ફિલ્મી ટેક્નોલોજી જેટલી અઘરી તેટલી રોચક પણ

ફોટોગ્રાફી, સાઉન્ડ અને એડિટીંગ એમ ત્રણ તબક્કે ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને વિભાજીત કરી શકાય છે જે પોતે અનેક મહેનત માંગી લેય એવું રોચક કામ છે



ફિલ્મ જગતના મોટાભાગના નિર્દેશકોના ભૂતકાળ પર જો નજર કરીયે તો આપણને ખબર પડે છે કે તેઓ પહેલા એડિટર તરીકે અથવા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કશે ના કશે કામ કરી ચૂકેલા છે. આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ડિરેક્ટર બને એ વાત અલગ છે પણ એક એડિટર જ્યારે ડિરેક્ટર બને ત્યારે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા એ વધું સારી રીતે પાર પાડી શકે. કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો, કયા કેમેરા, કયા લેન્સ વાપરવા, કયા એન્ગલથી એક સીન શૂટ કરવો છે અને ત્રણ-ચાર કેમેરામાંથી કયા કેમેરાથી લેવાયેલા કયા શોટને ફિલ્મમાં સ્થાન આપવું છે એ બધું ડિરેક્ટર બનેલો એડિટર પહેલા જ નક્કી કરી રાખી શકે છે. 



 

આજે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં વપરાતી કેટલીક ટેક્નોલોજીની વાત કરવી છે, જે એક ગહન વિષય છે અને એને એક લેખમાં સમાવી લેવો અસંભવ છે. તેમ છતાં ફિલ્મ મેકિંગની મુખ્ય ટેક્નોલોજીની વાત કરીયે તો ફિલ્મ બનાવતા પહેલા દરેક પ્રોડક્શન હાઉસ જે-તે ફિલ્મ બનાવવા પાછળ કેટલો ખર્ચ આવશે એની ગણતરી કરે છે. તેમની પાસે ફિલ્મ શૂટ કરવાના દરેક યંત્રો અને ટેક્નોલોજી પહેલાથી ઉપલબ્ધ હોય જ છે. ગુજરાતી ફિલ્મ જગત સહિત અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે એક પ્રોડક્શન હાઉસ સતત પોતાની ટેક્નોલોજીને અપડેટ કરતું રહે છે. 

ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને સામાન્યપણે ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય – ફોટોગ્રાફી (છબીકલા), સાઉન્ડ (ધ્વનિ) અને એડિટીંગ (સંકલન). ફોટોગ્રાફી શબ્દ સાંભળવામાં ભલે સામાન્ય લાગે પણ ફિલ્મ મેકિંગનો આખો ખેલ ફોટોગ્રાફી પર આધારિત છે એમ કહી શકાય. ઘણાં ઓછાને ખ્યાલ હશે કે લુમિયર્સ બ્રધર્સે 1896માં એ વખતના બોમ્બે (આજનું મુંબઈ)ની વૉટ્સન હોટેલ ખાતે છ ફિલ્મો બતાવી હતી જેના થકી ભારતમાં સિનેમાજગતની શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. ભારત આવતા પહેલા આ ભાઈઓ, મૂળ ફ્રેન્ચ સિનેમેટોગ્રાફર તરીકે પેરિસમાં પોતાની કળાનું પ્રદર્શન કરી નામના મેળવી ચૂક્યા હતા. મૂવિંગ પિક્ચર્સથી શરૂ થયેલી આ સફર ભારતીય સિનેમા જગત માટે તદ્દન નવી હતી અને આ વિશે વધારે જ્ઞાન મેળવવા અહીંના ફિલ્મ નિર્માતા વિદેશી ટેક્નોલોજી શીખવા રસ ધરાવતા થયા. તેઓ કેમેરાથી માંડી એડિટીંગની ટેક્નિક વિદેશથી શીખી લાવી અહીં અમલમાં મૂકતા અને એમાં પોતાનો દ્રષ્ટિકોણ ઉમેરી સિનેમા જગતનું ઘડતર કરતા ગયા. માત્ર ગુજરાતી જ નહીં પણ કલકત્તા અને મહારાષ્ટ્રના અનેક રસિકો પણ આ ક્ષેત્રમાં આગળ વધ્યા અને પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરવામાં સફળ રહ્યા. જોકે ગુજરાતીઓ ફિલ્મ નિર્માણની સાથે ફિલ્મને ફાઇનૅન્સ કરવામાં વધારે રસ ધરાવતા હતા, જેની વાત આપણે ફરી ક્યારેક કરીશું.




 


કેમેરાની વાત કરીયે તો ફિલ્મોના કેમેરા સામાન્ય કેમેરા જેવો જ હોય છે. બંનેની કામગીરી વચ્ચેનો ફરક સ્વયંસ્પષ્ટ છે. સામાન્ય કેમેરો એક સમયે એક જ ર્દશ્ય ઝડપે છે, જ્યારે ફિલ્મનો કેમેરો ફિલ્મની પટ્ટી એટલે કે રીલ પર દર સેકંડે ચોવીસ ચિત્રો/ર્દશ્ય ઝડપે છે અને એ દરેક ચિત્રને ટેક્નિકલ ભાષામાં ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્રેમમાં જેનો પણ ફોટો ક્લિક કરવામાં આવ્યો હોય એની નાનામાં નાની મૂવમેન્ટ કેપ્ચર થાય છે અને એ ચોવીસ ફ્રેમમાં આપમેળે વિભાજીત થઈ જાય છે. દાખલા તરીકે અભિનેત્રીએ કેમેરાની સામે જોતા-જોતા આંખના પલકારા લેવાના છે. એ આંખના પલકારાનો ર્દશ્ય ચોવીસ ફ્રેમમાં વિભાજીત થશે એટલે આંખ સ્થિર હોવાથી, ધીમે ધીમે પાપણ બંધ થવાથી લઈને પાપણ ફરીથી ખૂલવા સુધીની પ્રક્રિયાને અહીં સમાવી લેવામાં આવશે. બીજા શબ્દોમાં આને આંખના પલકારાનું સ્લો મોશન કહી શકાય. 


આ રીતે આખી ફિલ્મ ઊતરી ગયા પછી લૅબોરેટરીમાં તેને રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે જેના બાદ દિગ્દર્શક જે રીતે વાર્તા કહેવા માગે છે તે રીતે તેના ર્દશ્યોનું ક્રમશ: સંકલન કરવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયામાં ફિલ્મોના સીનમાં કેવા કલરનો ઉપયોગ કરવો, કઈ રાસાયણિક પ્રક્રિયા કરવી જેવા ટેક્નિકલ મુદ્દાઓ પાર પાડવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા પૂરી થયા બાદ તેને પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા પર પ્રદર્શિત કરવામાં આવે છે એટલે કે ફિલ્મને રિલીઝ કરવામાં આવે છે. ટેક્નિકલ દ્રષ્ટિએ 1940-50ના દશકામાં ગુજરાતી ફિલ્મોની જે ગુણવત્તા હતી અને આજની ગુજરાતી ફિલ્મોની જે ગુણવત્તા છે એમાં જમીન-આસમાનનો ફરક છે. એ વખતની ફિલ્મો એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થતી અને આજે અનેક ટેક્નોલોજીની મદદથી એ શક્ય એટલી સાતત્ય અને સચોટ દેખાવ સાથે રજૂ કરવામાં આવે છે. આજે પૈરાણિક ફિલ્મોમાં ધનુષમાંથી બાણ છૂટતા બતાવવા હોય તો અનેક ગ્રાફિક્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે પહેલાના સમયમાં નહોતો થતો. 1960-70ની મોટાભાગની ગુજરાતી ફિલ્મોની રાસાયણિક પ્રક્રિયાનું મોટાભાગનું કામ મુંબઈ, અમદાવાદ, બરોડા અને સુરતની લેબોરેટરીમાં કરવામાં આવતું.





થિયેટર્સમાં આપણે જોયું હશે કે ઓડિયન્સની બેઠકની પાછળ એક નાનકડા બખોલમાંથી એક પ્રકાશ બહાર ફેકાંતો હોય છે અને એને લીધે મોટા પડદે ફિલ્મ ચાલતી રહેતી હોય છે. વાસ્તવમાં ફિલ્મની રીલ એ સમયે ચલાવવામાં આવતી હોય છે. ફિલ્મના કેમેરામાં જે ઝડપે ચિત્રો લેવાયાં હોય એ જ ઝડપે એટલે કે દર સેકંડે ચોવીસ ચિત્રના હિસાબે તેને પ્રોજેક્ટરમાંથી પસાર કરવામાં આવે છે. એ વખતે દરેકેદરેક નક્કી કરેલી ફ્રેમ પ્રકાશની સામે આવીને થોડીવાર માટે ત્યાં જ રહે છે. પડદા પર એક સેકંડે આ રીતે ચોવીસ ચિત્રો ક્રમથી ખચકાતાં આવે છે જેને લીધે એ ચોવીસ ફ્રેમમાં ઝડપાયેલાં ચિત્રો હાલતાંચાલતાં લાગે છે. પ્રત્યેક સેકન્ડે ચોવીસ ફ્રેમ સાથે ચાલતી આ પ્રક્રિયા અત્યંત ઝડપી હોવાને લીધે એ ફિલ્મનું રૂપ લેય છે. આ વાત આપણે શાળામાં પણ શીખેલા છે. ટ્રેનમાં બેસેલી વ્યક્તિને બારીમાંથી પસાર થતા વૃક્ષો એટલી જ ઝડપે ચાલતા દેખાય છે જેટલી ઝડપે ટ્રેન ચાલી રહી છે. વાસ્તવમાં વૃક્ષ ત્યાંના ત્યાંના જ છે બસ મોશનને લીધે આંખોમાં વૃક્ષ ચાલતા હોવાનો ભ્રમ નિર્માણ થાય છે, ફિલ્મનું પણ કંઈક આવું જ છે.



દોસ્તો, ફિલ્મ કોઈપણ ભાષાની હોય એને તૈયાર કરવા માટે જાજી મહેનત લાગે છે. અનેક લોકોનો સમૂહ એક સાથે આવીને એક ફિલ્મને તૈયાર કરે છે. લેખક વાર્તાનું બંધારણ ઘડે છે, નિર્દેશક તેને કેમેરાના લેન્સથી તાદર્શ કરે છે, ગીતકાર પરિસ્થિતીને અનુરૂપ પાત્રની લાગણીઓને વાચા આપે છે અને એ વાચામાં જીવ રડેવાનું કામ સંગીતકાર કરે છે. આ તમામ કાર્યોને એક સાથે આબેહુબ વાર્તા મુજબ ગોઠવવાનું કાર્ય એડિટર કરે છે. ટૂંકમાં ફિલ્મ સંબંધીત દરેક કાર્ય મહત્ત્વનું છે, કોઈ નાનું-મોટું નથી. ફિલ્મ ટેક્નોલોજીનો આ વિષય ગણ્યા ગાઠ્યા શબ્દોમાં સાંકળી લેવો અસંભવ છે, પણ આ મુદ્દે ફરી પાછી વાત કરીશું અન્ય લેખમાં.

 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) અને કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




 

Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત