ગુજરાતી ફિલ્મોનું વેલેન્ટાઇન બદલાઈ રહ્યું છે
‘જીગર અને અમી’થી માંડી ‘21 મુ ટિફીન’ જેવી ફિલ્મોમાં પ્રેમની ભિન્ન ભિન્ન ભાષા જોવા અને માણવા મળી છે
પ્રેમની ભાષા વ્યક્ત કરવાની દરેક સમાજ, દરેક વર્ગની એક અલગ ખાસિયત હોય છે અને સમય જતાં એમાં ફેરફાર પણ જોવા મળે છે. પહેલાની ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ, પ્રણય વ્યક્ત કરવાની એક રીત, અલગ પદ્ધતિનો વપરાશ કરવામાં આવતો હતો અને આજની તારીખમાં, એ જ પ્રેમની વ્યાખ્યા બદલાઈ ચૂકી છે.
વેલેન્ટાઇનને એટલે કે પ્રેમના પર્યાયવાચીને વ્યક્ત કરવા માટે ફિલ્મમેકર્સ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેમની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે, અને એને દર્શકો સામે મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મની વાર્તાની વાત કરીયે તો હીરોઇનને મેળામાં મળતો હીરો, હીરોઇનની નાતનો ન હોવાથી કે તેના ભાઈ-બાપ સાથે બે પેઢી જૂનો કટ્ટર મતભેદ હોવાથી પોતાના પ્રેમને હાંસલ કરવા માટે લડે છે, ખૂન-ખરાબા કરે છે. તો ક્યારેક પોતાના પ્રેમીથી પતિ બનેલા પ્રિયવરના જીવને બચાવવા પ્રેમીકા પોતે જાત-જાતના ઉપવાસ, જાત-જાતના વ્રત કરે છે અને સમાજ તથા પરિવાર સામે બાથ ભીડે છે.
મધુરજની (આ શબ્દ આજની પેઢીએ ભાગ્યે જ સાંભળ્યો હશે – એટલે કે હનીમૂન) ના દ્રશ્યો દર્શાવવા માટે એક લાંબા સમય સુધી લગભગ દરેક ભાષાની ફિલ્મમાં બે ફૂલોનું મીલન અથવા તળાવમાં તરતા બે હંસલા કે ખુલ્લા આકાશમાં ઉડતા બે પ્રેમી પંખીડાઓને મોટા પડદે સ્થાન આપવામાં આવતું. આ સંદર્ભે ફિલ્મ ‘જીગર અને અમી’ યાદ કરવા જેવી છે. આ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મારી પરવશ આંખો તરસે, રૂપ માઝા મૂકીને વરસે’ બંને પ્રેમી પંખીડાઓ પર દર્શાવવામાં આવેલું પ્રણયગીત છે. આ ગીતની ખાસ વાત છે ફિલ્મની સિનેમેટોગ્રાફી. આ ગીતમાં પ્રેમીઓની પ્રેમચાહના તેમના ચહેરાના અને માદક દેખાતી આંખના ક્લોઝઅપ શોટ્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. તેમના સ્ટીલ પોઝ (એક ફ્રેમમાં હલનચલન વિનાના સ્ટેચ્યુ બનેલા પોઝ) પણ સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે. સાદગી સાથે સુંદરતાને કેન્દ્રસ્થાન આપી પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. ટૂંકમાં એમ કહી શકાય કે અંદાજે ત્રણ-સાડા ત્રણ મિનીટના આ ગીતમાં પ્રેમની વાસનાને બદલે ચાહના દર્શાવવામાં ફિલ્મમેકર જરાપણ ઉણાં નથી ઉતર્યા.
બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યોથકી ફિલ્મમેકર્સ મર્યાદામાં રહી પોતાની વાત બિંદાસ રજૂ કરી શકતા અને દર્શકવર્ગ કોઈપણ છોછ વિના પરિવાર સાથે બેસીને પણ આ ફિલ્મ અને દ્રશ્યો જોઈ શકતો અને સમાજ એને સ્વીકારતો પણ. જોકે આજની તારીખમાં આ પ્રેમની વ્યાખ્યા સદતંર બદલાઈ ગઈ છે. આજે ફિલ્મમાં ગાળો અને અશ્લીલ દ્રશ્યો છડેચોક બતાવવામાં આવે છે. સદ્ભાગ્યે આપણી ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારનું દુષણ હજુ સુધી પ્રવેશી શક્યું નથી, એ નોંધનીય છે. તેમ છતાં ‘ત્રિશા ઓન ધ રોક્સ’ અને ‘નાડી દોષ’ જેવી યુવાકેન્દ્રીત ફિલ્મોએ કેટલીક છૂટછાટ લઈને ફિલ્મોનું નિર્માણ કર્યું છે, પણ હદ નથી વટાવી. તેમ છતાં આ ફિલ્મના કેટલાક દ્રશ્યો પર ગુજરાતી પ્રજાના એક વર્ગે વાંધો ઉઠાવ્યો હતો.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment