કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

માનસી પારેખની 20204ની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મથી સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને એ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે



આવનારા દિવસોમાં ગુજરાતી સિનેમામાં કેટલીક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. આ ધમાકેદાર ફિલ્મોની લિસ્ટમાંની એક ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે ‘ઝમકુડી’. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની માલિકીના સોલ સૂત્ર સ્ટુડિયોઝે ધવલ ઠક્કર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે. 



‘ઝમકુડી’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં માનસી પારેખ સાથે લીડ રોલમાં સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ અભિનય કર્યો છે, જોકે વિરાજની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. માનસી અને વિરાજની સાથે ફિલ્મમાં કોમેડીનો ફ્લેવર ઉમેરવા માટે સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગલસાર સહિત ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરની આ છેલ્લી ફિલ્મ છે. આ પહેલા તે ‘વિકીડાનો વરઘોડો’ જેવી ફિલ્મો અને અનેક નાટકોમાં અભિનય કરતાં જોવા મળ્યો હતો. ફિલ્મના રાઇટર હેત ભટ્ટ છે જ્યારે ગીતોની રચના નિરેન ભટ્ટ અને પ્રિયા સરૈયાએ કરી છે.

ફિલ્મ ‘ઝમકુડી’ ની જાહેરાત નવેમ્બર 2023માં કરવામાં આવી હતી અને ડિસેમ્બર એન્ડ સુધીમાં તો ફિલ્મનું શૂટ પણ આટોપી લેવામાં આવ્યું હતું. ગુજરાતના ગોંડલ પેલેસ સહિત અનેક આસપાસના વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. મૂળ વાર્તાની વાત કરીયે તો જ્યારે આખું ગુજરાત નવરાત્રીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાણીવાડા ગામમાં એક લાંબા સમયથી આ ઉજવણી થઈ શકતી નહોતી. અંધકારમાં વસતા આ ગામ પર ઝમકુડી નામની એક ડાકણનો શ્રાપ હોવાને લીધે ગરબા ઉજવવાની મનાઈ છે. પરંતુ સમય જતા આ નિયમ તૂટે છે અને ગામમાં ભૂતિયા ખેલ શરૂ થાય છે. બાબલો એટલે કે વિરાજ ઘેલાણી એક રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરે છે અને શહેરથી પાછો ગામમાં આવ્યો છે અને કુમુદ એટલે કે માનસી પારેખના પ્રેમમાં પડે છે. આ સાથે બાબ્લા પર ગામને ઝમકુડીના પ્રકોપથી બચાવવાની જવાબદારી આવી પડે છે કારણ કે તેને લીધે આ ભૂતિયા ખેલ શરૂ થયા હોય છે. એવામાં તેને સાથ આપતા ઘેલચંદ્ર તરીકે ઓજસ રાવલ, બાબુ કાકા તરીકે સંજય ગોરડિયા અને અન્ય સાથીમિત્રો અભિનય કરતા જોવા મળે છે અને કોમેડીનો નિર્દોષ ફ્લેવર ઉમેરી ફિલ્મને વધારે હળવી બનાવે છે. 



 

એક ફિલ્મ મેકરને કોઈપણ ફિલ્મ બનાવતા પહેલા એક વાર્તાનો આઇડિયા આવવો ઘણો જરૂરી હોય છે. એ આઇડિયાને અનુરૂપ સવાલો થવા, સવાલોના જવાબ મળવા અને પછી એની સમીક્ષા કરવી આ બધું કામકાજ ફિલ્મ મેકિંગની જ પ્રક્રિયામાં આવે છે. ફિલ્મ ‘ઝમકુડી’ ને લઈને પણ આવા અનેક સવાલો ફિલ્મ મેકર્સને થયા અને એ સવાલોના જવાબ મળવાની સાથે તેમણે પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ ફિલ્મ દ્વારા લોકોની સામે મૂક્યો છે. 

એક મુલાકાતમાં માનસી અને વિરાજે આ ફિલ્મનો વિચાર કઈ રીતે આવ્યો એની વાત પણ વિસ્તારથી કરી હતી. વાસ્તવમાં ઝમકુડી લોકગીત, લોક સાહિત્યમાં ઘણુ વખણાયેલું પાત્ર છે અને તેને લઈને અનેક લોકવાયકાઓ પણ છે. ફિલ્મ મેકર્સે અહીં એક પ્રયાસ કર્યો છે કે ઝમકુડીનું પાત્ર કદાચ એવું પણ હોઈ શકે જેવું તેઓ દર્શાવવા માંગે છે. શક્ય છે કે ઝમકુડીનું પાત્ર એવું ન પણ હોય, તેમ છતાં તેઓ માત્ર એક પાત્રને લઈને પોતાનો મત, પોતાનો દ્રષ્ટિકોણ દર્શકો સામે ક્રિએટિવી સાથે મૂકવા માંગે છે. ફેમસ લોક ગીત ‘એક રાજાની સો સો રાણી, ઝમકુડી રે ઝમકુડી...’ પરથી જ આ ફિલ્મનો બેઝ તૈયાર કરવામાં આવ્યો છે. ફિલ્મની તમામ માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ આ ગીતની આસપાસ જ તૈયાર કરવામાં આવી હતી જેમાં સામાન્ય જનતાનો ફિલ્મ રિલીઝ પહેલા ઘણો સારો એવો સપોર્ટ મળ્યો હતો. 



માત્ર ‘ઝમકુડી’ નું ટાઇટલ સોન્ગ નહીં પણ કુમુદ અને બાબલાની જોડીની વાત કરતું રોમેન્ટિક ગીત ‘વાત છે’ પણ રિલીઝના એકાદ અઠવાડિયા પહેલા રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. વળી એક લાંબા ગાળા બાદ ટિપ્સ ગુજરાતી થકી આ ફિલ્મના ગીતો રિલીઝ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સોલ સૂત્ર સ્ટુડિયોઝ  આ પહેલા ‘કચ્છ એક્સપ્રેસ’ અને ‘ગોળકેરી’ જેવી સુપરહિટ ફિલ્મ ગુજરાતી સિનેમા જગતને આપી ચૂકી છે, જેને લીધે આ ફિલ્મોની સફળતા બાદ હવે ‘ઝમકુડી’ ને પણ મોટા પાયે સફળતા મળવાની સંભાવના જોવાઈ રહી છે. 


ઉલ્લેખનીય છે કે માનસી પારેખની 2024ની રિલીઝ થયેલ આ બીજી ફિલ્મ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં તેની પેરેન્ટહુડ પર ‘ઈટ્ટા-કિટ્ટા’ નામની ફિલ્મ આવી હતી જેણે અનેકોના દિલ જીત્યા હતા અને એ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ઉપરાંત જો ફિલ્મના જોનરની વાત કરીયે તો ગુજરાતી સિનેમા જગતમાં અત્યાર સુધી હોરર કોમેડી ફિલ્મો ઘણી ઓછી બની છે એવામાં ‘ઝમકુડી’ માટે કંઈક નવું કરી બતાવવાના દરવાજા વધારે મોકળા થઈ જાય છે. છેલ્લાં કદાચ વર્ષમાં આપણે ‘બાગડબિલ્લા’ અને ‘વેલકમ પૂર્ણિમા’ જેવી બે હોરર કોમેડી ફિલ્મો માણી છે પણ એ સિવાય આ દિશામાં, આ જોનરને લઈને વધારે કામ નથી થયું. જોકે ‘બાગડબિલ્લા’ અને ‘વેલકમ પૂર્ણિમા’ પણ બોક્સ ઓફિસ પર ઠીકઠાક કામ કરી શકી હતી પણ હવે આજે થિયેટર્સમાં રિલીઝ થયેલી ‘ઝમકુડી’ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા સમયમાં ખબર પડશે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) અને કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત