ઢોલીવૂડ જ નહીં બોલીવૂડના પાયામાં પણ છે ગુજરાતીઓ

ભારતીય ફિલ્મ ઉદ્યોગના શરૂઆતના દિવસોથી લઈને આજ સુધી ફિલ્મ મેકર્સથી માંડીને ફાઇનૅન્સર સુધીની અનેક પડદા પાછળની જવાબદારીઓમાં ગુજરાતીઓ જ વસેલા છે



‘સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે’, ‘જય જય ગરવી ગુજરાત’ જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આવતી કાલે એટલે કે 24 મી ઑગસ્ટે જન્મજયંતિ છે જેને આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીયે છીએ. ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મો એટલે કે ઢોલીવૂડ સાથે બોલીવૂડને સાંકળીને વાત કરીયે ગુજરાતીઓનો દબદબો ફિલ્મ ક્ષેત્રના શરૂઆતી દિવસોથી રહ્યો છે. 



ઢોલીવૂડ અને બોલીવૂડને સાંકળીને વાત કરીયે તો 1913માં જ્યારે ફિલ્મોનો સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે ભવિષ્યમાં આ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મેળવનારા ગુજરાતીઓ પણ જન્મી ચૂક્યા હતા જેમણે આગળ જતા ન માત્ર ઢોલીવૂડમાં પણ બોલીવૂડમાં અનેક સફળ ફિલ્મોનું સર્જન કર્યું. ચિમનલાલ દેસાઈ, મનમોહન દેસાઈ, વિજય ભટ્ટ, બાબુભાઈ મિસ્ત્રી, ચંદુલાલ શાહ જેવા અનેક નિર્માતા-નિર્દેશકો ન માત્ર ગુજરાતી સિનેમાને અપિતુ હિન્દી ફિલ્મ જગતને પણ એકથી એક યાદગાર ફિલ્મો આપવામાં અગ્રેસર રહ્યા હતા. 

ચિમનલાલ દેસાઈની વાત કરીયે તો પ્રારંભિક હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપનારા ગુજરાતી ફિલ્મ નિર્માતાઓમાંના તેઓ એક હતા જે મૂળતઃ રંગમંચ પરથી સિલ્વર સ્ક્રીન તરફ વળ્યા હતા. 1930ના દાયકામાં તેમણે શ્રી ગૌરી પિક્ચર્સની સ્થાપના કરી હતી, જે ભારતીય દર્શકો માટે અનેક મહત્ત્વની ફિલ્મો લાવવામાં મદદરૂપ સાબિત થઈ. ચિમનલાલ  દેસાઈને વિવિધ પ્રકારની શૈલીઓમાં ફતેહ હાંસલ કરવા માટે ઓળખવામાં આવતાં હતા, જેમ કે સામાજિક ડ્રામાથી લઈને ધાર્મિક ફિલ્મો સુધી. આ ઉપરાંત તેમના નેજા હેઠળ અનેક કલાકારો અને ટેક્નિશીયન્સની લાઇફમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો. 



 

આ ઉપરાંત બાબુભાઈ મિસ્ત્રીનું યોગદાન પણ વિસરાય એવું નથી. સુરતમાં જન્મેલા બાબુભાઈ મિસ્ત્રીએ 1930ની આસપાસના સમયમાં આસિસ્ટન્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને આગળ જતા માયથોલોજિકલ અને ફેન્ટસી ફિલ્મ્સના બેસ્ટ ડિરેક્ટરોમાં તેઓ પોતાનું નામ શુમાર કરાવી શક્યા અને કદાચ એટલે જ તેમને ભારતીય સિનેમાના ‘સ્પેશિયલ ઇફેક્ટના જનક’ તરીકે ઓળખવામાં આવે છે. 1952 માં આવેલી ફિલ્મ ‘ભરત મિલાપ’ તેમના દ્વારા આપેલી સ્પેશ્યિલ ઇફેક્ટના લીધે આજે પણ યાદ કરવામાં આવે છે. દૈત્ય કે દાનવના આવન-જાવનની એટલે કે ઇલ્યુઝન ઇફેક્ટ આજે માયથોલોજિકલ ફિલ્મ્સની સૌથી બેસ્ટ ઇફેક્ટ ગણવામાં આવે છે જે બાબુભાઈ મિસ્ત્રીની જ દેન છે. 1965 માં આવેલી ફિલ્મ ‘મહાભારત’ અને 1975 ની ‘જય સંતાષી મા’ ફિલ્મને તેમના નોંધનીય પ્રોજેક્ટોમાંના મણકા છે.



 

1915 માં પોરબંદરમાં જન્મેલા નાનાભાઈ ભટ્ટનું યોગદાન બોલીવૂડ અને ઢોલીવૂડમાં અવિસ્મરણીય છે અને તેમણે પોતાના કાળમાં અંદાજે 100થી પણ વધારે ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. 1940 ના અંતમાં પોતાના કરિયરની શરૂઆત કરનારા નાનાભાઈ ભટ્ટના નોંધનીય કામોમાં 1948 ની ફિલ્મ ‘અમર પ્રેમ’, 1957 માં આવેલી ‘રાની રૂપમતી’ ને આજે પણ યાદ કરવામાં આવે છે. નાનાભાઈ ભટ્ટની સંતાન મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ આજે પણ બોલીવૂડમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. 

ઢોલીવૂડ અને બોલીવૂડના નોંધનીય ફિલ્મ મેકર્સમાં કાંતિલાલ રાઠોડનું નામ અચૂક યાદ આવે. ગુજરાતી સિનેજગતમાં તેમની ફિલ્મો આધ્યાત્મિકતા, સામાજિક ન્યાય અને માનવીય સ્થિતિ, ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસા સાથેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરતી આવી છે. ફિલ્મ મેકિંગની અનેક વિધાઓથી તેઓ પારંગત હોવાની સાથે ડિરેક્ટર, એનિમેટર, એડિટર અને લેખક પણ હતા. કાંતિલાલ રાઠોડની સાથે રમણલાલ દેસાઈ પણ લેખક, દિગ્દર્શક અને નિર્માતા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. રમણલાલ દેસાઈની ફિલ્મોમાં ગુજરાતની પ્રથા અને પરંપરાઓનું નિત્ય નિરુપણ જોવા મળતું. પોતાના ફિલ્મી કરિયરના પ્રારંભિક કાળમાં જ તેઓ આ ક્ષેત્રની ગહનતા સમજી ચૂક્યા હતા અને એટલે જ આગળ જતા પોતાની ફિલ્મો દ્વારા સામાજીક મુદ્દાઓને દર્શકો સામે રજૂ કરતા રહ્યા. જે સમયે ભારત આઝાદીની લડત માટે સંઘર્ષ કરી રહ્યો હતો એવા સમયે એટલે 1939 જેવા કપરા સમયમાં આવેલી તેમની ફિલ્મ ‘પતિ પત્ની’ વૈવાહિક સંબંધો અને સ્ત્રી-પુરુષ સમાનતા પર સવાલ ખડા કરતી ફિલ્મ હતી, જે આજે પણ વખણાય છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી ભાષામાં અનેક નાટકો, ટૂંકી વાર્તા અને નવલકથાઓ લખી જેને પછીથી ફિલ્મ તરીકે તૈયાર કરવામાં આવી. 



બીજી બાજુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવામાં ચંદુલાલ શાહનું યોગદાન પણ અસ્વમરણીય છે. 1930-40 ના સમયમાં સૌથી સફળ પ્રોડક્શન હાઉસ તરીકે વખણાતા રણજીત સ્ટુડિયોના તેઓ સ્થાપક હતા. મૂક ફિલ્મોના શરૂઆતના કાળથી જ તેમણે ફિલ્મ જગતમાં યોગદાન આપવાનું શરૂ કરી દીધું હતું. 1927 માં આવેલી મૂક ફિલ્મ ‘ગુણસુંદરી’ ડિરેક્ટર તરીકે તેમના કરિયરની પહેલી સૌથી સફળ ફિલ્મ રહી હતી. આ ફિલ્મની સફળતાને લીધે જ તેઓ અગ્રણી ડિરેક્ટરોની યાદીમાં પોતાનું નામ ઉમેરાવી શક્યા અને 1929 માં તેમણે દાદર ખાતે રણજીત સ્ટુડિયોની સ્થાપના કરી જેમાં તેમના નેતૃત્વ હેઠળ માયથોલોજિકલ, કોમેડી અને સામાજીક મુદ્દાઓને આવરી લેતી અંદાજે 200 જેટલી ફિલ્મ નિર્માણ પામી. 

આઝાદી બાદના કાળ પર નજર કરીયે તો મનમોહન દેસાઈ એક એવા ગુજરાતી ફિલ્મ મેકર રહ્યા છે જેમનું નામ આજની પેઢીએ સાંભળ્યું હશે. ‘અમર અકબર એન્થની’, ‘ધરમવીર’, ‘નસીબ’ જેવી 1970-80 ની સફળ ફિલ્મો આપવામાં આ ગુજરાતી ડિરેક્ટરે પાયાની ભૂમિકા ભજવી છે. ‘સ્કેમ’ જેવી ધમાકેદાર વેબ સિરીઝ આપનાર હંસલ મહેતાને કોણ નથી ઓળખતું? આવા અનેક ફિલ્મ મેકર્સ સહિત એક્ટર્સ, એડિટર્સ અને ફાઇનૅન્સર સુદ્ધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા છે જેમણે પોત-પોતાના અનુભવ અને પ્રાદેશિક સંસ્કૃતિને મોટા પડદા પર ઉતારી જનતા સુધી પહોંચાડી છે. ટૂંકમાં એમ ચોક્કસ કહી શકાય કે વેપારી બુદ્ધિજીવ ગણાતો ગુજરાતી માણસ આજે ભલે એક સમયે થિયેટરમાં ફિલ્મો જોવા ન જતો હોય, પણ એમ તો ચોક્કસ કહી શકાય છે કે ફિલ્મ જગતને વિકસાવવાના મૂળ પાયામાં આ ગુજરાતી માણસ ક્યાંક તો વસેલો છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’