ઓ હો હો હો... શું નામ રાખ્યા છે ગોરી?

આ લહેકો જ કહી આપે છે કે હાસ્ય કલાકાર રમેશ મહેતાને ઓળખની જરૂરત નથી 



ઓ હો હો હો... ઢોલીવુડની ફિલ્મોમાં આ લહેકો જ્યારે પણ સાંભળો ત્યારે એક પાતળો, લાંબો, મૂછળીયો, કેડિયુ કે બંડી સાથે ધોતીયુ પહેરેલો માણસ આંખ સામે ખડો થઈ જાય. ઓળખાણ આપવાની જરૂરત ન પડે પણ એવા ગુજરાતી સિનેજગતના દિગ્ગજ હાસ્યકલાકાર, ‘સીટી સમ્રાટ’ રમેશ મહેતાની આજે મનમૂકીને વાત કરીશું જેમની આવતા રવિવારે એટલે કે 23મી જૂને 92મી જન્મજયંતિ આવી રહી છે. 



ગોંડલના નવાગામ ખાતે ગિરધારલાલ ભીમજી અને મુક્તાબહેન મહેતાના ઘરે જન્મેલા રમેશ નાનપણથી ભણતરમાં ઓછો પણ ગણતરમાં વધારે રસ ધરાવતા. નિશાળે જવું ઝાઝુ ગમતું નહીં પણ ઘરમાં સાહિત્યીક વાતાવરણ હોવાને લીધે રામાયણ, ગીતા અને સંસ્કૃતના શ્લોકો વાંચવા ઘણા ગમતા. ખુદ તેમના બાપુજીને નાટકનો શોખ હતો જે રમેશમાં પણ ઉતર્યો. ઘણા ઓછાને ખ્યાલ હશે કે રાજકોટમાં બાળપણ વિતાવી રહેલા રમેશ જ્યારે છ મહિનાના હતા ત્યારે તેમના મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માતા-પિતાની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં બાળ રમેશને રજૂ કરી દીધા હતા. ગિરધરલાલજીની નાટ્યકંપનીઓ સાથે સારી એવી ઓળખાણ હતી જેનો લાભ રમેશને મળ્યો. પિતાજી નાટ્યકંપનીવાળાઓના નામે એક ચિઠ્ઠી લખી દેતા એટલે નાટ્યકંપનીવાળા રમેશને નાટક જોવા બેસવા દેતા. જોકે સમય જતા રમેશને નાટકનો એવો ચસ્કો લાગ્યો કે પિતાજીને કહ્યા વગર નાટક જોવા જઈ આવતા અને મોડી રાત્રે ઘરે આવતા મારા ખાવાનો વારો આવતો. એક મુલાકાતમાં આ અંગે ખુદ રમેશ મહેતાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘બાર-ચૌદ વર્ષની વયે એક વખત નાટક જોઈને મોડી રાત્રે જ્યારે ઘરની ડેલીમાંથી ચોરપગે પ્રવેશતો હતો ત્યારે પકડાઈ ગયો હતો અને બાપુજીના હાથે સોટીનો માર પણ ખૂબ ખાધો હતો.’




મેટ્રિક ફેઇલ એવા રમેશ મહેતાના સત્તર વર્ષની વયે ગુજરાતના જાણીતા ગઝલકાર અમૃત ઘાયલની દૂરની ભત્રીજી વિજયાગૌરી સાથે લગ્ન થયા. એ સમયે તેઓ પાંચમા ધોરણમાં ભણતા. પિતાની મીઠાઇની દુકાન-ડેરીફાર્મ સારી ચાલતી પણ ત્યાં રમેશની આંખો તો નાટકના જ સપના જોતી. મહાત્મા ગાંધી જે સ્કૂલમાં ભણ્યા એ જ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં રમેશ ભણતા અને તેમના લખેલાં નાટકો ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ભજવાતાં. 14 વર્ષની ઉમરના થાતા રમેશે તો રામાયણ, વેદાંત વગેરે ગ્રંથો વાંચી લીધા હતા પણ શરૂઆતના સમયમાં એ કંઈ કામ ન આવ્યા અને 1953માં 40 રૂપિયાના પગારે એક ઈરાની શેઠની નાટક કંપનીમાં જોડાયા હતા. પછીથી ઘરસંસાર ચલાવવા પગાર વધારે મળે એ આશાથી સરકારી નોકરી પણ કરી. તેમ છતાં રમેશ રહ્યો નાટકનો જીવ એટલે સરકારી નોકરીને આપી તિલાંજલી અને થોડા સમય પ્રૂફરીડિંગનું કામકાજ કર્યા બાદ પહોંચ્યા માયાનગરી મુંબઈ.

પ્રાપ્ત માહિતી મુજબ મનસુખ જોશીની ભલામણથી 100 રૂપિયાના માસિક પગારે તેઓ મુંબઈની જાણીતી નાટ્યસંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર એટલે કે આઇ.એન.ટી.માં પડદા પાછળના કલાકાર તરીકે જોડાયા અને આ સમયે જ તેમણે બે નાટકો ‘સૂડી વચ્ચે સોપારી’ તથા ‘હું એનો વર છું’ લખ્યાં. એ જ ગાળામાં તેમણે મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું જ્ઞાન મેળવી મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટિંગ, ડિરેક્શન, લાઇટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા અને નાટકોના મંચન વખતે ગુજરાતી કલાકાર અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવ્યા. કહેવાય છે કે દરેક સફળ કલાકારે સંઘર્ષ કરવો પડે અને તેના સંઘર્ષને જ્યારે યોગ્ય તક મળે ત્યારે તેનો સોનાનો સૂરજ ઉગે. આઇ.એન.ટી.માં જોડાયા બાદ રમેશ પર એ સમયના દિગ્ગ્જ ગુજરાતી અદાકારા કલ્પના દિવાનની નજર પડી અને રમેશને પોતાને ઘરે આશરો આપ્યો. અંદાજે છ-સાત વર્ષ બાદ 1969માં એક ઘટનાએ રમેશને રમેશ મહેતા બનાવવાની શરૂઆત કરી. થયું એવું કે એ સમયે ગુજરાતી પટકથાલેખક ચત્રભુજ દોશી ‘હસ્ત મેળાપ’ ફિલ્મના કેટલાક સીન લખી રહ્યા હતા પણ તેમની તબિયત બગડી જતા લખાણનું કામ અટકી પડ્યું હતું. જોકે એ ફિલ્મના સંવાદ લખી રમેશ મહેતાએ કામ આગળ વધાર્યું અને એ સમયથી પટકથા લેખક તરીકેની તેમની ગાડી ધીમીગતિએ વધવાની શરૂ થઈ. એ ફિલ્મમાં તેમણે એક નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. 



પટકથા લેખક તરીકેની કારકિર્દી શરૂ તો થઈ પણ રમેશ મહેતા એક કોમેડિયન તરીકે કેવી રીતે પ્રસિદ્ધી પામ્યા એની પાછળ પણ એક કિસ્સો છે. વાસ્તવમાં 1971માં આવેલી રવીન્દ્ર દવેની નોંધનીય ગુજરાતી ફિલ્મ ‘જેસલ તોરલ’ માં સુરતના કલાકાર કૃષ્ણકાંત હાસ્ય અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ અકસ્માતે તેઓ શૂટિંગ સમયે પહોંચી ન શક્યા અને તે ભૂમિકા રમેશ મહેતાએ ભજવી. આ ભૂમિકા એવી તે સફળ રહી કે દર્શકોમાં રમેશ મહેતા એક હાસ્ય અભિનેતા તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયા. બસ પછી શું... પટકથા લેખકની સાથે સાથે હાસ્ય અભિનેતા તરીકે રમેશ મહેતા ગુજરાતી સિનેજગતમાં પોતાની અલગ છાપ છોડતા ગયા. હાસ્યના પર્યાય તરીકે રમેશ મહેતાનું નામ પહેલી પંક્તિમાં આવતું થઈ ગયું. 190 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે હાસ્ય-કલાકાર તરીકે અભિનય કરીને વિક્રમ સર્જ્યો અને 22 ફિલ્મોની કથાઓ પણ લખી હતી. તેમનું નામ પડદા ઉપર ટાઇટલમાં આવતું ત્યારે સિનેમાહોલ સીટીઓથી ગાજી ઊઠતો અને એટલે જ 1982માં આવેલી ઉપેન્દ્ર ત્રિવેદી અને સુશ્મા વર્માની ‘રેતીનાં રતન’ ફિલ્મમાં તેમની ઓળખ જ ‘સીટીસમ્રાટ’ તરીકે આપવામાં આવી હતી. આ ફિલ્મ શ્રીધર પ્રસાદે ડિરેક્ટ કરી હતી. 

ગુજરાતી હાસ્ય કલાકાર તરીકે જાણીતા રમેશ મહેતાએ ‘હસ્ત મેળાપ’ (1969) ઉપરાંત ‘જેસલ તોરલ’ (1971), ‘રાજા ભરથરી’ (1973), ‘ઘુંઘટ’ (1974), ‘હોથલ પદમણી’ (1974), ‘કુંવરબાઈનું મામેરું’ (1974), ‘માલવપતિ મુંજ’ (1976), ‘સંતુ રંગીલી’ (1976), જેવી અનેક કમાલની ફિલ્મો લખી હતી. ‘ઘુંઘટ’ માં તો તેમણે સહાયક દિગ્દર્શક તરીકેની પણ જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત ‘સોન કંસારી’ (1977), ‘પાતળી પરમાર’ (1978), ‘ગંગા સતી’ (1979), ‘મણિયારો’ (1980), ‘જાગ્યા ત્યારથી સવાર’  (1981), ‘ઢોલી’ (1982), ‘મરદનો માંડવો’ (1983), ‘ઢોલામારૂ’ (1983), ‘હિરણને કાંઠે’ (1984) જેવી અઢળક ફિલ્મો ભૂલાય એવી નથી. 

ઢોલીવુડમાં કોમેડી કિંગ રમેશ મહેતાની જોડી રજની બાલા અને મંજરી દેસાઈ સાથે ખૂબ ખૂબ વખણાઈ. એક અકસ્માતમાં મંજરી દેસાઈનું મૃત્યુ થયું હતું પરંતુ રમેશ મહેતા સદભાગ્યે બચી ગયા હતા. મંજરી દેસાઈ જતી રહી એ વાતનો આઘાત એમને એટલો બધો લાગ્યો હતો કે ધ્રુસકે ધ્રુસકે રડતા ઉપેન્દ્ર ત્રિવેદીને ઘરે જઈ ચડ્યા અને ત્યાં થોડા દિવસ બાદ મંજરીના માતા-પિતાને બોલાવી જરૂરી સ્પષ્ટતાઓ કરી મનનો ભાર ઓછો કર્યો અને ફરી પાછા કામે લાગી ગયા. 



‘હોથલ પદમણી’ (1974) નું ‘તારી મા ને બજરનું બંધાણ’, ‘મેના ગુર્જરી’ (1975) નું ‘ધન ધતૂડી પતૂડી’, ‘સંતુ રંગીલી’ (1976) ફિલ્મનું કિશોર કુમારના સ્વરમાં ગવાયેલું ફેમસ ગીત ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’, ‘મનનો માણીગર’ (1978) ફિલ્મનું ‘મારી બાયડીમાં ચાર ચાર ભૂલ, હઠીલી તો એવી કે કરે ના કબૂલ’, ‘જોગ સંજોગ’ (1980) ફિલ્મનું ‘હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો’, ‘મેરૂ મુળાંદે’ (1980) નું ‘તમે બુદ્ધિ ના બારણા ખોલો ગગાજી માવડિયા’, જેવા અનેકાનેક ગીતો આજે પણ સાંભળવા ગમે એવા છે. ‘મેરૂ મુળાંદે’ના ગીત ‘તમે બુદ્ધિ ના બારણા ખોલો ગગાજી માવડિયા’ માં તો રમેશ મહેતાએ પોતે સ્વર આપ્યો હતો. 

હાસ્ય કલાકાર અને મોજીલી વ્યક્તિ તરીકે રમેશ મહેતા ઘણી ખ્યાતિ પામ્યા તેમ છતાં તેમના દ્વિઅર્થી સંવાદોને લીધે વગોવાયા પણ ખરા. આ બધી વાતને કોરાણે મૂકી વિચક્ષણ વિચારો ધરાવતા રમેશ મહેતા ભૂતકાળને વાગોળવાનું પસંદ નહોતા કરતા અને એટલે જ ફિલ્મોમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનો સંપૂર્ણ સમય પરિવારને આપ્યો. એક મુલાકાતમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘વર્તમાનનો ગુલાલ ઉડાવાનો હોય, ભૂતકાળની રાખ ક્યાં ઉડાડવી? એને તો સ્મશાન પણ ન સંઘરે. એ તો તાજી રાખનો ધણી છે. હું આ જગતમાં કાંઈ લઈને નથી આવ્યો. જે કાંઈ પ્રાપ્ત થયું છે એ ઉઘાડી આંખ લઈને ફર્યો એને લીધે પ્રાપ્ત થયું છે.’ 

આજીવન લોકોને ખડખડાટ હસાવનારા રમેશ મહેતાએ 2012ની 11 મેએ રાજકોટ ખાતે 78 વર્ષે દુનિયાને આખરી અલવિદા કહ્યું ત્યારે પણ પોતાના ચાહકોને નિરાશ કરતાં નહોતા ગયા. મૃત્યુના બે મહિના પહેલા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રમેશ ભાઈએ પરિવારજનોને ખાસ કહી રાખ્યું હતું કે તેમની અંતિમ યાત્રામાં રામ ધૂન નહીં પણ ‘તારી મા ને બજરનું બંધાણ’ જેવા હાસ્યગીત અને હાસ્ય સંવાદો સંભળાવવા જોઈએ, અને એવું થયું પણ... આ હાસ્ય કલાકારની પોતાની કલાનું પ્રદર્શન કરી જીવનના રંગમંચ પરથી એક્ઝિટ થઈ ગયો અને પાછળ મૂકી ગયો હાસ્યથી ભરપૂર યાદોનો અખૂટ ખજાનો અને એક સર્જી ગયો એવી ખાલીપો જેને આજ સુધી ગુજરાતી સિને જગત ભરી નથી શક્યું.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com









 



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત