ખમ્મા મારા વીરા : ભાઈ-બહેનના હેતની રોચક વાર્તા

સચીન અને સારિકાની આ ફિલ્મને બે મહિનામાં જ હિન્દી ભાષામાં ‘રક્ષા બંધન’ નામે રિલીઝ કરવામાં આવી હતી 



થોડા દિવસ અગાઉ જ આપણે રક્ષા બંધનનો તહેવાર ઉજવ્યો અને 1976 માં આવેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વિગતવાર વાત કરી હતી. આ જ વર્ષે માર્ચ મહિનામાં ભાઈ-બહેનના હેતને વાચા આપતી અન્ય એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું શીર્ષક હતું ‘ખમ્મા મારા વીરા’. કે.જી. ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી ઉષા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરાવે છે અને ગીતો તરજ આજે પણ ગુજરાતીઓને ઘેલા કરવામાં સફળતા મેળવે છે. 



બોલીવૂડની ક્યુટ જોડીમાં સ્થાન શોભાવતી સચીન પિગવાકર અને સારિકાની જોડી આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી અને સત્યજીતે પણ પાયાની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ ની સંપૂર્ણ કાસ્ટ પર નજર કરતાં માલૂમ થાય છે કે આ ફિલ્મમાં અનેક નોન-ગુજરાતી કલાકારો હતા. સચીન, સારિકા અને સત્યજીત ઉપરાંત નઝીર હુસૈન, લલીતા પવાર, જલાલ આગા, જયશ્રી ટી., મીના ટી, જયરાજ, પ્રવીણ પોલ, મહેશ ભટ્ટ, માસ્ટર અલંકાર, બેબી પલ્લવી (અભિનેત્રી પલ્લવી જોશી), મનીષા જાગીરદાર, દુલારી અને બાપુએ અભિનય કર્યો હતો. 

શાંતિલાલ સોનીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ ની પટકથા અને સંવાદો કેશવ રાઠોડે તૈયાર કર્યા હતા જ્યારે ગીતકાર તરીકેની જવાબદારી પ્રદીપ અને કેશવ રાઠોડની રહી હતી. ગાયક કલાકાર તરીકે ઉષા મંગેશકરે ફરજ બજાવી હતી અને સંગીત સી. અર્જુનનું હતું. 

ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ ની વાર્તા એક ભાઈ વિનાની બહેન આશા (સારિકા) ને કેન્દ્રસ્થાને રાખીને વણવામાં આવી છે. નાગ માતા (જયશ્રી ટી) ના આશીર્વાદથી એક નિઃસંતાન દંપત્તીને દીકરી અવતરે છે પણ તેઓ સંતાન સુખ ભોગવી શકતા નથી અને દીકરીના જન્મતા જ મૃત્યુ પામે છે. આ ઘટનાને લીધે આશાની કાકી શાંતા (લલીતા પવાર) આશાને અપશકુની ગણવા લાગે છે પણ કાકા (નઝીર હુસૈન) ના પ્રેમાળ સ્વભાવને લીધે તે ઘરમાં ઉછરીને મોટી થવા લાગે છે. કાકા-કાકીના સંતાનોને રક્ષા બંધન ઉજવતા જોઈ પોતાને કોઈ ભાઈ ન હોવાને લીધે નાની આશા ગામવાસીઓના કહેવાથી નાગ દેવતાની પૂજા કરે છે અને ત્યાં નાગ માતા પોતના દીકરાને આશાનો ભાઈ બનાવી મોકલે છે. નાની આશાનો રોલ બેબી પલ્લવી જોશીએ કર્યો છે જ્યારે નાના નાગ ભાઈનો રોલ માસ્ટર અલંકારે નીભાવ્યો છે, મોટા થઈને આ બંને પાત્ર અનુક્રમે સારિકા અને સત્યજીતે ભજવ્યા છે. 



કાકા-કાકીની દીકરી સવિતા (મીના ટી.) ના લગ્ન વખતે વરરાજાના મિત્ર તરીકે સચીનની અમર તરીકે એન્ટ્રી થાય છે જે આશાને જોઈને, તેની સાદગી, સુંદરતા અને ભોળપણને જોઈને તેના પર ઓવારી જાય છે, અને સમય જતા એકલતામાં લગ્ન કરી લેય છે. બીજી બાજુ આશા કલંકીની ગણાતી હોવાને લીધે તેને અમરની માતા વહુ તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતી પણ પોતાની બહેનનું દુઃખ દૂર કરવા તેનો નાગ ભાઈ આગળ આવીને આશાની સાસુને આણુ અને દહેજ આપી આશાને વહુ તરીકે સ્વીકારવા મનાવી લેય છે. અમરની માતાનું પાત્ર દુલારીએ ભજવ્યું છે. પિયરયામાં મજૂરની જેમ ઘરકામ કરતી આશા સાસરિયામાં રાણી તરીકે રહે છે તેમ છતાં તેની ખુશીઓને ત્યારે નજર લાગે છે જ્યારે તેને ઘરના મહંત પાસેથી ભવિષ્યવાણી મળે છે કે છ મહિનામાં તેનો ચૂડી-ચાંદલો ભૂંસાઈ જવાનો છે. પોતાના પતિની રક્ષા કાજે મહંત આશાને વ્રત કરવાનો અને શિવજીની ઉપાસના કરવાનો ઉપાય સૂચવે છે અને સાથે આ ભવિષ્યવાણીની જાણ કોઈને ન થાય એવું વચન લેય છે. એકલી અટૂલી આશા પોતાના ભરથારની રક્ષા માટે મહંતના આદેશાનુસાર વ્રત કરવાની સાથે રાત્રે એકલી શિવજીની આરાધના કરવા જાય છે, જેનો ખોટો અર્થ કાઢી વાતનું વેતસર કરવામાં આવે છે. 



આશા અને અમરના સંબંધમાં તિરાડ આવી જાય છે અને ત્યાં જ અમર પર ઘાતક હુમલો થાય છે. આશાને ફરી એકવાર કલંકીની હોવાનું મ્હેણું મારવામાં આવે છે, અને તે આ મહામુસીબતમાંથી બહાર નીકળવા નાગ ભાઈની મદદ માંગે છે. નાગ ભાઈ આવી પોતાના ઈષ્ટ મહાદેવને વિનવે છે અને પોતાનું જીવન ત્યાગી અમરનો જીવ બચાવે છે. નાગ ભાઈની કુર્બાની સામે બહેન આશા મહાદેવ સામે ભાઈની વાપસી માંગે છે અને એ કબૂલ પણ થાય છે. બીજી બાજુ મહંત ઘરે આવી પોતાની ભવિષ્યવાણી ઉઘાડી પાડે છે અને આશાના નિર્દોષપણાની ગવાહી આપે છે. ટૂંકમાં હેપ્પી એન્ડિંગ સાથે ફિલ્મ સમાપ્ત થાય છે. 

ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ માં કુલ છ ગીતનો સમાવેશ થયો છે અને દરેકે દેરક ગીતને ઉષા મંગેશકરે સ્વર આપ્યો છે. ‘જય કૈલાશ પતિ’, ‘હે નાગ રાજા’, ‘હવે અંત ઘડી આવી રે’, ‘હે જગતના સર્જનહાર’ અને ‘પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત’ ગીત-ગરબો આજે પણ ગુજરાતીઓને તાનમાં લાવી દેય છે. ફિલ્મમાં આ ગીત-ગરબો બે વાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે, જેમાંથી અન્ય એક વર્જનમાં ઉષા મંગેશકર સાથે કેશવ રાઠોડનો સ્વર સાંભળવા મળે છે. એચ.એમ.વી પર આ ફિલ્મના ગીતો રિલીઝ કરવામાં આવ્યા હતા. 



નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ 1976 માં રિલીઝ થયાના માત્ર બે મહિના બાદ જ એટલે કે મે મહિનામાં ‘રક્ષા બંધન’ નામથી હિન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. એક ભિન્ન દ્રષ્ટિકોણથી એમ ચોક્કસ કહી શકાય કે 1975 માં સચીન અને સારિકાની જોડીને ચમકાવતી રાજશ્રી પ્રોડક્શનની હિન્દી ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સફળતાને લીધે બોલીવૂડને નવા કલાકારોની જોડી મળી હતી. એ સફળતાનો લાભ લેવા અને નવા કલાકારોને અન્ય પ્રાદેશિક ભાષામાં એક્સપોઝર આપવા ‘ખમ્મા મારા વીરા’ અને ‘રક્ષા બંધન’ રિલીઝ કરી હોવાનું કહી શકાય છે. જોકે આ ફિલ્મોની બોક્સ ઓફિસ પર સફળતાની વાત કરવા કરતા એમ ચોક્કસ કહી શકાય કે એક અલગ વિષયવસ્તુને લઈને બનાવવામાં આવેલી આ ફિલ્મ સરળતાથી જનમાનસના હ્યદય સુધી પહોંચી શકી હતી. સામાન્યપણે એક દિવસમાં બે કે વધારે ફિલ્મોની રિલીઝ અંગે ક્લેશ થતો હોય છે પણ આ વખતે એક જ વર્ષમાં, એક જ વિષય, તહેવારને લઈને ક્લેશ થયો હતો. ‘ખમ્મા મારા વીરા’ (‘રક્ષા બંધન’) અને ‘સોનબાઈની ચુંદડી’ નો વિષય અલગ અલગ હોવા છતાં કેન્દ્રસ્થાન એક હોવાને લીધે ફિલ્મે સફળતાના દરેક સોપાન સર કર્યા હતા. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’