ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ શરૂ થઈ જાય છે પબ્લિસિટી

મફતિયા ડિજીટલ પ્લેટફોર્મનો ભરપૂર લાભ લઈને ફિલ્મની પડદા પાછળની મસ્તી અને કામકાજને લોકો સુધી પહોંચાડવામાં આવે છે



કોઈપણ ભાષાની ફિલ્મ માટે આજે સામાન્ય જનમાનસ સુધી વહેલામાં વહેલી તકે પહોંચવા ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવો અનિવાર્ય બની ગયો છે. વળી આ માધ્મય જોવા જઈએ તો સસ્તો અને ઝડપી પણ છે. તેમ છતાં તેની કેટલીક મર્યાદા, અગવડતાઓ પણ છે. એવામાં પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શું આ ડિજીટલ માધ્યમથી ફિલ્મનું જે વણમાંગ્યું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એ યોગ્ય છે ખરું કે એ જાણી જોઈને કરવામાં આવે છે? વળી મફતિયા એવા સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ફિલ્મના પ્રમોશન અને પબ્લિસિટી માટે કેટલો ફાયદાકારક છે?



આજની તારીખમાં રિલીઝ થતી મોટાભાગની ગુજરાતી ફિલ્મો અમદાવાદ અને મુંબઈમાં શૂટ કરવામાં આવે છે. વળી કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જઈને શૂટ કરવામાં આવતી હોય છે અથવા તો એક અલાયદો સેટ ઉભો કરવામાં આવે છે, જેથી કરીને ફિલ્મ મેકિંગના ખર્ચા પર કાપ મૂકી શકાય. જે-તે ફિલ્મો, પછી તે ગુજરાતી ફિલ્મો હોય કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની, આજે અલગ અલગ દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી રહી છે. કેટલાક ફિલ્મ મેકર્સ પોતાના પ્રોજેક્ટને લઈને, આર્ટિસ્ટના લૂકને લઈને એટલા સજાગ અને સિક્યોર હોય છે કે એક નાની સરખી માહિતી પણ બહાર લીક નથી થવા દેતા જ્યારે કેટલાક ફિલ્મમેકર્સ એવા હોય છે કે જે ફિલ્મ શૂટિંગના પહેલા દિવસથી જ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ મૂકવા લાગે છે અને ફિલ્મમેકિંગ વખતે થતાં કામકાજ, મસ્તી વગેરેના ફોટો-વિડીયો અપલોડ કરી દેતા હોય છે.  

આપણી ગુજરાતી ફિલ્મોને ધ્યાનમાં રાખીને વાત કરીયે તો પ્રાદેશિક ભાષા હોવાને લીધે તેનો એક ચોક્કસ અને મર્યાદિત વર્ગ છે. સ્વાભાવિક છે કે ગુજરાતી ફિલ્મો ગુજરાતી પ્રજાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હોય છે માટે જો કોઈ દક્ષિણ ભારતના નાગરિકને ગુજરાતી ફિલ્મ જોવી હોય તો તેણે સબટાઇટલનો આશરો લેવો પડે. આ વાત આપણને પણ લાગુ પડે છે. હોલીવૂડની કે સાઉથ ઇન્ડિયાની મોટાભાગની ફિલ્મોનું આપણે હિન્દી ડબ વર્જન જ જોવાનું પસંદ કરતા હોઈએ છીએ, કારણ કે ત્યાં ભાષાની મર્યાદા આવે છે. 



હવે વાત કરીયે સોશ્યિલ મીડિયાના ઉપયોગની તો ગુજરાતી સિનેમા જગત માટે સૌથી મોટો પડકાર છે ઓડિયન્સને થિયેટર સુધી લાવવાનો. હવે આ સમસ્યાના નિવારણ માટે ફિલ્મમેકર્સ દ્વારા અનેક પ્રકારની મહેનત કરવામાં આવે છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી અને કેમ્પેઇન પ્લાન કરવામાં આવે છે પણ તેમને ઘણીવાર જોઈએ એવી સફળતા મળતી નથી. એવામાં ડિજીટલ પ્લેટફોર્મનો ઘણી સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણાર્થે કહું તો મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, નિરવ વૈદ્ય અને દેવકીની રોચક ફિલ્મ ‘હું ઈકબાલ’ રિલીઝ પહેલા સારી એવી માર્કેટિંગ કરવામાં સફળ રહી અને ફિલ્મ રિલીઝ થયા બાદ પણ તેના ઘણાં સારા રિવ્યુ આવ્યા. દર્શકોને એ ફિલ્મ એટલી હદે ગમી કે તેઓ ‘હું ઈકબાલ’ના બીજા પાર્ટની માંગણી કરવા લાગ્યા. હવે અહીંયા સુધી તો બધી વાત સામાન્ય હતી. ટર્નિંગ પોઇન્ટ હવે આવે છે. ‘હું ઈકબાલ’ રિલીઝ થયાના કેટલાક સમય બાદ એટલે કે હાલમાં ‘હું ઈકબાલ’ના મેકર્સ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ સાથે એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ નવા પ્રોજેક્ટનું નામ છે ‘ભ્રમ’. સોશ્યિલ મીડિયા પર જ્યારે ફિલ્મમેકર્સ અને ફિલ્મની કાસ્ટે પોતાના કામકાજની અપડેટ આપતા કેટલાક ફોટો અને વિડીયો શેર કર્યા ત્યારે આપણા જેવી સામાન્ય જનતામાં એ ઉત્સુકતા જોવા મળી કે શું આ કલાકારો ખરેખર ‘હું ઈકબાલ’ના બીજા પાર્ટ પર કામ કરી રહ્યા છે? જોકે કલાકારોએ પછીથી આ વાતને રદિયો આપ્યો કે ના આ ‘હું ઈકબાલ’ના બીજા પાર્ટની તૈયારી નથી ચાલી રહી પણ એક તદન નવા વિષય પર કામ કરવામાં આવી રહ્યું છે. 

ઓડિયન્સની ‘હું ઈકબાલ’ માટેની આ ઉત્સુકતાનો લાભ ‘ભ્રમ’ ફિલ્મને ચોક્કસ મળશે. આ પ્રમાણે જે ફિલ્મો નજીકના સમયમાં આવી રહી છે, એ પણ પોતાની માર્કેટિંગ સોશ્યિલ મીડિયા દ્વારા કરતી રહેતી હોય છે. સોશ્યિલ મીડિયા દ્વારા જે સૌથી મોટો લાભ ફિલ્મમેકર્સને મળે છે એ છે આર્ટિસ્ટની ફેન ફોલોઇંગ અને સરળતાથી લાખો લોકો સુધી પહોંચવાની કાબેલીયત. આ ફેન ફોલોઇંગ ઉપરાંત અલગ અલગ લાઇવ લાઇવ સેશન પણ આર્ટિસ્ટ જાતે કરતાં હોય છે. માત્ર ફિલ્મ રિલીઝ પહેલા જ નહીં પણ ફિલ્મ રિલીઝ થયા પછી પણ આ પ્રકારની પ્રક્રિયા થતી રહેતી હોય છે. નાની-મોટી બજેટની ફિલ્મ હોય, અમદાવાદના આર્ટિસ્ટને કે મુંબઈના આર્ટિસ્ટને લઈને બનેલી ફિલ્મ હોય એનાથી કશો ફરક પડતો નથી. સોશ્યિલ મીડિયા દ્વારા થર્ડ પાર્ટી એટલે કે ફેન પેજીસ, મીમ પેજીસ સાથે પણ કોલાબ્રેશન કરવામાં આવે છે જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી ફિલ્મને પહોંચાડી શકાય. ટૂંકમાં જેમ કહેવાય છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ, એવી જ રીતે જે ફિલ્મનું પ્રમોશન, એનું માર્કેટિંગ, એની સ્ટારકાસ્ટ જેટલી જોરદાર રહેશે એટલા એના સફળ થવાના ચાન્સીસ પણ વધી જશે. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત