ઢોલીવૂડના દરેક ગીત એક કવિતા છે અને દરેક કવિતા એક ગીત

જેમ બદલાતા સમય સાથે ફિલ્મોની વાર્તા બદલાઈ છે, એમ ગીતોનું બંધારણ અને તેની રજૂઆત પણ બદલાઈ છે, તેમ છતાં ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા ગીતકાર-સર્જકોની અછત પણ વર્તાઈ રહી છે



ગુજરાતી સિનેમા જગતમાં બનતા ગીતોએ આજે અલગ રૂપ લીધું છે. દર વખતની જેમ આજના ગીતો સાંભળવા તો ઘણા ગમતા હોય છે પણ જાજા યાદ નથી રહેતા કે ગણગણાતા નથી. આ સમસ્યા માત્ર ગુજરાતી ગીતોને નહીં પણ લગભગ દરેક પ્રાદેશિક ભાષાની ફિલ્મોની છે. વળી, આપણે આપણા વડિલોને એમ કહેતા પણ ઘણીવાર સાંભળ્યા હશે કે અમારા જમાનામાં તો એવા એવા ગીતો બનતા કે આજે પણ એ ગીતો સાંભળતા અમે નાચી પડીયે છીએ અને આખે આખા ગીત ગાતા થઈ જઈએ છીએ...



ગઈ કાલનો દિવસ એટલે કે 21મી માર્ચ વર્લ્ડ પોએટ્રી ડે એટલે વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવાયો. ફિલ્મના ગીતોને જો એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીએ તો તે એક પ્રકારની કવિતા જ કહી શકાય, જેમાં ગીતકાર વાર્તાને અનુરૂપ જે-તે પાત્રની લાગણીઓને વાચા આપી દર્શકો સામે રજૂ કરે છે. છંદબદ્ધ એ રચનામાં જ્યારે યોગ્ય સંગીત ઉમેરાય ત્યારે એક સુંદર ગીત, ગઝલ, અથવા તો કવિતાનું સર્જન થાય છે. આપણું સિનેમા જગત તો ગીત-સંગીત વિના અધૂરુ છે. તેમ છતાં ઘણાં એવા પ્રયાસ પણ કરાયા છે જ્યારે વગર કોઈ ગીતે ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોય.

આપણે ગીત-સંગીતની વાત કરીયે તો ફિલ્મની વાર્તાને એક ઢાળ આપી આગળ વધારવાની સરખામણીમાં એક ગીતનું સર્જન કરવું વધારે મહેનત માંગી લેય તેવું કામ છે, પછી ભલે એ ગીત બે મિનીટનું હોય કે સાતથી દસ મિનીટનું હોય... એક ગીતકાર વાર્તાના પ્રવાહ, પાત્રની પરિસ્થિતીની અનુરૂપ મર્યાદિત શબ્દભંડોળ સાથે એક કૃતિ તૈયાર કરે છે. મ્યુઝિક ડાયરેક્ટર એને સંગીતના સૂર-તાલ-લય સાથે એક ઓપ આપી શણગારે છે અને ગાયક દ્વારા એની પ્રસ્તુતિ કરવામાં આવે છે.



આજના આપણા ગુજરાતી સિનેમા જગતમાં જે ગીતો બની રહ્યાં છે એ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે, જે ઘણા સારા અને કર્ણપ્રિય પણ છે. વળી, આજના મોર્ડન ટ્રેન્ડને અનુરૂપ ગીતો બનવા પણ જરૂરી છે જેથી કરીને યોગ્ય ઓડિયન્સ સુધી પહોંચી શકાય. જેમ બદલાતા સમય સાથે ફિલ્મોની વાર્તા બદલાઈ છે, એમ ગીતોનું બંધારણ અને તેની રજૂઆત પણ બદલાઈ છે. વળી, એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી કે આજે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળતાં ગીતો, બોલીવૂડના ગીતો અને આઇટમ નંબરની સરખામણીએ ઘણાં સભ્ય શબ્દોમાં તૈયાર કરવામાં આવે છે. કેટલાય ગુજરાતી ગીતો તો લોકહૈયૈ એવા વસેલા છે કે એ આજની ગુજરાતી યુવાપેઢી માટે પોતાની લાગણી, પોતાની માતૃભાષામાં વ્યક્ત કરવા માટેનો પર્યાય બની ગયા છે જેમ કે ‘લવની ભવાઈ’  આ ફિલ્મનું ગીત ‘વ્હાલમ આવો ને’, ‘રોંગ સાઇડ રાજુ’નો ગરબો ‘ગોરી રાધાને કાળો કાન’, ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મથી ‘પા પા પગલી’ અને ‘ચાંદને કહો આજે આથમે નહીં’ વગેરે...

એક સમયે આપણી ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ વ્યક્ત કરવા માટે ગવાતું કે ‘નૈનને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દિવાના, તમને પારકા માનું કે માનું પોતાના’ (‘અખંડ સૌભાગ્યવતી’ - 1963) ત્યાં આજે ગવાય છે, ‘શું રે સદીયો, શું રે એક ક્ષણ, શું મારી આ આખી દુનિયા, સાંવરિયા’ (‘ઓમ મંગલમ્ સિંગલમ્’ - 2022), વળી જો પ્રેમીને કશે ગામ બહાર કે પરદેશ જવાનું થાય તો પ્રેયસી હકથી કોઈક ચીજ વસ્તુની માંગણી કરતા ગાતી કે ‘છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો’ (‘સોન કંસારી’ - 1977) જ્યારે આજે પ્રેમીને સાચવી જાજો કહેતા ગવાય છે ‘જોજો જોજો રે વ્હાલા વહી જાય તાણા માટે સાચવી જાજો’ અથવા પરદેશથી ડોલર કમાઈને લાવતા પ્રેમીને સંબોધતા ગવાય છે કે ‘સાત સમંદર પારથી રાજા, આજે ગોમ ઉ આયા પાસા, સૌ જઈને કમાયા જાજા, ડોલરિયા રાજા’ (‘શુભ યાત્રા’ - 2023).



આવા તો આપણે અનેક ઉદાહરણ આપી, અનેક સરખામણી કરી શકીયે છીએ તેમ છતાં આ ઉદાહરણોથી પરથી એક વાતનો અંદાજ મેળવી શકાય છે કે કઈ રીતે બદલાતા સમય સાથે એક ગીતમાં વાત કહેવાની પદ્ધતિ અને રીતભાત બદલાઈ છે. આજની ફિલ્મોમાં જે ગીતો જોવા નથી મળતા એ છે પારંપારિક લોકગીતો અથવા તો એવા ગીતો જે કોઈ કવિનું સર્જન હોય અથવા તો કોઈ સાહિત્યીક કૃતિ હોય. ટૂંકમાં એક સમયે ગુજરાતી સિનેમામાં જે ગીતકારો યોગદાન આપતા એમાંના મોટાભાગના સર્જક સાહિત્ય સાથે ઘરોબો ધરાવતા હતા. આ વાતની સાબિતી અનેક સર્જકો આજે છડેચોક પોતાના ઇન્ટરવ્યૂમાં આપી પણ રહ્યા છે. જોકે આજના ગુજરાતી ફિલ્મ જગતમાં, ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા સર્જક જૂજ માત્રામાં જોવા મળે છે. એક સમયે આપણી ઢોલીવૂડની ફિલ્મોમાં નરસિંહ, મીરા, ગંગાસતી, જેસલ-તોરલના ભજનો ગવાતા, જેથી કરીને એ સમયની ઓડિયન્સને આકર્ષાતી અને આજે ઢોલીવૂડનું બદલાયેલું રૂપ એ ભજન અને ભક્તિ સંગીતને બદલે ગરબાની ધૂને ઘુમવાનું વધારે પસંદ કરે છે, જેમાં કોઈ વાંધો પણ નથી.

કવિતાના દ્રષ્ટિકોણથી વાત કરીયે તો આપણી ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ આપણને કોઈ ગુજરાતી કવિતાઓ જોવા મળતી હશે. મોટાભાગે ગુજરાતી સાહિત્યીક કૃતિઓ કવિતા, ગઝલ અથવા સુગમ સંગીતના રૂપમાં વધારે સંભળાતી હોય છે. દાખલા તરીકે વાત કરીયે તો હરીન્દ્ર દવેની કવિતાઓ – ‘એક રજકણ સૂરજ થવાને શમણે’, ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’, બરકત વિરાણીની રચના– ‘એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના’, ‘નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે ’ જેવી અનેક કૃતિઓ સુગમ સંગીતમાં અમર થયેલી છે. ભગવતીકુમાર શર્મા, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, ગની દહીંવાલા, મરીઝ, જેવા અનેક સર્જેકોનું સર્જન આપણે અવાર-નવાર આકાશવાણી અને સોશ્યલ મિડીયાના માધ્યમે માણતા જ હોઈએ છીએ. તેમ છતાં આમાની ઘણી ઓછી રચનાઓ આપણને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે.

મુદ્દાની વાત એ કે ફિલ્મ ક્ષેત્રની બહારનો કોઈપણ સર્જક પોતાની કૃતિ ફિલ્મમાં સ્થાન પામે એ આશયથી ક્યારેય નથી સર્જતો. વળી, જે-તે સર્જકની કૃતિ ફિલ્મમાં સ્થાન પામે કે ન પામે એ મહત્ત્વનું પણ નથી, મહત્ત્વનું એ છે કે સર્જકની રચના એક સાધક, એક ગીતોને જાણનાર, માણનાર ચાહક સુધી અને ખાસ કરીને તેના મન સુધી પહોંચે કે નહીં. એક સર્જક પોતાના ચાહક સુધી પહોંચવામાં સફળ રહે એમાં જ એની ખરી જીત છે, કારણ કે એના માટે દરેક કવિતા એક ગીત છે અને દરેક ગીત એક કવિતા છે.

 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ)

- dhollywoodtalkies@gmail.com


 

 

Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત