સંજીવ કુમારની છેલ્લી ગુજરાતી ફિલ્મ રહી ‘મારે જાવું પેલે પાર’

આ ફિલ્મ બાદ હરિભાઈ એકપણ ગુજરાતી ફિલ્મ ન કરી શક્યા પણ તેમની આ સફળ ફિલ્મો સિવાય ગુજરાતી ફિલ્મનો ઈતિહાસ જરૂરથી અધૂરો કહેવાય



ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ‘શૈતાન’ (2024) ફિલ્મ રિલીઝ થઈ હતી જે 2023 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશ્યલ રિમેક હતી. આ બંને ફિલ્મમાં વાર્તા ઉપરાંત જાનકી બોડીવાલા કોમન હતી. જાનકીએ પોતે ‘વશ’ માં જે પાત્ર ભજવ્યું હતું એ જ પાત્ર તેણે ‘શૈતાન’ માં પણ ભજવ્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો કે એક જ કલાકારે પોતાનું એકને એક પાત્ર ઓરિજીલ અને રિમેક એમ બંને ફિલ્મોમાં ભજવ્યું હોય એવા કિસ્સા આપણે ત્યાં ગણ્યાગાઠ્યા જોવા મળતા હોય છે. જોકે સંજીવ કુમાર પણ એવા જ કલાકારોમાંના એક છે જેમણે એક જ વાર્તાની ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં વિસ્મૃતિ દોષવાળી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને બંને ફિલ્મોએ સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. બોલીવુડની એ ફિલ્મ એટલે 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલૌના’ અને 1978 માં આવેલી આ જ ફિલ્મની ગુજરાતી રિમેક ‘મારે જાવું પેલે પાર’, જે હરિભાઈની છેલ્લી ગુજરાતી ફિલ્મ બની રહી.



‘મારે જાવું પેલે પાર’ ની વાત શરૂ કરતા પહેલા એ જાણી લઈએ આ ફિલ્મની વાર્તાનો દબદબો વાસ્તવમાં કેટલો હતો અને એ માટે આપણે થોડું ફ્લેશબેકમાં જવું જરૂરી છે. ‘મારે જાવું પેલે પાર’ 1978 માં રિલીઝ થયાના આઠ વર્ષ પહેલા 1970 ની 10 મી એપ્રિલે ‘ખિલૌના’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સંજીવ કુમાર સહિત મુમતાઝ, જીતેન્દ્ર, શત્રુધ્ન સિન્હા, બિપીન ગુપ્તા, દુર્ગા ખોટે, રમેશ દેવ, જયશ્રી ટી., જગદીપ, ચાંદ ઉસ્માની, વિજુ ખોટે જેવા અનેક કલાકારોએ અભિનય કર્યો હતો. ગુલશન નંદાની આ મુખ્ય વાર્તા હોવાને લીધે ફિલ્મ ‘ખિલૌના’ નું સ્ક્રીનપ્લે તેમણે જ લખ્યું હતું પણ ડાયલૉગ્ય આગાજાની કશ્મીરીએ લખ્યા હતા. ચંદેર વોહરા દિગ્દર્શીત આ ફિલ્મને એલ.વી. પ્રસાદે પ્રોડ્યુસ કરી હતી જેમાં સંગીત ગુજરાતી સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. અંદાજે 160 મિનીટની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એ જમાનામાં અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 



 

સંજીવ કુમાર માટે ફિલ્મ ‘ખિલૌના’ એટલા માટે પણ ખાસ રહી કેમ કે આ ફિલ્મને લીધે તેમની હીરો તરીકેની છાપ વધારે પ્રબળ બની. ફિલ્મફેર એવોર્ડ્સમાં ફિલ્મ ‘ખિલૌના’ ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ માટે મુમતાઝને, બેસ્ટ એક્ટર માટે સંજીવ કુમારને, બેસ્ટ કોમેડિયન માટે જગદીપને, બેસ્ટ સ્ટોરી માટે ગુલશન નંદાને અને ‘ખિલૌના જાન કર’ ગીત માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં રફી સાહેબને, એમ કુલ છ નોમિનેશન મળ્યા હતા અને આ છ નોમિનેશનમાંથી બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટ્રેસ માટે મુમતાઝને એવોર્ડ પણ મળ્યો હતો. બેસ્ટ એક્ટરની કેટેગરીમાં એ વખતે સંજીવ કુમારની સામે ‘ગોપી’ ફિલ્મ માટે દિલીપ કુમાર અને ‘સચ્ચા જુઠા’ માટે રાજેશ ખન્ના પણ નોમિનેટ થયા હતા જેમાં રાજેશ ખન્ના વિજેતારૂપે અવ્વલ રહ્યા હતા.




ઘણા ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મ ‘ખિલૌના’ 1963 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘પુર્નજન્મ’ ની રિમેક હતી અને  ‘ખિલૌના’ રિલીઝ થયા બાદ 1976 માં તામિલમાં ‘એન્ગીરુંધો વંધાલ’ અને મલયાલમમાં ‘અમૃતવાહિની’ નામે એકસાથે રિલીઝ કરવામાં આવી હતી. સિલ્વર જુબીલી ઉજવનારી ‘એન્ગીરુંધો વંધાલ’ પણ ફિલ્મફેરનો બેસ્ટ તામિલ ફિલ્મનો એવોર્ડ મેળવવામાં સફળ રહી હતી જ્યારે મલયાલમ વર્જને યેસુદાસના સ્વરમાં ગવાયેલા ગીતોથકી મલયાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી. વાસ્તવમાં આ તમામ ફિલ્મ અને રિમેક ગુલશન નંદાની નવલકથા ‘પત્થર કે હોંઠ’ પર આધારિત હતી.

સ્વાભાવિક છે કે જે ફિલ્મની વાર્તા દરેક ભાષામાં સફળ રહી હોય એના પર વ્યાપારી એવી ગુજરાતી પ્રજાની નજર શી રીતે ન જાય? ‘જીગર અને અમી’ બાદ ચંદ્રકાંત સાંગાણી ફરી એકવાર સંજીવ કુમારને ઢોલીવૂડમાં ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ થકી લઈ આવે છે, જેમાં તેમની સામે મુખ્ય અદાકારા તરીકે અરુણા ઈરાનીને કાસ્ટ કરવામાં આવે છે. ‘ખિલૌના’ માં આ રોલ મુમતાઝે કર્યો હતો. સંજીવ કુમાર અને અરુણા ઈરાની ઉપરાંત ફિલ્મમાં મહેશ દેસાઈ, અરવિંદ પંડ્યા, આશાલતા બિશ્વાસ, સગુણા દેવી, દિનેશ પડીયા, જયાબેન ભટ્ટ, પ્રતાપ સાંગાણી, ઝંખના દેસાઈ તથા મનહર દેસાઈ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની કથા ખુદ ચંદ્રકાંત સાંગાણીએ તૈયાર કરી હતી જ્યારે પટકથા અને સંવાદ ચતુર્ભુજ દોશીએ તૈયાર કર્યા હતા. અવિનાશ વ્યાસે ફિલ્મના ગીતો તૈયાર કર્યા હતા અને ગાયકવૃંદમાં આશા ભોસલે, મહેન્દ્ર કપૂર અને સુલોચના વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એચ.એમ.વી. દ્રારા આ ફિલ્મના ગીતો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 



ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ ના ગીતો ઘણા લોકપ્રિય રહ્યા. મહેન્દ્ર કપૂરના સ્વરમાં સંજીવ કુમાર પર ફિલ્મીત ‘એવું તે કંઈ બને’, અરૂણા ઈરાની પર ફિલ્માવાયેલું ગીત ‘તને કહેતા કહેતા રહી ગઈ મારી પાયલ, ઘાયલ મનની વાત’, મહેન્દ્ર કપૂર અને આશા ભોસલના સ્વરમાં યુગલગીત જે સંજીવ કુમાર અને અરૂણા ઈરાની પર ફિલ્માવાયેલું છે અને સૌથી સફળ રહેલું ગીત ‘તારી ઢીંગલીની સાથે મારો ઢીંગલો રમે’, મનહર દેસાઈ અને ઝંખના દેસાઈ પર ફિલ્માવાયેલું રોમેન્ટિક ગીત ‘મૌસમ સલોની વર્ષાથી ભીની’ તથા સુલોચના વ્યાસના સ્વરમાં ‘લાલ, કેડમાં રૂમાલ લાલ, ચૂડલાનો રંગ લાલ’ આજે પણ લોકહૈયે વસેલા ગીતોમાં સ્થાન ધરાવે છે. મજબૂત કથા, એટલી જ મજબૂત પટકથા અને સૌથી શ્રેષ્ઠ તો ફિલ્મના સંવાદો આપણા હૃદયને ભીંજાવી દે તેવા છે. સસ્પેન્સ અને સંવાદો જ આ ફિલ્મનું શ્રેષ્ઠ પાસું છે. સંજીવકુમાર અને અરૂણા ઈરાનીના સશક્ત અભિનયે આ ફિલ્મને પ્રાણવાન બનાવી છે. ‘કલાપી’ થી શરૂ કરીને ‘મારે જાવું પેલે પાર’ સુધી માત્ર ચાર ગુજરાતી ફિલ્મો કરનારા સંજીવ કુમારે ઢોલીવૂડની એવી ચાર સફળ ફિલ્મો આપી છે જેના વિના ગુજરાતી સિનેમાનો ઈતિહાસ અધૂરો ગણાય અને એમાં પણ પહેલી ફિલ્મ અરૂણા ઈરાની સાથે કર્યા બાદ છેલ્લી ગુજરાતી ફિલ્મ પણ અરૂણા ઈરાની સાથે કરી. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




 

Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’