‘મળેલા જીવ’ નવલકથા તરીકે હિટ પણ ફિલ્મ તરીકે નહીં

પન્નાલાલ પટેલની આ વાર્તા પરથી રૂપિયા 80,000 માં ફિલ્મ બની તો ખરી તેમ છતાં મુદલ પણ રિકવર ન કરી શકી


ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી સાહિત્ય જગતને આજે જરા દૂરનો સંબંધ છે એમ કહી શકાય. આમ કહેવાનું કારણ માત્ર એટલું કે આજની તારીખમાં તમને ગુજરાતી ફિલ્મ જગતમાં ગુજરાતી સાહિત્ય જગત સાથે સંકળાયેલી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળે છે. એક સમયે ગુજરાતી ફિલ્મ જગતમાં એવી ફિલ્મો બનતી, કે જેમાં ખુદ એ સાહિત્યકાર રસ લેતા અને પોતાનું યેન કેન પ્રકારેણ યોગદાન પણ આપતા. 



ગુજરાતી સાહિત્ય જગતના એક એવા સર્જક અને એના સર્જનની આજે વાત કરવી છે જેમની નવલકથા લગભગ 20થી પણ વધારે વખત પુનઃપ્રકાશિત થઈ ચૂકી છે, અનેક ભાષામાં એ નવલકથાના અનુવાદ પણ થયા છે અને રંગમંચથી માંડીને સિનેમા સુધી પોતાનો જાદુ બિખેરવામાં સક્ષમ રહી છે. આ સર્જકની 34મી પુણ્યતિથી છઠ્ઠી એપ્રિલે જ વીતી છે માટે તેમને યાદ કરતા તેમની નવલકથાઓની વાત કરવાનું એક સરસ ઉપક્રમ આપણને સાંપડ્યું છે. આ સર્જક છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પન્નાલાલ પટેલ અને તેમનું સર્જન છે ‘મળેલા જીવ’.

‘મળેલા જીવ’ નવલકથા પરથી કરવામાં આવેલા પ્રયોગો અને ફિલ્મોની વાત શરૂ કરતાં પહેલાં એ નવલકથાની કેટલીક રોચક વાત જાણી લઈએ. 1941માં પ્રકાશિત થયેલી કાનજી અને જીવીના પ્રેમને વાચા આપતી વાર્તા એટલે ‘મળેલા જીવ’. મેળાના ચકડોળમાં કાનજી અને જીવીની પહેલી મુલાકાતથી માંડીને વાર્તાના અદ્બૂત અંત સુધી બાંધી રાખતી આ વાર્તાએ ગુજરાતી સાહિત્ય જગતમાં ઘણી નામના મેળવી. 1944થી 2003 સુધીમાં તો એ વીસથી વધારે વખત પુનઃપ્રકાશિત કરાઈ ચૂકી છે. ઝવેરચંદ મેઘાણીથી માંડી, ચંદ્રકાંત ટોપીવાલા, સુંદરમ પણ પન્નાલાલની આ રચનાના વખાણ કરતાં થાકતા નહોતા. મેઘાણી સાહેબે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘આ માત્ર કાનજી અને જીવીની વાર્તા નથી પણ આપણા બધાની વાર્તા છે. આ સમગ્ર સમાજની સંવેદનશીલ વાર્તા છે અને તેમાં જ આ નવલકથાની સૌંદર્યલક્ષી સુંદરતા રહેલી છે.’ જ્યારે સુંદરમે કહ્યું હતું કે ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈપણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.’



 

ગામડાના પ્રેમપ્રકરણની આ વાર્તા ‘મળેલા જીવ’ શહેરી વાચક વર્ગમાં પણ ઘણી લોકપ્રિય થઈ હતી. વધારેમાં વધારે લોકો સુધી આ વાર્તા પહોંચે એ માટે અનેક ભાષામાં એનો અનુવાદ કરાયો જેમ કે હિન્દી, મરાઠી, સિંધી, પંજાબી, કનાડા, મલયાલમ, તેલુગુ. અંગ્રેજીમાં આ વાર્તાનો અનુવાદ ‘કાનજી એન્ડ જીવી : એ ટ્રેજીક લવ સ્ટોરી’ના નામે થયો છે જ્યારે 1958માં હિન્દીમાં ‘જીવી’ નામે અને તેલુગુમાં ‘કલાસીના જીવીથાલુ’ નામે આ વાર્તા અનુવાદિત થઈ હતી.

હવે ફિલ્મની વાત પર આવીયે તો ઘણા ઓછાને ખબર હશે કે ‘મળેલા જીવ’ નવલકથા પરથી 1941માં પ્રોડ્યુસર, ડિરેક્ટર એન.આર. આચાર્યએ ‘ઉલઝન’ નામે આ વાર્તાને હિન્દી ભાષામાં ફિલ્મરૂપે રજૂ કરી હતી જેમાં સરદાર અખ્તર, મઝહર ખાન, ક્રિષ્નકાંત અને અંજલી દેવીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.  1996 માં ‘જનુમાદા જોડી’ નામે કન્નડ ભાષામાં ફિલ્મ બની હતી જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, જેમાં શિવારાજકુમાર અને શિલ્પાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

1956માં ગુજરાતી ભાષામાં ‘મળેલા જીવ’ નામે જ ફિલ્મ બનાવવામાં આવી હતી જે બોક્સ ઓફિસ ધાર્યી સફળતા મેળવી નહોતી શકી. નાગડા બંધુઓ, લાલુ શાહ અને મનહર રસકપૂર નિર્મીત આ ફિલ્મમાં કાનજીના પાત્ર માટે મનહર દેસાઈના ભાઈ મહેશ દેસાઈ, જીવીના પાત્ર માટે દીના પાઠકને સાઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે ફિલ્મમાં બાબુ રાજે, વિષ્ણુકુમાર વ્યાસ, તરલા મહેતા, વિજય દત્ત જેવા ખ્યાતનામ રંગકર્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 



આ ફિલ્મના કલાકારોની વરણી ખાસ કરીને કાનજીના પાત્રની વરણી કરવા ફિલ્મમેકર્સે ઘણી મહેનત કરવી પડી હતી. કાનજીના પાત્ર માટે નિર્માતાઓની સૌથી પહેલી પસંદગી અરવિંદ પંડ્યા હતા, જે એ જમાનામાં ફેમસ તથા લોકપ્રિય કલાકારોની યાદીમાં ટોચના કલાકારોમાંના એક હતા. જોકે તેમની એક શરત હતી કે ફિલ્મના ગીતો તે પોતે ગાશે જે નિર્માતાઓને માન્ય નહોતી. એ સમયે અરવિંદ પંડ્યા આકાશવાણી મુંબઈ કેન્દ્રના ગુજરાતી વિભાગમાં ગાયક તરીકે પણ સક્રિય હતા. અરવિંદ પંડ્યા પર પસંદગી ન ઉતરતા નિર્માતાઓએ મનહર દેસાઈનો સંપર્ક કર્યો પણ કોઈક કારણસર તે પણ આ ફિલ્મ કરી ન શક્યા અને તેમણે પોતાના ભાઈ મહેશ દેસાઈના નામની ભલામણ કરી. 

મહેશ દેસાઈ એ સમયે આફ્રિકાથી નવા નવા ફરેલા હતા અને અહીં પ્રોફેસર હોવા ઉપરાંત યુનેસ્કોએ સ્થાપેલી ઇન્ડિયન એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટ્સ (આઇએડીએ) સાથે સંકળાયેલા હતા. નિર્માતાઓ સાથે વાત જામી જતા કાનજીના પાત્ર માટે મહેશ દેસાઈને માત્ર રૂપિયા 501માં સાઇન કરવામાં આવ્યા હતા અને આ પ્રમાણે મહેશ દેસાઈએ ગુજરાતી સિનેજગતમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ વલસાડમાં કરવામાં આવ્યું હતું જ્યારે ઇન્ડોર શૂટિંગ મુંબઈના નાનાચોક વિસ્તારમાં અને કેન્હેરી બ્રિજ પાસે આવેલા જ્યોતિ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. જોકે જ્યોતિ સ્ટુડિયોમાં કેટલીક અગવડને કારણે પછીથી બધું કામકાજ અંધેરીના મોહન સ્ટુડિયોમાં ખસેડવામાં આવ્યું. વાર્તા મુજબ ફિલ્મમાં જે મેળો બતાવવાનો હતો એનો સેટ અહીં મોહન સ્ટુડિયોના ગ્રાઉન્ડમાં ઊભો કરવામાં આવ્યો હતો.  



ફિલ્મમેકર માટે એક રોચક અને લોકપ્રિય વાર્તાને ફિલ્મી પડદા પર ઉતારવાનું કામ સરળ નથી હોતું. એ વાર્તા જનમાનસ ફિલ્મ તરીકે સ્વીકારશે કે નહીં એ સૌથી મોટો પડકાર નિર્માતાઓ માટે રહે છે. અંદાજે 80,000 રૂપિયામાં બનેલી ફિલ્મ ‘મળેલા જીવ’ બોક્સ ઓફિસ પર સફળ નહોતી રહી. જોકે ઘણા વર્ષો પછી અભિનેતા હિતેન કુમારની ભલામણથી દિગ્દર્શક ચંદ્રેશ ભટ્ટે ‘મળેલા જીવ’ નવલકથાથી પ્રેરણા લઈને ‘હાલો માનવીયુના મેળે’ નામની ફિલ્મ બનાવી જેમાં કાનજીનું પાત્ર ખુદ હિતેન કુમારે અને જીવીનું પાત્ર આણંદીએ ભજવ્યું હતું. નાયિકાના બીજા પતિનું પાત્ર દિનેશ લાંબાએ ભજવ્યું હતું જે 1956ની મૂળ ફિલ્મમાં બાબુ રાજેએ ભજવ્યું હતું. વિલનની ભૂમિકા જે વિષ્ણુકુમાર વ્યાસે ભજવી હતી એ અહીં આ ફિલ્મમાં જીત ઉપેન્દ્રએ ભજવી હતી. માત્ર ફિલ્મ જ નહીં પણ રંગભૂમિ પર પણ ‘મળેલા જીવ’ના અનેક પ્રયોગો કરવામાં આવ્યા હતા. નિમેશ દેસાઈએ આ વાર્તા પરથી નાટકનું દિગ્દર્શન કર્યું હતું. 

એક વાત ચોક્કસ છે કે ‘મળેલા જીવ’ ફિલ્મ કરતાં નવલકથા લોકહૈયે સ્થાન મેળવવામાં સફળ રહી હતી. માત્ર પ્રેમ સંબંધને વાચા ન આપતા આ નવલકથા સમાજની અને ખાસ કરીને ગામડાની રૂઢિચુસ્ત પરંપરા, અંધશ્રદ્ધા અને નિર્દોષ ભોળપણ વાચા આપે છે. કદાચ એટલે જ ‘મળેલા જીવ’ નવલકથાના અંતમાં ભગત નામનું પાત્ર બોલે છે, ‘વાહ રે માનવી , તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘૂંટડા!’ 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત