‘જીગર અને અમી’ એટલે વાર્તા અને ગીત-સંગીતની સુપરહિટ જુગલબંદી

લાગણીઓના દરિયામાં તરબતોડ કરી દેતી આ ફિલ્મે ઢોલીવુડમાં સંજીવ કુમારની ફેન ફોલોઇંગ વધારી દીધી અને ચાર વર્ષનો વનવાસ જાણે ક્ષણભરમાં ભૂલાવી દીધો


મનહર રસકપૂરની 1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી અભિનેતા તરીકે સંજીવ કુમારની છાપ વધારે વખણાવા લાગી હતી. તેમ છતાં તેમની બીજી ગુજરાતી ફિલ્મ જોવા ચાહકોએ ચાર વર્ષનો ઇંતેજાર કરવો પડ્યો હતો. સંજીવ કુમારની આ બીજી ગુજરાતી ફિલ્મની વાત કરતાં પહેલા એ જાણી લઈએ 1966થી 1970 સુધી તેમની કઈ કઈ ફિલ્મોએ રિલીઝ થઈ. 



 

1966માં ‘કલાપી’ ફિલ્મ રિલીઝ થયા બાદ એ જ વર્ષે સંજીવ કુમારની ‘હુસ્ન ઔર ઈશ્ક’ અને ‘બાદલ’ એમ બે હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. 1967માં ‘આયેગા આનેવાલા’, ‘નૌનિહાલ’, ‘ગુનેહગાર’, અને ‘છોટી સી મુલાકાત’ એમ ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી જ્યારે 1968માં ‘સંઘર્ષ’, ‘શિખર’, ‘રાજા ઔર રંક’, ‘અનોખી રાત’, ‘આશીર્વાદ’ સહિત કુલ 10 ફિલ્મો તેમણે આપી હતી. 1969નું વર્ષ સંજીવ કુમાર માટે વધારે સફળ રહ્યું કેમ કે એ વર્ષે તેમણે ‘બંધન’, ‘ઉસ રાત કે બાદ’, ‘સચ્ચાઈ’, ‘જીને કી રાહ’, ‘ધરતી કહે પુકાર કે’, ‘ચંદા ઔર બિજલી’ જેવી 11 ફિલ્મો કરી જેમાંની બે-એક ફિલ્મોમાં તેમણે મહેમાન કલાકાર તરીકે યોગદાન આપ્યું હતું. બોલીવુડની અઢળક ફિલ્મોમાં કામ કરવાને લીધે તેઓ ગુજરાતી સિનેજગતને વધારે સમય ફાળવી શક્યા નહોતા તેમ છતાં તેમણે જેટલી પણ ગુજરાતી ફિલ્મો કરી એ દરેકે દરેક ફિલ્મ સફળ રહી અને એવી જ સફળ ફિલ્મ રહી 1970માં આવેલી ‘જીગર અને અમી’. 



ફિલ્મ ‘જીગર અને અમી’ નામ સાંભળતા જ આંખ સામે માસૂમ હાવભાવ સાથે સંજીવ કુમાર અને કામણગારી નજરો ધરાવતી કાનન કૌશલ અચૂક આવી જાય અને શ્રવણપટ ફિલ્મનું યાદગાર ગીત- સંગીત ગણગણાવા લાગે. ફિલ્મ ‘જીગર અને અમી’ સત્યઘટના પર આધારિત એવી રોમેન્ટિક વાર્તા છે જેના રચૈયતા ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ છે. નવલકથા રૂપે ‘જીગર અને અમી’નો પૂર્વાધ 1943માં પ્રકાશિત થયો હતો જ્યારે 1944માં ઉત્તરાર્ધ દ્વિતીય અને તૃતીય દર્શન પ્રકાશિત થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લેખકના કહેવા પ્રમાણે અમદાવાદમાં પંડિત વિશ્વંભર મોક્ષાકરને નામે જાણીતા થયેલા કથાનાયક વિશ્વંભરની નોંધ પરથી અને તેમની અનુમતિથી આત્મકથન સ્વરૂપમાં આ વાર્તા, જે  સત્યઘટનાત્મક છે, નવલકથારૂપે લખવામાં આવી હતી. આ નવલકથા આગળ જતા ગુજરાતી પાક્ષિક ‘પ્રજાબંધુ’માં પણ પ્રગટ થઈ હતી. પ્રેમ, પ્રણય, ઈર્ષ્યા-દ્વેષ, દંભ, કરુણા, પક્ષપાત અને વૈરાગ્ય સુધીની તમામ લાગણીઓ અહીં આ વાર્તામાં પીરસેલી હતી જેને લીધે આ નવલકથા જેટલી લોકપ્રિય રહી હતી, તેટલી જ જૈન સાધુસમાજની ટીકાને કારણે ઊહાપોહ સર્જનારી પણ રહી હતી. અત્યાર સુધીમાં પૂર્વાર્ધનાં 15 અને ઉત્તરાર્ધનાં 17 મુદ્રણ થયાં છે.



હવે વાત કરીયે ‘જીગર અને અમી’ ફિલ્મની. 1970માં આવેલી આ ફિલ્મ સંજીવ કુમારની બીજી ગુજરાતી ફિલ્મ હતી જે અત્યંત લોકપ્રિય નીવડી હતી. ચંદ્રકાન્ત સાંગાણી નિર્મીત અને દિગ્દર્શીત આ ફિલ્મમાં સંજીવ કુમારની સામે મુખ્ય અદાકારા હતી કાનન કૌશલ અને તેમની સાથે દીના પાઠક (દીના ગાંધી), પ્રતિમા દેવી, ઈંદિરા મહેતા, જયાબેન ભટ્ટ, નંદિની દેસાઈ, જમુના મર્ચંટ, વિષ્ણુકુમાર વ્યાસ, ગિરીશ દેસાઈ, અનિલ મહેતા, દેવેન્દ્ર પંડિત, જીતુ સંઘવી, ફિરોઝ ઈરાની, તરુણ નાયક સહિત 1970 માં જ પોતાનો ગુજરાતી ફિલ્મોનો સફર શરૂ કરનારા નરેશ કનોડિયાએ નાનકડી ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘કલાપી’ની માફક ‘જીગર અને અમી’માં પણ મધુમતીનો એક ડાન્સ સોન્ગ સામેલ કરવામાં આવ્યો હતો, જેનો ઉલ્લેખ આપણે આગળ કરીશું. ફિલ્મની મૂળ વાર્તા તો ચુનીલાલ શાહની હતી પણ ફિલ્મ માટેની પટકથા ખુદ ચંદ્રકાન્ત સાંગાણીએ તૈયાર કરી હતી અને સંવાદો અનિલ મહેતાએ લખ્યા હતા. વાર્તાને બાદ કરીયે તો ફિલ્મ ‘જીગર અને અમી’નું સૌથી પ્રબળ પાસુ હતું એના ગીત અને સંગીત. એક સાહિત્યકારની કૃતિને ગીતોમાં ઢાળવાનું કામ પણ એક સાહિત્યકારે જ પાર પાડ્યું હતું. બરકત વિરાણી ‘બેફામ’ અને કાંતિ અશોકે મળીને ફિલ્મના ગીતો રચ્યા, જે આગળ જઈને યાદગાર બની જવાના હતા અને સંગીત આપ્યું હતું નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કુમારે. ફિલ્મના મુખ્ય ગાયક કલાકારો હતા મુકેશ, સુમન કલ્યાણપૂર, મનહર, ઉષા મંગેશકર, મહેશ કુમાર, કૃષ્ણા કલ્લે, સુલોચના વ્યાસ અને મન્ના ડે. 



ફિલ્મની શરૂઆત મૃત્યુ પામેલી ચંદ્રાવલી એટલે કે અમીની શોધમાં વૈરાગી બનીને ભટકતા વિશ્વંભર એટલે કે જીગરથી થાય છે અને તેની આ વાર્તા ફ્લેશબેકમાં જાય છે. સુખી સંપન્ન પરિવારના સૌથી નાના નબીરા જીગરના લગ્ન અમી સાથે નક્કી થયા હોય છે પણ બાલીશતાને કારણે તે ઘર છોડીને ભાગી જાય છે, ભણતો નથી, જેવી અનેક હરકતો કર્યે જાય છે. એક નાનકડા અકસ્માત બાદ તેની પત્ની ચંદ્રાવતી એટલે કે અમી સાસરે આવી જાય છે અને ઘર સંભાળી લેય છે. ભાભી અને નણંદબાનો સંબંધ બહેનપણીથી પણ આગળ વધીને ઘણો ગાઢ બને છે પણ ઘરમાં મુખ્ય કંકાસનું કારણ છે મોટા દિકરાની વિધવા વહુ અને જીગરની ઓરમાન મા જીયા (દીના પાઠક), જે ગરીબ ઘરની હોવાથી પોતાને સાસરીયામાં ઉચિત માન-સન્માન ન મળતું હોવાનો વારંવાર આક્ષેપ મૂકતી હોય છે. આ ઓરમાન માનું વચલા દીયર વેણીશંકર સાથે આડો વ્યવહાર હોય છે. 



ઘરમાં સતત થતા કંકાસ અને પ્રંપચને લીધે જીગરના દાદાનું મોત થાય છે. થોડા સમય બાદ જીયા અને વેણીશંકરના પ્રેમપ્રસંગને પણ જીગર પકડી પાડે છે. તેને પોતાના માર્ગેથી હટાવવા અને બધી મિલકત પોતાના નામે કરવા જીયા દૂધમાં ઝેર ભેળવી અમીના હાથે મોકલે છે જેને નણંદબા જોઈ જાય છે અને અમીને જણાવે પણ છે. તેમ છતાં પ્રેમમાં ઘેલી અમી જીગરને એ દૂધ ન આપતા પોતે પી જાય છે અને મોતને ભેટે છે. અમીની આવી વસમી વિદાયથી વૈરાગી બનેલો જીગર ઘરપરિવાર છોડી જતો રહે છે અને વર્ષો બાદ પુર્નજનમ લઈને આવેલી અમી, પુષ્પા નામે મળે-ન મળે છે. પુષ્પાના પિતાએ તેના લગ્ન એક શ્રીમંત પરિવારના નબીરા સાથે નક્કી કર્યા છે અને તે પુર્નજનમ જેવી કોઈ વાતમાં માનતા ન હોવાને લીધે પુષ્પાને વૈરાગી બનેલા જીગર સાથે પરણવા નથી દેતા અને લગ્નની ચોરીમાં બેસવા જતા પહેલા પુષ્પા ફરીથી જીગરને એકલો મૂકી મોતને ભેટી પડે છે અને પુષ્પાની અંતિમ યાત્રા સાથે ફિલ્મ સમાપ્ત થાય છે. 



  


ફિલ્મના દમદાર ડાયલોગ્સ ‘ગંગાના પાણીને માથે ચડાવાય, એનો ઉપભોગ ન કરાય’, ‘વડિલોની મર્યાદા જાળવે તો સારુ, વડિલો મર્યાદામાં રહે તો સારું’ જેવા વાદવિવાદના ડાયલોગ્સ ફિલ્મ અને વાર્તાને વધારે રોચક બનાવે છે. ગીતની વાત કરીયે તો ફિલ્મમાં માત્ર ચાર ગીત છે અને ચારેય સુપરહિટ તથા આજેય સાંભળવા ગમે એવા છે. મધુરજનીની રાતે પ્રણયની લાગણીઓ વ્યક્ત કરતું મનહરના સ્વરમાં સંજીવ કુમાર અને કાનન કૌશલ પર ફિલ્માવાયેલું ‘મારી પરવશ આંખો તરસે, રૂપ માઝા મૂકીને વરસે’, જીગરના મનચલા દોસ્ત જ્યોતિષ એટલે કે નરેશ કનોડિયા અને મધુમતી પર ફિલ્માવાયેલો મુજરો ‘કંઈક આવે છે અહીં, પાછા સિધાવી જાય છે, બે ઘડી માટે, હસીને રડાવી જાય છે’, સહિત મન્ના ડેના સ્વરમાં વૈરાગી જીગર એટલે કે સંજીવ કુમાર પર ફિલ્મીત ‘ગગન ધરતી પર્વત પર્વત, નિરંતર પ્રેમ વરસાવે, ઓ મન બહેલાવે, જીવન સજાવે’ ગીત ધુમ મચાવે છે. 

તેમ છતાં આ ત્રણેય ગીતોથી ચડિયાતું ગીત છે ‘સજન મારી પ્રિતડી સદીયો પુરાણી, ભૂલેના ભૂલાશે પ્રયણ કહાણી’. આ એકમાત્ર ગીત ફિલ્મમાં પાંચ વખત અલગ અલગ સિચ્યુએશનમાં વપરાયું છે. જીગર અમીને શોધતો હોય ત્યારે એક મહેફિલમાં આ ગીત ગાય છે, જેમાં મુકેશે સ્વર આપ્યો છે. આ ગીતથી જ ફિલ્મની મુખ્ય શરૂઆત થાય છે. ગેરસમજને લીધે અમીના ચારિત્ર પર શંકા કરતા જીગરને પસ્તાવો થાય છે ત્યારે અને જીગરના માટે બનેલો દૂધનો ઝેરી ગ્લાસ પોતે પીને અમી મરણપથારી સ્વીકારે છે ત્યારે અને ફિલ્મના અંતમાં પુષ્પા ફરીથી મોતને વળગે છે ત્યારે એમ ત્રણ વખત આ ગીત વાપરવામાં આવ્યું છે. કરુણાંતિકા સાથે એકલા રહી ગયેલા જીગરની કથની વ્યક્ત કરવા ફિલ્મનો અંત પણ આ જ ગીતથી કરવામાં આવ્યો છે. ટૂંકમાં ચંદ્રકાન્ત સાંગાણીની આ કલા જ છે કે તેઓ ફિલ્મની શરૂઆત એકલા પડેલા જીગરથી કરે છે અને અંત પણ એકલા રહી ગયેલા જીગરથી જ થાય છે. આ ઉપરાંત બંને સમયે તેની લાગણીઓ પણ એક જ ગીત દ્વારા પણ અલગ અલગ અંતરા સાથે રજૂ કરવામાં આવે છે. વળી, ફિલ્મમાં કેમેરા એન્ગલ અને ખાસ કરીને લોન્ગ શૉટ અને મુખ્ય કલાકારોના ક્લૉઝઅપ શૉટનો ઘણો સારો પ્રયોગ કરવામાં આવ્યો છે. 



ફિલ્મ ‘જીગર અને અમી’ સંજીવ કુમાર માટે ગુજરાતી સિનેમા જગતમાં સુપરહિટ સાબિત થાય છે અને આજે પણ પરિવારસાથે બેસીને માણવી ગમે એવી શુદ્ધ મનોરંજન પીરસતી ફિલ્મ છે. 1970 સુધીમાં સંજીવ કુમારે બોલીવુડમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથરી દીધા હતા. ઢોલીવુડમાં સંજીવ કુમારે પહેલી ગુજરાતી ફિલ્મ 1966માં આપ્યા બાદ ચાર વર્ષે બીજી ફિલ્મ આપી અને એથી પણ આગળ જઈએ તો આ બીજી ફિલ્મના પાંચ વર્ષ બાદ તેમની ત્રીજી ફિલ્મ આવે છે ‘રમત રમાડે રામ’, જેની વિગતવાર વાત કરીશું આવતા લેખમાં. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’