થિયેટર્સને જીવતા રાખવાની જવાબદારી ઓડિયન્સની

સ્માર્ટ ટીવી, ઓટીટીને લીધે આળસુ બનેલી આજની પ્રજા થિયેટર સુધી જવા નથી માંગતી પણ પોતાની સુખ સુવિધા સાચવવામાં એ થિયટર્સનું નિકંદન કાઢી રહી છે



ઢોલીવૂડ હોય કે બોલીવૂડ એક પ્રશ્ન દરેક પ્રાદેશિક અને વૈશ્વિક ફિલ્મમેકર્સને છેલ્લાં લાંબા સમયથી સતાવી રહ્યો છે અને એ છે થિયેટર્સ સુધી ન આવતી ઓડિયન્સ. ખરેખર આ એક એવી સમસ્યા છે જેનાથી ગુજરાતી સિનેમા જગત પણ છેટૂ રહી શક્યું નથી. ફિલ્મમેકર્સ દરેક પ્રકારના પ્રયાસ કરે છે કે તેની ટાર્ગેટ ઓડિયન્સ થિયેટર સુધી આવે અને તેણે બનાવેલી ફિલ્મ કે નાટક નિહાળે. તેમ છતાં તેમને ધાર્યી સફળતા નથી મળતી. વળી આ એક એવો મુદ્દો છે જેમાં ફિલ્મમેકર્સ ઓડિયન્સનો અને ઓડિયન્સ ફિલ્મનો વાંક કાઢતી રહે છે. માટે સમાધાનરૂપે જરૂરી બની રહે છે કે આ મુદ્દાને સમજી-વિચારીને સ્વીકારવામાં આવે અને અમલમાં મૂકવામાં આવે.



જે-તે ઓડિયન્સ થિયેટર્સ સુધી નથી જતી એના માટે અનેક કારણો જવાબદાર છે. ફિલ્મમેકર્સના દ્રષ્ટિકોણથી અને ઓડિયન્સના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીયે તો બંનેના લક્ષ્ય એક સરખા હોવા છતાં તેમની વિચારધારા અને તેમના માર્ગ અલગ અલગ છે. સૌથી પહેલા ફિલ્મમેકર્સના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરીયે. ફિલ્મમેકર એક વિક્રેતા, એક ક્રિએટીવ માણસ છે જેને પોતાનો પ્રોડક્ટ માર્કેટમાં વહેચવો છે અને રૂપિયા કમાવવા છે. આ સૌથી પાયાની હકીકત છે. કોઈપણ ફિલ્મમેકર માત્ર મનોરંજન પૂરુ પાડવા ફિલ્મ કે નાટકનું નિર્માણ નથી કરતો. હા, તેનો આશય એટલો સ્પષ્ટ હોય છે કે તેના દર્શકોનું મનગમતું મનોરંજન કરી તે રૂપિયા કમાય. આ માટે ફિલ્મમેકર એક વાર્તા પસંદ કરી તેના પર આગળનું કામ શરૂ કરે છે. ફિલ્મ કે નાટકના તૈયાર થવાના સમયે તે અનેક નાની વાતોનું ધ્યાન રાખે છે કે તેની ઓડિયન્સને કઈ વાત ગમશે, તેની પોતાના હીરો, હીરોઈન અને વિલન માટે કેવી આશા છે, વાર્તામાં વધારે એક્શન અને ફાઇટિંગનો ડોઝ કામ લાગશે કે પરિવારનો સાથ-સહકાર અને ફેમિલી ડ્રામા તેની વાર્તાને આગળ વધારવામાં મદદરૂપ થશે. આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક વાર્તાને યોગ્ય માધ્યમે દર્શકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે.

હવે દર્શકોના દ્રષ્ટિકોણથી વાત કરીયે તો ફિલ્મમેકરની સરખામણીમાં તેમની પાસે દલીલ કરવા અનેક મુદ્દાઓ છે અને અનેક સુવિધાઓ પણ છે. દર્શકોની એક સામાન્ય દલીલ એ જ હોય છે કે આજની ફિલ્મો અને નાટકો તેમને ગમે એવા નથી હોતા. ગુજરાતી ફિલ્મમાં જોકે છેલ્લાં કેટલાક સમયથી આ વાત ખોટી પડી રહી છે કેમ કે જે પ્રકારના કોન્ટેન્ટ છેલ્લાં કેટલાક વર્ષોમાં રિલીઝ થયા છે એ દર્શકોના મનમાં સ્થાન મેળવવામાં ઘણાં સફળ રહ્યા છે. વાર્તાને અલગ ચશ્માથી જોવાની કુનેહ એક ફિલ્મને, એક ફિલ્મમેકરને બે વેત ઉંચો બેસાડી દેવામાં પાયાની ભૂમિકા ભજવે છે. 



આ બધા મુદ્દાઓને બાજુમાં મૂકીને વાત કરીયે તો ઘરમાં થિયેટર જેવી સુવિધા મળી રહી હોવાને લીધે આજની તારીખમાં થિયેટર સુધી જવું કોઈને ગમતું નથી. વધતા ખર્ચા-પાણીની સામે એક ઓટીટીનું સબ્સ્ક્રિપ્શન સસ્તામાં મળતું હોવાને લીધે પણ ફક્ત ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી અને અન્ય પ્રજા પણ થિયેટર સુધી જવાનું ટાળે છે. ઘરમાં હોમ થિયેટર, સ્માર્ટ ટીવી, ઓટીટી આવી ગયા હોવાને લીધે દર્શકો પાસે આજે પોતાના યથાયોગ્ય સમયે મનગમતો કોન્ટેન્ટ જોવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેને લીધે થિયેટર્સ સુધી જવામાં ઓડિયન્સને રસ રહ્યો નથી. ફિલ્મની વાત કરીયે તો બોક્સ ઓફિસ પર 100-200-500 કરોડ રૂપિયાની કમાણી કરતી મેગાસ્ટાર્સની ફિલ્મ પણ આજે માંડ સિલ્વર જુબિલી કરી રહી છે જ્યારે ગુજરાતી ફિલ્મો માંડ 5-10 કરોડ રૂપિયાનો વકરો કરી રહી છે. સારા એવા કોન્ટેન્ટ હોવાને લીધે ગુજરાતી ફિલ્મો દર્શકોને ગમે તો છે પણ મર્યાદિત ઓડિયન્સ હોવાને લીધે તેનો વ્યાપ વધી શકતો નથી. આ મર્યાદાને લીધે ગુજરાતી ફિલ્મોની રિમેક થઈ રહી છે અને રિમેક પોતાનો વ્યાપ વધારી 100 ગણો નફો કરી રહી છે.

આપણે જાણીયે જ છીએ કે સિનેમાગૃહો સુધી ઓછી માત્રામાં દર્શકો આવતા હોવાને લીધે સારી એવી ફિલ્મો લોકો સુધી પહોંચતી અટકી જાય છે. ફક્ત ફિલ્મો જ નહીં, નાટ્યક્ષેત્રની હાલત પણ કફોડી જ છે. કોરોનાકાળ બાદ નાટ્યક્ષેત્ર હજુ પણ સંપૂર્ણપણે બેઠું નથી થયું. એક નાટકોના જેટલા પ્રયોગો થાય છે એટલા સામે ખર્ચા પણ થતા રહે છે જે હાઉસફૂલ શો ન જતા નુકસાનીમાં પરિણમે છે. એક નિર્માતા પોતાનું નાટક રંગમંચ પર ઉતારતા પહેલા કેટલીક ગણતરી કરી રાખે છે. એ ગણતરી મુજબ જો નાટકની ટિકીટો કાઉન્ટર પરથી ન વેચાય તો સ્વાભાવિક છે કે નિર્માતાએ દર્શકોને થિયેટર, રંગમંચ સુધી લાવવા વધારે મહેનત કરવી પડે છે. આજનો જમાનો એવો નથી રહ્યો કે રાતના શરૂ થયેલું નાટક સવારના ચાર વાગ્યા સુધી ચાલે. નાટકમાં બે-ત્રણ વાર વન્સમોર મળે, બે-ત્રણ મિનીટનો એક ગરબો કે ડાન્સ સિકવન્સ આવી જાય અને દર્શકોને વોટ્સપીયા જોક્સથી ખુશખુશાલ કરી દઈએ એટલે નાટકને સારું અને સફળ ગણવામાં આવે છે. ફિલ્મની સરખામણીમાં નાટકોનું પ્રમોશન પણ મર્યાદિત જ રહે છે. સમાચારપત્રોમાં માત્ર જાહેરખબરરૂપે નાટકનું પ્રમોશન કે માર્કેટિંગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષા સહિત મરાઠી, હિંદી અને અન્ય આંગળીના વેઢે ગણી શકાય એટલી પ્રાદેશિક ભાષામાં નાટકના પ્રયોગો કરવામાં આવે છે અને એ તમામ મોટાભાગે આવી જ જાહેરાતો કે માઉથ પબ્લિસિટીના આધારે પોતાનું ભાવિ નક્કી કરે છે. 



ટૂંકમાં ચોક્કસપણે આપણે એમ કહી શકીયે છીએ મર્યાદાઓને ધ્યાનમાં રાખવા કરતા કંઈક નીતનવું કરવાનો પ્રયત્ન ઇન્ડસ્ટ્રીને એક નવી દિશા ચીંધી શકે છે. દર્શકો માટે ફિલ્મ કે નાટક એ માત્ર મનોરંજનનું એક માધ્યમ છે પણ એક નિર્માતા માટે એ પ્રોજેક્ટ, એ ફિલ્મ, એ નાટક એની રોજીરોટી છે. કઈ ફિલ્મ, કયું નાટક કેટલી કમાણી કરે છે એ વાત પર ધ્યાન આપવા કરતા એ ફિલ્મ અને એ નાટક શું સંદેશ આપવા માંગે છે એ જો જાણવાનો પ્રયાસ કરીયે તો એક દર્શકે થિયેટરનો માર્ગ ચોક્કસ સ્વીકારવો જોઈએ. જે પ્રમાણે રસોઈ બનાવવી હોય તો રસોઈઘરમાં પ્રવેશ કરવો પડે એ જ પ્રમાણે ફિલ્મ કે નાટક માણવું હોય તો થિયેટરમાં પ્રવેશ કરવો જ પડે. બીજા શબ્દોમાં કહીયે તો ટીવી, મોબાઈલ કે ઓટીટી પર જોવાને બદલે દરેક કોન્ટેન્ટને એક યોગ્ય સ્થાને જઈને જોવામાં જ ભલી વાર છે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત