રફી વિના ગુજરાતી સિનેમા અધૂરો છે

ગુજરાતી સિનેમામાં તેમણે એ સમયે પોતાનું સ્થાન બનાવ્યું જ્યારે મુકેશ, મન્ના ડે, મહેન્દ્ર કપૂર છવાયેલા હતા



ગુજરાતી સિનેજગતમાં ગુજરાતીઓ સહિત અનેક નોન-ગુજરાતી કલાકારો અઢળક યોગદાન આપતા આવ્યા છે. આ યોગદાન એવું તો અદ્ભૂત હતું કે જે-તે કલાકાર ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી તરીકે જ ઓળખાઈ આવે. ગુજરાતી સિનેજગતના સંગીતના પાસાને ધ્યાનમાં રાખીને વાત કરીયે તો મોહમ્મદ રફી એવા જ એક અવ્વલ કક્ષાના ગાયક કલાકાર તરીકે ઉભરાઈ આવે છે, જેમને આમ તો કોઈ ઓળખની જરૂરત નથી પણ તેમના વિના ગુજરાતી સિનેમાજગત જરૂરથી અધૂરુ કહી શકાય. 



ગાયકીના બાદશાહ કહી શકાય એવા મહમ્મદ રફીની હાલમાં 31 મી જુલાઈના રોજ પુણ્યતિથી હતી. 1941માં પોતાની ગાયકીની શરૂઆત કરનાર ‘ફીકો’ (આ તેમનું પેટ નેમ હતું) એટલે કે રફીએ 1945માં કે. અમરનાથ દ્વારા દિગ્દર્શીત અને નૂરજહાં, દુર્ગા ખોટે તેમ જ નાઝીર અભિનીત ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ થી પ્લેબેક સિંગીંગ શરૂ કરી હતી અને આ ગીતને રફીનું પહેલું હિન્દીભાષી ગીત ગણવામાં આવે છે. આ ફિલ્મના સંગીતકાર શ્યામ સુંદર હતા. આ પહેલા 1944 માં નૌશાદના નેજા હેઠળ રફી ફિલ્મ ‘પહેલે આપ’ ફિલ્મ માટે શ્યામ સુંદર, અલ્લાઉદ્દીન અને અન્ય ગાયક કલાકારો સાથે કોરસમાં ‘હિન્દુસ્તાન કે હમ હૈ’ ગીત ગાઈ ચૂક્યા હતા. 

ગુજરાતી સિનેજગતમાં આવતા પહેલા રફી ગુરૂદત્ત અને દેવ આનંદનો અને ત્યાર બાદ શમ્મી કપૂરનો ખાસ અવાજ બની રહ્યા. એસ.ડી. બર્મને જ ગુરૂદત્ત અને દેવ સાહેબ, આ બંને કલાકારો માટે રફીનો અવાજ લગભગ 37 ફિલ્મોમાં વાપર્યો હતો. આ ઉપરાંત તેમણે નૌશાદ માટે 149 સોલો સોન્ગમાંથી અંદાજે 80થી પણ વધારે સોલો સોન્ગ ગાયા હતા. શંકર જયકિશન, રવિ, મદન મોહન, ઓ.પી. નૈય્યર, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને કલ્યાણજી-આણંદજી સહિત સી. રામચંદ્ર, રાજેશ રોશન, રોશન જયદેવ, ખય્યામ, રવિન્દ્ર જૈન, બપ્પી લહેરી, ઉષા ખન્ના, ચિત્રગુપ્ત, એસ.એન. ત્રિપાઠી જેવા અનેક સંગીતકારો માટે ગીતોને સ્વરબદ્ધ કર્યા હતા. 



બોલીવૂડમાં જ્યારે રફીનો સુવર્ણકાળ શરૂ થઈ ચૂક્યો હતો ત્યારે ગુજરાતી સિનેજગત તેમને ગુજરાતી ભાષામાં સાંભળવા તલપાપડ થઈ રહ્યું હતું. આ આતુરતાનો અંત આણ્યો અવિનાશ વ્યાસે. 1960માં મનહર રસકપૂરની સુપરડુપર હિટ ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ માં રફી સાહેબનું લતા મંગેશકર સાથેનું એક યુગલ ગીત માણવા મળે છે જે રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણ પર ફિલ્માવામાં આવેલું છે. ‘મહેંદી રંગ લાગ્યો’ નું એ યાદગાર ગીત એટલે ‘નયન ચકચૂર છે, મન આતૂર છે’. ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’ માં અંદાજે દસેક ગીતો હતા પણ રફી-લતાનું આ ફિલ્મનું આ એકમાત્ર ગીત આજેપણ સાંભળવું એટલું જ ગમે છે, જેટલું પહેલા હતું. 1960 બાદ 1961માં રતિલાલ પુનાતરની ફિલ્મ ‘ચૂંદડી ચોખા’ રિલીઝ થાય છે જેમાં મુખ્ય કલાકાર હતા નિરૂપા રૉય, મનહર દેસાઈ અને અરવિંદ જોશી. આ ફિલ્મમાં બે ગીતમાં રફી સાહેબનો સ્વર સાંભળવા મળે છે. અવિનાશ વ્યાસ સંગીતબદ્ધ થયેલા એ બે ગીત છે -  ‘આંખ મારી એક રાત માટે’ અને ‘મુબારક તમોને એ રૂપિયાની થેલી’. 

1963 માં ફિલ્મ ‘સત્યવાન સાવિત્રી’ માં સંગીતકાર દિલીપ ધોળકિયાએ રફીના સ્વરનો ઉપયોગ કરી ગીત તૈયાર કર્યા. ‘મન મૂંઝારો થાય’ અને લતા મંગેશકર સાથે બે યુગલ ગીતો ‘આવી રસીલી ચાંદની, વનવગડો રેલાવતી’ અને ‘ઓ નાહોલીયા રે’ ઢોલીવૂડને આપ્યા હતા. 1966 ની ફિલ્મ ‘મોટી બા’ માં સંગીતકાર વસંત દેસાઈના નેતૃત્વમાં ‘લખ્યા લલાટે લેખ વીધીના’, 1967 ની ફિલ્મ ‘મોટા ઘરની દીકરી’ (‘સ્નેહ બંધન’) માં દિલીપ ધોળકિયાના સંગીત હેઠળ ‘મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે’, ગીત દર્શકોના મનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. 



બોલીવૂડની જેમ ઢોલીવૂડમાં પણ શાસ્ત્રીય ગીત, ભકિત ગીત, કવ્વાલી, ભજન, ગઝલ અને રોમેન્ટિક સોન્ગ જેવા  વૈવિધ્યસભર ગીતો આપી લોકો વચ્ચે પોતાનું એક આગવું સ્થાન બનાવવામાં રફી સફળ રહ્યા હતા. 1968 માં આવેલી પહેલી ગુજરાતી કલર ફિલ્મ ‘લીલુડી ધરતી’ માં સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ‘અધવચ્ચ ફાટ્યો ડુંગરો’ જેવા સુંદર ગીતમાં રફીના સ્વરનો સારો એવો ઉપયોગ કર્યો હતો. 1969 માં ‘વિધીના લેખ’ ફિલ્મમાં સુરેશ કુમારના સંગીતમાં ‘વિધીએ લખેલી વાત કોઈએ ન જાણી’ અને રવિબાળા સાથે ગાયેલું ગીત ‘મારા પાતડીયા આજ મને કેર કાંટો વાગ્યો’ ગીત સાંભળવા મળે છે. માત્ર આટલું જ નહીં રફી સાહેબના સ્વરમાં ‘રમત રમાડે રામ’ ફિલ્મનું ટાઇટલ સોન્ગ કઈ રીતે ભૂલી શકાય? આ ફિલ્મની સફળતાનું રહસ્ય રફી સાહેબના સ્વરમાં ગવાયેલા આ ગીતમાં જ સમાયેલું છે, જે આજ સુધી અકબંધ રહ્યું છે. 1976 માં આવેલી ફિલ્મ ‘જસમા ઓઠણ’, 1977 માં ‘ચંદુ જમાદાર’, ‘જનમ જનમના સાથી’, 1978 માં ‘પિયર વાટ’, 1979 માં ‘રાજપૂતાણી’ જેવી ફિલ્મોમાં રફીના યુગલ ગીતો સાંભળવા મળે છે. એવામાં એક ગુજરાતી ફિલ્મ એવી પણ રહી જે રિલીઝ ન થઈ શકી પણ એ ફિલ્મના એક ગીતમાં રફી સાહેબના સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ફિલ્મ હતી ‘જે પીડ પરાઈ જાણે રે’. 

ફિલ્મી ઉપરાંત બિનફિલ્મી ગીતોની વાત કરીયે તો ‘કહું છું જવાનીને પાછી વળી જા’, ‘ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું’ અને ‘દિવસો જુદાઈના જાય છે’ જેવા અદ્ભૂત ગીતો અને ગઝલોને શી રીતે વીસરી શકાય? આ ફિલ્મી અને બિન ફિલ્મી ગીતો એવા હતા જેમણે રફી સાહેબની ગુજરાતી સિનેજગતમાં એક અમીટ છાપ છોડવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી સિનેજગતમાં રફી સાહેબે એ સમયે પોતાની ઓળખ બનાવી જે સમયે મહેન્દ્ર કપૂર, મુકેશ, મન્ના ડે, કિશોર કુમાર સહિત અનેક ગાયક કલાકારો પોતાનું એક ભાવજગત વિકસાવી ચૂક્યા હતા. હિન્દી ફિલ્મગીતો અને ગુજરાતી તેમણે ઉપરાંત કોંકણી, ઉર્દુ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તેલુગુ, માગધી, મૈથિલી, આસામી જેવી વિવિધ  ભાષાઓમાં પણ ગીતોને સ્વરબદ્ધ કરી સિનેજગતને એક અનેરો ઓપ આપ્યો છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’