ઢોલીવૂડ માટે રક્ષા બંધન એટલે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ગુજરાતી સિને જગતની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ને આજે પણ ગુજરાતીઓ રક્ષા બંધનના તહેવારે અચૂક યાદ કરે છે



ગુજરાતી સિનેમાજગત અને તહેવારોનો સંબંધ બાપ-દીકરા જેવો છે અને નવરાત્રી તો ઢોલીવૂડમાં અચૂક જોવા મળે જ. તેમ છતાં અનેક એવા તહેવારો છે જેણે આપણી ગુજરાતી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. રક્ષા બંધન એમાંનો જ એક તહેવાર છે અને ગુજરાતી ફિલ્મો સાથે રક્ષા બંધનની વાત કરીયે તો ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ અચૂક યાદ આવે, જે 1976 માં રિલીઝ થઈ હતી. 



1976માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ને રક્ષા બંધનના તહેવારમાં ગુજરાતીઓ ખાસ યાદ કરે. ખાસ કરીને ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત ‘કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી’ માટે. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ એ જમાનાની એક એવી ફિલ્મ હતી જેની શરૂઆત વાર્તાના નકારાત્મક પાત્ર એટલે કે વિલનથી થાય છે, તેમ છતાં આ ફિલ્મ સફળતાનો સ્વાદ ચાખવામાં સફળ રહી. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વાત કરવી વધારે સ્પેશ્યિલ એટલા માટે પણ બની જાય છે કેમ કે એ ઢોલીવૂડની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ હતી. 

આર.જે. ફિલ્મ્સ કૃત પ્રફુલ્લા મનુકાંત દ્વારા ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ 1976 માં રજૂ કરવામાં આવી હતી. વાસ્તવમાં આ ફિલ્મની વાર્તા કવિ કાન્તિલાલ જગજીવનદાસ મહેતાના નાટક ‘સોનબાઈની ચુંદડી’ પરથી બનાવવામાં આવી હતી. ફિલ્મમાં સોનબાઈની મુખ્ય ભૂમિકા પ્રિતી પારેખે ભજવી હતી જ્યારે અન્ય કલાકારોમાં દિલીપ પટેલ, રણજીત રાજ, સોહિલ વિરાણી (ગુજરાતી ગઝલકાર બરકત વિરાણીના સુપુત્ર), નારાયણ રાજગોર, પ્રેમશંકર ભટ્ટ, જગદીશ દેસાઈ, જય પટેલ, અશ્વિન પટેલ સહિત સ્ત્રી કલાકારોમાં ગિરજા મિત્રા (ગિરીજા મિત્રા નહીં), અંજના મુમતાઝ, વૃન્દા ત્રિવેદી જ્યારે બાળ કલાકાર પારુલ પારેખે અભિનય કર્યો હતો. હંમેશની જેમ ગીત-સંગીતની વ્યવસ્થા એ અવિનાશ વ્યાસની જવાબદારી રહી હતી અને તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ એમાં મુખ્ય સહાયક પણ રહ્યા હતા. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ના એકથી એક ચડિયાતા ગીતો આજે પણ મનમાં આનંદ અને ઉત્સાહનું સિંચન કરી દેય છે. ફિલ્મમાં આશા ભોસલે, ઉષા મંગેશકર, દિવાળીબેન ભીલ, મધુસુદન વ્યાસ, આનંદ કુમાર અને પ્રાણલાલ વ્યાસનો સ્વર મુખ્યરૂપે સંભળાયો હતો. તેમ છતાં ગાયક કલાકારોમાં અન્ય બે કલાકારોના નામ પણ ઉમેરવાના રહ્યા. પાશ્વગાઈકા અને પ્રથમવાર પાશ્વગાઈકા માટે ફોરમ દેસાઈ અને આશીત દેસાઈનું નામ ફિલ્મ ક્રેડિટમાં નોંધવામાં આવ્યું છે. 



ગિરીશ મનુકાંત દિગ્દર્શીત ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ એ સમયની સફળ અને ખાસ તો લોકપ્રિય ફિલ્મોમાંની એક રહી હતી. ફિલ્મની વાર્તા સામાન્ય ઘરકંકાસ અને વહુના ત્રાસથી પરિવારની છીનવાઈ જતી સુખ શાંતિ પર આધારિત હતી તેમ છતાં ફિલ્મમાં ભાઈ-બહેનનો હેત કેન્દ્રસ્થાને હોવાથી ફિલ્મની દશા અને દિશા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એક અઘોરીના પ્રેમમાં ઘેલી અને ઘરની મોટી વહુ ભદ્રાના પાત્રમાં ગિરજા મિત્રાએ પ્રાણ પૂરી દીધા છે, જ્યારે તેના પતિ ત્રિલોક (દિલીપ પટેલ) એ ઘરની જવાબદારી માથે ઉપાડી છે. શંભુ (રણજીત રાજ) ફિલ્મનું મહત્ત્વનું પાત્ર છે જ્યારે આજ્ઞાકારી નાના પુત્ર શંકર તરીકે સોહિલ વિરાણીએ, આંધળા મા-બાપની સેવા કરતા શ્રવણ જેવી ભૂમિકા ભજવી છે. આ ત્રણ ભાઈઓ ઉપરાંત અન્ય ચાર ભાઈ પરદેશમાં કમાણી કરવા ચાલ્યા ગયા હોય છે. શંકર અને પાર્વતી (અંજના મુમતાઝ) ને એકમેકથી પ્રેમ છે. 



ભાભીના ગેરવર્તનને લીધે ત્રિલોકના પરિવારની સુખ શાંતિ ભંગ થઈ ગઈ છે. ‘કડવી વેલના બધાય કડવા’ જેવા કડવા વેણ ઉપરાંત, સાસુ-સસરાને વાળુમાં પાણા પીરસવામાં આવે છે, સોનને પાણી ભરવા ફૂટેલુ માટલું આપવામાં આવે છે, અડધી રાત્રે ઘરની મોટી વહુ લાજ નેવે મૂકી પરપુરુષને છાની છાની મળવા જાય છે, આવી અનેક ગેરવર્તણૂકને લીધે ઘરમાં રોજ કલેશ સર્જાય છે. તેમ છતાં આ બધી હરકતો સામે શંભુ ટકી રહે છે અને એક સમયે તેને પોતાની ભાભી અને પેલા અઘોરી વચ્ચેના અસામાજીક પ્રેમસંબંધની ખબર પડે છે. અઘોરી સાથેની હાથાપાઈમાં શંભુનું કમોત થાય છે. 

ત્રિલોક અને શંભુએ પોતાની લાડલી બેની સોનબાઈ માટે ખેતરથી થોડે અંતરે એક બાજુ પીપડો અને એક બાજુ લીમડો વાવ્યો હોય છે, જેના છાયડે શંભુ તેની બેનીને રોજ હીંચકા હીચાવતો હોય છે. ભાભીના પ્રેમીના હાથે કમોત પામેલા શંભુની આત્મા ભૂત બની એ જ લીંબડીમાં વાસ કરે છે અને પોતાની બહેન તથા પરિવારજનો સાથે થતાં ભાભીના ગેરવર્તણૂકનો બદલો વાળે છે. બીજી બાજુ શંકર પોતાના પ્રેમને કોરાણે મૂકી માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવવા નીકળી પડે છે અને તેની સેવાથી પ્રસન્ન થઈ એક સંતના આશીર્વાદથી તેના માતા-પિતા સ્વસ્થ-નિરોગી થઈ જાય છે. લાલચ અને કાવતરામાં તરબતોડ રહેતી ભાભી કોઈપણ ભોગે હવે સોનને ન માત્ર ઘરમાંથી પણ જીવનમાંથી કાઢી મૂકવાનો દાવ ખેલે છે. આ દાવને પગલે તે હીંચકાના દોરડાને કાપવા તેની નીચે દાતરડું મૂકી દેય છે પણ અહીં તકદીર પોતાનો ખેલ ખેલી જાય છે. સોનને બદલે ત્રિલોક અને ભદ્રાનો દીકરો કેશવ હીંચકા પર બેસે છે અને હીંચકો તૂટતા તે મોતને ભેટે છે. પોતાના દીકરાની આ મોત માટે ભદ્રા સોનને જ જવાબદાર ગણે છે અને હડસેલો મેલે છે. બદનસીબે ત્રિલોકના હાથમાં ઝાડ પરથી પડેલું એ દાતરડું સોનબાઈની પીઠ લહુલુહાણ કરી દેતા તે પણ મોતને ભેટી પડે છે. 

પોતે બધાને ભરખી ગઈ હોવાથી ભદ્રા સાન-ભાન ગુમાવી પાગલ બનીને ગામમાં ભટકતી રહે છે. એક સમયે લીલીછમ રહેતી લીંબડી હવે સાવ સૂકાઈ ગઈ હોય છે અને એ સૂકાઈ ગયેલી લીમડી પર ગાંડી ભદ્રા ચડીને જમીન પર પટકાય છે અને મોત પામે છે. ટૂંકમાં જેવું કરો એવું પામોના સંદેશા સાથે અને આંખોમાં આંસુ, હ્યદયમાં ભાઈ-બહેનના હેત, અદ્ભૂત સંગીત સાથે ફિલ્મ સમાપ્ત થાય છે મનમાં ઘર કરી જાય છે. ઘરરઘમ ઘંટી, ગોરમાનો વાર કેસરીયો, છાનું રે છપનું કંઈ થાય નહીં, ચલો શ્રાવણ કુમાર, હું નાગ મામો, દેડકાભાઈ દેડકાભાઈ, મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે, કોઈ ગોકુલ મથુરા જાય રે, હે રંગલો જામ્યો અને કોણ હલાવે લીંબડી જેવા દસથી પણ વધારે સફળ ગીતો ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ માં સામેલ કરવામાં આવ્યા હતા જેમાં લોકગીત, ગરબા, કરુણા, જ્ઞાનનો સમન્વય જોવા મળતો હતો. ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ અને ખાસ તો તેના લોકપ્રિય ગીત કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી પરથી 2014માં વિક્રમ ઠાકોર અને મમતા સોનીને લઈને એક ફિલ્મ બનાવવામાં આવી. આ ઉપરાંત 2017ની આસપાસ અવિનાશ વ્યાસને ટ્રિબ્યુટ આપવા આ જ ગીતને કિર્તી સંગાઠિયા અને ન્યાસા સંગાઠિયા દ્વારા રિક્રીએટ કરવામાં આવ્યું હતું. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com






Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’