અભિનય ક્ષેત્રે રંગભૂમિ અને સિનેમામાં માત્ર માધ્યમનો ફરક છે

અભિનય ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીએ કેટલાક વર્ષ રંગભૂમિ પર પસાર કરવા જોઈએ જેથી કરીને પોતાના મનગમતા કામકાજની બારીકી શીખવા મળે


બુધવારે રંગભૂમિના કલાકારો અને ચાહકવર્ગે વર્લ્ડ થિયેટર ડે ઉજવ્યો. અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે આપણે ગુજરાતી ભાષી જનતા તરીકે ખરેખર નસીબવંતા છીએ કે આપણે રંગભૂમિના પ્રયોગોને જીવંત માણી શકીયે છીએ, જોકે કોરોનાકાળ બાદ હજુ પણ રંગભૂમિ વ્યવસ્થિતપણે બેઠી થવા પ્રયાસ કરી રહી છે. એવામાં ઘણાં કલાકારો આજે રંગભૂમિથી સિરીયલ્સ અને સિનેમા તરફ વળી રહ્યા છે, જેમાંના કેટલાક કલાકારોની આજે આપણે વાત કરશું. 



આમ તો અઢળક રંગભૂમિના કલાકારો એવા છે જે ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે તેમ છતાં આ સ્વિચઓવર કોણે, ક્યારે શરૂ કર્યું એ કહેવું અઘરું છે. રંગભૂમિ સાથે જોડાયેલા કલાકાર અને ફક્ત સિરીયલ્સ અને ફિલ્મો કરતા કલાકારો વચ્ચેનો ફરક સામાન્યપણે જોવા મળી જ જતો હોય છે. નસીરુદ્દીન શાહ અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે એ કહેવાની જરૂર પડતી નથી, કેમ કે તેમના નામ અને કામ પરથી જ તેમના અભિનયનો પરચો મળી રહે છે. ગુજરાતી કલાકારોની યાદી બનાવીયે તો એમાંથી અનેક કલાકારો આપણને એવા મળશે જે રંગભૂમિ સાથે સંકળાયેલા છે. 

ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધીનું નામ આજે કોણ નથી જાણતું. હંસલ મહેતાએ બનાવેલી ‘સ્કેમ 1992’ માં હર્ષદ મહેતાનું લીડ કેરેક્ટર કરીને છવાઈ ગયેલા પ્રતીક ગાંધીએ ગુજરાતી રંગભૂમિ પર એકથી એક ઉમદા પાત્રો ભજવ્યા છે, ખાસ કરીને એકોક્તિ એકાંકીમાં. ‘સ્કેમ 1992’ પહેલાં ‘મોહનનો મસાલો’ અને ‘હું ચંદ્રકાંત બક્ષી’ જરૂરથી જોવા જોઈએ એવા તેમના સફળ અને પ્રસિદ્ધ પ્રયોગો છે. એકપાત્રી અભિનય કરવાની સાથે વાર્તાને આગળ વધારવી, ઓડિયન્સને જકડી રાખવી અને વાર્તાના વ્હેણમાં વહાવવી, વાત કરતાં-કરતાં કોશચ્યુમ ચેન્જ કરી લેવા, વોઇસ મોડ્યુલેશન જેવા અનેક પાસાઓ પ્રતીક ગાંધીના આ બે નાટકમાં બારીકાઈથી નીહાળવા મળે છે. આ બંને નાટક આજે પણ અવાર-નવાર વિલેપાર્લાના પૃથ્વી થિયેટર્સમાં ભજવવામાં આવે છે જેના દિગ્દર્શક છે મનોજ જોશી. જોકે નાટકો ઉપરાંત પ્રતીક ગાંધી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ પોતાની એક આગવી છાપ છોડવામાં સફળ રહ્યા છે. 

પ્રતીક ગાંધીની સાથે ગુજરાતી સિનેમાનું આજનું એક મોટું અને લોકપ્રિય નામ એટલે મલ્હાર ઠાકર. સંજય ગોરડિયા પ્રોડક્શન અને કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુત નાટક ‘5 સ્ટાર આન્ટી’માં પદ્મારાણી, અભય ચંદારાણા, કેતન સાગર જેવા કલાકારો સાથે મલ્હાર ઠાકરે પણ અભિનય કર્યો હતો. આ ઉપરાંત ‘મારી વાઇફ મેરી કોમ’ નામના નાટકમાં તે સંજય ગોરડિયા, દિપાલી ભૂતા, કપિલ ભૂતા, કિંજલ ભટ્ટ જેવા રંગકર્મી સાથે રંગભૂમિ પર જોવા મળ્યો હતો. સાહિત્યકાર ખલીલ ધનતેજવીના જીવનપર બનેલા નાટક ‘સોગંધનામું’  માટે પણ મલ્હાર ઠાકરના ઘણાં વખાણ થયા હતા. ખુદ ધનતેજવી સાહેબે આ નાટક જોઈને કહ્યું હતું કે ‘આજે હું મારી અંતરઆત્માને મળ્યો.’ જોકે નાટક બાદ ફિલ્મોમાં સફળતા મળતા આજે મલ્હાર ઠાકર સ્ટેજ કરતાં ફિલ્મોમાં વધારે છવાયેલો છે.



ગુજરાતી કલાકારોની યાદી બનાવીયે તો દીના પાઠક, પદ્મારાણી, સરિતા જોશીથી માંડી મુકેશ જોશી, પરેશ રાવલ, દર્શન જરીવાલા, ટીકુ તલસાણિયા સુધીના અનેક કલાકારો મોટા પડદે કામ કરવાની સાથે રંગભૂમિ પર પણ જોવા મળતા. આ ઉપરાંત દેવેન ભોજાણી, દિશા વાકાણી, દિલીપ જોશી, શરમન જોશી, રાજીવ મહેતા જેવા અનેક કલાકારો પણ આ યાદીમાં સ્થાન પામે છે. હાલમાં એક નાટક ‘આજે રોકડાને ઉધાર કાલે’ અમેરિકાની ટૂર કરી રહ્યું છે. આ નાટકમાં ઓજસ રાવલ, હેમાંગ દવે, કુલદીપ ગોર જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે. આ ત્રણેય કલાકારો પણ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

આપણે અનેક કલાકારોને અવારનવાર એમ કહેતા સાંભળ્યા હશે કે અભિનય રંગભૂમિ કરવાનો હોય કે કેમેરા સામે કરવાનો હોય, એનાથી એક કલાકારને વધારે ફેર નથી પડતો કેમ કે એણે માત્ર અભિનય કરવાનો રહે છે. જોકે બંને ક્ષેત્રમાં સૌથી મોટો ફરક ભૂલ અને ભૂલના સુધારાનો હોય છે. ફિલ્મ કે સિરીયલ્સ વખતે એક કલાકાર જ્યાં સુધી બરાબર અભિનય ન કરે ત્યાં સુધી અનેક ટેક લઈ શકે છે જ્યારે રંગભૂમિ પર આ સુવિધા રહેતી નથી. રંગભૂમિ પર થતી કોઈપણ ભૂલને કલાકારે પોતાની સૂઝબૂઝથી થાળે પાડવાની રહે છે અને કદાચ એટલે જ નાટકના પ્રત્યેક શોને પ્રયોગ કહેવામાં આવે છે. 



વર્લ્ડ થિએટર ડેની વાત થતી  હોય અને જૂની રંગભૂમિની વાત ન કરીયે તો કેમ ચાલે. દેશી નાટક સમાજ, ભાંગવાડીનો લિખીત સુવર્ણ ઈતિહાસ આજે શોધ્યો જડતો નથી, જડે છે માત્ર પ્રેક્ષકોની યાદોમાં, તેમની વાણીમાં અને તેમના હ્યદયમાં. થિએટર ક્ષેત્રે આજે જે પ્રમાણેના બદલાવ જોવા મળી રહ્યા છે એ પહેલા જોવા નહોતા મળતા અને જે પ્રકારે રંગમંચ પહેલા કામ કરતું એમાં પણ આજે અપાર ફેરફાર આવી ગયા છે. દાખલા તરીકે વાત કરીયે તો ગુજરાતી નાટ્ય ક્ષેત્રનો સૌથી જૂનો પ્રકાર એટલે ભવાઈ. પણ ભવાઈ આજે જાણે રંગમંચ પરથી વિલુપ્ત થઈ ગઈ છે. બીજો એક પ્રયોગ છે સંગીત નાટિકાનો. જૂની રંગભૂમિ પર ફિલ્મોની જેમ ખાસ ગીતો ગવાતા અને વન્સ મોરની ચિચિયારીથી આખી રાત પણ ઓછી પડતી. આ સંગીત નાટિકાઓ આજે રંગભૂમિ પર નથી જોવા મળતી, એના બદલે નાટકમાં કોઈ બોલીવુડ ગીત પર બે-ચાર સ્ટેપ કરી દર્શકોને હસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

રંગભૂમિનું બદલાતું નવું અને આધુનિક સ્વરૂપ હોવા છતાં આજની યુવાપેઢી એ ક્ષેત્ર તરફ દુર્લક્ષ્ય સેવી રહી છે અને સિનેમા તરફ આંધળી દોટ કરી રહી છે. જો આ યુવા વર્ગ કેટલાક વર્ષ રંગભૂમિ પર મહેનત કરીને અભિનય તથા અન્ય કામકાજની બારીકી શીખે અને પછી સિનેમા કે અન્ય મનગમતા માર્ગે વળે તો તેમના માટે સફળતા મેળવવાનો માર્ગ કદાચ વધારે મોકળો થશે કારણ કળાવિશ્વમાં રંગભૂમિ અને સિનેમા જગત એ બે અભિનયના માત્ર વિભિન્ન માધ્યમ છે, બીજું કશું જ નહીં.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત