સપ્ટેમ્બરની ગુજરાતી ફિલ્મો જોવાની મજા આવશે

‘ઉડન છૂ’, ‘ઇન્ટરવ્યુ’, ‘ફ્રેન્ડો’, ‘લોચા લાપસી’ અને ‘સતરંગી રે’ ચાલુ મહિનામાં દરેક પ્રકારના ફ્લેવરનો સ્વાદ ચખાડી દેશે



સપ્ટેમ્બર મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાંની એક ‘ઉડન છૂ’, ગયા અઠવાડિયે રિલીઝ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં અન્ય ચાર ફિલ્મ રિલીઝ થનાર છે. આ ચારમાંથી બે-બે ફિલ્મોની ક્લેશ પણ બે અઠવાડિયામાં થશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ પણ જોઈએ એવી બોક્સ ઓફિસ પર સફળતા મેળવી નથી શકી, જેથી સપ્ટેમ્બર મહિનામાં જે ફિલ્મો રિલીઝ થવાની છે એ કેટલી સફળ રહે છે એ જોવા જેવું રહેશે. 



સૌથી પહેલા અઠવાડિયામાં ‘હાહાકાર’ અને ‘ઉડન છૂ’ વચ્ચે ક્લેશ થવાનો હતો પણ રિલીઝના કેટલાક દિવસ પહેલા જ ‘હાહાકાર’ ના મેકર્સે રિલીઝની તારીખ મોકૂફ કરી દેતા ‘ઉડન છૂ’ ને મોકળું મેદાન મળી ગયું. ‘હાહાકાર’ હવે 18 મી ઑક્ટોબરે થિયેટર્સમાં હાહાકાર કરવા આવશે. ‘ઉડન છૂ’ ની વાત કરીયે તો આ ફિલ્મે રિલીઝ થયાના બે દિવસમાં સારી એવી માઉથ પબ્લિસિટી મેળવી હતી અને બે દિવસમાં અંદાજે 50 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની આ ફિલ્મના મુખ્ય હીરો હીરોઈન દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા છે. બાળકોના લગ્ન સમયે વેવાઈ અને વેવાણના ભાગી જવાની રોચક ઘટનાથી ફિલ્મ શરૂ થાય છે અને ફ્લેશબેકમાં ભજવાય છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી, એડિટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પરિસ્થિતીને ન્યાય આપવામાં સફળ રહ્યા છે. ફિલ્મના દરેકે દરેક પાત્રનું મહત્ત્વ વાર્તાને અનુરૂપ જોવા મળે છે. દેવેન ભોજાણીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. 



આજે જે બે ફિલ્મો વચ્ચે ક્લેશ થયો છે એ છે કિલ્લોલ પરમાર ડિરેક્ટેડ ડ્રામા ફિલ્મ ‘ઇન્ટરવ્યુ’ અને વિપુલ શર્માની કોમેડી ફિલ્મ ‘ફ્રેન્ડો’. સૌથી પહેલા ‘ઇન્ટરવ્યુ’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં નચિકેતના પાત્રમાં પરિક્ષીત તમાલિયા અને તેની અઘરી ગર્લફ્રેન્ડના શિમોલીના પાત્રમાં સોહલી ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. સોહલીએ ‘ઉડન છૂ’ માં પ્રાચી શાહના યુવાવસ્થાનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં કમલબાબુ જોશી, દેવાંગી ભટ્ટ જોશી, અન્નપૂર્ણા શુક્લા, વિપુલ વિઠલાણી, અર્ચન ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. વાસ્તવમાં આ ફિલ્મ એક એવા યુવાનની આસપાસ ફરે છે જે પોતાનો પહેલો ઇન્ટરવ્યુ આપવા જાય છે. મધ્યમવર્ગના આ સામાન્ય યુવાનના પહેલા ઇન્ટરવ્યુ સાથે તેના પરિવારજનો અને અનેક લોકોની આશા, શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલા છે. હોટેલના મેનુ કાર્ડમાં ભાવતાલ જોઈને ઓર્ડર કરનારો આ યુવાન માટીમાં પડેલી આઇસ્ક્રીમ કેન્ડી પણ પાણીથી સાફ કરીને ખાય એવો પાક્કો ગુજરાતી છે. એવામાં એ પોતાની જીંદગીના પહેલા ઇન્ટરવ્યુમાં કેવું પર્ફોર્મ કરશે, તે ઇન્ટરવ્યુ પાસ કરી શકશે કે નહીં, જેવા અનેક સવાલોના જવાબ જાણવા કલ્પના પ્રોડક્શન્સની આ ફિલ્મ જોવા જરૂરી છે. 



સામાપક્ષે ‘ફ્રેન્ડો’ નામની કોમેડી ફિલ્મ પણ આજે રિલીઝ થઈ છે જેના ડિરેક્ટર વિપુલ શર્મા છે. ફિલ્મ ‘ફ્રેન્ડો’ માં તુષાર સાઢુ, ટ્વિન્કલ પટેલ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ, રાગી જાની, પ્રશાંત બારોટ જેવા અનેક ઇન્ફ્લુએન્સર્સ અને કલાકારો જોવા મળશે. ફુલ ધમાલ-મસ્તી સાથે બનેલી આ ફિલ્મ ચાર એવા ફ્રેન્ડોની આજુબાજુ ફરે છે જે એકબીજાને ગમે તે પરિસ્થિતીમાં મદદ કરવા ઉપરાંત પગ ખેંચવામા પણ આગળ પડતી ભૂમિકા ભજવે છે. જોકે ફિલ્મ ‘ફ્રેન્ડો’ નું પ્રમોશન પણ ‘ઇન્ટરવ્યુ’ ને ટક્કર મારે એવા મોટા પાયે થયું છે. તેમ છતાં બંને ફિલ્મના કેન્દ્રબિંદુ, કલાકારો અલગ-અલગ હોવાને લીધે બંને ફિલ્મ સફળ થવાને પાત્ર છે. 


 

20 મી સપ્ટેમ્બરના રોજ મલ્હાર ઠાકર, સ્વર્ગસ્થ વૈભવી ઉપાધ્યાય, ચિરાગ વોરા, ચેતન ધાનાણી, નિલેશ પંડ્યા, ચિરાગ ભટ્ટ, યશ મહેતા, જયરાજ જાડેજા, કાર્તિક દવે, અનંત વેલાણી, બંસી રાજપૂત, ઈલેશ શાહ જેવા અનેક કલાકારો જોવા મળશે. સચીન બ્રહ્મભટ્ટ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ જીગર ચૌહાણ પ્રોડક્શન અને મલ્હાર ઠાકરના પ્રોડક્શન હાઉસ ટિકીટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર ઘણું રોમાંચક છે. એક કારમાં હીરો-હીરોઇન અને ડ્રાઇવરના રૂપમાં વિલન ત્રણેય સાથે ટ્રાવેલ કરે છે. આ ઉપરાંત કારમાં એક પેટી છે જેમાં કોઈકની લાશ છે. હવે એ લાશ કોની છે, હીરો-હીરોઇન આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવશે, ડ્રાઇવર જ શું ખરેખર વિલન છે કે વિલનનો કોઈ ખાસ માણસ છે, આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે ફિલ્મ ‘લોચા લાપસી’ જોવી રહી. જૂન મહિનાના અંતમાં સિડની ખાતે પાંચમો ઇન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આયોજીત કરવામાં આવ્યો હતો જ્યાં ‘લોચા લાપસી’ નું પ્રિમીયર આયોજીત કરવામાં આવ્યું હતું. પ્રતિભાશાળી યુવા કલાકાર વૈભવી ઉપાધ્યાયની આ પહેલી અને છેલ્લી ગુજરાતી ફિલ્મ છે જેનું 2023માં નિધન થયું હતું. ખુદ મલ્હાર ઠાકરે પણ ફિલ્મના ટ્રેલર લૉન્ચ પહેલા વૈભવીને યાદ કરતાં ફિલ્મની કેટલીક ઝલકો સોશિયલ મિડીયામાં વહેતી કરી હતી. 



ફિલ્મ ‘લોચા લાપસી’ સાથે ઇર્શાદ દલાલ લિખીત-દિગ્દર્શીત ફિલ્મ ‘સતરંગી રે’ રિલીઝ થવાની છે, જેમાં રાજ બસિરા, કથા પટેલ, ભાવિની જાની, પ્રશાંત બારોટ, રાગી જાની, મેહુલ બુચ, જીગ્નેશ મોદી, પૂજા સોની અને અન્ય કલાકારો જોવા મળશે. ફિલ્મની વાર્તા 30 વર્ષ પાર કરી ચૂકેલા એક અવિવાહીત યુવાનની છે જેને એક અમીર ઘરની મોર્ડન દીકરી સાથે પ્રેમ થાય છે. દીકરી મોર્ડન હોવા છતાં પોતાના પરિવારની પરંપરા જાળવવા સજાગ છે અને પોતાની લક્ષ્મણ રેખામાં રહેવાની સભાનતા ધરાવે છે. એવામાં આ અમીર-ગરીબના ભેદ શું બંને યુવાનોને એકમેકના જીવનસાથી બનવા દેશે ખરા કે સારપની કોઈ કિંમત તેમણે ચૂકવવી પડશે. આવા અનેક સવાલોના જવાબ લઈને ફિલ્મ ‘સતરંગી રે’ સિનેમાગૃહોમાં 20મી સપ્ટેમ્બરે આવી રહી છે. ટૂંકમાં પાંચ ગુજરાતી ફિલ્મનો પંજો સપ્ટેમ્બરમાં કેવો કારગર સાબિત થાય છે એ જોવા જેવું રહેશે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’