૃક્ષ ફેલાયેલું છે એ જ પ્રમાણે ગુજરાતી ફિલ્મ જગતમાં રાજડા ફેમિલીનું વટવૃક્ષ ફેલાયેલું અને એ વટવૃક્ષના મૂળમાં છે મૂળરાજ રાજડા. મૂળરાજ રાજડા આમ તો મુંબઈકર કેમ કે મુંબઈમાં 1931 ની 13 નવેમ્બરના રોજ તેમનો જન્મ થયો. મૂળ તેઓ જામખંભાડિયાના. મુંબઈ યુનિવર્સિટીથી તેમણે બી.એ. વીથ ઇકોનોમિક્સની ડિગ્રી મેળવી દેના બેન્કમાં ખાસ્સા સમય સુધી નોકરી કરી. નાટ્ય ક્ષેત્રના અનેક રસિકોની જેમ તેઓ પણ કોલેજકાળમાં અનેક નાટ્યસ્પર્ધામાં ભાગ લેતા. એમાંની જ કોઈ એક સ્પર્ધામાં રંગભૂમિના જાણીતા કલાકાર વિષ્ણુકુમાર વ્યાસ જજ તરીકે આવ્યા હતા અને તેમની પારખી નજરે મૂળરાજ રાજડાની કલાને પારખી લીધી. મૂળરાજની અભિનય કલાથી પ્રભાવિત થઈને વિષ્ણુકુમાર વ્યાસે પોતાની નાટ્ય સંસ્થા હેઠળ બની રહેલા નાટક ‘બારમો ચંદ્રમા’ માં તેમને તક આપી. આ સમય દરમ્યાન તેમણે ‘વતેસરની વાત’ નામની એકાંકી ભજવી અને ‘તુલસી ઈસ સંસાર મેં’ નામનું નાટક લખ્યું અને એમાં અભિનય પણ કર્યો. આ એકાંકી અને નાટક પછીથી પુસ્તકરૂપે પણ પ્રકાશિત કરવામાં આવી હતી. 



મૂળતઃ મૂળરાજ રાજડા એક અભિનેતા હોવાની સાથે સાથે સારા લેખક પણ હતા. પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેમણે ‘અનુરાગ’, ‘જેસલ તોરલ’, ‘એક મૂરખને એવી ટેવ’, ‘વર વગરનો વરઘોડો’, ‘નિયતી’, ‘માન-અભિમાન’, ‘એક ડાળના પંખી’, ‘અનુકંપા’, ‘ગઢ જૂનો ગિરનાર’, ‘મારા વરની વહુ કોણ’, ‘અસત્ય નારાયણની કથા’ જેવા અનેક નાટકો લખ્યા અને એમાં કોમેડી અથવા ધીર ગંભીર પાત્ર ભજવ્યું હતું. આમાંના અનેક નાટકોમાં આજે વરિષ્ઠ અને ખ્યાતનામ કહી શકાય એવા કલાકારોઓએ કામ કર્યું હતું જેમાં ટીકુ તલાસાણીયા, ધર્મેન્દ્ર ગોહિલ, મેહુલ બૂચના નામ ચોક્કસ લઈ શકાય. જોકે તેમનું યાદગાર નાટક ‘અભિનય સમ્રાટ’ રહ્યું હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય કર્યો હતો. આ નાટકના એ સમયે 500 થી પણ વધારે પ્રયોગો થયા હતા.



 

નાટ્યક્ષેત્રમાં કામ કરતાં કરતાં તેમણે છેક 1961 માં પહેલી ગુજરાતી ફિલ્મ કરી જેનું નામ હતું ‘ચૂંદડી ચોખા’. આ ફિલ્મ જાણીતા ફિલ્મમેકર રતિલાલ પૂનાતર ડિરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મમાં મનહર દેસાઈ, નિરૂપા રૉય, રવિન્દ્ર જોશી, દુલારી જેવા અનેક ખ્યાતનામ કલાકારો હતા. આ ફિલ્મના મોટાભાગના ગીતો સફળ રહ્યા હતા. મોહમ્મદ રફીના સ્વરમાં ‘મુબારક તમો ને આ રૂપિયાની થેલી’, આશા ભોસલેના સ્વરમાં ‘હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું’, વગેરે… આ ફિલ્મ બાદ તેમણે એક-બે ફિલ્મો કરી. 1971 માં રવિન્દ્ર દવે દિગ્દર્શીત ફિલ્મ ‘જેસલ-તોરલ’ રિલીઝ થાય છે. આ ફિલ્મમાં તેમણે એક સેનાપતિનું પાત્ર ભજવ્યું હતું. જોકે ફિલ્મ ‘જેસલ-તોરલ’ ની સફળતાનો મોટાભાગના કલાકારોને લાભ મળ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુપમાની ખ્યાતિ તો પહેલાથી જ મજબૂત હતી. ‘જેસલ-તોરલ’ થી રમેશ મહેતાને એક લેખક તરીકે વધારે સફળતા મળી જ્યારે મૂળરાજ રાજડાના કામની નોંધ લેવામાં આવી. તેમ છતાં આ ફિલ્મ તેમને ધારણા પ્રમાણે સફળતા ન અપાવી શકી.



 

મૂળરાજ રાજડાને ગુજરાતી ફિલ્મોમાં નોંધનીય એવી સફળતા મળી 1976 માં. ફિલ્મ હતી ‘જય ખોડિયાર મા’.  વાસ્તવમાં રામકુમાર વોહરા 1976 માં ‘જય ખોડિયાર મા’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા અને આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી શકે એવા એક લેખકની શોધમાં હતા. રામકુમાર વોહરાના પુત્ર મહેન્દ્ર વોહરા મૂળરાજભાઈને સારી રીતે ઓળખતા હતા એટલે તેમણે મૂળરાજ રાજડાની ઓળખ પોતાના પિતા સાથે કરાવી આપી અને આમ એક લેખક તરીકે મૂળરાજ રાજડાની ગુજરાતી ફિલ્મોમાં નોંધનીય શરૂઆત થઈ. ઉલ્લેખનીય વાત એ છે કે આ ફિલ્મમાં મૂળરાજ રાજડાના પત્ની ઈન્દુમતી રાજડા, કુમાર રાજડા, સમીર રાજડા અને બીજલ રાજડા પણ જોડાયેલા હતા. આ ફિલ્મની સફળતાથી ખુશ થઈને રામકુમાર વોહરાએ મૂળરાજ રાજડાને કાયમ માટે પોતાના ગ્રુપમાં સમાવી લીધા. 

ફિલ્મી સફર ધીમે-ધીમ આગળ વધી રહ્યો હોવા છતાં મૂળરાજ રાજડાએ દેના બેન્કની પોતાની નોકરી ચાલુ રાખી હતી, જેથી આર્થિક દ્રષ્ટિએ કોઈ તકલીફ ન આવે. ચાલુ નોકરીની સાથે સાથે તેમણે ‘સંત તુલસીદાસ’ (1972), ‘સોન કંસારી’ (1977), ‘પાતળી પરમાર’ (1978), ‘સોના ઈંઢોણી રૂપા બેલડુ’ (1979), ‘ચોરીના ફેરા ચાર’ (1979), ‘મેહુલો લુહાર’ (1981), ‘જીવી રબારણ’ (1980), ‘મહાભારત’ (1983) જેવી અનેક ફિલ્મો કરી. આ ફિલ્મોમાંથી કે.જી. ભટ્ટ દિગ્દર્શીત-નિર્મીત ‘મહાભારત, ‘મનનો માણીગર’ (1978) અને ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ ના લેખન માટે તેમને ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો હતો. 



સમય જેમ જેમ આગળ વધતો ગયો એમ એમ મૂળરાજ રાજડાની લેખન કળાનો લ્હાવો કલા જગતને વધારે મળવા લાગ્યો. ફિલ્મ અને નાટકો ઉપરાંત તેઓ રેડિયો માટે રૂપકો પણ લખવા લાગ્યા અને એમાં પોતાનો સ્વર પણ આપવા લાગ્યા. અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર માટે તેમણે ‘નરસૈયો’ નામની સિરીયલ લખી પણ ખરી અને એનું દિગ્દર્શન પણ કર્યું. આટલું જ નહીં અનેક પ્રાઇવેટ ટીવી ચેનલ માટે ડેઇલી સોપના એપિસોડ પણ તેમણે લખ્યા. આ તમામે તમામ કામકાજની સામે તેમનું સૌથી નોંધનીય કામ એટલે રામાનંદ સાગરની સિરીયલ ‘રામાયણ’ માં રાજા જનકનું પાત્ર. આ પાત્ર એટલું તો લોકપ્રિય નીવડ્યું કે આજની તારીખે પણ મૂળરાજ રાજડાની ઓળખ રાજા જનક તરીકે કરવામાં આવે તો અન્ય કોઈ ઓળખાણની જરૂરત રહેતી નથી. 



 

રાજડા પરિવાર પર નજર કરીયે તો નાટક ‘તુલસી ઈસ સંસાર મેં’ માં પત્ની ઈન્દુમતી રાજડા સાથે શરૂઆત કર્યા બાદ એ સિલસીલો આજીવન ચાલ્યો. મૂળરાજ રાજડા અને ઈન્દુમતી રાજડા ઉપરાંત તેમની સંતાન સમીર રાજડા અને બીજલ રાજડા તેમ જ પિતરાઈ પક્ષે સુરેશ રાજડા તેમના પત્ની શેતલ રાજડા, પુત્રી સંતુ રાજડા, તેમના ભાઈ તુલસી રાજડા, અમીતા રાજડા આજે પણ ગુજરાતી-હિંદી કલા જગતમાં સક્રિય છે. મૂળરાજ રાજડાના ભત્રીજા મિહીર રાજડા લેખક તરીકે અને તેમના પત્ની નીલમ પંચાલ રાજડા અભિનેત્રી તરીકે કોઈ ઓળખના મોહતાજ નથી. નીલમ પંચાલને આપણે ‘હેલ્લારો’, ‘રાડો’, ‘વશ’, ‘21 મું ટિફીન’ જેવી ધમાકેદાર ફિલ્મોમાં અભિનય કરતાં જોઈ છે. જેના નામમાં જ બે વાર ‘રાજ’ શબ્દ આવે છે એવા રાજડા પરિવારના વટવૃક્ષ સમા મૂળરાજ રાજડાનું 23 મી સપ્ટેમ્બરે 2012 ના રોજ રવિવારે અવસાન થયું. મૂળરાજ રાજડાની અનુપસ્થિતીમાં આજે પણ રાજડા પરિવાર ગુજરાતી કલાક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપી રહ્યું છે. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં