કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત

 લોકહૈયૈ સ્પર્શેલી નવલકથાને ફિલ્મનું રૂપ આપવું એક અઘરું કામ છે અને હેલ્લારોના મેકર્સે અહીં ખાસ્સી એવી મહેનત કરી પાત્ર, પરિસ્થિતી અને પ્રંસગોને રૂપેરી પડદે સજીવન કર્યા છે


બોલીવુડ હોય કે ઢોલીવુડ, નવલકથા પરથી ફિલ્મો બનાવવાનો ચીલો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે. ઢોલીવુડમાં 'પૃથિવીવલ્લભ', 'સરસ્વતીચંદ્ર'થી માંડી 'જીગર અને અમી' સુધીની આ પ્રથા ફિલ્મ 'રેવા' સુધી આપણને જોવા મળી અને હવે વધુ એક ગુજરાતી નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી છે જેનું નામ છે 'કમઠાણ'. આ ફિલ્મ બીજી ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે થિયેટર્સમાં આવી ચૂકી છે.



ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે 'કમઠાણ' અને તેના રચૈતા અશ્વિની ભટ્ટનું નામ નવું નથી. 'કમઠાણ' ઉપરાંત તેઓ 'લજ્જા સન્યાલ', 'શૈલજા સાગર', 'નીરજા ભાર્ગવ', 'આશકા માંડલ', 'ફાંસલો', 'અંગાર', 'ઓથાર', 'આખેટ', 'કટિબંધ', 'આયનો', 'ધ ગેઈમ ઈઝ અપ', 'કસબ' અને 'કરામત' જેવી અનેક નવલકથાઓ ગુજરાતી સાહિત્ય જગતને અર્પણ કરી ચૂક્યા છે. ફિલ્મ 'કમઠાણ' માં અનેક કલાકારો આપણને જોવા મળે છે પણ મૂળ ચાર કલાકારો જેમની આજુબાજુ આ વાર્તા ફરે છે એ છે, હિતુ કનોડિયા જેઓ પી.આઇ. રાઠોડ સાહેબનો લીડરોલ કરી રહ્યા છે. રઘલો ચોરના પત્રમાં જોવા મળશે હાસ્ય સમ્રાટ સંજય ગોરડિયા જ્યારે પ્રભુસિંહ જમાદારનો રોલ કરી રહ્યા છે દર્શન જરીવાલા અને છનાકાકાનું પાત્ર ભજવી રહ્યા છે અરવિંદ વૈદ્ય.

આ ચાર મૂળ કલાકારો ઉપરાંત કનિયો કેળાવાળોના પાત્રમાં હેમીન ત્રિવેદી, જોઈતો ચા વાળોના પાત્રમાં કમલ પરમાર, ગલો બેચર તરીકે અંશુ જોશી, ત્રિભુવન પંડ્યા તરીકે દીપ વૈદ્ય, પન્ની ફોઈ તરીકે શિલ્પા ઠાકર જેવા અનેક નામાંકિત કલાકારો રૂપેરી પડદે નવલકથાના પાત્રને સજીવન કરતાં જોવા મળશે.

ફિલ્મની વાર્તા એટલે કે નવલકથાની વાર્તાની વાત કરીએ તો એ એક રમૂજ ઘટના પર આધારિત છે જેમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરે જ ચોરી થાય છે. ચોર ઇન્સ્પેક્ટર સાહેબના યુનિફોર્મ, રાષ્ટ્રપતિ ચંદ્રક, બેલ્ટ અને રિવોલ્વર સુદ્ધા ચોરી કરી જાય છે. વળી, નવા નવા ટ્રાન્સફર થઈને આવેલા સાહેબની સાથે બનેલી આ ઘટનાની વાત જો આખા ગામમાં ફેલાઈ જાય તો સાહેબની શી વલે થાય? એવામાં ડિપાર્ટમેન્ટના સૌથી જુના અને વફાદાર એવા પ્રભુસિંહ જમાદાર અને અન્ય લોકોની મદદથી ચોરને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવે છે અને સર્જાય છે હાસ્ય મેળો. એવામાં રાજ્યના મુખ્ય મંત્રી ગામમાં આવીને 26મી જાન્યુઆરી ઉજવવાના હોવાથી રાઠોડસાહેબને યુનિફોર્મની તાતી જરૂરત આવી પડે છે અને યુનિફોર્મ વગરના ઇન્સ્પેક્ટર સાહેબની હાલત નવી પરણેલી વહુ જેવી થઈ જાય છે, જે કશું કહી પણ નથી શકતી અને કશું સહી પણ નથી કરી શકતી. હવે આ સાહેબ ટર્મિનેટ થશે કે સસ્પેન્ડ એ જોવાની દર્શકોને ખરેખર મજા આવશે. વળી, ચોર પકડાશે કે નહીં એ સવાલ તો રહેશે જ.



આટલું ઓછું હોય ત્યાં સામે રઘલા ચોરની પણ ખાનદાની નોંધવાલાયક છે હોં સાહેબ... પોતાની દીકરીઓના લગ્ન ધામધૂમથી કોઈ સારા ઘરમાં થાય અને ચોરોની ન્યાતમાં પોતાનું નામ ઉજળું થાય એ વિચારે જાણતા-અજાણતા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરે ચોરી કરે છે અને પછી ચોરેલો મુદ્દામાલ છુપાવવા-વેચવા જે ગકતડા કરે છે એ જોવા જેવા છે. અંદાજે 180 પાનાની નાનકડી આ નવકથામાં અશ્વિની ભટ્ટે જે રમૂજ સર્જી છે એ સાહિત્યજગત માટે એક નવી શીખ છે કે હાસ્યસર્જન કોઈ એક સર્જકનો ઈજારો નથી હોતો. વળી તેમણે આ નવલકથાની પ્રસ્તાવનામાં પણ કહ્યું છે કે જો તમને આ નવલકથા હસાવે તો એને હાસ્ય નવલકથા ગણજો. 

ફિલ્મની વાત કરીયે તો નવલકથા 'કમઠાણ'ને તેના મૂળ હાસ્ય, લહેકા અને મસ્તી સાથે ફિલ્મરૂપે રજૂ કરવાનું કામ 'હેલ્લારો'ના મેકર્સ માટે સરળ ન હતું. હરફનમૌલા ફિલ્મ્સે પેમ સ્ટુડિયો મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે જેમાં દિગ્દર્શનની જવાબદારી ધ્રુનાદ દ્વારા સંભાળવામાં આવી છે. નવલકથાને ફિલ્મના બીબામાં ઢાળવાનું કામ અભિષેકે સંભાળ્યું છે જ્યારે સંગીતની જવાબદારી મેહુલ સુરતીએ લીધી છે. અભિષેક, ધ્રુનાદ અને જસવંત પરમારની ત્રિપુટીએ નવલકથાની મૂળ મજા-મસ્તી જાળવી રાખી ડાયલોગ્સને નવું રૂપ અને ભાષાનો લેહેકો જાળવી રાખ્યો છે. મેહુલ સુરતીના સંગીતમાં આપણને પરિસ્થિતીને અનુરૂપ કેટલાક ગીતોની મહેફિલ પણ માણવા મળશે. સૌમ્ય જોશી લિખીત ગીત જિંદગી ચોર, જીવન ચોર, આયખું ચોર છેને સ્વર આપ્યો છે આદિત્ય ગઢવીએ જ્યારે પરસંગ આયો ને તોરણ બંધાયા’ ગીત ઘનશ્યામ ઝુલાના સ્વરમાં માણવા મળશે.  
સામાન્યપણે નવલકથાને ફિલ્મનું રૂપ આપવાનું કામ અઘરું હોય છે કેમ કે તેમાં મૂળ લેખકના કહેવાનો ભાવાર્થ, પ્રસંગોપાત થતા ચડાવ-ઉતારને ધ્યાનમાં રાખીને ફિલ્મમેકર્સે આગળ વધવાનું હોય છે. ફ્લોર પર જતા પહેલા 'કમઠાણ' ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ફિલ્મ મેકર્સે અશ્વિની ભટ્ટની અનેક નવલકથાઓ વાંચી હતી અને એમાંથી 'કમઠાણ' પર પોતાની પસંદગી ઉતારી હતી. વળી, લેખકને સારી રીતે જાણતા, તેમના લેખનને સમજતા અન્ય સાહિત્યકારો સાથે ચર્ચા-વિચારણા પણ કરી હતી, જેના લીધે નવલકથાને વધારે વાસ્તવિકરૂપ આપી શકાય.


ફિલ્મમેકર્સે પણ ફિલ્મ 'કમઠાણ'ના માર્કેટિંગ દરમ્યાન ઘણી અનોખી ટેક્નિક અપનાવી હતી. સંજય ગોરડિયા પોતે રઘલો ચોરના વેશમાં ચોરેલો મુદ્દામાલ અમદાવાદની પબ્લિક પ્લેસમાં છુપાવવા જાહેર જનતાની મદદ માંગતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક ચોરેલી રિવોલ્વર જોઈને ડરી જાય છે, તો એક બહેન એટલી અકળાઈ જાય છે કે તે તેમને લાફો મારવા તૈયાર થઈ જાય છે. જોકે વાત વધારે વણસે એ પહેલા નાગરિકોને પ્રેન્કથી અવગત કરાવી દેવામાં આવે છે. મૂળ તો આ પ્રેન્ક થકી લોકોને 'કમઠાણ' અને ફિલ્મ સાથે રૂબરૂ કરાવવાનો ફિલ્મમેકર્સનો આશય હતો. 'કમઠાણ' પહેલા હરફનમૌલા ફિલ્મ્સ 'હેલ્લારો' જેવી નૅશનલ ઍવોર્ડ વિજેતા ફિલ્મ આપી ચૂક્યા છે, જેના લીધે તેમની પાસેથી દર્શકોની આશા વધારે જ રહેશે. આજની પેઢી જે ગુજરાતી નવલકથા અને સાહિત્યજગતથી અનેકો માઇલ દૂર છે, તેમને સિનેમાના માધ્યમે નવલકથા અને નવલકથાકારથી પરિચીત કરવાનો આ એક નોંધનીય માર્ગ છે. 

આ ઉપરાંત ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પરથી જ્યારે 2018 માં ફિલ્મ 'રેવારિલીઝ થઈ હતી ત્યારે તે ખૂબ વખણાઈ હતી અને એ માટે નિર્માણકર્તાઓએ પણ અઢળક લોકેશન્સ પર જઈને શૂટિંગ કર્યું હતું. આ વખતે વધુ એક નવલકથા પરથી ફિલ્મ 'કમઠાણ' આવી છે, જેને દર્શકો કેટલી આવકારશે એ જોવા જેવું રહેશે.

 

 




-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com

 

 



Comments

Post a Comment

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’