નિર્વ્યસની + સાહિત્યપ્રેમી + ફૂડી = મલ્હાર ઠાકર

‘છેલ્લો દિવસ’ મળી તો ખરી પણ એક શરત સામે હતી આ ઉપરાંત એક એવી ફિલ્મ ઓફર થઈ જે કો’ક કારણસર ન કરી શક્યો અને પછીથી એ જ ફિલ્મ બની ઢોલીવુડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ... કઈ છે એ ફિલ્મ? 


જે પ્રમાણે બોલીવુડમાં કોઈ પાત્રનું નામ વિજય હોય તો અમિતાભ બચ્ચન યાદ આવે, રાહુલ હોય તો શાહરૂખ ખાન યાદ આવે એમ ઢોલીવુડમાં જો કોઈ વિકી નામ કહે તો મલ્હાર ઠાકરનું નામ અચૂક યાદ આવે. જી હા, આજે ગુજરાતી દર્શકોના લોકલાડિયા અભિનેતા અને નિર્માતા મલ્હાર ઠાકરનો જન્મદિન છે અને આજે આપણે મલ્હાર ઠાકરની કેટલીક અજાણી વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું. 




આજની ગુજરાતી યુવા જનતાના મન પર મલ્હાર ઠાકરનું એકચક્રી શાસન છે. ગુજરાતના સિદ્ધપૂર ખાતે 1990માં મલ્હાર ઠાકરનો જન્મ થયો. પિતા સરકારી નોકરી કરતા જ્યારે માતા એનજીઓમાં સર્વિસ કરતા. સિદ્ધપૂરથી અમદાવાદ સ્થાયી થયેલા મલ્હારનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં થયું અને ત્યારબાદ એચ. કે. કોલેજની આર્ટ્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું. આ કોલેજમાં પણ મલ્હારે એડમિશન ખાસ એટલા માટે લીધું હતું કારણ કે અહીં જાણીતા લેખક, ડિરેક્ટર, કવિ સૌમ્ય જોશી ભણાવતા હતા અને તેમના માર્ગદર્શનમાં તૈયાર થવાની મલ્હારને ભારે ઈચ્છા હતી. જોકે આ ઈચ્છા પહેલા જ શાળામાં ભણતી વખતે મલ્હાર પર્ફોર્મિંગ એક્ટિવિટીમાં ભાગ લીધા કરતો, ક્યારેક ગરબામાં તો ક્યારેક બાળનાટકમાં. ભાર્ગવ જોશી, ચંદ્રકાંત ઠક્કર સાથે પણ તેણે અનેક બાળનાટકો કર્યા હતા. ધીરે ધીરે કલાની આ નાટ્ય પ્રવૃતિમાં રસ કેળવાતો ગયો અને બારમા પછીનું ભણતર પૂરુ કરવા 17 વર્ષની ઉંમરે મલ્હાર આવી પહોંચ્યો મુંબઈ. 

માયાનગરી મુંબઈ આવી તેણે એડવર્ટિસમેન્ટની ડિગ્રી મેળવી. ડિગ્રીના બીજા વર્ષથી તેણે નાટ્યક્ષેત્રે ખરી સ્ટ્રગલ શરૂ કરી અને નાટકોમાં નાન-નાના રોલ કરતો ગયો. ‘ગાંધી બિફોર ગાંધી’ મલ્હારનું પહેલું વ્યાવસાયિક નાટક હતું જેમાં તેને 450 રૂપિયાનું મહેનતાણું મળેલું. આ નાટકમાં બે લીડ કેરેક્ટર અને અંદજે ચૌદ-પંદર નાના આર્ટિસ્ટ હતા જે ત્રણ-ચાર પાત્ર ભજવતા, મલ્હાર તેમાંનો એક. કોલેજકાળ દરમ્યાન નાટ્યસ્પર્ધા જોવા જવી, તેમાં ભાગ લેવો એ તેના રેગ્યુલર કામ રહેતા. અભિનય માટેનું ગાંડપણ એવું કે મલાડથી નાયગાવ પ્રેક્ટિસ માટે જતો, સવારે સાડા છ વાગે ઘરેથી નીકળેલો મલ્હાર રાતના અગિયાર-સાડા અગિયારે ઘરે પાછો ફરે. 



કહેવાય છે ને કે આ માયાનગરી મુંબઈ દરેકના સપના પૂરા કરે છે પણ એ માટે ઘણો પરિશ્રમ પણ કરાવે છે અને કપરા દિવસો પણ બતાવે છે. નાટકોની પ્રેક્ટિસના એવા એક દિવસે આ મુંબઈએ મલ્હારને કપરા દિવસનો અનુભવ કરાવ્યો. મલ્હાર જે ભાડાના ઘરમાં રહેતો એ તેણે રાતોરાત ખાલી કરવું પડ્યું અને રાતવાસો કરવા કાંદિવલીમાં રહેતા નાટક ગ્રુપના એક મિત્ર પૌરવ શાહની મદદ માંગવી પડી અને પૌરવે મલ્હારને પોતાના કાંદિવલીમાં આઠ-દસ વર્ષથી બંધ રહેલા ઘરમાં થોડા દિવસ રહેવાની સગવડ કરી આપી. મલ્હારે પોતે સ્વીકારે છે કે આ એક એવી ઘટના હતી જેણે તેને રડતો મૂકી દીધો હતો. આવા કપરા સમયે પણ મલ્હાર ચિંતીત જરૂર થયો હતો પણ નેગેટિવ વિચારધારાવાળો નહોતો હતો. મુંબઈમાં એ સમયે મલ્હારે અંદાજે સાતેક ઘર બદલ્યા હતા. પૌરવ સાથેની તેની દોસ્તી આજે પણ અકબંધ છે. જોકે ફિલ્મ અને નાટ્યજગતના જાણીતા એક્ટર, ડિરેક્ટર, રમેશ તલવારે મલ્હારને નાટકો દરમ્યાન ઘણો પ્રેરિત કર્યો હતો અને મુંબઈ ન છોડવાની સલાહ આપી હતી. 

નાટકોમાં મલ્હારને ધીમે ધીમે કામ મળવા લાગ્યું હતું. સૌમ્ય જોશીના એક નાટકમાં કામ કરવા ખુદ સૌમ્ય જોશીએ મલ્હારને ફોન કર્યો હતો. આ નાટક જોવા આવેલા દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે કર્ટન કોલ બાદ મલ્હારની પાસે જઈ તેના અભિનયના વખાણ કર્યા હતા. મલ્હારના મનપસંદ નાટકની વાત કરીયે તો 1832માં જન્મેલા જાણીતા પત્રકાર, સમાજ સુધારક કરસનદાસ મૂળજીના જીવનની આસપાસ તૈયાર થયેલી વાર્તામાં મૂળ કરસનદાસ મૂળજીનું પાત્ર ભજવવાની તક મળી હતી. આ નાટક સૌમ્ય જોશીએ લખ્યું હતું. ‘મહારાજ’ નામના આ નાટક માટે અંદાજે 80-90 દિવસ તૈયારી થઈ હતી પણ બદનસીબે આ નાટક જાહેર જનતા સુધી પહોંચી શક્યું નહીં અને અંદાજે 30-40 પ્રયોગ કરી કેટલાક કારણોસર બંધ કરી દેવામાં આવ્યું. અનેક ચડતી-પડતી સાથે મલ્હારે અંદાજે નવ વર્ષ સુધી રંગભૂમિની સેવા કરી. રંગકર્મી સંજય ગોરડિયા સાથે ‘મારી વાઇફ મેરી કોમ’, દિગ્ગજ અદાકારા પદ્મારાણી સાથે ‘મારી મમ્મી મધર ટેરેસા’, ‘ફાઇવ સ્ટાર આન્ટી’, ‘મમ્મી મને માફ કરી દે’ જેવા નોંધનીય નાટકોમાં પણ મલ્હારે અભિનય કર્યો છે. 



વાચકોને ભાગ્યે જ ખબર હશે કે મલ્હાર ઠાકરે નાટકો બાદ અને ફિલ્મો શરૂ કરતા પહેલા ટીવી સિરીયલ્સમાં પણ અભિનય કર્યો છે. મલ્હારને ટીવી સિરીયલમાં કામ કરવાની પહેલી મોટી તક હેટ્સ ઑફ પ્રોડક્શનના કર્તાહર્તા જે.ડી. મજીઠીયાએ આપી. 2012-13માં સોની ચેનલ પર પ્રસારિત થતી સિરીયલ ‘બ્યાહ હમારી બહુ કા’ માં મલ્હાર નાના-નાના રોલ કરતો થયો. આ વાર્તા આશિત કાપડિયાએ લખી હતી અને દિગ્દર્શન ધવલ શુક્લાએ કર્યું હતું. આ સિરીયલ પહેલા 2009માં હેટ્સ ઑફ પ્રોડક્શનની જ સિરીયલ ‘સુખ બાય ચાન્સ’ માં મલ્હાર પિત્ઝા ડિલિવરી બોય જેવા નાના રોલ કરતો. 



 

ફિલ્મ જગતની વાત કરીયે તો ‘કેવી રીતે જઈશ’ (2012) મલ્હારની પહેલી ગુજરાતી ફિલ્મ કહેવાય જેમાં તેનો રોલ માત્ર એક દ્રશ્ય પૂરતો હતો. પણ જે ફિલ્મથી મલ્હારને ખરી ઓળખ મળી, વિકી નામ મળ્યું અને ઢોલીવુડમાં તેનો સિતારો ચમકવાનો શરૂ થયો એ ફિલ્મ એટલે ‘છેલ્લો દિવસ’ (2015). મલ્હારને આ ફિલ્મ મળવા પાછળ એક રોચક કિસ્સો છે. ‘છેલ્લો દિવસ’ ફિલ્મનું કાસ્ટિંગ અભિષેક શાહ સંભાળતા હતા જેમની સાથે મલ્હારે ‘મારો પ્રિય મિત્ર’ નામનું એક નાટક કર્યું હતું. એક દિવસ મલ્હારને અભિષેકનો ફોન આવે છે અને એક ફિલ્મ બની રહી હોવાની વાત કરે છે. સ્વાભાવિકપણે મલ્હાર ઓડિશન માટે જાય છે અને ઓડિશન સારું રહે છે. કેટલાક દિવસ બાદ એક ખાસ ફોન આવે છે અને તેને મિટીંગ માટે બોલવવામાં આવે છે. મલ્હારનું વજન એ સમયે વધારે હોવાને કારણે ફિલ્મમેકર્સ દુવિધામાં હતા કે મલ્હારને કાસ્ટ કરે કે ન કરે. જોકે વજન ખટાડવાની શરતે મલ્હારને કાસ્ટ કરવામાં આવ્યો અને વજન ઘટાડવાની ચેલેન્જ સ્વીકારતા મલ્હારે 34 દિવસમાં સાડા છ કિલો વજન ઉતાર્યું અને આ રીતે ઢોલીવુડને મળ્યો એનો અસલી વિકી. 

‘છેલ્લો દિવસ’ બાદ મલ્હારની અનેકો ફિલ્મ આવી જેમ કે મોનલ ગજ્જર સાથે ‘થઈ જશે’ (2016), આરોહી પટેલ સાથે ‘લવની ભવાઈ’ (2017), દીક્ષા જોશી સાથે ‘શર્તો લાગુ’ (2018), કિંજલ રાજપ્રિય સાથે ‘સાહેબ’ (2019), માનસી પારેખ સાથે ‘ગોળકેરી’ (2020), નીજલ મોદી સાથે ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ (2022), મોનલ ગજ્જર, જીનલ બેલાણી અને માનસી રાચ્છ સાથે ‘વિકીડાનો વરઘોડો’ (2022), મોનલ ગજ્જર સાથે ‘શુભ યાત્રા’ (2023), કિંજલ રાજપ્રિય સાથે 2023ની સોથી વધારે કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ અને 2024માં પૂજા જોશી સાથે ‘લગન સ્પેશિયલ’. ‘છેલ્લો દિવસ’ રિલીઝ થયા બાદ એક સરખા રોલ ઓફર થતા હોવાને લીધે મલ્હારે અંદાજે 40થી પણ વધારે ફિલ્મો રિજેક્ટ કરી હતી. સારા એવી ફીઝ ઓફર થઈ રહી હોવા છતાં ‘લવની ભવાઈ’ ના રિલીઝ સુધીમાં મલ્હાર અંદાજે 42 ફિલ્મો નકારી ચૂક્યો હતો. સૌથી રોચક વાત તો એ છે કે ગુજરાતના કેટલાક થિયેટર્સમાં આજે પણ ચાલી રહેલી સુપરહિટ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ સૌથી પહેલા મલ્હારને જ ઓફર કરવામાં આવી હતી પણ કેટલાક કારણોસર તેની તારીખ ન મળતા આ રોલ પછીથી યશ સોનીને ઓફર કરવામાં આવ્યો હતો. 



નાટક, ટીવી અને ફિલ્મોમાં પોતાની આગવી છાપ બનાવનારો મલ્હાર સાહિત્યપ્રેમી છે એ વાત ભાગ્યે જ તેના ચાહકો જાણતા હશે, પણ તે ‘સેતુ’ના હુલામણા નામે કવિતાઓ લખે છે એ વાત ગણ્યા ગાઠ્યા લોકોને જ ખબર હશે. હા, કૉફી લવર મલ્હાર ખાવાનો જબરો શોખીન છે માટે જો તમે તેને પૂછશો કે અમદાવાદમાં સૌથી બેસ્ટ કાઠિયાવાડી, કે સૌથી બેસ્ટ ઇટાલિયન કે મેક્સિકન ફૂડ ક્યાં મળશે તો એ તમને ઓછામાં ઓછી પાંચ હોટેલના નામ તાબડતોબ કહી દેશે. આ વખતે મલ્હાર તેનો બર્થડે ઑસ્ટ્રેલિયામાં સિડની ખાતે ઉજવશે જ્યાં પાંચમો ઇન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ થઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ ‘લોચા લાપસી’નું આવતી કાલે પ્રિમીયર યોજાશે. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત