ગુજરાતી ફિલ્મો, સાહિત્ય અને સાહિત્યકારોનો સંબંધ ઘણો જૂનો છે

‘પૃથિવીવલ્લભથી’ માંડી આ યાત્રા હવે ‘રેવા’ અને ‘કમઠાણ’ સુધી આવી પહોંચી છે એનો અનેરો આનંદ છે પણ આ ગતિ, કાચબાગતિ રહી છે 



કોઈપણ વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને વાત કરશો તો એ વાર્તાનો તંતુ તમને કશેકના કશેક જોડાયેલો જોવા મળશે જ. એક પરિવાર, એક વ્યક્તિના સંઘર્ષની વાર્તા પહેલા પણ બનતી અને આજે પણ બને છે. એક વાર્તાને અલગ અલગ રૂપમાં કહેવાથી માત્ર તેનું પ્રારૂપ બદલાય છે અને જે-તે ફિલ્મ દ્વારા ફિલ્મમેકર્સ જનતા સુધી પહોંચાડવા માંગતા સંદેશ બદલાય છે અને આ પ્રક્રિયા માત્ર ગુજરાતી જ નહીં અપિતુ કોઈપણ ભાષાની ફિલ્મમાં જોવા મળે છે. 



ગુજરાતી ફિલ્મ જગતમાં આજે અનેક એવી વાર્તાઓ જોવા મળે છે જે તદન નવી જ હોય છે. જોકે વાર્તા નવી નથી હોતી પણ તેને કહેવાનો, પ્રસ્તુત કરવાનો નજરિયો અલગ હોય છે. દાખલા તરીક કહીયે તો મહાત્મા ગાંધીની જીવની પર અનેક ફિલ્મો બની છે જેમાં તેમની કારકિર્દી અને મહાનતા બતાવવામાં આવી છે. વળી, કેટલીક ફિલ્મો ગાંધીજીના જીવન પર એવી પણ બની છે જેમાં તેમના કામકાજ પર સવાલ ખડા કરવામાં આવ્યા છે અને એક અલગ દ્રષ્ટિકોણથી ગાંધીજીને મોટા પડદા પર ચિતરવામાં આવ્યા છે. 



કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈપણ ફિલ્મ મેકર માટે એક જ મુદ્દાને લઈને અલગ અલગ દ્રષ્ટિકોણ હોઈ શકે છે અને એ અલગ દ્રષ્ટિકોણને આધારે જ વૈવિધ્યસભર ફિલ્મો દર્શકોને માણવા મળે છે. એક ફિલ્મ મેકર માટે સૌથી મોટો ટાસ્ક હોય છે ફિલ્મની વાર્તાને દર્શકોના ગળે ઉતારવાનો એટલે કે ઓડિયન્સને કન્વિન્સ કરવાનો કે તે લોકો જે જોવા જઈ રહ્યા છે અથવા જે જોશે એ, એ જ વાત છે જે લેખકે લખી છે અને ડાયરેક્ટરે સમજી વિચારીને મોટા પડદે ઉતારી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ નો દાખલો આપીને કહું તો આ ફિલ્મમાં બે મિત્રોની જીગરજાન દોસ્તી વર્ણવવામાં આવી છે જે એકબીજા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર છે. હવે આ ફિલ્મના હાર્દને કેન્દ્રસ્થાને રાખીને વાત કરીયે તો બે મિત્રોની જીગરજાન દોસ્તી પર આધારિત અનેક ગુજરાતી ફિલ્મો બની છે, જેમ કે ‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘હે, કેમ છો લંડન’ વગેરે... તેમ છતાં દરેક ફિલ્મનો ટેસ્ટ અલગ છે, તેની ઓડિયન્સ અલગ છે, દ્રષ્ટિકોણ અલગ છે. 



જે-તે ફિલ્મનું કેન્દ્રસ્થાન એક જ હોવા છતાં તેને અલગ વિચારધારાથી રજૂ કરવા માટે લેખકની કલમ ધારદાર હોવી અત્યંત જરૂરી બની જાય છે. એનું કારણ એ છે કે દર્શકોની આંખો નિરંતર કંઈક અલગ જોવા ટેવાયેલી છે. જો તેમને રોજે-રોજ ફેમિલી ડ્રામા પીરસશો તો સ્વાભાવિક છે કે ફિલ્મમેકરને નુકસાની ભોગવવાનો વારો આવે. જો એક લૂંટારાની વાતને આજના દ્રષ્ટિકોણથી કહેવામાં આવે તો એ ‘હું ઈકબાલ’ જેવી ફિલ્મનું સ્વરૂપ લઈ શકે છે પણ જો કોઈ ચોરની જીવની પર સાહિત્યીક દ્રષ્ટિકોણથી વાત કરવી હોય તો એ ‘જેસલ-તોરલ’ પણ બની શકે છે અથવા તો ‘કાદુ મકરાણી’ પણ બની શકે છે. ક્યાંક બાળક ઝંખતા માતા-પિતાની ઈચ્છા વર્ણવવી હોય તો ‘ઈટ્ટા-કિટ્ટા’ જેવી નોંધનીય ફિલ્મ બની શકે છે પણ જો રાજ્યની સલામતી માટે પોતાનો જ વ્હાલો પુત્ર સામે ચાલીને મોતના મુખમાં સોંપવો પડે તો ‘રા’ નવઘણ’ તૈયાર થઈ શકે છે, ભૂખ્યાનું પેટ ઠારવા પોતાના પુત્રનું માસ પીરસવું પડે તો ‘શેઠ સગાડશા’ જેવી ફિલ્મો નિર્માણ પામે. આ કેટલીક એવી ફિલ્મો છે જે સાહિત્ય સાથે સંકળાયેલી હતી, જેની આજની તારીખે ઘણી અછત જોવા મળે છે. 

આજની 21મી સદીમાં મોટાભાગની જે પણ ફિલ્મો બની રહી છે એમાં સાહિત્યસર્જકોનું યોગદાન લગભગ ગણ્યાગાઠ્યા જેટલું છે. જોકે કેટલાક નામાંકિત સાહિત્યકારો આજે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં જંપ લાવી રહ્યા છે પણ જે વાર્તા અને ગીત સંગીત લઈને જાહેર જનતામાં ઉમળકો જોવા મળતો હતો, એ આજે લગભગ લુપ્ત થઈ ગયો છે. જૂની ગુજરાતી ફિલ્મો, ગુજરાતી સાહિત્ય તથા અન્ય સાહિત્ય સાથે તાલમેલ ધરાવતી હતી પણ આજની ફિલ્મો લોજીક સાથે કંઈક નવું, અણધાર્યું અને ન જોયેલું પ્રસ્તુત કરવાની ઈચ્છા ધરાવે છે. 

કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’થી લઈને આજ દિવસ સુધી ઢોલીવૂડમાં અનેક નવલકથાઓને સાંકળીને ફિલ્મો બનાવવામાં આવી છે. પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ હોય કે ‘કંકુ’ હોય કે પછી ચુનીલાલ શાહની ‘જીગર અને અમી’ હોય... નવલકથા પર આધારિત ફિલ્મોનો સિલસિલો આજે ધ્રુવ ભટ્ટની ‘રેવા’ અને અશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ સુધી આવી પહોંચ્યો છે. જોકે આ સિલસિલો ઘણો ધીમો રહ્યો છે. આ તો નવલકથા અને વાર્તાની વાત થઈ. ગીત ગઝલના સર્જનમાં પણ ખુદ સાહિત્યકારોને જ ફિલ્મ મેકિંગની પ્રક્રિયામાં સામેલ થતા અને સામેલ કરવામાં આવતા. બરકત વિરાણી ‘બેફામ’, રમેશ પારેખથી માંડીને, તુષાર શુક્લ સુધીના અનેક સાહિત્યકારોએ પોતપોતાનું યથા યોગ્ય યોગદાન આપતા આવ્યા છે.



મુદ્દાની વાત એ છે કે ગુજરાતી સાહિત્ય સંબંધિત ફિલ્મો આજે આંગળીના વેઢે ગણી શકાય એટલી માંડ બને છે. એવામાં સવાલ એ આવીને ઊભો રહે છે કે ગુજરાતી પ્રજાને ગુજરાતી ફિલ્મો અને સાહિત્ય સાથે કઈ રીતે જોડવી? આપણે ગુજરાતી પ્રજાને સામાન્યપણે કહેતા સાંભળી છે કે આજની ફિલ્મો સારી તો બને છે પણ એમાં એ પહેલા જેવી મજા નથી આવતી. જોકે એ મજા ન આવી રહી હોવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આજની ઢોલીવૂડની ફિલ્મોનો સાહિત્ય સાથેનો સંબંધ ઘણો ઓછો છે. ફિલ્મ મેકરના દ્રષ્ટિકોણથી વાત કરીયે તો કોઈપણ નવલકથા, બાયોપિક અથવા સાહિત્યીક કૃતિને મોટા પડદા પર ઉતારતી વખતે એક ફિલ્મ મેકરે મૂળ વાર્તાને પકડી રાખવી પડે છે. નવલકથામાં, બાયોપિકમાં કે સાહિત્યના પાને જે લખાણ લખાયું છે એ સો ટચાના સોના જેવું અને આબેહૂબ મૂળ સર્જનનું પ્રતિબિંબ હોવું જોઈએ, જેને લીધે એક ડિરેક્ટર, એક ફિલ્મ મેકરની ક્રિએટિવિટી અમૂક અંશે બંધાઈ જાય છે. ‘કસૂંબો’ કે ‘હેલ્લારો’ જેવી ફિલ્મ બનાવવી હોય તો મૂળ વાર્તા સાથે ન્યાય કરવો અત્યંત જરૂરી બની જાય છે અને આવા પ્રકારના જોખમ લેવા અનેક ફિલ્મ મેકર્સ તૈયાર નથી. જોકે આ સમસ્યાના સમાધાનરૂપે અનેક ફિલ્મ મેકર્સ વચ્ચેનો રસ્તો કાઢે છે. ફિલ્મ મેકર્સ ભલે સાહિત્ય સર્જન નથી કરતા કે સાહિત્યીક કૃતિને મોટા પડદે નથી લાવતા પણ તેઓ મૂળ સાહિત્યની અનેક રચનાઓને કેન્દ્રસ્થાને રાખીને, તેનો ગુડાર્થ સમજીને એક નવી વાર્તાનું સર્જન કરે છે, જેને લીધે વધારે ક્રિએટિવિટી સર્જાય છે અને દર્શકોને કંઈક નવું માણવા મળે છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) અને કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત