1980-81ની બેસ્ટ ફિલ્મ એટલે જોગ-સંજોગ

નવલકથા અને ફિલ્મ બંનેની સફળતા આ વાર્તાને વધારે લોકપ્રિય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે



ગુજરાતી સાહિત્યની દુનિયામાં હરકિસન મહેતાનું નામ સૌકોઈ જાણે છે અને તેમના સાહિત્યસર્જનમાંનું એક સર્જન એટલે ‘જોગ સંજોગ’. આ નવલકથા પરથી વર્ષ 1980 માં આ નામથી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ અને ખૂબ ચાલી. 

નરેશ કનોડિયા, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, અજીત વાચ્છાની, કામિની ભાટિયા, દેવેન્દ્ર પંડિત, મેઘના રૉય અને રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા જ્યારે અરવિંદ જોશી, હિતુ કનોડિયા, વંદના રાણે અને ક્રિષ્ણકાન્ત મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. હરકિસન મહેતાને જ આ ફિલ્મના કથા, પટકથા અને સંવાદ લેખક તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવી હતી. ગીત કાંતિ અશોકે લખ્યા હતા અને ગાયક કલાકારોમાં આશા ભોસલે, મહેશ કુમાર, પ્રફુલ દવે, અનુરાધા પોડવાલ, કમલેશ અવસ્થિ, ગોવિંદજી બોરીચા અને નરેશ કનોડિયા સામેલ હતા. સંગીતકાર અને ફિલ્મના નિર્માતા હતા મહેશ-નરેશ. 

નવલકથા ‘જોગ-સંજોગ’ એક કુટુંબના જીવનમાં અચાનક સર્જાતા સંજોગોને ભવનાત્મક અને ઉત્સુકતાપૂર્વક રજૂ કરે છે. કથાનું મુખ્ય પાત્ર અજય (નરેશ કનોડિયા), એક ટ્રેન અકસ્માતમાં અચાનક ગુમ થઈ જાય છે અને ઘણા વરસો પછી પાછો આવે છે. તેની હાજરી અને ગેરહાજરી વચ્ચેના રહસ્યને ઊકેલવાનો પ્રયાસ નવલકથાની મૂળચાવી છે. કુટુંબના સભ્યોની પ્રતિભાવસભર લાગણીઓ, શંકા અને પ્રેમની લાગણીઓનું બળકટ ચિત્રણ સમગ્ર વાર્તાને ગાઢ બનાવે છે. ‘જોગ’ એટલે અચાનક મળેલો પ્રસંગ અને ‘સંજોગ’ એટલે સમય દ્વારા ગોઠવાયેલું તથ્ય, આ બંનેની વચ્ચે લેખકે જીવનના વિક્રમ અને વિક્રમશીલતાનું દર્શન કરાવ્યું છે. 

જેમણે ‘જોગ સંજોગ’ નવલકથા વાંચી હશે અને આ ફિલ્મ પણ જોઈ હશે તેઓ સરળતાથી સમજી શકશે કે નવલકથાની વાર્તામાં ફિલ્મશૈલી મુજબ થોડાઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. પદ્મારાણી અને અરિવંદ ત્રિવેદી સુલોચના ભાભી અને રાજાબાબુના પાત્રમાં જોવા મળે છે જ્યારે નરેશ કનોડિયા અજય અને વિજય નામના બે પાત્ર દ્વારા ડબલ રોલમાં જોવા મળે છે અને તેમની પ્રેયસી અમીના પાત્રમાં છે અરુણા ઈરાની. અરવિંદ રાઠોડ વિલનના પાત્રમાં શોભી ઊઠે છે. જાસૂસના પાત્રમાં કોમેડિયન રમેશ મહેતાને સાંકળીને થોડી રમૂજ ઉમેરવામાં આવી છે. 

આ ફિલ્મના દરેકે દરેક ગીતો ફેમસ અને લોકપ્રિય રહ્યા છે. ‘હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો’ ગીત ફિલ્મની વાર્તામાં હળવાશનો સંચય કરે છે. અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ એક ગરબો ઉમેરવામાં આવ્યો છે જેના શબ્દો છે – ‘ક્યાં રમી આવ્યા રાસ’. વળી યુવાનીયાઓની મસ્તીભરેલી જીંદગીને દર્શાવવા ‘આ દુનિયા મસ્તરામની’ જેવું ડિસ્કો સોન્ગ અજયની એન્ટ્રી પર રાખવામાં આવ્યું છે. ‘તારા તલનું ટપકું દઈ દે, જા નઈ આપું’ જેવું પ્રણય ગીત અને ‘ઓ પરદેશી’ ગીતની તો વાત જ શું કરવી, આજની તારીખે પણ આ ગીતો સાંભળવા ગમે એવા છે.

મહત્વની વાત એ છે કે આ વાર્તા જ્યારે પ્રકાશિત થઈ હતી એ સમયે લેખકને અનેક એવા પ્રતિસાદ મળ્યા હતા જે વાસ્તવિક જીવનમાં ઘટ્યા હતા. જુડવા ભાઈઓ અને એમાંથી એક ખોવાઈ ગયેલા ભાઈનું વર્ષો પછી પાછું ઘરે આવવું અને ફરી પાછા એક છોકરાનું ચાલ્યા જવું જેવી ઘટનાઓની વાત વાર્તાનો હાર્દ હતો. જોકે નવલકથામાં વિજય જે નકસલવાદી બની ચૂક્યો હોય છે, ઘર છોડીને ચાલ્યો જાય છે જ્યારે ફિલ્મમાં વિજયનું મોત થાય છે. આ ઉપરાંત ફિલ્મમાં વિજયના ચાલ્યા જવાનું દુઃખ દર્દ દરેક પાત્રના દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યું છે જ્યારે નવલકથામાં આ દુઃખ માત્ર અંધ રાજાબાબુના દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યું છે. 

ટૂંકમાં જીવનના સંજોગો પાછળ છુપાયેલું ભેદ અને તેમાં માનવસંબંધો કેવી રીતે બદલાઈ જાય છે, તે તમામ ઘટનાઓથી કથા સમૃદ્ધ થાય છે. વાર્તાની લેખનશૈલી સરળ, પ્રવાહી અને સંવાદથી ભરપૂર છે, જે વાચકને અંત સુધી બાંધી રાખે છે. આ નવલકથા એક માત્ર ગુમ થયેલા પુત્રની વાપસીની નહીં, પણ પરિવારમાં થતા આંતરિક સંઘર્ષ, માનસિક તાણ અને ક્ષમાશીલતાની યાત્રાની છે. ફિલ્મના સંગીતકાર મહેશ કનોડિયાને બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ મળ્યો હતો જ્યારે વર્ષ 1980-81 માં આ ફિલ્મ વર્ષની બીજી બેસ્ટ ફિલ્મ બની હતી. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) /  કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં