ટેક્નોલોજીના આધારે નક્કી થતા સ્પેશિયલ લગન એટલે ‘લગન સ્પેશિયલ’

પ્રોડ્યુસર તરીકે મલ્હાર ઠાકરની આ પહેલી ફિલ્મમાં લગનવાળા ઘરમાં થતી માથાકૂટ, રાજીપો, ઉત્સાહ, થાક અને દરેક પ્રકારની લાગણીઓ માણવા મળશે



લગનની સિઝન ચાલી રહી હોય અને એવામાં એક એવી ફિલ્મ આવે જેમાં લગનની જ વાત હોય તો એ ફિલ્મને ઓડિયન્સ વધાવી જ લેવાની. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ગુજરાતી ઓડિયન્સની મનપસંદ ઢોલીવુડ જોડીમાંની એક છે અને આ જોડીની ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ આજે નવમી ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવી ચૂકી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી સાથે ફિલ્મ લગન સ્પેશિયલમાં મિત્ર ગઢવી, રાગી જાની, કલ્પના ગાગડેકર, અર્ચન ત્રિવેદી, વૈભવી ભટ્ટ, ફિરોઝ ઈરાની, રૂપા મહેતા, નિજલ મોદી, રાહુલ રાવલ, ઉજ્જવલ દવે જેવા ખ્યાતનામ કલાકો જોવા મળશે.


ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ની વાત કરીયે તો આ ફિલ્મની વાર્તા લગનની તૈયારીઓથી શરૂ થાય છે જેમાં પોતે ઘણી છોકરીઓને રિજેક્ટ કર્યા બાદ અને ઘણી છોકરીઓથી રિજેક્ટ થયા બાદ ફાઇનલી શેખર મહેતા (મલ્હાર)ના લગન સુમન પરીખ (પૂજા) સાથે નક્કી થાય છે. પોતાના લગન માટે શેખર ઘણો ઉત્સુક છે અને દુનિયાને પોતાની આ સફળતા બતાવવા બેફામ ખર્ચા કરવા પણ તૈયાર છે. જ્યારે સુમન શેખરના આ ફાલતુ ખર્ચાઓને કંટ્રોલમાં રાખવા વારંવાર કહેતી હોય છે.

બંને પરિવારના સગા-સંબંધીઓ ધીમે ધીમે પ્રસંગમાં આવવાના શરૂ થાય છે અને એવામાં એક બંદૂકધારી માણસ લગન પ્રસંગમાં આવે છે જે શેખરનો જ ભાઈબંધ છે. મિત્ર ગઢવી દ્વારા ભજવવામાં આવેલું આ પાત્ર આખી ફિલ્મનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય છે, કારણ કે મિત્ર દ્વારા જ એવી પરિસ્થિતીઓ નિર્માણ થાય છે, જેના લીધે ફિલ્મની સ્ટોરી આગળ વધે છે અને રોમાંચક બને છે. મિત્રએ કાંડે પહેરી શકાય એવું ઘડિયાળ જેવું એક ડિવાઇસ (લાઇ ડિટેક્ટર) બનાવ્યું છે. તમે મનથી કહેલી કોઈપણ વાત સાચી છે કે ખોટી એ આ ડિવાઇસ પકડી પાડે છે. આવું પહેલું ડિવાઇસ શેખરને જ આપવામાં આવે છે, જેને પહેરીને તે સુમનને પ્રેમના એ ત્રણ મેજિકલ વર્ડ્સ આઇ લવ યુ કહે છે, પણ પેલું ડિવાઇસ શેખરની આ વાતને ખોટી પૂરવાર કરે છે અને પછી સર્જાય છે ગોટાળો.


સુમન એ ડિવાઇસ પર ભરોસો કરીને શેખરથી નારાજ થઈ જાય છે અને માની બેસે છે કે શેખર ખરેખર તેને પ્રેમ નથી કરતો. આ વાતથી દુઃખી થઈ તે વૉશરૂમમાં એકલી રડી રહી હોય છે પણ ત્યાં પહેલાથી મસ્તીખોર મિત્ર હાજર હોય છે અને છેવટે તે સુમનને સાંત્વના આપી શાંત કરવાનો પ્રયત્ન કરે છે જે બદનસીબે શેખરની મમ્મી જોઈ જાય છે અને માની બેસે છે કે સુમનનું શેખરના દોસ્ત સાથે લફરુ છે. ટૂંકમાં અહીં પણ મિત્રનું પાત્ર સમસ્યા સર્જનારું બને છે. એકબાજુ સુમનનું લફરું ચર્ચાનો વિષય બની આગળ આવે છે તો બીજીબાજુ પેલા ડિવાઇસને લીધે સર્જાયેલો શેખરના પ્રેમનો ખોટો એકરાર તેના પરિવાર માટે માથાનો દુખાવ બને છે. એવામાં બંને પરિવાર લગનના દિવસે નક્કી કરવા બેસે છે કે આ લગન કરવા કે ન કરવા?

સામાન્ય પરિસ્થિતીમાં જ્યારે અસામાન્ય ઘટના બને ત્યારે જે-તે પ્રસંગ માણવાની વધારે મજા આવે અને તે યાદગાર પણ રહે. ફિલ્મ ‘લગન સ્પેશિયલ’માં માત્ર મલ્હાર, પૂજા અને મિત્રની મસ્તી જ નહીં પણ અનેક એવા નાના-નાના પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જે આપણને લગભગ દરેક લગન પ્રસંગમાં જોવા મળતા જ હોય છે. સગા-સંબંધીઓની ખીખીયારી, એકબીજાની પીઢ પાછળ ફલાણા-ફલાણાની વાતો કરવી, મામેરું કેટલું કરવું, ફુઆઓને કેવી રીતે શાંત રાખવા, પંડિતનું સમયસર ન આવવું, ઇવેન્ટ મેનેજમેન્ટવાળાને આખો ઇવેન્ટ ભપકાદાર બનાવવો, રસૌયાની મથામણ, જમણવારમાં શું હશે એવો વિચાર, ઇવેન્ટના હોસ્ટ તરીકે બધાને ભાઈબાપા કરીને સ્ટેજ પર કશુંક બોલવા માટે કે ડાન્સ કરવા માટે ખેંચી લાવવા, પુરુષ વર્ગની દારુપાર્ટી અને હા, ચાકતની જેમ પોતાના માટે કન્યા શોધતા વાંઢાઓની હાજરી, આ ફિલ્મને વધારે મજેદાર બનાવે છે.



ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ દિગ્વીજયસિંહ રાજપૂત, જીગર પરમાર, જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરની ટિકીટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે જેનું ડિરેક્શન રાહુલ ભોલે અને વિનીત કનૌજીયાએ કર્યું છે. પ્રોડ્યુસર તરીકે મલ્હારની આ ડેબ્યુ ફિલ્મ છે. ગીતની વાત કરીયે તો ફિલ્મમાં એક ગરબો ‘ઝૂલણ મોરલી વાગી રે’ નવા અંદાજમાં રજૂ કરાયો છે. આ ગીતને નવેમ્બર મહિનામાં લૉન્ચ કરી દેવાયું હતું. ફિલ્મમાં સંગીત રાહુલ મંઝુરિયાનું છે.


માર્કેટિંગની દ્રષ્ટિએ વાત કરીયે તો ફિલ્મ ‘લગન સ્પેશિયલ’ લગનની સિઝનમાં આવી રહી હોવાને લીધે એની માર્કેટિંગ પણ લગનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના ફેન્સના લગનમાં વિઝીટ કરીને તેમના લગન સ્પેશિયલ બનાવ્યા હતા અને પોતાની ફિલ્મ પ્રમોટ કરી હતી. આ પ્રકારની માર્કેટિંગ માટે મલ્હાર સહિત કેટલાક કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી હતી કે તેઓ કેટલાક મિત્રોના લગન અટેન્ડ કરવા માંગે છે અને માનવામાં ન આવે પણ એકલા મલ્હારને 40,000થી પણ વધારે ગુજરાતના વિવિધ શહેરોમાં થનારા લગનનું આમંત્રણ મળ્યું હતું, જેમાંથી કેટલાકના લગનમાં સ્ટારકાસ્ટે હાજરી પૂરાવી હતી અને ફિલ્મનું પ્રમોશન સ્પેશિયલ બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદ જેવા શહેરમાં વરઘોડો કાઢી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

000000000000000000000000000

ફિલ્મ ‘લગન સ્પેશિયલ’માં માત્ર મલ્હાર અને પૂજાની લવ સ્ટોરી નથી. લગનવાળા ઘરમાં થતી ખીટપીટ છે, ફ્રેન્ડ્સની એક્સપેક્ટેશન છે, છેલ્લી ઘડીએ વણમાંગે આવતી મુસીબતો છે, લગનનો ઉત્સાહ પણ છે અને થાક પણ ખરો. અને હા, આ ઉપરાંત સિનીયર એક્ટર ફિરોઝ ઈરાની અને રૂપા મહેતાની સરસમજાની ટીખળ પણ છે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે. નોંધનીય છે કે વર્ષ 2024માં અભિનેતા અને પ્રોડ્યુસર તરીકે મલ્હારની રિલીઝ થયેલી આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ બાદ મલ્હારની વેનિલા આઇસ્ક્રીમ અને લોચા લાપસી જેવી ફિલ્મો પણ રૂપેરી પડદે જોવા મળશે. વળી, 2024માં રિલીઝ થયેલી યશ સોનીની ફિલ્મ ડેની જીગરના ફ્લોપ થયા બાદ રોનક કામદાર અને માનસી પારેખની ઇટ્ટા-કિટ્ટા એ બૉક્સ ઓફિસ પર સફળતા મેળવી લોકોની વાહવાહી મેળવી હતી. હવે મલ્હારની આજે રિલીઝ થયેલી આ વર્ષની પહેલી ફિલ્મ કેટલી વાહવાહી મેળવે છે અને દર્શકો દ્વારા કેટલી વધાવવામાં આવે છે એ તો આવનારા સમયમાં ખબર પડશે પણ હા, મલ્હાર અને પૂજા પ્રત્યેનો દર્શકોનો જે પ્રેમ છે એ આ ફિલ્મને ચોક્કસ વધાવી લેશે એમાં કોઈ બેમત નથી.



 

 

-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત