ગુજરાતી ફિલ્મો સાથે તેની રિમેક પણ સફળ થઈ રહી છે

ગુજરાતી ફિલ્મ વશની રિમેક ‘શૈતાન’ બની પણ એ પહેલાં અનેક એવી ગુજરાતી ફિલ્મો અને નાટકો છે જેના પરથી બોલીવૂડમાં રિમેક બની અને એ સફળ પણ રહી છે


ફિલ્મ મેકિંગ એક એવો વિષય છે જ્યાં કોઈપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ આંતરરાષ્ટ્રીયસ્તરે જવાની ક્ષમતા રાખે છે. એમાં પણ એકને એક વાર્તા અલગ અલગ કલાકારો સાથે ફરીથી નવા વર્જનમાં દર્શકો સામે ઘણીવાર પ્રસ્તુત કરવામાં આવે છે. એમાં પણ ફિલ્મની વાર્તા જો મેજદાર હોય તો એની રિમેક બનતા વાર નથી લાગતી પછી ‘દેવદાસ’ હોય કે ‘દ્રશ્યમ’.



રિમેકનો આ સિલસીલો છેલ્લાં ઘણા વર્ષોથી ધમધોકાર ચાલી રહ્યો છે. હજુ ગયા અઠવાડિયે મહિલા દિને જ ગુજરાતી સુપરનેચરલ ફિલ્મ વશની હિન્દી રિમેક ‘શૈતાન’ રિલીઝ થઈ હતી જેણે ઘણાં નોન-ગુજરાતી ભાષી દર્શકોના દિલ જીત્યા. માત્ર ‘વશ’ જ નહીં, પણ એવી અનેક ગુજરાતી ફિલ્મો છે, ગુજરાતી વાર્તા અને નાટકો છે જેના પરથી અન્ય ભાષામાં રિમેક બનાવવામાં આવી છે અને પ્રોડ્યુસરોને નફો કરાવતી રહી છે. આજે આપણે કેટલીક એવી રિમેક પર નજર કરીયે.

પાછલા લેખમાં આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરી હતી જેને લગભગ 15 વર્ષમાં ત્રણ વાર બનાવવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ જગતમાં કદાચ આ એકમાત્ર એવી ફિલ્મ હશે જેની રિમેક ગુજરાતી ભાષામાં જ તાબડતોબ ત્રણ વાર બનાવવામાં આવી અને ત્રણેય રિમેક સફળ પણ રહી. તેમ છતાં ગુજરાતી ફિલ્મની અન્ય ભાષામાં બનેલી રિમેકની વાત કરીયે તો 2015માં આવેલી ફિલ્મ  ‘છેલ્લો દિવસ’ જરૂરથી યાદ આવે. કોલેજના યુવાનાયીઓની મસ્તી પર આધારિત આ ગુજરાતી ફિલ્મે ઢોલીવૂડની જાણે કાયાપલટ કરી નાખી હતી અને ભવિષ્યના સારા કલાકારોની ઓળખ કરાવી આપી હતી. ‘છેલ્લો દિવસ’ની સફળતા બાદ ફિલ્મના ડિરેક્ટર-રાઇટર કૃષ્ણદેવ યાજ્ઞિક એટલે કે કે.ડી.એ હિન્દીમાં આ ફિલ્મની રિમેક બનાવી હતી જેને નામ આપ્યું હતું ‘ડેઝ ઓફ ટફ્રી’. આ હિન્દી રિમેકમાં યશ સોની અને કિંજલ રાજપ્રિયા જોવા મળ્યા હતા જેમણે ‘છેલ્લો દિવસ’માં પણ કામ કર્યું હતું. જોકે આ હિન્દી રિમેકનો વિસ્તાર ગુજરાતી ફિલ્મો કરતાં વધારે હોવા છતાં તે અંદાજે 19.8 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી જ્યારે ગુજરાતી ફિલ્મે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.



આ યાદીમાં હવે જે ફિલ્મની વાત કરવી છે એ છે 2018માં આવેલી ફિલ્મ ‘ઓક્સિજન’. ચિન્મય પુરોહિત લિખીત-દિગ્દર્શીત હ્યદય ક્રાંતિ લાવવાની વાત કરતી આ ફિલ્મ અનેક ધૂંઆધાર કલાકારોથી ભરેલી હતી, જેમ કે અંશુલ ત્રિવેદી, વ્યોમા નંદી, રોહિણી હટંગડી, દર્શન જરીવાલા, પ્રતીક્ષા લોણકર, અરવિંદ વૈદ્ય વગેરે... આ ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે જે હ્યદય ક્રાંતિ લાવવાની પહેલ કરે છે અને સૌ કોઈને હસતા જોવા માંગે છે. ક્ષણે ક્ષણે દિલ જીતી લેતી આ ફિલ્મ પરથી તેલુગુ ભાષામાં ડિરેક્ટર સતીષ વેગેસનાએ કલ્યાણ રામ અને મેહરીન પીરઝાદાને લઈને 2020માં ફિલ્મ બનાવી એન્થા મંચીવાડાવુરાજેનો અંગ્રેજી ભાવાર્થ થાય વ્હોટ એ ગુડ મેન યુ આર’ (તું કેટલો સારો માણસ છે). 2020માં આ તેલુગુ ફિલ્મ રિલીઝ થાય બાદ 2022માં એને ‘દમદાર ખિલાડી 2’ નામથી હિન્દીમાં ડબ કરવામાં આવી હતી.

ગુજરાતી ફિલ્મ જગતની અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ એટલે ‘ચાલ જીવી લઈએ’. 2019માં આવેલી આ ફિલ્મની વિપુલ મેહતાએ જ 2024માં મરાઠીમાં ‘ઓલે આલે’ નામની રિમેક બનાવી હતી જેમાં નાના પાટેકર, સાયલી સંજીવ અને સિદ્ધાર્થ ચાંદેકરે અનુક્રમે સિદ્ધાર્થ રાંદેરિયા, આરોહી પટેલ અને યશ સોનીનું પાત્ર ભજવ્યું હતું. પિતા-પુત્રના અણવ્યક્ત સંબંધની વાર્તા દર્શાવતી આ ફિલ્મ અને તેની રિમેક કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા જ બનાવવામાં આવી હતી. ગુજરાતી ભાષામાં અંદાજે 50 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરનારી આ ફિલ્મની મરાઠી રિમેકે બોક્સ ઓફિસ પર 8.33 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

ફિલ્મ રિમેકના કિસ્સામાં કરૂણતાની વાત એ છે કે ઘણા એવા કિસ્સા સામાન્યપણે બનતા જોવા મળે છે કે ઓરિજીનલ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ નથી કરી શકતી પણ જ્યારે એની રિમેક બનાવવામાં આવે છે ત્યારે એ કેટલાક કારણોસર છવાઈ જાય છે. જોકે અમૂક વિપરીત કિસ્સા પણ બનતા હોય છે. ઓરિજીલ ફિલ્મનો કેનવાસ એટલો વિશાળ હોય છે કે એની રિમેક બનાવવી ફિલ્મમેકર્સ માટે એક પડકાર જ બની જાય છે. વળી કેટલીક ફિલ્મ એવી હોય છે જે અન્ય કોઈ વાર્તા પરથી પ્રેરિત હોય છે અને ફિલ્મ મેકર પોતાના દ્રષ્ટિકોણથી કંઈક અલગ કહેવા માંગતા હોય છે. જેમ કે મહાત્મા ગાંધીને કેન્દ્રસ્થાને રાખીને અનેક ફિલ્મો બની છે પણ દરેક ફિલ્મ પોતે કંઈક અલગ દ્રષ્ટિકોણ અપનાવી શૂટ કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં 2007માં એક ફિલ્મ આવી હતી ‘હાલ ભેરુ અમેરિકા’. આ ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિ, તેના દોસ્ત અને ગર્લફેન્ડની આસપાસ ફરે છે જેમને અમેરિકા જવાની ઘેલી લાગી હોય છે. હવે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને બોલીવૂડમાં અમૂક મહિનાઓ પહેલા એક ફિલ્મ આવી, જે ‘હાલ ભેરુ અમેરિકા’ની ઓફિશ્યલ રિમેક નથી પણ એ વાર્તા પરથી આઇડિયા લઈને બોલીવૂડમાં બનાવવામાં આવી હોવાના સમાચાર ઉડ્યા હતા. બોલીવૂડની એ ફિલ્મ એટલે શાહરુખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘ડંકી’ જે 2023માં રિલીઝ થઈ હતી. સ્વાભાવિક છે કે ‘હાલ ભેરુ અમેરિકા’ ની સરખામણીમાં ‘ડંકી’એ અનેકગણી વધારે કમાણી કરી હતી.



માત્ર ફિલ્મની વાર્તા જ નહીં પણ ઘણાં એવા ગુજરાતી નાટકો પણ છે જેની વાર્તા પરથી અન્ય ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી હતી. પદ્મારાણી, સનત વ્યાસ, જગેશ મુકાતી, લિનેશ ફણસે, સ્નેહલ ત્રિવેદી, જીમીત ત્રિવેદી, દિપાલી ભૂતા અભિનીત લોકપ્રિય નાટક ‘બા એ મારી બાઉન્ડ્રી’ સૌ કોઈને યાદ હશે. આ નાટક પરિવાર માટે જીવતી એક બા પોતના દોહિત્રની મદદથી કેવી રીતે સ્વાભિમાની જીંદગી જીવતા શીખે છે અને ઘરવાળાઓને સીધા દોર કરે છે એની રોચક વાર્તા છે. આ નાટક પરથી 2014માં ઇન્દ્ર કુમારે સુપર નાની નામની ફિલ્મ બનાવી હતી જેમાં એવરગ્રીન રેખાએ બાની મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેની જીંદગી બદલી આપતા દોહિત્રના પાત્રમાં શરમન જોશીએ અભિનય કર્યો હતો. આ ઉપરાંત ફિલ્મમાં અનુપમ ખેર અને રણધીર કપૂર જેવા ખ્યાતનામ કલાકારો પણ જોવા મળ્યા હતા. કાનજી વિરુદ્ધ કાનજી નાટકે રંગભૂમિ પર અનેક નવા વિક્રમો સર્જ્યા હતા. ટીકુ તલસાણીયાએ આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી પણ જ્યારે આ નાટકની સ્ટોરી પરથી જ ફિલ્મ બનાવવામાં આવી ત્યારે પરેશ રાવલ અને અક્ષય કુમારે કમાલ કરી દીધી. ‘કાનજી વિરુદ્ધ કાનજી’ નાટક પરથી જે ફિલ્મ બની એ હતી ‘ઓહ માય ગોડ’. માત્ર ‘ઓહ માય ગોડ’ જ નહીં પણ ‘ક્રિષ્ન વર્સેસ કનૈયા’ નામની ફિલ્મ પણ આ નાટકની વાર્તા પરથી જ બનાવવામાં આવી હતી.

જો કોઈ તમને એમ કહે કે કેટલાક પ્રજ્ઞાચક્ષુઓએ બેન્ક રોબરી કરી છે તો તમે વિશ્વાસ કરો? ન જ કરો. તેમ છતાં આવા રોચક વિષય પર ફિલ્મ બની આંખેજેમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પરેશ રાવલ, અર્જુન રામપાલ અને સુસ્મિતા સેને અભિનય કર્યો હતો. જોકે ઘણા ઓછાને ખ્યાલ હશે કે આ ફિલ્મ ગુજરાતી નાટક આંધળોપાટોની રિમેક હતી. કહેવાનો તાત્પર્ય માત્ર એટલો કે ફિલ્મ જગતમાં ઘણી એવી વાર્તા છે જે અલગ-અલગ પ્રાદેશિક જનસમૂહને આકર્ષવા માટે ફરીથી બનાવવામાં આવતી હોય છે. વળી, રિમેકની સફળતા અનેક પાસાઓ પર આધાર રાખતી હોવાને લીધે ફિલ્મ મેકર માટે એ જોવું પણ મહત્ત્વનું છે કે એ પોતે કયા ઉદ્દેશથી રિમેક બનાવવા માંગે છે. દક્ષિણ ભારતની ફિલ્મોની સામાન્યપણે બોલીવૂડમાં રિમેક બની જ જતી હોય છે પણ અન્ય ભાષામાં એની રિમેક ભાગ્યે જ બને છે. આજની તારીખમાં વધારેમાં વધારે દર્શકો સુધી પહોંચવા માટે એક ફિલ્મ મેકર પોતાની જ ફિલ્મને વિવિધ ભાષામાં ડબ કરાવી રિલીઝ કરી રહ્યા છે. આપણી ગુજરાતી ફિલ્મો પણ હવે અન્ય ભાષામાં ડબ થઈને ભિન્ન-ભિન્ન પ્રાદેશિક ઓડિયન્સ સુધી પહોંચી રહી છે. જોકે આ એક અલગ મુદ્દો હોવાથી આપણે આ વિશે વાત કરીશું બીજા કોઈ લેખમાં...

 

 

 

-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com



 

Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત