આ મહિને સામાજીક મુદ્દાઓને લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મો


જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટેન્શન ફ્રી એન્ટરટેઇમેન્ટ માણ્યા બાદ હવે માર્ચ મહિનામાં સામાજીક મુદ્દાઓને વ્યક્ત કરતી ફિલ્મો આવી રહી છે


ગુજરાતી સિનેમા જગત માટે વર્ષ 2024ના શરૂઆતના બે મહિના સારા રહ્યા એમ કહી શકાય. આ બે મહિનામાં કુલ 10 ફિલ્મ રિલીઝ થઈ જેમાંથી સાત ફિલ્મ અર્બન કોન્ટેન્ટવાળી રહી અને ત્રણ ફિલ્મ રૂરલ કોન્ટેન્ટવાળી. હવે આજથી શરૂ થઈ રહેલા માર્ચ મહિનામાં કુલ ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે.



આગળ વધતા પહેલા છેલ્લા બે મહિના પર નજર કરીયે તો જાન્યુઆરીમાં આવેલી યશ સોની અને તર્જની ભાડલાની ડેની જીગર ધાર્યા પ્રમાણે ઓડિયન્સને આકર્ષી ન શકી અને ફ્લોપ રહી, જેનો લાભ રોનક કામદાર અને માનસી પારેખની ફિલ્મ ‘ઇટ્ટા-કિટ્ટા’ને મળ્યો. આ ફિલ્મે સફળતાના દરેક સોપાન સર કર્યા અને દર્શકોના મનમાં પણ સ્થાન મેળવ્યું. ‘ઇટ્ટા-કિટ્ટા’ સાથે ‘મારા પપ્પા સુપરહીરો’ની ક્લેશ થઈ હતી જેમાં શ્રદ્ધા ડાંગર અને અભિનય બેન્કરે અભિનય કર્યો હતો. એક સારા વિષય સાથે આવેલી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ ‘ઇટ્ટા-કિટ્ટા’ જેટલી સફળતા નહોતી મેળવી શકી પણ ઇન્ટરનૅશનલ લેવલે ઘણી નામના મેળવી ચૂકી હતી.

ફેબ્રુઆરીમાં ‘કમઠાણ’, ‘લગન સ્પેશિયલ’, ‘કસૂંબો’ અને ‘નાસૂર’એ ગુજરાતી સિને જગતમાં મનભરીને વાહવાહી મેળવી. ‘કમઠાણ’ અને ‘કસૂંબો’ એક ચોક્કસ વર્ગ માટે ખાસ બની રહી જ્યારે એની સરખામણીમાં ‘લગન સ્પેશિયલ’ આગળ નીકળી ગઈ એમ કહી શકાય, કારણ આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી જોવા મળી હતી, જે આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ બની રહી. ‘નાસૂર’ ફિલ્મનો વિષય સારો હોવા છતાં તેની ધીમી સ્ટોરી ટેલિંગને કારણે દર્શકોને ખાસ મજા નહોતી આવી. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં આવેલી આ તમામ ફિલ્મોમાં મોટી તથા નામાંકિત સ્ટારકાસ્ટ જોવા મળી હતી.

હવે માર્ચ મહિનાની વાત કરીયે તો આજે સિનેમા ઘરોમાં ‘વેનિલા આઇસક્રીમ’ નામની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર સાથે યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી તથા સતીશ ભટ્ટ જોવા મળશે. આ ફેમિલી ફિલ્મમાં એક સામાન્ય પરિવારની વાત કરવામાં આવી છે જે આપણામાંનું જ એક છે. એક યુવાન દીકરો જે પોતાની આપમેળે કશુંક કરવા માંગે છે એ સમાજની ચિંતા કર્યા વિના આગળ વધતો રહે છે. ઘરમાં દરેકના પોતાના અલગ વિચાર છે. મમ્મીનો દ્રષ્ટિકોણ અને પત્નીનો દ્રષ્ટિકોણ અલગ છે. દરેકને જાણે પોતાની સ્પેસ જોઈએ છે અને એનું કારણ ક્યાંક જનરેશન ગેપને આપી શકાય, અથવા તો બદલાતી વિચારધારાને. મૃગજળસમી સફળતાને મેળવવા માટે માણસ કેટલી હદે ભાગી શકે છે, કોને પાછળ મૂકી શકે છે, કેવા અઘરા નિર્ણય લઈ શકે છે એવા અનેક પ્રશ્નોનો જવાબ ફિલ્મ ‘વેનિલા આઇસક્રીમ’માં મળી રહેશે. આ ફિલ્મથકી પહેલીવાર મલ્હાર અને યુક્તિની જોડી મોટા પડદા પર દર્શકોને જોવા મળશે. જ્યારે વંદના પાઠક અને મલ્હાર ઠાકર ‘ગોળકેરી’, ‘સ્વાગતમ’ અને ‘ગુલામ ચોર’ બાદ ચોથી વખત એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મ ‘વેનિલા આઇસક્રીમ’ને સમજવી હોય તો તેના માટે આ ફિલ્મની લાઇન જ પૂરતી છે કે જીવન જીવવું એ અગત્યનું છે, બાકી બીજું તો બધું આજે છે ને કાલે નથી..!!!’ 



આ ફેમિલી ડ્રામા બાદ આઠમી માર્ચે એટલે કે મહિલા દિને આવી રહી છે ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’. આ ફિલ્મ એક અનાથ છોકરીની જીવની પર આધારિત છે જે નાનપણથી કલેક્ટર બનવાનું સપનું જુએ છે અને તે પોતે જે ‘ઝૂંપડપટ્ટી’માં ઉછરીને મોટી થાય છે એના હક માટે કામ કરે છે. ભાવિની ગાંધી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે દિશીતા ભટ્ટ, ભાવિની ગાંધીનો બાળપણનો રોલ કરતી જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં ભાવિની જાની, હેમાંગ દવે, આકાશ ઝાલા સહિતના અનેક કલાકારો જોવા મળશે. મહિલા દિને આવતી આ ફિલ્મ એક મહિલાના સ્વાવલંબન અને સફળતાની વાર્તા છે. વળી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’ ની ચર્ચા ખાસ એ માટે પણ કરવી પડે કેમ કે આ જ દિવસે સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક ‘શૈતાન’ પણ સિનેમાગૃહોમાં આવી રહી છે. રસપ્રદ વાત એ કે ‘ઝૂંપડપટ્ટી’ના ડિરેક્ટર, લેખક પાર્થ ભટ્ટની ડિરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે અને તેમની આ પહેલી જ ફિલ્મ, તેમના ગોડફાધર એવા પેનોરમા સ્ટુડિયોના કુમાર મંગતની ફિલ્મ ‘શૈતાન’ સાથે ક્લેશ થઈ રહી છે. એવામાં ગુજરાતી ઓડિયન્સ ‘ઝૂંપડપટ્ટી’ને વધારે પ્રાધાન્ય આપે છે કે ‘શૈતાન’ને એ જોવા જેવું રહેશે.

વુમેન્સ એજ્યુકેશન બાદ માર્ચના ત્રીજા અઠવાડિયામાં પણ સામાજીક મુદ્દા પર આધારિત એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ‘31st. આ ફિલ્મની ખાસ વાત તેનું પોસ્ટર છે. ફિલ્મના નામ અને પોસ્ટર પરથી જ વાર્તાનો અંદાજ આવી જાય છે કે ‘31st’ની રાત્રે કોઈ છોકરી સાથે થયેલી ગેરવર્તણૂકના વિષય પર આ ફિલ્મ આધારિત છે. 25મી ફેબ્રુઆરી રવિવારે સાંજે આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટિઝર પરથી ખબર પડે છે આ ફિલ્મની વાર્તા એક બળાત્કાર પિડીતાની છે. પ્રણવ પટેલ લિખીત અને દિગ્દર્શીત આ ફિલ્મમાં પ્રાચી ઠક્કર, પરિક્ષીત તમાલિયા, શ્રદ્ધા ડાંગર, હિતુ કનોડિયા, પ્રશાંત બારોટ, ચેતન દૈયા, વિપુલ વિઠલાણી સહિત અનેક કલાકારો જોવા મળશે. જોકે બળાત્કારનો વિષય ફિલ્મ બનાવવા માટે ઘણો કોમન કહી શકાય પણ ગુજરાતી સિને જગતમાં આવો પ્રયોગ છાશવારે નથી થતો. માટે ફિલ્મના ડિરેક્ટર આ ફિલ્મ મારફત શું સંદેશો આપવા માંગે છે એ જાણવું પણ રોચક રહેશે.



આ ઉપરાંત માર્ચના અંતિમ અઠવાડિયે આવશે ફિલ્મ ‘S2G2’. ના આ કોઈ કોડવર્ડ નથી પણ ફિલ્મનું જ નામ છે. ફિલ્મ ‘S2G2’ એક એક્શન, ગ્લેમર અને મસ્તી કરાવતી ફિલ્મ છે જેમાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મરડિયા અને પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ સહિત કેટલાય કલાકારો જોવા મળશે. જોકે આ લેખ લખાય છે ત્યાં સુધી આ ફિલ્મનું કોઈ ટીઝર અથવા ટ્રેલર રિલીઝ કરાયું નથી, જેથી કરીને આ ફિલ્મની વધારે માહિતી હાલ પૂરતી ઉપલબ્ધ નથી. પણ હા, એટલું ચોક્કસ છે કે ફેબ્રુઆરીમાં ટેન્શન ફ્રી થઈને એન્ટરટેઇમેન્ટ માણ્યા બાદ માર્ચ મહિનામાં કેટલીક મોટિવેશનલ અને સામાજીક મુદ્દા પર આધારિત એવી ફિલ્મો સિનેમાગૃહોમાં નજર આવશે. આ ફિલ્મોને પ્રેક્ષક કેટલી વધાવે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.




-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત