ઢોલીવુડે 2023માં સફળતાના દરેક ચેકબોક્સમાં પૂરા માર્ક્સ મેળવ્યા છે

કચ્છ એક્સપ્રેસથી માંડીને હરિ ઓમ હરિ સુધીની આ સફરમાં હું ઈકબાલ, વશ, શુભ યાત્રા અને 3 એક્કા જેવી અનેક ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી છે.


વર્ષ 2023, હવે ગણતરીના કલાકોનો મહેમાન છે અને ત્યાર બાદ એ કાયમ માટે ઈતિહાસના પાનામાં ધરબાઈ જશે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતી ફિલ્મ જગતની ચર્ચા કરવામાં આવશે ત્યારે ચોક્કસપણે આ વર્ષને યાદ કરવામાં આવશે. વર્ષ 2023માં ગુજરાતી ફિલ્મ જગતે અનેક એવી વાર્તાઓ આપી છે જેણે આપણને મનભરીને હસાવ્યા છે, રડાવ્યા છે અને ખાસ તો વિચારતા મૂકી દીધા છે.

આ વર્ષે અંદાજે 50 થી પણ વધારે કમર્શિયલ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી મોટાભાગની ફિલ્મો દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ રહી હતી. હિતેન કુમાર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા જેવા પીઠ અભિનેતાથી માંડી મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, રોનક કામદાર અને શરમન જોશી જેવા યુવા કલાકારોએ પણ પોતાના અભિનયથી લોકોના મનમાં સ્થાન બનાવ્યું હતું.



 

ઢોલીવુડની આ રિલીઝને ત્રણ-ત્રણ મહિના ચાર ક્વૉર્ટરમાં વિભાજીત કરીને વાત કરીયે તો વર્ષની શરૂઆત જ એક ધમાકેદાર ફિલ્મ થઈ હતી જેમાં સ્ત્રીસશક્તિકરણની વાત ખૂબ જ સરળ પણ અસરકારક અંદાજમાં કહેવામાં આવી હતી. રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન સફારી જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ હતી કચ્છ એક્સપ્રેસ, આ ફિલ્મે ઇન્ટરનૅશનલ લેવલ પર પણ ઘણી પ્રશંસા મેળવી હતી.

ફેબ્રુઆરી મહિનો ગુજરાતી ફિલ્મ જગતનો સૌથી અસરકારક અને વાહવાહી લૂંટી જનારો રહ્યો હતો, કેમ કે આ મહિનામાં રિલીઝ થયેલી તમામે તમામ ફિલ્મ દર્શકોના મનમાં ઘર ગઈ હતી. વળી એક-એક અઠવાડિયામાં ત્રણ-ત્રણ ફિલ્મો રિલીઝ થઈ અને ત્રણેય ફિલ્મને યોગ્ય પ્રતિસાદ પણ મળ્યો. આ મહિનાના પહેલા અઠવાડિયામાં શરમન જોશી અને માનસી પારેખની મેલ પ્રેગનન્સી પર આધારિત ફિલ્મ કૉન્ગ્રેચ્યુલેશન્સ સાથે મિત્ર ગઢવી, નિરવ વૈદ્ય અને આરજે દેવકીની ફિલ્મ હું ઈકબાલ ક્લેશ થઈ હતી. બંને ફિલ્મોનો વિષય તદ્દન અલગ પણ તેની અસર... લાજવાબ...

બીજા અઠવાડિયામાં સુબુ ઐયરની કર્મ સાથે, કે.કે. મકવાણાની સપ્તરંગ અને ક્રૃષ્ણદેવ યાજ્ઞિકની થ્રિલર ફિલ્મ વશ રિલીઝ થઈ હતી અને એ વાતમાં કોઈ બેમત નથી કે વશ ફિલ્મ દર્શકોને પોતાના વશમાં કરવામાં સફળ રહી હતી. ખુદ અજય દેવગણ પણ આ ફિલ્મથી પ્રભાવિત થઈને તેની હિન્દી રિમેક બનાવી રહ્યો છે, જેના થકી જાનકી બોડીવાલા બોલીવુડ કરશે. ત્યાર બાદ ત્રીજા અઠવાડિયામાં આગંતુક અને ચોથા અઠવાડિયામાં અનેક સમયથી રાહ જોવાતી અને નાદાર બનેલા સંઘવી પરિવારની પરિસ્થિતી વર્ણવતી ફિલ્મ ચલ મન જીતવા જઈએ 2 રિલીઝ થઈ હતી. પહેલા પાર્ટની સરખામણીમાં આ ફિલ્મનો બીજો પાર્ટ ઘણો લાંબો હોવાથી તેને દર્શકોનું મન જીતવામાં ઘણી મથામણ કરવી પડી હતી. જોકે હિતેન કુમારની બે ફિલ્મ આ જ મહિનામાં રિલીઝ થઈ હતી, એ બે ફિલ્મ એટલે વશ અને આગંતુક, જે માટે તેમની ખૂબ વાહવાહી કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં નવા પપ્પા અને વતન મારું કાઠિયાવાડ ઠીકઠાક કામ કરી શકી.



વાત કરીયે બીજા ક્વૉર્ટરની તો અહીં મલ્હાર ઠાકરે બાજી મારી. એપ્રિલ મહિનાના અંતમાં તેની ફિલ્મ શુભ યાત્રા રિલીઝ થઈ, જેણે શુભ સંકેત આપી બોક્સ ઓફિસ પર સફળતાની સારી એવી યાત્રા કરી. શુભ યાત્રા સાથે અનોખી ફિલ્મ ક્લેશ થઈ હતી જેમાં ભુમિકા બારોટ, આર્જવ ત્રિવેદી અને નક્શરાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. મેં અને જૂન મહિનામાં સિદ્ધાર્થ રાંદેરિયાની કોમેડી ડ્રામા બુશર્ટ-ટીશર્ટ, હિતેન કુમારની ફેમિલી ડ્રામા વેલકમ પૂર્ણિમા રિલીઝ થઈ હતી. આ રિલીઝ બાદ વેલકમ જીંદગી, જય શ્રી કૃષ્ણ અને ઉલ્ટા પૂલ્ટા જેવી ફિલ્મ આવીને જતી રહી. જૂન મહિનામાં સંજય ગોરડિયાની ચાર ફેરાનું ચકડોળ, ફુલેકુ રિલીઝ થયા બાદ કોમેડી સસ્પેન્સ ફિલ્મ ગુલામ ચોરથી મલ્હાર ઠાકરે જ બીજા ક્વૉર્ટરની સમાપ્તિ કરી હતી.

સામાન્યપણે લગ્ન કરીને કન્યા સાસરે જાય પણ શું થાય જો વર સાસરે જાય તો? આ જ વિષય પર વિપુલ શર્માએ વર પધરાવો સાવધાનથી જુલાઈ મહિનાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બચુભાઈ, કાજલ ઓઝા વૈધની ચાંદલો અને લાયા બાકી ફિલ્મ થિએટરમાં આવી હતી. 

ઑગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો લાભ લઈને મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ત્રિપુટી સાથે 2023માં બમ્પર કમાણી કરી રેકોર્ડ સર્જનારી ફિલ્મ 3 એક્કા રિલીઝ કરવામાં આવી હતી. સામાન્યપણે ફિલ્મો એકબીજા સાથે ક્લેશ ન થાય એ માટે ખાસ ધ્યાન રખાતું હોય છે અને એ વાતને અનુલક્ષીને જ 3 એક્કા રિલીઝ થયાના 20 દિવસ બાદ ફિલ્મ હું અને તું રિલીઝ કરવામાં આવી જેમાં બાપ-દીકરા એક જ માંડવે પોત-પોતાની પ્રેમિકા સાથે પરણવાની આશા રાખે છે. જોકે આ ફિલ્મને સિદ્ધાર્થભાઈની કોમિક ટાઇમીંગ અને રસપ્રદ ટર્ન એન્ડ ટ્વીસ્ટે જકડી રાખ્યા હતા.



ઑક્ટોબરમાં હીના વર્દેને ચમકાવતી બહુચર્ચિત ફિલ્મ મીરા રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે થિયેટરમાં આવતા પહેલા 2023 બોડન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ ફીચર ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ એમ કુલ ત્રણ ઍવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મ સાથે મનીષ સૈનીની ગાંધી એન્ડ કંપની ક્લેશ થઈ હતી. જીંદગી જીવી લઈએ, સરપંચના રિલીઝ થયા બાદ વર્ષ 2023ને સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર અને વ્યોમા નંદીની ફિલ્મ હરિ ઓમ હરિ સાથે સમાપ્ત કરવામાં આવ્યો.

ટૂંકમાં ઢોલીવુડને 2023માં અનેક નવા વિષયો અને કલાકારો સાંપડ્યા છે જેણે આ ક્ષેત્રને એક નવી ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રમાણેનો એનોખો પ્રયાસ 2024 પણ થતો જ રહેશે અને એની સાબિતી આપણને અત્યારથી જ જોવા મળી રહી છે, જેની વાત આપણે કરીશું વર્ષ 2024ના નવા લેખમાં.
 


- આર.જે. સચીન વજાણી

- dhollywoodtalkies@gmail.com




 

Comments

  1. આર્ટિકલ સુંદર. અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત