‘કલાપી’ દ્વારા સંજીવ કુમારની થઈ હતી ઢોલીવુડમાં એન્ટ્રી

બોલીવુડમાં અંદાજે પાંચ-છ વર્ષ સ્ટ્રગલ કર્યા બાદ ઢોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ આવે છે ‘કલાપી’ અને આ ફિલ્મ હરિભાઈને એક અનોખી ઓળખ આપવામાં સફળ રહે છે


અભિનયના ક્ષેત્રમાં અનેક એવા કલાકારો થઈ ગયા છે જેમણે અનેક ભાષાની ફિલ્મોમાં અભિનય કરી નામના મેળવી છે. હરિહર જેઠાલાલ જરીવાલા એટલે કે સંજીવ કુમાર એક એવા ગુજરાતી કલાકાર છે જેમણે બોલીવુડની સાથે ઢોલીવુડમાં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો છે. નવમી જુલાઈએ તેમની જન્મજયંતિ આવી રહી છે. 1960થી 1985 એમ કુલ 25 વર્ષના સક્રિય ફિલ્મી સફરમાં અંદાજે 100થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કરવાની સાથે તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી છે, જેમાંની તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મની આજે આપણે વાત કરવાના છીએ. 



મૂળ સુરતના એક બ્રાહ્મણ પરિવારમાં નવમી જુલાઈએ જન્મેલા હરિહરે રંગમંચથી જ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન (ઇપ્ટા) અને ઇન્ડિયન નૅશનલ થિયેટર (આઇએનટી) સાથે જોડાયેલા હરિહરે, બોલીવુડના જાણીતા અભિનેતા અને પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં કપરા દિવસો જોનારા એ.કે. હંગલના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા નાટક ‘ડમરુ’ માં છ બાળકોના પિતા એવા 60 વર્ષના વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. એ વખતે તેમની પોતાની ઉમર 22 વર્ષ હતી. 1960માં શશધર મુખર્જી નિર્મીત અને રામ મુખર્જી દિગ્દર્શીત ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’ માં એક નાનકડી ભૂમિકા દ્વારા તેમણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ડેબ્યુ બાદ તેમને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવતા પાંચથી છ વર્ષ લાગ્યા. 1965માં મુખ્ય હીરો તરીકે તેમની ‘નિશાન’ નામની પહેલી ફિલ્મ આવે છે જેને અસ્પી ઇરાનીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હરીભાઈનો ડબલ રોલ હતો અને તેમની સાથે આ ફિલ્મમાં નાઝીમા, પ્રેમ ચોપરા, મુકરી, હેલન, હિરાલાલ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ જ વર્ષમાં ‘નિશાન’ બાદ હોમી વાડિયા દિગ્દર્શીત ફિલ્મ ‘અલીબાબા ઓર 40 ચોર’ અને આર.એમ. આર્ટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘સ્મગલર’ જેવી ફિલ્મો રિલીઝ થાય છે જે બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ નથી કરી શકતી પણ ત્યાર બાદ આવે છે હરિભાઈની પહેલી ગુજરાતી ફિલ્મ ‘કલાપી’, જેનાથી ઇન્ડસ્ટ્રીમાં તેમની છાપ વધારે મજબૂત થાય છે. 



લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કવિ કલાપીના જીવન પર બનેલી ફિલ્મ ‘કલાપી’, એક બાયોપિક હતી જેને ગુજરાતી સિનેમાના ખ્યાતનામ ડિરેક્ટર મનહર રસકપુર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. કવિ ‘કલાપી’ ના મુખ્ય પાત્રમાં સંજીવ કુમારે જીવ રેડી હતો એમ ચોક્કસ કહી શકાય. કવિ ‘કલાપી’ની ધર્મપત્ની રમાનું પાત્ર પદ્મારાણી અને પ્રેયસી મોંઘી એટલે કે શોભનાનું પાત્ર અરુણા ઈરાનીએ ભજવ્યું હતું. આ સાથે ફિલ્મમાં વિષ્ણુકુમાર વ્યાસ, પ્રતાપ ઓઝા, પી. ખસરાણી, નંદિની દેસાઈ, મધુમતી, જેવા અનેક કલાકારો જોવા મળ્યા હતા. કથા અને સંવાદ પ્રબોધ જોષીએ તૈયાર કર્યા હતા. કવિ કલાપીની કવિતાઓનો પણ આ ફિલ્મમાં ક્ષણે ક્ષણે અદ્ભૂત પ્રકારે સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ માટે તેમનું નામ ગીતકાર તરીકે ક્રેડિટમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું. ફિલ્મના અન્ય ગીતો અવિનાશ વ્યાસે તૈયાર કર્યા હતા અને સંગીતકાર તરીકેની જવાબદારી પણ તેમણે જ પાર પાડી હતી. 

ફિલ્મ ‘કલાપી’ની શરૂઆતમાં લાઠીના આ રાજવી કવિના વતન લાઠીની કરૂણ વાસ્તવિકતા બતાવવામાં આવી છે અને કલાપીના સમાધિસ્થાનના દર્શન કરાવી ફિલ્મ આગળ વધારવામાં આવે છે જેમાં શરૂઆત કવિના રમા સાથેના લગ્નથી થાય છે. રાજવી કવિ કવિતા કરવામાં કેવા તરબતોડ રહે છે એની છાપ ઘણી સારી રીતે દર્શાવવામાં આવી છે. વળી ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં મનહર રસકપુરને સો માંથી સો પૂરા માર્ક દેવા ઘટે એમ છે. ફિલ્મના એક સીનમાં કવિ કલાપી એટલે કે સંજીવ કુમાર રમાને એટલે કે પદ્મારાણીને પોતાની કવિતા ‘મુબારક હો તમોને તમારા આ ઈશ્કના રસ્તા’ સંભળાવે છે, એ સમયે માત્ર દીવાની જ્યોતના પ્રકાશમાં આ બંને કલાકારો પર સીન શૂટ કરવામાં આવ્યો છે અને લાઇટિંગરૂપે દીવાનો શાનદાર રીતે વપરાશ કરાયો છે. વળી, એ જ સમયે હાથમાં દૂધનો ગ્લાસ લઈને ઊભેલી રમાની આંખમાંથી ટપકતા આંસુનું દૂધના ગ્લાસમાં પડવાની ક્ષણને પણ કેમેરામાં ઝીલી લેવામાં આવી છે. આવી અનેક નાની ક્ષણોને ફિલ્મમાં ઘણી સાદગીથી વણી લેવામાં આવી છે અને કલાકારોએ એમાં જરાય પાછીપાની નથી કરી. 



મોંઘી (અરુણા ઈરાની) કવિ કલાપીથી નજરો ચૂરાવાનો નિરર્થક પ્રયાસ કરે છે પણ કવિ તેને પ્રેમભરી નજરોથી નિરખ્યા જ કરે છે એ સરળ દ્રશ્ય પણ દિગ્દર્શકના કેમેરાથી આકર્ષકપણે ઉપજી આવે છે. સામાપક્ષે પત્ની અને પ્રેયસી વચ્ચે ફસાયેલા આ કવિની મનોવેદના બેએક મિનીટના ડાન્સ સિકવન્સ દ્વારા ફિલ્મમાં વ્યક્ત કરવામાં આવી છે. ટૂંકમાં ફિલ્મના એવા અનેક દ્રશ્યો છે જેને વધુ માર્મિક, જીવંત અને સચોટ બનાવવામાં કવિ કલાપીની પંક્તિઓએ યોગદાન આપ્યું છે, ખાસ કરીને ફિલ્મના અંતમાં કવિ કલાપીની બે ભિન્ન ભિન્ન પંક્તિઓને એક પછી એક કુરણતાસભર વિરોધાભાસી લાગણીઓ વ્યક્ત કરવા વાપરવામાં આવી છે, એ બે પંક્તિઓ છે – ‘રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈક ગાજો’ અને ત્યાર બાદ ‘અજાયબ સ્નેહના રસ્તા! અજાયબ ગાંઠ પ્રેમીની! ખુમારીને ખુવારી છે: અજાયબ પ્રેમીની મસ્તી!’ અને આ પંક્તિઓ સાથે સમાપ્ત થતી ફિલ્મ ‘કલાપી’ વાહવાહી મેળવવાની શા માટે હકદાર છે, એ સાબિત થાય છે.



ગીતોની વાત કરીયે તો આનંદ મારવાડીના સ્વરમાં સંજીવ કુમાર અને પદ્મારાણી પર ફિલ્માવેલી કવિ કલાપીની કૃતિ ‘પેદા થયો છું ઢુંઢવા તુંને, સનમ!, ઉમ્મર ગુઝારી ઢુંઢતાં તુંને સનમ!’, કૃષ્ણા કલ્લેના સ્વરમાં મધુમતી પર ફિલ્માવેલું ગીત ‘થોડી થોડી થાય મહેરબાની’, આશા ભોસલેના સ્વરમાં સંજીવ કુમાર અને અરુણા ઈરાની પર ફિલ્માવેલું ‘ઓછું પડે તો માફી દઈ દ્યો, મસ્તક તમારે ચરણે ઝૂક્યું છે’, ‘બોલો વસી શું ક્યાં જઈ, છોડી તમારા મહેલને, આકાશમાંના આ જહાનમાં ન કબરમાં છે જગા’, ‘હા પસ્તાવો વિપુલ ઝરણુ, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’, મહેન્દ્ર કપૂરના સ્વરમાં સંજીવ કુમાર અને અરુણા ઈરાની પર ફિલ્માવેલી રચના ‘અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ’, મહેન્દ્ર કપુર અને કૃષ્ણા કલ્લેના યુગલ સ્વરમાં ‘ગુનેહગારી હમારી એ’ અને મહેન્દ્ર કપુરના સ્વરમાં આજ સુધી આપણને કવિ કલાપીની યાદ અપાવતી યાદગાર કૃતિ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ ફિલ્મને ચાર વેંત ઉંચી લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવે છે. 1960-70નો જમાનો એવો હતો કે ત્યારે ગ્રામોફોન રેકોર્ડ્સ ચલણમાં હતી. ફિલ્મના તમામ ગીતોની ગ્રામોફોન રેકોર્ડ હિઝ માસ્ટર વોઇસ એટલે કે એચ.એમ.વી.એ બહાર પાડીને ધૂમ કમાણી કરી હતી.



ઉલ્લેખનીય છે કે કવિ કલાપીના જીવન પર ફિલ્મ બનાવવા માટે ફિલ્મમેકર્સે હીઝ હાઇનેસ લાઠી ઠાકોર સાહેબ શ્રી પ્રહ્લાદ સિંહજીની મંજૂરી લીધી હતી અને કુમાર શ્રી મંગલસિંહજીની મદદથી કવિ કલાપીના જીવન કવન માટે અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. ફિલ્મની શરૂઆતમાં પણ આ વાતની ખાસ નોંધ લેવામાં આવી છે. નોંધનીય છે કે ઢોલીવુડમાં 1960-70ના સમયમાં ધાર્મિક વિષયો પર ફિલ્મ વધારે બનતી એમાં મનહર રસકપુર કલાપીની બાયોપિક રિલીઝ કરીને દર્શકોને કંઈક નવું પીસવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ ‘કલાપી’ બાદ સંજીવ કુમારની બીજી ગુજરાતી ફિલ્મ આવે છે છેક ચાર વર્ષ પછી, એ ફિલ્મ અને એના રોચક કિસ્સાઓ વિશે વાત કરીશું આવતા લેખમાં.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’