કરાવે ધાર્યા કામ ને અંતે ‘રમત રમાડે રામ’

સંજીવ કુમારની આ સુપરડુપર હિટ ફિલ્મે ગુજરાતી સિને જગત પર એક એવી છાપ છોડી છે જે આજની તારીખે પણ અકબંધ છે


ગુજરાતી સિનેજગતમાં સંજીવ કુમારની શરૂઆતની બે ફિલ્મ એટલે કે ‘કલાપી’ (1966) અને ‘જીગર અને અમી’ (1970) માં રિલીઝ થયા બાદ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ અંગે મોટાભાગે એમ કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975 માં નહીં પણ 1964 માં રિલીઝ થઈ હતી પણ લેખની શરૂઆતમાં આ વાતની સ્પષ્ટતા કરી દેવી ઘટે છે કે સુહાગ ચિત્ર દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘રમત રમાડે રામ’ 1975ની 17 મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મના સેન્સર બોર્ડ સર્ટિફિકેટમાં પણ આપણને આ તારીખ નોંધાયેલી જોવા મળે છે. 



ફિલ્મ ‘રમત રમાડે રામ’ એક ઉમદા વાર્તા અને કલાકારોથી ભરપૂર સુપરહિટ ફિલ્મ રહી હતી. સંજીવ કુમાર સાથે મુખ્ય અદાકારા હતી પદ્મારાણી જેમણે એકસાથે ‘કલાપી’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મની મુખ્ય જોડી હતી તરલા મહેતા, મહેશ કુમાર અને અરવિંદ પંડ્યાની. આ પાંચ મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં વનલતા મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ, આશુતોષ શાસ્ત્રી, ડી.એસ. મહેતા, ચંપકલાલજી, રજનીકાંત ત્રિવેદી, હિંમત દવે, બાગલા, બાબુ રાજે અને દુલારીએ પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મની કોપી આમ તો સામાન્યપણે ઉપલબ્ધ નથી પણ જેમણે આ ફિલ્મ જોઈ હશે તેમને ખ્યાલ હશે કે ફિલ્મની શરૂઆતમાં જ્યારે ક્રેડિટ નામ આવતા હોય છે એમાં સંજીવ કુમારનું નામ ક્યાંય આવતું નથી. મૂળ વાત એમ છે કે કોઈક કારણસર ફિલ્મની ક્રેડિટમાં સંજીવ કુમારનું નામ સંજય તરીકે લખાયેલું આવે છે. મનુભાઈ પટેલ નિર્મીત ફિલ્મ ‘રમત રમાડે રામ’ ની પટકથા અને સંવાદ જાણીતા એકાંકીકાર અને નાટ્યકાર પ્રબોધ જોષીએ લખ્યા હતા અને ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું દિનેશ રાવળે. સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસે પાંચ ગીતો તૈયાર કર્યા હતા જેમાં આશા ભોસલે, સુમન કલ્યાણપૂર, મન્ના ડે, બદરી પવાર અને મહમદ રફીએ સ્વર આપ્યો હતો. કહેવાની જરૂરત તો નથી પણ આ ફિલ્મના તમામે તમામ ગીત સુપરડુપર હીટ રહ્યા હતા અને આજે પણ આકાશવાણીના માધ્યમે માણવા મળે છે. 



 

ફિલ્મ ‘રમત રમાડે રામ’ ની વાર્તામાં શરૂ થાય છે ગૌરી (તરલા મહેતા) અને શેખર (મહેશ કુમાર)ના પ્રેમ સંબંધથી. ગૌરી ગામની એક સામાન્ય છોરી છે જે શેખર નામના કવિને પ્રેમ કરે છે. ફિલ્મમાં ગૌરીના પિતાની ભૂમિકા વિષ્ણુકુમાર વ્યાસે ભજવી છે અને ભાઈ રવિની ભૂમિકા સંજીવ કુમારે. ભણીગણીને રવિ પોતાના વૃદ્ધ પિતા અને બહેનને ગામડે મૂકી શહેર પૈસા કમાવવા પોતાની દોસ્ત રાધા (પદ્મારાણી) ને ત્યાં જાય છે. શહેરી મેમ રાધા અને રવિ એકમેકને પ્રેમ કરે છે પણ રાધાના પિતા બિઝનેસમેન શ્રીકાંત (અરવિંદ પંડ્યા) ની એક શરત છે કે રાધા સાથે લગ્ન કરનાર છોકરો અનાથ હોવો જોઈએ અને ઘરજમાઈ બની રહેવા તૈયાર હોવો જોઈએ. આ બંને શરત માન્ય કરનારા યુવકને જ નોકરી અને છોકરી મળશે. રવિને આ વાતની જાણ થતાં તે પોતાને અનાથ જણાવી નોકરી અને છોકરી બંને મેળવી લેય છે. 




આ બાજુ ગામડે ગૌરી અને શેખરના લગ્નને શેખરની માની પરવાનગી હોવા છતાં શેખરના બાપા રદિયો આપી દેય છે. વળી ગૌરીના બાપાને માથે રહેલી ઉધારી ચૂકવવા રવિ પાસેથી મનીઓર્ડર પણ ન આવતા તેમણે ઘરબાર છોડવાની પરિસ્થિતી નિર્માણ થાય છે. એવામાં શેખર કવિ તરીકે પોતાને સ્થાપિત કરવા ઘર છોડી શહેરની રાહ પકડે છે અને બીજી બાજુ ગૌરી માટે શહેરના એક શ્રીમંત વિદુરના ઘરથી માંગું આવે છે. પ્રેમી અને સ્વર્ગસ્થ પિતા વિહોણી ગૌરી નછૂટકે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે અને જે સમયે ગૌરીની ડોલી ગામ બહાર નીકળી રહી હોય છે એ જ સમયે ગૌરી સાથે પરણવાના અરમાનો લઈ શેખર ગામડે પાછો ફરે છે. આ હ્યદયદ્રાવક દ્રશ્યને વધારે જીવંત બનાવે છે મન્ના ડેના સ્વરમાં ગવાયેલું ગીત ‘ધીરે ધીરે વાજે વાયરા, ધીરે ધીરે વાજે’ થી શરૂ થઈને રફી સાહેબના સ્વરમાં આગળ વધતું ‘કોઈનું મીંઠણ કોઈને હાથે, કોઈનું ભાવિ કોઈની સાથે, કોઈ ના રથનો કોઈ સારથી, કોઈને હાથ લગામ, આ તો રમત રમાડે રામ’ ગીત, જે કાળજુ ચીરી નાખવાની ક્ષમતા ધરાવે છે. 



રામની રમત વધારે ત્યારે વણસે છે જ્યારે રવિને ખબર પડે છે તેની બહેન ગૌરી શહેરના જે શ્રીમંત વિદુરને પરણી છે એ બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો થનારો સસરો શ્રીકાંત છે, એટલે કે બહેન ગૌરી હવે પોતાના જ સગા ભાઈ રવિની સાસુ પણ બની ચૂકી હોય છે. જોકે રવિ પોતાની હકીકતથી ગૌરીને અવગત કરાવી તેમના સંબંધ ઉજાગર ન કરવાના વચનમાં બાંધી લેય છે. રવિ અને ગૌરી ઘરમાં સમય મળે ત્યારે ભાઈ-બહેન તરીકે વાતચીત કરી લેતા હોય છે પણ તેમની આ વાતચીતને અનૈતિક સંબંધ તરીકે જોવામાં આવે છે અને શંકાનું બીજ વટવૃક્ષ બનતા રાધા રવિ સાથે અને શ્રીકાંત ગૌરી સાથે ઝઘડો કરી નાખે છે. વળી, શ્રીકાંત ગૌરીને ઘર બહાર કરી મૂકે છે એટલે નછૂટકે રવિએ જ બધી હકીકત સામે ચાલીને જણાવી દેવી પડે છે, જેનો શ્રીકાંત અને રાધાને પછીથી વસવસો થાય છે. ગૌરીના શહેરની ગલીઓમાં ચાલતા જતા રફી સાહબેના સ્વરમાં મુખ્ય ગીત ‘રમત રમાડે રામ’ રજૂ થાય છે. ચાલતા ચાલતા તે એવી જગ્યાએ પહોંચી જાય છે જ્યાં ડાઇનામાઇટ લગાડી ખાણ ખોદવામાં આવી રહી હોય છે અને આ કામ પ્રેયસીવિહોણો શહેરમાં સ્થાઈ થયેલો શેખર જ કરી રહ્યો હોય છે. અજાણતા ડાઇનામાઇટના ઘેરાવમાં આવી જવાથી ગૌરીનું મોત થાય છે. તેના છેલ્લા શબ્દો ‘હું કંલકીની નથી’ સાબિતી આપે છે કે એક સ્ત્રીએ પોતાના ચારિત્ર્યની સાબિતી મરણપથારીએ રહીને પણ આપવી પડે છે, એ સિવાય તેના પોતાના સગા પણ તેના પર વિશ્વાસ નથી કરતા. 





માણસ પોતાના જીવનમાં રામનું નામ ભલે ગમે તેટલી વાર લેતો હોય પણ એ રામ જ્યારે પોતાની રમત રમવા બેઠો હોય છે ત્યારે ભલભલાની સાન ઠેકાણે લાવી દેય છે, ક્યારેક કોઈકની મૃત્યુથી, તો ક્યારેક કોઈકના પસ્તાવાથી. ફિલ્મ ‘રમત રમાડે રામ’ માં આશા ભોસલેના સ્વરમાં તરલા મહેતા અને સંજીવ કુમાર પર ફિલ્માવાયેલું રક્ષાબંધન માટેનું ગીત ‘આ લાલ પીળો દોરો, એને તાણેવાણે બાંધુ’, બદરી પવાર અને આશા ભોસલેના સ્વરમાં પદ્મારાણી અને સંજીવ કુમાર પર ફિલ્માવાયેલું રોમેન્ટિક ગીત ‘ઊભી રે બજારે નજર લાગી ગઈ રે રામ નજર લાગી ગઈ, ઉના મારા કાળજાની કોર ભાંગી ગઈ રે રામ નજર લાગી ગઈ’, સુમન કલ્યાણપૂરના સ્વરમાં ‘તૂટી ચૂક્યો છે તાર’ અને મન્ના ડેના સ્વરમાં ‘ધીરે ધીરે વાજે વાયરા, ધીરે ધીરે વાજે’ અને મહમદ રફીના સ્વરમાં ‘આ તો રમત રમાડે રામ’ ગીત યાદગાર બની રહ્યા છે. બાબુ રાજે અને દુલારીની કોમિક ટાઇમિંગ પણ ફિલ્મનું મહત્ત્વનું પાસું રહ્યું છે. ફેમિલી ડ્રામા, રોમાન્સ અને ટ્રેજેડીથી ભરપૂર ફિલ્મ ‘રમત રમાડે રામ’ જોતા જો ફિલ્મના અંતમાં તમારી આંખોમાં જળજળીયા આવી જાય, તો સમજજો કે આ ફિલ્મ સફળ રહી છે અને તમારા મનમાં ઘર કરી ગઈ છે. સંજીવ કુમારની ચોથી ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ ની વાત કરશું આવતા લેખમાં.

- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’