બોલીવૂડની ઢોલીવૂડમાં એન્ટ્રી

ગુજરાતી દર્શકોને હવે શક્તિમાન ફેમ મુકેશ ખન્ના અને દિપક તિજોરી પણ ગુજરાતી પડદે જોવા મળશે



ફિલ્મ જગતનો એ ઇતિહાસ રહ્યો છે કે કોઈપણ કલાકાર માત્ર પોતાની જ ભાષામાં કામ કરીને બંધાયેલો નથી રહ્યો. દરેક કલાકાર, સંગીતકાર, નિર્દેશક, અલગ અલગ ભાષાની ફિલ્મોમાં કામ કરતા જ હોય છે અને એવામાં ખાસ કરીને કેટલાક કલાકારો તો એવા હોય છે જે પોતાની માતૃભાષા કરતા, અન્ય ભાષાની ફિલ્મોમાં એવા પ્રસિદ્ધ થયા હોય છે કે આપણે ખરેખર એ વ્યક્તિ એ જ ભાષાની, વ્યક્તિ હશે એવું ધારી બેસતા હોઈએ છીએ.

વર્ષો પહેલા ગુજરાતી સિનેજગતની વાત થતી હોય અને અભિનેત્રીનો ઉલ્લેખ આવે તો સ્નેહલતાનું નામ અચૂક યાદ આવે. ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની એક અમીટ છાપ છોડનારી સ્નેહલતા ખરેખર તો મરાઠીભાષી છે, એ વાત આજની પેઢી ભાગ્યેજ જાણે છે. ‘અખંડ સૌભગ્યવતી’ (1963), ‘રમત રમાડે રામ’ (1964), ‘કલાપી’ (1966) થી માંડી આંધળી માનો કાગળ જેવા લોકપ્રિય ગીતોને પોતાના અભિનયથી એક નવી ઓળખ આપનાર પદ્મારાણી અને તેમની બહેન સરિતા જોશી પણ મૂળ મરાઠીભાષી જ છે... અપિતુ તેઓએ મરાઠી કરતા ગુજરાતી ભાષાની ફિલ્મો અને રંગમંચ પર પોતાના જીવવાનો મોટો અને મહત્ત્વનો હિસ્સો આપ્યો છે. 

વળી છેલ્લા કેટલાક સમયથી આજની ગુજરાતી ફિલ્મોમાં અન્ય ભાષાના કલાકારોને લાવવાનું આ ચલણ ફરી પાછું સક્રિય થઈ રહ્યું છે. જોકે આ ચલણથી ફિલ્મ જગતને ફાયદો જ છે. કલાકારને અલગ અલગ ભાષાની ફિલ્મો કરવા મળે છે તો અલગ અલગ રાજ્યની જનતાને તેમનો મનપસંદ કલાકાર તેમની માતૃભાષામાં અભિનય કરતો જોવા મળે છે. મહાનાયક અમિતાભ બચ્ચનને મોટા પડદે જોવાની એક અલગ મજા છે પણ શું તમે ક્યારે વિચાર કરી શકો કે અમિતાભ બચ્ચન ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હોય તો કેવા લાગે? ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ માત્ર એટલું જ કહેવા પૂરતું અમિતાભ બચ્ચનનું યોગદાન નથી. દિગ્દર્શક જય બોડસ પહેલીવાર અમિતાભ બચ્ચનને ‘ફક્ત મહિલાઓ માટે’ (2022) નામની ગુજરાતી ફિલ્મમાં લઈ આવ્યા હતા. આ ફિલ્મમાં બચ્ચન સાહેબનો નાનકડો કેમીયો હતો પણ જ્યારે આ જ ફિલ્મનો બીજો પાર્ટ ‘ફક્ત પુરુષો માટે’ (2024) બન્યો ત્યારે એ ફિલ્મમાં તેમને સારો એવો રોલ આપવામાં આવ્યો હતો. 

હજુ ગયા મહિને જ રિલીઝ થયેલી ફિલ્મ ‘શુભચિંતક’ પણ એવી જ એક ફિલ્મ છે જેમાં મરાઠી સિને જગતનાના નામાંકિત અભિનેતા સ્વપ્નિલ જોશીએ ઢોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. સ્વપ્નિલ જોશીને આપણે સૌએ રામાનંદ સાગરની ‘શ્રીકૃષ્ણ’ (1993) નામની સિરીયલમાં શ્રીકૃષ્ણના રૂપમાં જોયા જ છે અને ત્યારબાદ અનેક ફિલ્મોમાં તેમનો અભિનય આપણે માણ્યો છે. 

આતો થઈ એવી ફિલ્મોની વાત જે રિલીઝ થઈ ચૂકી છે પણ આવનારા દિવસોમાં બે એવી ફિલ્મો ગુજરાતી રૂપેરી પડદે જોવા મળશે જેમાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનારા કલાકારો ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે અને એમાંથી એક કલાકાર તો ગુજરાતી જ છે જેની  જાણ ભાગ્યે જ લોકોને હશે. પહેલી ઓગસ્ટે ‘વિશ્વગુરૂ’ નામી એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. છેલ્લા બે મહિનામાં ગૌરવ પાસવાલાની આ પાંચમી પિક્ચર છે અને આ ફિલ્મમાં 90 ના દશકના સૌથી પહેલા સુપરહીરો તરીકે ઓળખ મેળવનારા ‘શક્તિમાન’ અને ‘ભીષ્મ પિતામહ’ ફેમ મુકેશ ખન્ના એક મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. મુકેશ ખન્નાનું ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ છે અને ‘વિશ્વગુરૂ’ ના પ્રમોશન વખતે એક મુલાકાતમાં તેમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે જો તેમને સારી સ્ક્રીપ્ટ અને સારી વાર્તા મળશે તો તેઓ ચોક્કસ ગુજરાતી ફિલ્મો કરશે. 

આ ઉપરાંત આમિરખાન વાળી ‘જો જીતા વહી સિકંદર’ (1992) ફિલ્મ આપણને ખબર જ છે. આ ફિલ્મમાં દીપક તિજોરીનું પણ એક મહત્વનું પાત્ર આપણને જોવા મળ્યું હતું અને હવે મૂળ ગુજરાતી એવા આ દિપક તિજોરી ગુજરાતી ફિલ્મોની શૂટિંગ શરૂ કરી ચૂક્યા છે જે હાલમાં અમદાવાદમાં ચાલી રહી છે. ફિલ્મનું નામ છે ‘ગેટ સેટ ગો’ જેમાં તેમની સાથે ભૌમિક સંપટ, જીનલ બેલાણી, રોનક કામદાર અને ભવ્ય જોશી જેવા અનેક કલાકારો અભિનય કરતા જોવા મળશે. ટૂંકમાં એટલું જરૂરથી કહી શકાશે કે ભાષાનો મતભેદ રાજકારણમાં ભલે ચાલતો પણ ફિલ્મ જગતમાં કલાકારોને કે ફિલ્મમેકરોને કોઈપણ પ્રકારનું ભાષાનું નળતર અવરોધતું નથી. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં