વર્ષના પાંચમા મહિને લાગશે પાંચ ફિલ્મોનો પંચ

પાંચ અલગ અલગ વિષય સાથે આવનારી ફિલ્મો દર્શકોને કેટલી આકર્ષે છે એ તો જોવા જેવું રહેશે, પણ એન્ટરટેઇમેન્ટ પૈસા વસૂલ રહેશે એની પૂરેપૂરી ગેરન્ટી 



ગુજરાતી સિને જગતના ઈતિહાસની કેટલીક રોચક વાતોમાંથી વિરામ લઈને આવતા મહિને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મો પર નજર કરીયે, તો મે મહિનામાં એક નહીં પણ પાંચ-પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એપ્રિલ માસમાં ખાસ ગુજરાતી ફિલ્મો રિલીઝ નહોતી થઈ અને હવે વર્ષના પાંચમાં મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મોનો પંચ જોવા મળવાનો છે. 




આ પાંચ ગુજરાતી ફિલ્મોમાં બે ફિલ્મો વચ્ચે ક્લેશ થઈ રહી છે અને એ પણ ત્રીજા અઠવાડિયામાં. સૌથી પહેલા વાત કરીયે તો મે મહિનાની શરૂઆત ધમાકેદાર રહી શકે છે. એકબાજુ સ્કૂલમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યું હશે ત્યાં મે મહિનાના પહેલા અઠવાડિયામાં યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકની જોડી ચાઇલ્ડ ટ્રાફિકીંગ જેવા મહત્ત્વના મુદ્દા સાથે રૂપેરી પડદે એન્ટ્રી લઈ રહી છે. ફિલ્મનું નામ છે ‘જગત’. સત્યઘટના પર આધારિત ફિલ્મ ‘જગત’માં યશ સોની સાથે ‘રાડો’ અને ‘હેલ્લારો’ જેવી સુપરહિટ ફિલ્મ્સ કરી ચૂકેલી રિદ્ધી યાદવ અને ચેતન દૈયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. જોકે પ્રશાંત બારોટ, મગન લુહાર જેવા અન્ય કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. 



ફિલ્મ ‘જગત’નું ટ્રેલર નવમી એપ્રિલે જ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું, જેને ઘણી સારી પ્રતિક્રિયા મળી હતી. આ ફિલ્મ એક એવી ઘટના પર આધારિત છે જેમાં એક 12 વર્ષનો છોકરો સ્કૂલે જવા ઘરેથી નીકળે તો છે પણ સ્કૂલે પહોંચતો નથી અને અચાનક ગાયબ થઈ જાય છે. આ બાળકનું કોઈએ અપહરણ કર્યું છે, કોઈએ એનો જીવ લઈ લીધો છે, કે એ બાળક હેમખેમ ઘરે પાછું ફરશે એ તો જોવા જેવું રહેશે. યશ સોનીને આપણે સૌ વર્ષની શરૂઆતમાં પોલીસ ઓફિસરના રૂપમાં ફિલ્મ ‘ડેની જીગર’માં જોઈ ચૂક્યા છે, જે બોક્સ ઓફિસ પર સારી એવી નિષ્ફળ રહી હતી અને ફિલ્મ મેકર્સે રાજી ખુશીથી એ વાતનો સ્વીકાર પણ કર્યો હતો. હવે ફરીથી એકવાર યશ સોની પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાનો છે જેમાં તેની ખરી સિંઘમગિરી જોવા મળી શકે છે. વાસત્વિક ઘટના પર બનેલી આ ફિલ્મ દર્શકોને કેટલી આકર્ષે છે એ તો ગણતરીના દિવસોમાં ખબર પડશે. 

ફિલ્મ ‘જગત’ બાદ દસમી મેએ આવી રહી છે ફિલ્મ ‘એસ2જી2’. મલ્ટિસ્ટારર આ ફિલ્મમાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મરડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ સહિત અન્ય કલાકારો જોવા મળશે. આ લેખ તૈયાર થાય છે ત્યાર સુધીમાં ‘એસ2જી2’નું માત્ર પોસ્ટર જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જોકે ટીઝર-ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મના પોસ્ટર પરથી એટલું તો ખબર પડી રહી છે આ ફિલ્મ એક રોમેન્ટિક મિશન પર આધારિત છે અને મલ્ટિસ્ટારર હોવાને લીધે થોડીઘણી કોમેડી અને એક્શન પણ જોવા મળી શકે છે. 



અગાઉ જણાવ્યા અનુસાર મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં બે ફિલ્મો વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે. આ બે ફિલ્મ છે ‘અજબ રાતની ગજબ વાત’ અને ‘સમંદર’. નોંધનીય છે કે આ બંને ફિલ્મો એકબીજાથી સાવ અલગ પ્રકારની ફિલ્મો છે. ‘અજબ રાતની ગજબ વાત’ની પહેલા વાત કરીયે તો પર્વ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે આ ફિલ્મમાં ભવ્ય ગાંધી અને આરોહી પટેલની જોડી પહેલીવાર લીડ રોલમાં એકસાથે કામ કરતી જોવા મળશે. આ બંને કલાકારો ઉપરાંત ફિલ્મમાં દીપ વૈદ્ય, રાધિકા બારોટ, હર્ષ ઠક્કર, કિલ્લોલ પરમાર જેવા કલાકારો પણ જોવા મળશે. લેખક તરીકે ઓળખ ધરવાતા પ્રેમ ગઢવીએ પહેલીવાર આ ફિલ્મ થકી ડિરેક્ટરની કમાન સંભાળી છે. ફિલ્મની જાહેરાત ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ કરવામાં આવી હતી અને ફિલ્મ મેકર્સ સતત ફિલ્મનું કામકાજ કેવું ચાલી રહ્યું છે એની અપડેટ્સ સોશ્યિલ મિડીયા પર આપતા હતા. સાવ અનોખું ટાઇટલ ધરાવતી આ ફિલ્મ લોકોને કેટલી ગમે છે એ તો આવનારા સમયમાં ખબર પડશે કેમ કે ‘અજબ રાતની ગજબ વાત’ સાથે ‘સમંદર’ જેવી બોલ્ડ, બિંદાસ અને ગુજરાતી સિને જગતને એક નવો દ્રષ્ટિકોણ આપતી ફિલ્મ રિલીઝ થવાની છે. 



વિશાલ વાડા વાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘સમંદર’ બે વાર પોતાની રિલીઝ ડેટ બદલી ચૂકી છે અને હવે તે 17 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મયૂર ચૌહાણ અને જગજીતસિંહ સોનેજી, ઉદય અને સલમાનના પાત્રમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. જ્યારે તેમના ઉપરાંત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, ચેતન ધાનાણી, કલ્પના ગાગડેકર, રિવા રાચ્છ, મયૂર સોનેજી, નિલેશ પરમાર અને અન્ય કલાકારો જોવા મળશે. ફિલ્મ ‘સમંદર’નું ટ્રેલર જોઈને હિન્દી ફિલ્મ ‘વન્સ અપોન ટાઇમ ઇન મુંબઈ’ જેવી ફિલીંગ આવી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં ‘સમંદર’ને પોતાના બાપનો કહી તેના પર રાજ કરતાં બે ગેંગસ્ટર ઉદય અને સલમાનની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ માટે ડ્રોનનો પણ મહદ અંશે ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી, ફિલ્મના ગ્રાફિક્સથી લઈને તેનું સંગીત અને ડિરેક્શન સાવ અનોખું દેખાઈ આવે છે જે ઢોલીવૂડ માટે ઘણી સારી વાત કહેવાય. તેમ છતાં આ ફિલ્મ દર્શકોને કેટલી ગમે છે એ આવનારા સમયમાં ખબર પડશે. 



મે મહિનાની શરૂઆતની જેમ મે મહિનાના અંતમાં પણ નામાંકિત એક્ટર્સની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. માનસી પારેખ અને સોશ્યિલ મિડીયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીની જોડી હોરર કોમેડી ફિલ્મ ‘ઝમકૂડી’ આ મહિનાના અંતમાં રિલીઝ થવાની છે જેની જાહેરાત ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. ‘ઝમકૂડી’ના અન્ય કલાકારોમાં ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગોરડિયા, ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી જેવા ખ્યાતનામ એક્ટર્સ જોવા મળશે. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલ દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે. ટૂંકમાં જોવા જઈએ તો મે મહિનામાં વિવિધતાસભર ફિલ્મો જોવા મળવાની છે અને આ તમામ ફિલ્મો દર્શકોનું એન્ટરટેઇમેન્ટ કરવામાં કેટલી સફળ રહે છે એ આવનારા સમયમાં ખબર પડશે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત