‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

અનેક અફવાઓને રદિયો આપીને રિલીઝ થયેલી આ મલ્ટિસ્ટારર ફિલ્મ થ્રિલર અને સસ્પેન્સનું એક નવું નજરાણું પીરસશે



ગુજરાતી સિનેજગતના શરૂઆતના પાંચ મહિના ‘ડેની જીગર’થી પ્રારંભ થઈ ‘ઝમકુડી’ પર આવીને સમાપ્ત થાય છે. આ પાંચ મહિનામાં ‘ઈટ્ટા-કિટ્ટા’, ‘કસૂંબો’ અને ‘સમંદર’ જેવી અનેક નોંધનીય ફિલ્મો રિલીઝ થઈ જેણે દર્શકોને આકર્ષ્યા પણ હવે આજે ગુજરાતી સિનેજગતની એક એવી ફિલ્મ આજે રિલીઝ થઈ છે જેનું નામ ‘ચૂપ’ છે પણ એ ઘણું બધું કહી જવાની ક્ષમતા ધરાવે છે. 



ફિલ્મ ‘ચૂપ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં હિતેન કુમાર, મોરલી પટેલ, હીના જયકિશન, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હેમિન ત્રિવેદી, વિકી શાહ, મગન લુહાર, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હરીતા શાહ, બાળ કલાકાર વિશાલ ઠક્કર અને અન્ય કલાકારો જોવા મળશે. ઋષિકેશ ઠક્કર લિખીત આ વાર્તા ડી.બી. પિક્ચર્સ અને વિકાસ પટેલ દ્વારા બનાવવામાં આવી છે જેનું ડિરેક્શન નિશીથ બ્રહ્મભટ્ટે કર્યું છે. આ પહેલા ઋષિકેશ ઠક્કર ‘ચારફેરાનું ચકડોળ’ જેવી ફિલ્મ સાથે ‘વિદેશી વહું તને શું કહું’, ‘લગન કર્યા ને લોચા પડ્યા’, ‘પત્ની મારી પરમેશ્વર ને હું પત્નીનો દાસ’ જેવા નાટકો પણ લખી ચૂક્યા છે. 

ફિલ્મ ‘ચૂપ’ ની વાત કરીયે તો આ ફિલ્મનું પહેલું વહેલું પોસ્ટર સપ્ટેમ્બર 2023માં લૉન્ચ કરવામાં આવ્યું હતું જેમાં એક છોકરીના હોઠ પર ચાર ટાંકા મારેલા દેખાય છે. આ પોસ્ટર જાણે એ વાતનું પ્રતીક હતું કે કોઈને ચૂપ કરવા કે કરાવવા માટે હિંસાત્મક પગલા લેવાઈ જાય છે. જોકે આ પોસ્ટરને લીધે ફિલ્મ જોવાની, તેને સમજવાની ઉત્સુકતા લોકોમાં જોવા મળી હતી. ત્યાર બાદ છેક માર્ચ 2024માં આ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું. આ મોશન પોસ્ટરમાં માત્ર એક લાલ આંખ દર્શાવવામાં આવી હતી અને એ આંખની કીકીમાં હિતેન કુમારનો હાથમાં ખંજર લીધેલો પોઝ એ સાબિત કરી આપતો હતો આ ફિલ્મ એક થ્રિલર સસ્પેન્સ ફિલ્મ રહેશે. વળી, બેકગ્રાઉન્ડમાં ‘ચૂપ’ નું ટાઇટલ સોન્ગ હતું, જેના શબ્દો વાર્તાનો મૂળ સાર કહી આપતા હતા. આ મોશન પોસ્ટર પરથી એમ કહી શકાતું હતું કે માણસની શાતિર આંખો એને બધું જ બતાવે છે છતાંય બધું જાણવા છતાં એ ઘણું ખરું છુપાવે છે. 

મોશન પોસ્ટરની વિગતવાર વાત કરવી જરૂરી હતી કારણ કે આ ફિલ્મનું મોશન પોસ્ટર અને ખાસ તો હિતેન કુમારના લૂક અને એક્ટિંગને જોઈને એવી અફવા ઉડી હતી કે આ ફિલ્મ હિન્દી ફિલ્મ ‘શૈતાન’ની સિક્વલ છે. જોકે બાદમાં ફિલ્મમેકર્સે આ બાબતે સ્પષ્ટતા આપી દરેક અફવાને રદિયો આપ્યો હતો. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ‘ચૂપ’ નું ટ્રેલર રિલીઝ કરાયું હતું. ટ્રેલર પરથી એ વાતનો અંદાજો તો આવી ગયો હતો કે આ ફિલ્મમાં સસ્પેન્સ, થ્રિલરની સાથે કોમેડીનો હલકો ફુલકો ડોઝ ઉમેરવામાં આવ્યો છે અને એ ડોઝને પૈસા વસૂલ બનાવવાની મોટાભાગની જવાબદારી હેમાંગ દવે અને હેમિન ત્રિવેદીને સોંપવામાં આવી છે. વળી, હીના જયકિશન અને આકાશ પંડ્યાની જોડી પહેલીવાર આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. 





શહેરમાં એકલી રહેતી યુવતીઓની ગાયબ થવાની ઘટનાના સમાચારથી જ ટ્રેલરની શરૂઆત થાય છે અને એવામાં એક છોકરી પોતાના પાડોશમાં રહેતા આધેડ ઉમરના એક માણસને અન્ય એક છોકરી સાથે રાસલીલા કરી તેનું મર્ડર કરતા જોઈ જાય છે અને આ ઘટનાની જાણ તે પોતાના ફ્રેન્ડ્સ અને પોલીસને કરે છે. જોકે પછીથી એ જ છોકરીનું જીવન જોખમમાં મૂકાઈ જાય છે. એ આધેડ ઉમરની વ્યક્તિ અને મર્ડર જોઈ જનારી છોકરી અને તેના ફ્રેન્ડ્સ સાથે કેવા કેવા દાવ રમાય છે, હકીકત શું છે અને શું દેખાય છે, એવા અનેક પાસાઓને ફિલ્મમાં સારી રીતે આવરી લેવાયા છે. ફિલ્મનું સંગીત અને સિનેમેટોગ્રાફી એક સારો અનુભવ આપવામાં પાયાનું કામ કરે છે. ‘ચૂપ’ ની પડદા પાછળની વાત કરીયે તો ફિલ્મનું મોટાભાગનું શૂટ અમદાવાદ ખાતે થયું છે. સામાન્યપણે એક ગુજરાતી ફિલ્મનું શૂટ અંદાજે 20-25 દિવસમાં પતી જતું હોય છે એમ આ ફિલ્મનું શૂટ પણ અંદાજે મહિનામાં આટોપી લેવાયું હતું. 



 

ફિલ્મના સિનીયર અદાકારા મોરલી પટેલે ફિલ્મ ‘ચૂપ’ અંગે ‘ઢોલીવૂડ ટોકિઝ’ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે ‘ફિલ્મ ‘ચૂપ’ નો ઉદ્દેશ દરેક પ્રકારની ઓડિયન્સને એક તાંતણે બાંધવાનો છે. દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, પણ એ ઘટનાઓમાં જે-તે વ્યક્તિએ ચૂપ ન રહેતા પોતાની વાત સામે ચાલીને મૂકવી જોઈએ. ટૂંકમાં ફિલ્મનો ઉદ્દેશ કોઈને ચૂપ રહેવા માટે પ્રેરિત કરવાનો નથી પણ વિવિધ પ્રકારની ચૂપકીદીને તોડવાનો છે. પતિ-પત્નીના ઝઘડામાં, સંતાનોના માતા-પિતા સાથેના મતભેદમાં, એક કર્મચારીના તેના બોસ સાથેની ચર્ચામાં ચૂપકીદી તોડી પોતાની વાત, પોતાનો મત અને પોતાનો દ્રષ્ટિકોણ મૂકવાની વાત છે.’

આપણે સૌ જાણીયે છીએ કે દ્રોપદીના ચીરહરણ વખતે સભામાં હાજર વરિષ્ઠ સ્વજનો ભીષ્મ, ધ્રુતરાષ્ટ્ર વગેરે સૌ કોઈ ચૂપ રહ્યા હતા પણ જ્યારે એ ચૂપકીદી તૂટી ત્યારે મહાભારત જેવો મહાસંહાર થયો હતો. ફિલ્મ ‘ચૂપ’ પણ એ જ વાતને આજના નવાવાઘા પહેરાવીને રજૂ કરે છે કે વધારે મોડુ થઈ જાય એ પહેલા ચૂપકીદી તોડો અને પોતાની વાત કહી દો. અનેક ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ અમદાવાદ, ભાવનગર, રાજકોટ, બરોડા, સુરત જેવા અનેક શહેરોમાં પ્રેમોશન કરી આવી છે. જોકે આજે સિનેમાગૃહોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચૂપ’ માટે દર્શકો પોતાની ચૂપકીદી તોડીને કેટલી વધાવે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) અને કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત