ફિલ્મને સફળ બનાવે છે ટેક્નોલોજી અને સ્વીકારવૃત્તિ

એક સમયે પુરૂષ પ્રધાન સમાજની માન્યતાઓ તોડી ‘કંકુ’ વિશ્વકક્ષાએ ખ્યાતિ મેળવવામાં સફળ રહી અને બીજી બાજુ ‘ડેની જીગર’ જેવી સ્પૂફ ફિલ્મ લેટેસ્ટ ટેક્નોલોજી હોવા છતાં ગુજરાતી પ્રજાને હજમ ન થઈ



સ્વાભાવિકપણે ગુજરાતી સિનેજગત આજે એવી ફિલ્મો બની રહી છે જે આજના યુવાવર્ગને આકર્ષે. હીરોની બે બાઇક પર પગ રાખીને એન્ટ્રી કરવાના કિસ્સા 90ના દાયકામાં ગયા. આજે ફિલ્મની વાર્તા મુજબ ફિલ્મના નાયકની મોટા પડદા પર એન્ટ્રી નક્કી થાય છે અને જો ‘ડેની જીગર’ જેવી કોઈ સ્પૂફ ફિલ્મ હોય કે એક્શન ફિલ્મ હોય તો ટેક્નોલોજી વિના હીરો કે વિલનની ભવ્ય એન્ટ્રી કે અન્ય કોઈપણ સિકવન્સ બતાવવા સંભવ જ નથી. 



આપણે હોલીવુડની ફિલ્મોમાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર, જેકી ચેન, વિન ડીઝલ જેવા અનેક એક્ટરને એક મોટી બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ પર કૂદતા, મહાસાગરોમાં તરતા, જ્વાળામુખીથી કે ડાયનાસોન, એનાકોન્ડા જેવા વિકરાળ જીવથી બચીને ભાગતા જોયા છે. દેખાવમાં આપણને આ તમામ ફિલ્મો રોચક લાગે છે પણ એ માટે એની પાછળ ડિરેક્ટરની દૂરંદેશી, એડિટિંગ અને ખાસ તો ટેક્નોલોજીનો કમાલ હોય છે. વળી, ત્યાંની ફિલ્મોનું બજેટ પણ આપણી બોલીવૂડની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કરતાં પણ વધારે હોય છે, એવામાં નાણાકીય દ્રષ્ટિએ આપણી ઢોલીવૂડનો નંબર ક્યાં આવે?

આજે ફક્ત ગુજરાતી જ નહીં પણ અન્ય કોઈપણ ભાષાની ફિલ્મમાં ટેક્નોલોજીનો વપરાશ કરી વાસ્તવિક લાગતું કાલ્પનિક જગત નિર્માણ કરી શકાય છે. આપણી ગુજરાતી ફિલ્મોની જ વાત કરીયે તો ‘શેઠ શગાડશા’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘રાજા ભરથરી’, ‘જેસલ તોરલ’ જેવી અનેક ફિલ્મો છે જેમાં એવા દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે, જેમાં ટેક્નોલોજીનું બહુમૂલુ યોગદાન છે. ધારોકે કોઈ કલાકાર કોઈ ભગવાનનો રોલ કરી રહ્યો છે અને તે ઈશ્વર પોતાના ભક્તને આશીર્વાદ આપી રહ્યો છે અને એ આશીર્વાદના ભાગરૂપે તેના હાથમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળતો બતાવવામાં આવે છે. વળી ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે જે-તે ઈશ્વરના મુગટ પાછળ પણ એક દિવ્યચક્ર સતત ગતિમાન રહેતું હોય છે. આ દરેક નાની નાની વાતો, ટેક્નોલોજી ફિલ્મના જે-તે દ્રશ્યને વધારે સચોટ બનાવવમાં મદદરૂપ સાબિત થાય છે અને એટલી જ વધારે ફિલ્મ વખણાય પણ છે. ફિલ્મ ‘જેસલ તોરલ’ ના અંતમાં જ્યારે જેસલ જાડેજા પોતાને નિર્દોષ સાબિત કરવા ગૌ માતાની મૂર્તિને ઘાસ ખવડાવે છે ત્યારે એ મૂર્તિ ખાસ ખાઈને જાડેજાના નિર્દોષપણાની સાબિતી આપે છે. વળી જ્યારે જેસલ જાડેજા અને સતી તોરલ સમાધિ લેય છે ત્યારે ધરતી તેમને માર્ગ કરી આપે છે અને આકાશથી પુષ્પવર્ષા થાય છે. આ સામાન્ય દેખાતા સીન પાછળ નાની નાની ટેક્નોલોજીનો કમાલ રહેલો છે જે દર્શકોને એવી મનઃસ્થિતીમાં લાવીને મૂકી દેય છે જાણે તેમની સામે સાચોસાચ આ ઘટના બની રહી છે. 



ટેક્નોલોજીની બાબતમાં મોટાભાગના ડિરેક્ટર, એડિટર, સિનેમેટોગ્રાફર અને ડીઓપીને આપણે એમ કહેતા સાંભળીયે છીએ કે તેઓ પોતાની ફિલ્મમાં એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેઓ મોટા પડદા પર જે વાત રજૂ કરી રહ્યા છે એ ઓડિયન્સ સમજે, જાણે અને સૌથી ખાસ સ્વીકારે એ મહત્વનું છે. એક ફિલ્મની સૌથી મોટી સફળતા એ જ છે કે ઓડિયન્સ ડિરેક્ટર અને લેખક દ્વારા કહેવામાં આવેલી વાતને સહજતાથી સ્વીકારે. આ સ્વીકારવૃત્તિ જેટલી સફળ અને અસરકારક રહેશે એટલી જ વધારે ફિલ્મ સફળ રહેશે. ઉદાહરણાર્થે કહું તો જ્યારે ફિલ્મ ‘કંકુ’ રિલીઝ થઈ ત્યારે કોઈએ એ નહોતું વિચાર્યું કે પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રીને પણ પોતાની માનવીય લાગણીઓ વહેતી મૂકવાનો અને એને છડેચોક સ્વીકારનો હક હોઈ શકે છે. તેમ છતાં રૂઢિવાદી સમાજમાં આ વાત વૈશ્વિકસ્તરે સ્વીકારાઈ અને ફિલ્મ વિશ્વકક્ષાએ સરાહના મેળવી શકી. 



 

બીજુ એક ઉદાહરણ આપણે લઈએ ફિલ્મ ‘ડેની જીગર’ નું જે આ જ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ હતી. ફિલ્મ મેકર્સે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી આ સ્પૂફ ફિલ્મ બનાવી જે ઢોલીવૂડમાં અત્યાર સુધી કોઈએ પણ નહોતી બનાવી. પ્રયાસ વખાણવા લાયક પણ ધારણા પ્રમાણે ફિલ્મ ન ચાલી અને ફ્લોપ થઈ. ફ્લોપ થવાનું મુખ્ય કારણ એ કે ગુજરાતી પ્રજા ફિલ્મના જોનરને સ્વીકારી ન શકી. વાસ્તવમાં ફિલ્મની વાર્તા એકદમ સરળ અને ટિપીકલ બોલીવૂડ મસાલા સ્ટોરી જેવી હતી પણ જે જોનરમાં આ ફિલ્મ બની એ દર્શકોને હજમ ન થઈ. વિલનના ચમચાનો પીછો કરતા કરતા પોલીસ સ્કૂટરથી જીપમાં, જીપથી ટ્રકમાં, ટ્રકથી હેલિકોપ્ટરમાં અને હેલિકોપ્ટરથી સીધો સ્પેશક્રાફ્ટમાં જઈ ચડે એ વાત આપણી ગુજરાતી પ્રજા પચાવી ન શકી. 



જાણીતા ફિલ્મ ક્રિટીક અમૃત ગંગરે એક મુલાકાતમાં ફિલ્મની ટેક્નોલોજી અંગે વાત કરતાં કહ્યું હતું કે ‘આજે જે ફિલ્મો બને છે તેમાં બસ કરોડોની જ વાત છે. તે પછી તેની ટેકનિક અને ટેક્નોલોજી પર વાત આવીને અટકી જાય છે. સમગ્ર કૃતિની વાત કોઈ નથી કરતું. તેમાં પણ આજની ફિલ્મોમાં સમય અને અવકાશનો અભાવ જોવા મળે છે. સમય અને અવકાશને સાંકળવાનું કામ જ સિનેમા કરે છે.’ આ ઉપરાંત અનેક વિવેચકો અને ખુદ ગુજરાતી સિનેમા જગતના સફળ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ એક મુલાકાતમાં આ ટેક્નોલોજી અને ગુજરાતી ફિલ્મોની મર્યાદા વિશે વિગતવાર વાત કરી હતી. ટૂંકમાં આપણે એટલું તો કહી જ શકીયે છીએ ફિલ્મની સફળતા માટે જેટલું અગત્યનું યોગદાન ટેક્નોલોજીનું છે એટલું જ અગત્યનું યોગદાન દર્શકોની સ્વીકારવૃત્તિનું પણ છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’