‘માનવીની ભવાઈ’ અને ‘કંકુ’ એટલે ઢોલીવૂડની માઇલસ્ટોન ફિલ્મો

પન્નાલાલ પટેલની આ બંને નવલકથાઓ આજે પણ લોકહૈયે શ્વસે છે અને કદાચ એટલે જ આ વાર્તાઓ પરથી બનેલી ફિલ્મો પણ સફળતાના શિખરો સર કરવામાં અગ્રેસર રહી છે

પાછલા લેખમાં આપણે પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’ની વાત કરી હતી અને આ લેખમાં આપણે પન્નાલાલ પટેલની અન્ય બે નવલકથાની વાત કરવાના છીએ જેમના પરથી ગુજરાતી ફિલ્મો બની અને પ્રસિદ્ધી પણ પામી. આ બે નવલકથા છે ‘માનવીની ભવાઈ’ અને ‘કંકુ’.

સૌથી પહેલા વાત કરીયે ‘માનવીની ભવાઈ’ નવલકથાની જે 1947 માં પ્રકાશિત થઈ હતી. ગુજરાતમાં 1899-1900 ની સાલમાં આવેલા છપ્પનિયા દુકાળ પર આધારિત આ નવલકથા વાસ્તવમાં તો કાળુ અને રાજુની પ્રેમકથા છે. કાળુ જે વાલા પટેલનો દીકરો છે અને રાજુ ગાલા પટેલની દીકરી છે. એકબીજાને પ્રેમ કરતાં આ પ્રેમી પંખીડાના લગ્ન તો બીજે કશે જ થઈ જાય છે પણ તેમની પ્રેમકથાની સાથે લેખકે દુકાળની અતિદુષ્કર પરિસ્થિતીનું જે શાબ્દિક વર્ણન કર્યું છે, એ વાર્તાને વધારે જીવંત બનાવે છે. 

સાહિત્યની દ્રષ્ટિએ ‘માનવીની ભવાઈ’ એક અદ્ભૂત કહી શકાય એવી રચના છે અને કદાચ એટલે જ  મનુભાઈ પંચોળી 'દર્શક', ઉમાશંકર જોશી, સુન્દરમ્, અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, ચીમનલાલ નારાણદાસ પટેલ, પ્રમોદકુમાર પટેલ જેવા અનેક રચૈતા અને વિવેચકોએ આ નવલકથાની અનેક વિશેષતાઓ દર્શાવીને તેને આવકારી હતી. માત્ર સાહિત્ય જગતમાં જ નહીં પરંતુ લોકહૈયૈ સ્થાન પામેલી ‘માનવીની ભવાઈ’ને 1985માં ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ નવલકથા 1973માં તામિલ ભાષામાં ‘વઝક્કાઈ ઓર નડાગમ’ નામે અને 1995માં અંગ્રેજીમાં અનુવાદિત થઈ હતી.

ફિલ્મી પડદાની હવે વાત કરીયે તો ‘માનવીની ભવાઈ’ને ફિલ્મરૂપે રજૂ કરવાનું ભગીરથ કાર્ય બીજા કોઈએ નહીં પણ ઉપેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું જેમાં તેમણે પોતે કાળુની મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજુનું પાત્ર ભજવ્યું હતું અનુરાધા પટેલે. તેમની સાથે અરવિંદ પંડ્યા, ચંદ્રકાંત પંડ્યા, કલ્પના દિવાન, બાબુ નાયક વગેરે કલાકારો પણ જોવા મળ્યા હતા. 1993માં રિલીઝ થયેલી ‘માનવીની ભવાઈ’ ફિલ્મની વાત કરીયે તો ફ્લેશબેકમાં કાળુ દ્વારા જ કહેવાતી આ ફિલ્મનો પહેલો સીન ખેતી કરતા નાનકડા કાળુથી શરૂ થાય છે અને વરસાદના આગમન સાથે વાર્તાનો અંત થાય છે. આખી વાર્તામાં ચાતકની જેમ વરસાદની રાહ જોતા ખેડૂતની મનોવેદના આ વરસાદના ટીપાથી છેલ્લે શાતા પામે છે. 

તેમ છતાં ફિલ્મમાં હ્યદય દ્વવી ઉઠે એવો એક સીન બતાવાવમાં આવ્યો છે જેની વાત ખાસ કરવી રહી. દુકાળને લીધે ગામમાં પાક ઉગતો નથી ને જઠરાગ્નિ ઠરતો નથી. એવામાં માણસ, માણસાઈ વિસરી ભૂતાવળને પણ લજવે એવી હિનતા કરે છે. માનવીઓનું એક ટોળું ભેંસને પથ્થરથી મારી-મારીને તેનું માસ ખાવા તલપાપડ થાય છે, ત્યાં આ દ્રશ્ય જોઈને નાસી રહેલા કાળુને એક એવી સ્ત્રી દેખાય છે જે માની મમતાને પણ લજવે છે. એકબાજુ લોકો ભેંસને મારીને ખાવા ગાંડા બન્યા છે ત્યાં પેલી સ્ત્રી પોતાના નવજાતને જ ખાઈને પોતાની ભૂખ શાંત પાડવાની કોશિશ કરતી દેખાય છે. આ દ્રશ્ય એવું તો ધ્રુજારી છુટાવી નાખે છે કે કાળુ છેટવે ભગવાનનું નખોદ્દ જાય એવા કડવા વેણ કહી અંધાપાની માંગણી કરી બેસે છે. તેમ છતાં ફિલ્મના અંતિમ સીનમાં જ્યારે મેઘરાજ વરસે છે અને સૂકી ધરતીની છાતી પર પાણીનો સ્પર્શ થાય છે ત્યારે ખેડૂતના મન પણ આનંદિત થઈ ઉઠે છે. ટૂંકમાં કાળુ અને રાજુના માધ્યમે દુકાળ જેવી કપરી સ્થિતીને નવલકથા અને ફિલ્મમાં ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવી છે. ફિલ્મનું ગીત ‘જૂનુ જૂનુ ઝૂરીયે’ આજે પણ વિરહની વેદના પ્રગટ કરતાં શ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. 



હવે વાત કરીયે પન્નાલાલ પટેલની બીજી એક નવલકથાની જેણે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વસ્તરે નામના મેળવી છે. ફિલ્મ છે ‘કંકુ’. ફિલ્મની વાત શરૂ કરતા પહેલા એક રોચક વાત જાણવી જરૂરી છે. ‘કંકુ’ નવલકથા એક એવી નવલકથા છે જે ફિલ્મની સફળતા બાદ વિસ્તારથી લખવામાં આવી હતી. ફિલ્મ ‘કંકુ’ રિલીઝ થતા પહેલા એ વાર્તા માત્ર ટૂંકી વાર્તા તરીકે જ ઉપલબ્ધ હતી. ફિલ્મ ‘કંકુ’ ને જે સફળતા મળી એ સફળતા પછીથી નવલકથાને અને લેખકને પણ મળી.

ફિલ્મ ‘કંકુ’ એ કંકુ, ખૂમો અને મલકચંદની આસપાસ ફરતી વાર્તા છે જેમાં કંકુની એકલપંડે પોતાની જાત માટે નિર્ણય લેવાની મક્કમતા અને સ્ત્રીસશક્તિકરણની ભાવના જોવા મળે છે. ખૂમા સાથે દામ્પત્ય જીવન જીવી રહેલી કંકુ સર્ગભા હોય છે એવા કાળમાં જ પતિનો સાથ ગુમાવે છે. યુવા વયને લીધે ગામમાંથી આ વિધવા સ્ત્રી માટે અનેક માંગા આવે છે પણ તે સૌ કોઈને નકારી પોતાના દીકરાના ઉછેર પર ધ્યાન આપે છે. જોકે શાહુકાર મલકચંદ જેની પાસેથી તે અવારનવાર કરજ લેતી હોય છે, તેના માટે કંકુના મનમાં કૂણી લાગણી જન્મે છે અને મલકચંદ પણ પોતાના માટે કૂણી લાગણી ધરાવે છે એ વાતથી તે પોતે અવગત હોય છે. ઘણા સંયમ છતાં ન થનારી ભૂલ થઈ જ જાય છે અને જ્યારે વિધવા કંકુ ફરીથી સગર્ભા થાય છે ત્યારે છડેચોક મલકચંદ સાથે પરણવાની વાત કરે છે. 

1969માં જ્યારે પુરુષપ્રધાનની જડ માનસિકતા અમલમાં હતી ત્યારે આવા અદ્ભૂત વિષય ફિલ્મ બનવી ઘણી અગત્યની વાત કહેવાય. કાંતિલાલ રાઠોડે આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું જ્યારે લેખન અને સંવાદનું કાર્ય ખુદ પન્નાલાલ સાહેબે જ સંભાળ્યું હતું. ફિલ્મમાં ખૂમાનું પાત્ર સંજીવ કુમાર એટલે કે હરિભાઈ ઝરીવાલાના ભાઈ કિશોર ઝરીવાલાએ ભજવ્યું હતું જ્યારે શેઠ મલકચંદનું પાત્ર કિશોર ભટ્ટે ભજવ્યું હતું. કંકુના મુખ્ય પાત્રને ન્યાય આપ્યો હતો પલ્લવી મહેતાએ. અરવિંદ જોષી, કૃષ્ણકાન્ત ભૂખણવાલા પણ આ ફિલ્મનો હિસ્સો રહ્યા હતા. 



‘કંકુ’ ફિલ્મની સફળતા ઠેર ઠેર જોવા મળી હતી. ફિલ્મ વિવેચક અમૃત ગંગરે આ ફિલ્મને ગુજરાતી ફિલ્મોની આકાશગંગાનો પ્રથમ સાચો ચમકારો ગણાવ્યો હતો. આટલું જ નહીં 1970માં પલ્લવી મહેતાએ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાંનો એવોર્ડ પોતાને નામ કર્યો હતો અને 17મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ‘કંકુ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મેળવવમાં સફળ રહી હતી. રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કાંતિલાલ રાઠોડને, બેસ્ટ સિનેમેટોગ્રાફરનો એવોર્ડ કુમાર જયવંતને, બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ પન્નાલાલ પટેલને અને અન્ય અનેક એવોર્ડ સુદ્ધા પ્રાપ્ત થયા હતા. ફિલ્મની સફળતાને બાદ આ વાર્તા ધારાવાહિકરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી અને આ સફળતાનો શ્રેય કાંતિલાલ રાઠોડને આપતા પન્નાલાલ પટેલે આ નવલકથા કાંતિલાલ રાઠોડને જ અર્પણ કરી હતી. 

ફિલ્મના ગીતોની વાત કરીયે તો ‘કંકુ’માં કુલ ચાર ગીત હતા. ‘લુચ્ચાં રે લુચ્ચાં’ અને ‘આ મસ્ત ઘટાઓ શ્રાવણની’ જે ઈસ્માઈલ વાલેરાના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા જ્યારે ‘કંકુ’ની મનઃસ્થિતી વર્ણવવા હંસા દવેએ ‘મુને અંધારા બોલાવે’ અને ‘પગલું પાગલામાં અટવાણું’ આ બે ગીતને સ્વર આપ્યો હતો. કહેવાની જરૂરત નથી કે ચારેય ગીત સુપરડુપર હીટ રહ્યા હતા કેમ કે આ ચારેય ગીત વેણીભાઈ પુરોહિતે લખ્યા હતા અને સંગીત દિલીપ ધોળકિયાએ આપ્યું હતું. 

આ બંને ફિલ્મો દ્વારા કહેવાનો તાત્પર્ય એ છે કે ફિલ્મની વાર્તા જો હ્યદયસ્પર્શી હોય તો એ કોઈપણ માધ્યમથી તેની યોગ્ય જનતા સુધી પહોંચી જ જાય છે. શક્ય છે કે કેટલાકે ફિલ્મ જોઈ હોય અને નવલકથા ન વાંચી હોય જ્યારે કેટલાકે નવલકથા વાંચી હોય પણ તેમને ફિલ્મ વિશે ખબર ન હોય. એવામાં જો સારી વાર્તાને અલગ-અલગ માધ્યમથી રજૂ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે તો એક સર્જકને મળતી સફળતામાં ચોક્કસ ઉમેરો થાય. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત