વ્યક્તિ એક પણ એના જીવન પર ફિલ્મો બની નવથી પણ વધારે

આદિકવિ નરસિંહ મહેતાના જીવન પર 1932થી 1984 સુધી લગભગ નવ ગુજરાતી ફિલ્મો બની અને દરેકે દરેક ફિલ્મ સફળ રહી, આ ઉપરાંત એમના જીવનકવન પર સિરીયલ પણ બની જે દૂરદર્શન પર પ્રસારિત થતી



હિન્દી સિનેજગતની પહેલી બોલપટ ફિલ્મ તરીકે ‘આલમ આરા’ નું નામ સૌ કોઈ જાણે છે પણ ગુજરાતી સિનેમા જગતની પહેલી વહેલી બોલપટ ફિલ્મનું નામ પૂછવામાં આવે તો ઘણા જૂજ લોકોને એ ફિલ્મનું નામ ખબર હશે. આ પ્રશ્ન પૂછવાનો આશય એટલો જ કે ગુજરાતી સિનેમાજગતની પહેલી બોલપટ ફિલ્મ એક બાયોપિક હતી અને જે વ્યક્તિની જીવની, એ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી એને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણભક્ત નરસિંહ મહેતા પહેલા વહેલા એવા વ્યક્તિ બન્યા જેમના પર પહેલી ફૂલ-લેન્થ ગુજરાતી બોલપટ ફિલ્મ બનાવવામાં આવી હતી. એથી પણ વિશેષ વાત એ છે કે નરસિંહ મહેતા એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના જીવનના વિવિધ પ્રસંગોને સાંકળીને ઢોલીવૂડમાં એક, બે, ત્રણ નહીં પણ અંદાજે નવ જેટલી ફિલ્મો બની છે અને એ દરેકે દરેક ફિલ્મ સફળ રહી છે.  



1932ની નવમી એપ્રિલે પહેલી ગુજરાતી ફૂલ-લેન્થ બોલપટ ફિલ્મ ‘નરસિંહ મહેતા’ શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. સાગર મૂવીટોન દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મનું નિર્માણ ચિમનલાલ દેસાઈએ અને દિગ્દર્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. ફિલ્મની પટકથા ચર્તુભુજ દોશીએ લખી હતી. કલાકારોની વાત કરીયે તો નરસિંહ મહેતા તરીકે મારૂતિરાવ પહેલવાને મુખ્ય ભૂમિકા ભજવી હતી જ્યારે રા’માંડલિકની ભૂમિકા રંગભૂમિના લોકપ્રિય અભિનેતા મોહનલાલા એટલે કે માસ્ટર મોહને ભજવી હતી. નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈની ભૂમિકા શરીફાબાનોએ અને તેમનાં પત્ની માણેકબાઈની ભૂમિકા મીસ ખાતૂને ભજવી હતી. શ્રીકૃષ્ણની ભૂમિકા ઉમાકાંત દેસાઈએ અને રાધાની ભૂમિકા એ સમયની જાણીતી અભિનેત્રી મહેતાબ બાનો કરી હતી જે આગળ જતા બોલીવૂડના અભિનેતા, દિગ્દર્શક સોહરાબ મોદીના ધર્મપત્ની બન્યા. 



આગળ વધતા પહેલા નરસિંહ મહેતાના જીવન પર બનેલી આ પહેલી-વહેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ની કટેલીક રોચક વાત જણાવું. નરસિંહ મહેતાની આ ફિલ્મ બનાવવી ફિલ્મમેકર્સ માટે એક મોટો પડકાર જ હતો, કેમ કે નરસિંહ મહેતા કેવા દેખાતા, તેમના શરીરનો બાંધો કેવો હતો એ કોઈ જાણતું નહોતું અને તેમનો એકેય ફોટો પણ કશેથી જડે એમ નહોતો, એટલે કે નરસિંહ મહેતાના દેખાવને અનુરૂપ કોઈ સંદર્ભ નહોતો. ફિલ્મ બનાવતા પહેલા ફિલ્મના દિગ્દર્શક નાનુભાઈ વકીલ નરસિંહ મહેતાના પાત્રનું માર્ગદર્શન મેળવવા માટે એ સમયના ગુજરાતના સાક્ષરો આનંદશંકર ધ્રુવ, કવિ નાનાલાલ, નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી તેમજ નવલકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરીને નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિયોગને સમજવાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની મદદથી નરસિંહ મહેતાનું પાત્ર તૈયાર કરવામાં આવ્યું. આ માટે રાવળ સાહેબે અનેક હસ્તપ્રતો તેમજ પોથીચિત્રોનો અભ્યાસ કર્યો અને નાગર જ્ઞાતિના પુરુષોની કદકાઠીનો અંદાજ મેળવી નરસિંહ મહેતાના પાત્રને ફિલ્મી પડદાને અનુરૂપ એક શારિરીક બાંધો તૈયાર કરી આપ્યો. 



જોકે ફિલ્મમેકર્સ માટે ખરો પડકાર હવે શરૂ થવાનો હતો અને એ હતો નરસિંહ મહેતા જેવા દેખાતા પાત્રને શોધી કાઢવાનો, વળી એ કલાકારમાં ગાયિકીના ગુણ હોવા પણ જરૂરી હતા. ઘણી મહેનત અને શોધખોળ કર્યા બાદ નિર્માતાઓએ મરાઠી ગાયક અને અભિનેતા મારૂતિરાવ પહેલવાન પર નરસિંહ મહેતાના પાત્રનો કળશ ઢોળ્યો અને આ પ્રમાણે એક મરાઠી કલાકારે ગુજરાતી સિનેમાજગતને મોટા પડદે વાચા આપી ઈતિહાસ સર્જ્યો.  

ફિલ્મમાં સંગીત એસ. પી. રાણેનું હતું અને પ્રાપ્ત જાણકારી મુજબ ફિલ્મની શરૂઆત ગુર્જરદેવીથી થાય છે, જે ભગવાન વિષ્ણુને પોતાના રક્ષણ અને ઉદ્ધાર માટે પ્રાર્થના કરતી જોવા મળે છે. એથી પણ રોચક વાત એ કે ઢોલીવૂડની આ પહેલી બોલપટ ફિલ્મ માટે મુંબઈમાં જ જૂનાગઢનો સેટ ઊભો કરવામાં આવ્યો હતો. સેટ ડિઝાઇન કરવાની જવાબદારી રંગીલદાસ દેસાઈએ રવિશંકર રાવળના સહયોગથી પૂરી પાડી હતી. 

1932થી આગળ વધીયે તો 1940માં પ્રકાશ પિક્ચર્સના નેજા હેઠળ વિજય ભટ્ટ દિગ્દર્શિત હિંદી ફિલ્મ ‘નરસિંહ ભગત’ રિલીઝ થઈ હતી જેમાં નરસિંહ મહેતા તરીકે વિષ્ણુપંત પગનીસ અને માણેકબાઈ તરીકે દુર્ગા ખોટેએ અભિનય કર્યો હતો. આ બંને કલાકારો ઉપરાંત વિષ્ણુપંત ઔંધકર, રામચંદ્ર મરાઠે, આમીરબાઈ કર્ણાટકી, દયા દેવી, વિમલ સરદેસાઈ, વિમલા વશિષ્ઠ, બેબી ઈંદિરા મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.



1940 બાદ 1947માં સનરાઈઝ પિકચર્સ દ્વારા ‘કુંવરબાઈનું મામેરું’ નામે ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં રાણી પ્રેમલતા, દુલારી, મેહર સુલતાના, શાંતાબાઈ, ભક્તરાજ શંકરદાસ, ચિમન મારવાડી, નટવર ચૌહાણ, માસ્ટર ધુલીયા અને અનેક કલાકારો જોવા મળ્યા હતા. વી.એમ. વ્યાસ દિગ્દર્શીત આ ફિલ્મમાં છન્નાલાલ ઠાકોરે સંગીત આપ્યું હતું. ગાયક કલાકાર પ્રેમલતા નાયક, રાજકુમારી, વિનોદ જોશી અને પિનાકીન શાહ હતા જ્યારે ગીતાકાર તરીકેની ફરજ કવિ મનસ્વી પ્રાંતિજ્વાલાએ ભજવી હતી.  

1947 બાદ વી.એમ. વ્યાસ ફરીથી 1948માં ‘શામળશાનો વિવાહ’ નામે ફિલ્મ લઈને આવ્યા અને આ ફિલ્મમાં પણ મોટાભાગના કલાકારો અને સહાયકો એના એના જ હતા. ‘શામળશાનો વિવાહ’ ફિલ્મમાં રાણી પ્રેમલતા, રામલાલ, દુલારી, અમૃત નાયક, નટવર ચૌહાણ, માસ્ટર ધુલિયા વગેરેએ અભિનય કર્યો હતો અને સંગીત છન્નાલાલ ઠાકોરનું હતું. જોકે આ ફિલ્મમાં ગાયક પ્રેમલતા નાયક અને રાજકુમારી ઉપરાંત દિલીપ કુમાર અને ભિખુ હતા. 

જમનાદાસ કાપડિયાના નેજા હેઠળ 1951 માં ‘ભક્ત નરસૈંયો’ નામે ફિલ્મ બની હતી જેમાં સંગીત મોહન જુનિયર અને સુરેશ કુમારનું હતું. આ ફિલ્મમાં અરવિંદ પંડ્યા જોવા મળ્યા હતા પણ તેમની સાથેના સહકલાકારોમાં કાન્તા કુમારી, ઘનશ્યામ, બકુલેશ, માસ્ટર બટુક, ચારૂબાળા, ચંદ્રીકા, શિવગુણા, છગન રોમીયોએ અભિનય કર્યો હતો. 1957 માં આવેલી હિન્દી ફિલ્મ ‘નરસિંહ ભગત’ દેવેન્દ્ર ગોયલના દિગ્દર્શનમાં બની હતી જેનું મન્ના ડેના સ્વરમાં ગવાયેલું ગીત ‘દરસન દો ઘનશ્યામનાથ મોરી અંખીયા પ્યાસી રે’ આજે પણ મનને શાતા આપવામાં સફળ રહે એવું કર્ણપ્રિય ગીત છે. 



નુતન કલા મંદિર દ્વારા 1961 માં ‘નરસૈયાની હુંડી’ નામે ગુજરાતી ફિલ્મ બની જેનું નિર્દેશન ફરી એકવાર વી.એમ. વ્યાસે કર્યું હતું. આ ફિલ્મમાં અરવિંદ પંડ્યા અને પદ્મારાણી નરસિંહ મહેતા અને માણેકબાઈના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમના ઉપરાંત ફિલ્મમાં રાધા રાની, સરસ્વતીબાઈ, ચંપક લાલા, નૌશીર, રામપ્યારી, અજીત સોની જેવા અનેક કલાકારો જોવા મળ્યા હતા. નોંધનીય છે કે આ ફિલ્મની પટકથા અને સંવાદ ચર્તુભુજ દોશીએ જ લખ્યા હતા, જેમણે 1932માં બનેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મનું સંગીત અને ગીત સર્જન અવિનાશ વ્યાસે કર્યુ હતું. ગાયકવૃંદમાં આશા ભોસલે, મન્ના ડે, રતિકુમાર વ્યાસ, સુમન કલ્યાણપૂર અને પિનાકિન શાહ સામેલ હતા. 




1964માં આવેલી ફિલ્મ ‘કુંવરબાઈનું મામેરું’ની વાત ન કરીયે તો ન ચાલે. રવિન્દ્ર દવે પ્રસ્તુત કિર્તી કલા મંદિરની આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી ફરી એકવાર નરસિંહ મહેતાના પાત્રને મોટા પડદે જીવીત કરતા જોવા મળ્યા હતા જ્યારે કુંવરબાઈ તરીકે અનુપમાએ પાત્રમાં જીવ રેડી દીધો હતો. શ્રીકાંત સોની અને સ્નેહલતા શ્રીકૃષ્ણ-રાધાના પાત્રમાં જોવા મળ્યા હતા. ‘નાગરનંદજીના લાલ’થી માંડીને મલ્હાર રાગમાં રચાયેલું ગીત ‘વરસો રે વરસાની ધાર વરસો રે’ અને અનેક ભજનો-ગીતો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હાસ્ય કલાકાર રમેશ મહેતાએ તૈયાર કર્યા હતા. ફિલ્મમાં માણેકબાઈનું પાત્ર કરનારા ઉર્મિલા ભટ્ટ, નરસિંહના ભાભી તરીકે કલ્પના દિવાનના દમદાર ડાયલોગ્સને લીધે આ ફિલ્મ ઠેર-ઠેર વખણાઈ. આ ફિલ્મમાં ગાયિકીની કમાન મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર અને સુલોચના વ્યાસના હસ્તગત હતી અને સંગીતકાર તરીકેની જવાબદારી અવિનાશ વ્યાસે સંભાળી હતી. 

1976 માં ફરીથી ‘શામળશાનો વિવાહ’ માથાળા હેઠળ એક ફિલ્મ બની જેમાં જસુભાઈ ત્રિવેદીનું નિર્દેશન હતું અને કલાકારવૃંદમાં નાના પલસીકર, પદ્મારાણી, વિષ્ણુકુમાર વ્યાસ, શ્રીકાંત સોની, રમેશ મહેતાનો સમાવેશ થયો હતો. આ ફિલ્મમાં પણ અવિનાશ વ્યાસનું સંગીત દર્શકોને માણવા મળ્યું હતું. આશા ભોસલેએ ગાયેલું ગીત ‘રંગભર શ્રાવણ, રંગભર વૃદાંવન’ આજે પણ સાંભળવું ગમે એવું ગીત છે. 



1984 માં વિજય બી. ચૌહાને ‘ભગત નરસી મહેતા’ નામે ગુજરાતી ફિલ્મ બનાવી, જેની પ્રેરણા તેમને મહાત્મા ગાંધીજીએ આપી હતી. અવિનાશ વ્યાસ સંગીતવદ્ધ આ ફિલ્મમાં સુધીર દળવી, મધુ મલ્હોત્રા, રાજા બુંદેલા, ચંદ્રકાંત પંડ્યા, નલીન દવેએ અભિનય કર્યો હતો. ઉષા મંગેશકર, અલ્કા યાજ્ઞિક, અનુરાધા પોડવાલ, આનંદ સી., સુરેશ વાડકર, કરશન સાંગડીયા અને મામેરાના ગીતમાં રાજ બોહરાના સ્વરમાં ગીતો માણવા મળ્યા હતા. 

‘જાગને જાદવા’, ‘મારી હૂંડી સ્વીકારો’ જેવા અનેક નરસિંહ ભજનો ઉપરાંત આ ફિલ્મમાં જે ગીતો દર્શાવવમાં આવ્યા હતા એ આજે પણ આકાશવાણી જેવા માધ્યમથી માણવા મળે છે. ફિલ્મ ઉપરાંત દૂરદર્શન પર ‘નરસિંહ મહેતા’ના નામથી ગુજરાતી સિરીયલ પણ પ્રસારિત કરવામાં આવી હતી જેમાં દર્શન જરીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ટૂંકમાં એક માત્ર વ્યક્તિના જીવનમાં બનેલી અદ્ભૂત ઘટના, પ્રસંગોને મોટા પડદા પર વારંવાર રજૂ કરવા માટે ફિલ્મમેકર્સ સતત ઉત્સાહિત રહેતા હોય છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત