‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

આ ફિલ્મના સાતેય ગીતો સુપરહિટ રહ્યા, એમાં પણ એક ગીત એવું જે ગઈ કાલે 97મી વર્ષગાંઠ ઉજવી 98માં વર્ષે પ્રવેશ કરી ચૂક્યું છે, તેમ છતાં આજે પણ એ ગીતની રમણીયતા યથાવત્ છે



ઢોલીવૂડના પીટારામાંથી આજે વાત કરવી છે 1963માં આવેલી એક એવી ફિલ્મની જે એક પ્યોર બોલીવૂડ મસાલા ફિલ્મ જેવી જ હતી. આ ફિલ્મની વાર્તા સાધારણ હોવા છતાં તે લોકોના દિલમાં આજે પણ યાદગાર એવું અમૂલ્ય સ્થાન ધરાવે છે. ફિલ્મનું ગીત-સંગીત તેના પ્રબળ પાસા હતા જેને લીધે ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ‘અખંડ સૌભાગ્યવતી’. આ ફિલ્મની સફળતામાં માત્ર એના ગીત-સંગીત જ નહીં પરંતુ દમદાર ડાયલોગ્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.



1963માં રજત ફિલ્મ્સ દ્વારા ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ બનાવવામાં આવી હતી જેનું દિગ્દર્શન કર્યું હતું મનહર રસકપુરે. આ ફિલ્મની વિગતવાર વાત શરૂ કરતા પહેલા ફિલ્મમાં યોગદાન આપનારા વ્યક્તિઓને જાણી લઈએ. ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ માં બોલીવૂડની ફેમસ પણ મૂળ ગુજરાતી અભિનેત્રી આશા પારેખ અને મેહશ કુમારની જોડી જોવા મળી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ, આગા, ઉમાકાંત, પદ્મારાણી, દેવિકા રોય, ચંદ્રવદન ભટ્ટ, શમ્મી જી, પ્રતાપ ઓઝા જેવા નામાંકિત કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મની પટકથા રમણીક વૈદ્યની હતી જેમાં કથા, સંવાદ અને ગીતોનું સર્જન કરવાની જવાબદારી સાહિત્યકાર, ગઝલકાર અને ઉમદા સર્જક એવા બરકત વિરાણી એટલે કે બેફામ સાહેબને આપવામાં આવી હતી. ફિલ્મના ગીતો અને ગરબાની કોરિયોગ્રાફી માધો કિશન, શ્યામ અને શરદ શુક્લની હતી. ગાયકવૃંદમાં લતા મંગેશકર, મુકેશ, સુમન કલ્યાણપુર, મન્ના ડે અને કમલ બારોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે સંગીત હતું કલ્યાણજી-આણંદજીનું અને આ ફિલ્મમાં તેમના સહાયક હતા લક્ષ્મીકાંત-પ્યારેલાલ. આ ફિલ્મના ગીતો હીઝ માસ્ટર વોઇસ એટલે કે એચએમવી પર રિલીઝ કરવામાં આવ્યા હતા.

ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ પોતાના જમાનાની સામાજિક વિચારધારાની રજૂઆત હતી જેમાં એક દુઃખીયારી સ્ત્રી પોતાના સુખી સંસારને ટકાવી રાખવા માટે કરતી દરેક જહેમતને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી હતી. ફિલ્મની શરૂઆતમાં ઉષા (આશા પારેખ) આત્મહત્યા કરવા જતી એક કુવારી સગર્ભા સુરભીને બચાવી નવજીવન આપે છે. શ્રીમંત પરિવારની આ ઉષાને ખબર પડી જાય છે કે સુરભી સાથે કોણે છેતરપિંડી કરી છે પણ સુરભી એને સમ આપી બાંધી લેય છે. બીજી બાજુ પંકજ નામનો એક દંભી માણસ ઉષા સાથે લગ્ન કરવા માંગે છે પણ ઉષાને પંકજ કોઈક કારણસર પસંદ નથી આવતો અને એને કલાપ્રેમી એવા અરૂણ (મહેશ કુમાર) સાથે પ્રેમ થાય છે. જોગાનુજોગ એ છે કે અરૂણ અને પંકજ એકબીજાના મિત્ર છે અને અરૂણના પિતાએ પંકજ પાસેથી ઉછીના રૂપિયા લીધા છે. 



ઉષાના દત્તક ભાઈ પરાગની માતાનું મોત થાય બાદ પંકજ વાતનું વતેસર કરી અરૂણના કાન ભરે છે કે પરાગ અને ઉષાના અનૈતિક સંબંધ છે. લગ્ન પહેલા જ આ વાતની જાણ થતા અરૂણ ઉષા સાથે ગેરવર્તન શરૂ કરી દેય છે તેમ છતાં લગ્ન કરી તેને પોતાના ઘરની વહુ બનાવે છે પણ પોતાની પત્ની તરીકેનો દરજ્જો નથી આપતો. બીજી બાજુ ષડયંત્ર પર ષડયંત્ર રચતો પંકજ માયા (પદ્મારાણી) સાથે મળી અરૂણના પરિવારનું નિકંદન કાઢવાની તરકીબ બનાવતો જ રહે છે કેમ કે પંકજને ઉષા સાથે અને માયાને અરૂણ સાથે પરણવાની ઘેલી લાગી હોય છે. આ ફિલ્મની એક ખાસ વાત એ છે કે અહીં એક પતિવ્રતા પત્નીને દરેક દુઃખ સહન કરતી બતાવાવાની સાથે એક મક્કમ મનની નારી-વહુ પણ બતાવવામાં આવી હતી. લગ્ન બાદ અરૂણના ઘરમાં એક પછી એક અયોગ્ય ઘટના બનતી રહે છે ત્યારે ઉષાની સાસુ એને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરે છે. એ સમયે ઉષાનો એક દમદાર ડાયલોગ આવે છે કે ‘આ ઘરમાંથી મને મારા પતિ સિવાય કોઈ બહાર કાઢી શકે એમ નથી.’ આ ડાયલોગ પરથી ખબર પડે છે કે ફિલ્મ નિર્માતાઓએ નારીને ફિલ્મી પડદા પર ફક્ત દુઃખીયારી નથી ચિતરી પણ એક સાહસિક અને મક્કમ મનની નારી તરીકે પણ સ્થાન આપ્યું છે. 

નોંધનીય છે કે એ સમયે ગુજરાત અને અન્ય પ્રાંતમાં ગૃહકલેશના અનેક કિસ્સા નોંધાયા હતા જેને આ ફિલ્મમાં વગર વિખવાદે સારી રીતે વણી લેવામાં આવ્યા હતા. સાસુએ જીવતી સળગાવી દેવાના કાવતરા બાદ આંધળી બનેલી ઉષા આત્મહત્યા કરવા જાય છે અને એ વખતે એ જ સુરભી એને બચાવે છે જેને એક વખતે ઉષાએ જ આત્મહત્યા કરતી બચાવી હતી. આ દરમ્યાન સુરભી, પંકજ અને માયા સામસામે આવી જાય છે અને પંકજને ભાગી જવાની જરૂર પડે છે. સમય જતા માયા પણ પકંજના અસલી રંગને ઓળખી જાય છે અને પોતે અરૂણના પ્રેમમાંથી બહાર આવી જાય છે. સૌ કોઈ જાણી જાય છે કે સુરભીને સગર્ભા કરનાર અને અરૂણનું દાંપત્ય જીવન વેરવિખેર કરનાર બીજુ કોઈ નહીં પણ પંકજ પોતે જ હોય છે. જોકે પંકજને પોતાની ભૂલનો પશ્ચાતાપ થાય છે અને ત્યાર બાદ વિદેશથી ડૉક્ટર બનીને આવેલો ઉષાનો દત્તકભાઈ પરાગ તેની આંખનું સફળ ઓપરોશ કરી ઉષાના દામ્પત્ય જીવનમાં નવા રંગો ભરી આપે છે.



 

હેપ્પી એન્ડિંગવાળી આ સુપરહિટ ઢોલીવૂડ ફિલ્મમાં આગા અને શમ્મીની કોમેડી પણ મહત્ત્વની છે જે ગંભીર પરિસ્થિતીમાંથી ઓડિયન્સને થોડી હળવાશ આપવાનું કામ કરે છે. આગાની કોમિક ટાઇમિંગ અને મસ્તી ફિલ્મનું એક અગત્યનું પાસું છે. ફિલ્મ નિર્માતાઓએ આ કોમિક પાત્રો પાસેથી પણ હાસ્યાસ્પદ એવા સરસમજાના ડાયલોગ્સ બોલાવડાવ્યા છે. જ્યારે આગા એના સાહેબને કહે છે કે ‘સાહેબ હવે મારા લગ્ન થયા છે, તમારે મને કંઈ આપવું જોઈએ’ ત્યારે સાહેબ પગાર વધારાની આ વાતનો રમૂજમાં ઉડાઉ જવાબ આપતા લગ્ન માટે માત્ર અભિનંદન આપે છે અને આગા બિચારો કંઈ બોલી પણ નથી શકતો. 

ફિલ્મના ગીતોની વાત કરીયે તો ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ માં કુલ સાત ગીત છે અને એમાંના દરેકે દરેક ગીત આજે પણ સાંભળવા ગમે એવા અદ્ભત તો છે જ અને આકાશવાણીના માધ્યમથી નિયમીતપણે માણવા પણ મળે છે. ‘જટાળા જોગી જો સંસાર’, ‘નૈનને નૈન મળે જ્યાં છાના, થાયે બન્ને દિલ દિવાના’, ‘નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે’ જેવા પ્રણયગીત હોય કે ‘મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો’ હોય કે પછી આજની તારીખે પણ લગ્નપ્રસંગે અચૂક ગવાતું ફિલ્મનું ટાઇટલ સોન્ગ ‘તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી’ હોય, આ દરેક ગીત-સંગીત અને શબ્દોની ગૂંથણી મનમાં ઘર કરી જાય છે. એમાં પણ ફિલ્મનું ટાઇટલ સોન્ગ સાંભળીને આંખોમાંથી આંસુ ન વહે એવું તો ભાગ્યે જ બનતું હૈશે. ફિલ્મની શરૂઆત અને અંતમાં આ ટાઇટલ સોન્ગ માત્ર શરણાઈની ધૂન પર વગાડવામાં આવે છે જેને લીધે ફિલ્મની રોચકતામાં ચારચાંદ લાગી જાય છે. 

ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ માં આ ઉપરાંત ‘સળગે છે જો હાથ, ચાહતની ચિંગારી થઈ ગઈ અરમાનોમાં ખાક સજનવા’ જેવું વિરહ ગીત છે તો ‘ઝટ જાવો ચંદનહાર લાવો’ જેવું ઐતિહાસિક અને નોંધનીય પ્રહસન છે. આ ગીતનો અહીં ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ‘ઝટ જાવો ચંદનહાર લાવો’ આગા અને શમ્મીજી પર ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મના ક્રેડિટમાં આ ગીત માટે ખાસ નોંધ પણ આપવામાં આવી છે કે ‘ઝટ જાવો ચંદનહાર લાવો’ ની પ્રથમ બે પંક્તિ કવિ શ્રી મનસ્વી અને દેશી નાટક સમાજના સૌજન્યથી ઉપયોગમાં લેવામાં આવી છે. વળી ઘણાં ઓછાને ખબર હશે કે ‘ઝટ જાવો ચંદનહાર લાવો’ આ ગીત 1927માં મે મહિનાની 16મી તારીખે દેશી નાટક સમાજના તખ્તા પર રજૂ થયેલા નાટક ‘વલ્લભીપતિ’માં પ્રહસન તરીકે ગવાતું એટલે કે ગઈ કાલે આ પ્રહસન અને આ નાટકની 97મી વર્ષગાંઠ વીતી છે તેમ છતાં આજે પણ આ ગીત લોકહૈયે જીવંત છે એનો આપણને ગર્વ હોવો જોઈએ. 



 

ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ પર પાછા ફરીયે તો એક નારીના સાંસારિક જીવન પર આધારિત આ ફિલ્મ દ્વારા ‘અખંડ સૌભાગ્યવતી’ ની ખૂબ જ હ્યદવેધક અને ઉંડાણપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે જે કહે છે કે ‘સામાન્યપણે જે નારીનો પતિ જીવતો હોય એને ‘અખંડ સૌભાગ્યવતી’ કહેવાતી હોય છે પણ ખરી ‘અખંડ સૌભાગ્યવતી’ તો એ છે જેના પતિનો સ્નેહ એની પત્ની માટે જીવતો હોય.’ આ શબ્દોનો ગુડાર્થ જો આપણો સમાજ સમજે શકે તો આજની તારીખમાં વધતા છૂટાછેડા અને અનેક કુરિવાજોને નાબૂદ કરી શકાય છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) અને કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત