ઢોલીવૂડની મહિલા કેન્દ્રિત ફિલ્મો વિશે જાણો છો?

 ફિલ્મ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અંદાજે 26 ટકા જેટલું ગણાય છે પણ મીરાબાઈ, ગુણસુંદરીથી ચાલી આવેલી આ પ્રથા આજે કચ્છ એક્સપ્રેસ અને ઝૂંપડપટ્ટી સુધી પહોંચી છે એનો આનંદ પણ અનેરો છે



ગુજરાતી ફિલ્મ જગતમાં જે પ્રકારની ફિલ્મો બનતી આવી છે અને આજે જે પ્રકારની ફિલ્મો બને છે એમાં એક વાત ઘણી કોમન છે અને એ છે મહિલા કેન્દ્રિત ફિલ્મોની ઉણપ. આજે વિમેન્સ ડે નિમીત્તે આપણે એવી ફિલ્મોની વાત કરવી છે જે મહિલા કેન્દ્રિત છે. આમ તો હંમેશા પુરુષ એક્ટરને ફિલ્મનો નાયક કહેવામાં આવતો હોય છે પણ ખાસ કરીને આપણી ગુજરાતી ફિલ્મોની વાત કરીયે તો એવી કેટલીક ફિલ્મો છે જેમાં મહિલા પાત્રએ ફિલ્મના નાયકની ભૂમિકા ભજવી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં સ્ત્રીઓનું યોગદાન અંદાજે 26 ટકા જેટલું છે અને આ ટકાવારી વધારવાની તાતી જરૂરત છે. તેમ છતાં સ્ત્રીઓને કેન્દ્રસ્થાને રાખીને અલગ-અલગ સમયે બનેલી કેટલીક એવી ગુજરાતી ફિલ્મોની અહીં વાત કરીયે જેણે દર્શકોને ખરેખર ગડમથલમાં નાખી દીધા હતા.



ગુજરાતી ફિલ્મ જગતમાં અનેક મહિલા પાત્રોના જીવન પર ફિલ્મો બની છે, જેમાં મીરાબાઈ પ્રથમ સ્થાને છે. તેમ છતાં જ્યારે 1930-40માં ગુજરાતી ફિલ્મો પગલા ભરી રહી હતી ત્યારે એક મહિલા કેન્દ્રિત ફિલ્મ એવી તે ધમધોકાર ચાલી કે એને ત્રણ વાર બનાવવામાં આવી. આ ફિલ્મ છે ગુણસુંદરી’. 1927માં ચંદુલાલ શાહે મુંબઈની કોહિનૂર ફિલ્મ કંપની માટે આ મૂક ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું અને ત્યાર બાદ જ્યારે તેમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો ત્યારે આ જ નામથી ફિલ્મને ફરીથી બનાવી અને તેમાં ગોહર, કેકી બાવા, ઇ. બિલીમોરિયા, રામ આપ્ટે, શાંતા વગેરે કલાકારોને કાસ્ટ કર્યા. જોકે 1947માં વ્યક્તિગત નાણાકીય કટોકટીમાંથી બહાર નીકળવા માટે ચંદુલાલ શાહના પાર્ટનર અને ભાણ્યા રતિભાઈ પુનાતરે ફરીથી આ ફિલ્મ આ જ નામે બનાવવાનું નક્કી કર્યું અને ત્રીજીવાર બનેલી આ ફિલ્મે પણ સફળતાના શિખરો સર કર્યા હતા. 1948માં આવેલી ‘ગુણસુંદરી’માં નિરુપા રૉય ગુણસુંદરીના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના ગીતો આજે પણ લોકહૈયે વસેલા છે. ‘ગુણસુંદરી’ ફિલ્મ ગુણસુંદરીના જીવન પર આધારિત ફિલ્મ છે અને આ પાત્ર ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રના પાત્ર ગુણસુંદરી પરથી પ્રેરિત છે. પતિપ્રેમ, ગૃહકાર્યની વહેંચણીમાં પ્રાવીણ્ય, સહુને અનુકૂળ થવામાં વ્યવહારદક્ષતા, વૈયક્તિક સુખસગવડો પ્રત્યે ઉદાસીનતા વગેરે ગુણો ધરાવતી ગુણસુંદરી એક આદર્શ પત્ની તરીકે કેવી રીતે પોતાના પરિવારને સંભાળે છે એની આ વાર્તા છે. આ ફિલ્મ એવા સમયમાં બનાવવામાં આવી હતી જ્યારે પુરષપ્રધાન સમાજની રૂઢિચુસ્ત પરંપરાઓ અમલમાં હતી. જેમ વિવિધ મોતીઓમાંથી પસાર થતો દોરો બધાને એક તાંતણે બાંધી રાખે છે, એવી રીતે એક સ્ત્રી પરિવારની દરેક વ્યક્તિને કેવી રીતે એક તાંતણે બાંધી રાખે છે એના સંઘર્ષની આ વાર્તા છે.

સ્ત્રીના આવા જ એક સંઘર્ષ... ખાસ કરીને એક ઈચ્છા, એક ભૂલને વર્ણવતી ગુજરાતી ફિલ્મ 1969માં આવી. આ ફિલ્મ એટલે ‘કંકુ’. સાહિત્યકાર પન્નાલાલ પટેલની ટૂંકીવાર્તા ‘કંકુ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી જેમાં કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા (હરિભાઈ ઝરીવાલા ઉર્ફે સંજીવ કુમારના ભાઈ) અને પલ્લવી મહેતાએ અભિનય કર્યો હતો. મનની ઈચ્છાઓ પર વારંવાર કાબૂ રાખવા છતાં ક્યારેક જો ભૂલના કુંડાળામાં સરી પડાય તો કેવા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે એવી એક વિધવાના સંઘર્ષની વાર્તા એટલે ફિલ્મ ‘કંકુ’. ઇન્ટરનૅશનલ લેવલે પોંખાયેલી આ ફિલ્મ કાંતિલાલ રાઠોડ દિગ્દર્શીત હતી અને સંગીત દિલીપ ધોળકિયાનું હતું. આ ફિલ્મ અને વાર્તામાં કંકુનું પાત્ર એટલું દમદાર ચિત્રીત કરવામાં આવ્યું હતું કે પુરુષપ્રધાન સમાજ હોવા છતાં કંકુના બિંદાસ અને નીડર સ્વભાવ સામે કોઈ આંખ ઉગામીને પણ વાત નહોતું કરી શકતું. તેના સંઘર્ષ અને ત્યાગ સામે જીવનની અઘરી પરીક્ષાઓને પાર પાડવાની આવડત ફિલ્મને અને વાર્તાને ચાર ચાંદ લગાવે છે.




બદલાતા સમય સાથે ગુજરાતી ફિલ્મો અનેક મહિલા કેન્દ્રિત ફિલ્મો લઈને દર્શકો સામે આવતી રહી, ક્યારેક તાના-રીરી અને કંચન-ગંગા લઈને તો ક્યારકે મેના ગુર્જરી અને ‘ગંગાસતી’ લઈને. આજની તારીખમાં બોલીવૂડની મહિલા કેન્દ્રિત ફિલ્મોની વાત કરીયે તો મિર્ચ મસાલા’, ‘અર્થ’, ‘બાજાર’, ‘મંડી’ અનેક ફિલ્મોના નામ આપણે ગણી જશું, પણ ઘણાં ઓછા દર્શકોને ખ્યાલ છે કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી બેઠી થઈ ત્યારે 2013માં એક એવી મહિલા કેન્દ્રિત ફિલ્મ આવી જેણે આપણને વિચારતા કરી દીધા કે જો સ્ત્રી ખરેખર પોતાની મનમાની પર ઉતરી આવે તો પુરુષની શું હાલત થાય? 2013માં માનવ ગોહિલ અને સ્વરૂપ સંપટ અભિનીત ફિલ્મ આવી ‘સપ્તપદી’. આ ફિલ્મની વાર્તા ચાળીશીમાં પહોંચી ચૂકેલા એક સુખી દંપત્તીના જીવન પર આધારિત છે જે એક બાળક દત્તક લેય છે પણ તે એ બાળકના ઈતિહાસને જાણતું નથી હોતું. આઘાતગ્રસ્ત બાળકોના ઈલાજમાં પ્રશિક્ષિત એવી સ્વાતિ (સ્વરૂપ સંપટ)ને જ્યારે એ નિર્દોષ બાળકનું બેકગ્રાઉન્ડ ખબર પડે છે ત્યારે તે એ બાળકને જે-તે આઘાતમાંથી બહાર લાવવાનું શરૂ કરે છે. સમય જતા એક સ્ત્રી તરીકે તે એક એવા માર્ગે આવીને ઉભી રહે છે કે જ્યાંથી તેણે પોતાના પતિ અને દત્તક લીધેલા બાળકમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહે છે અને એ નિર્ણયથકી આ દંપત્તીનું જીવન સદંતરપણે બદલાઈ જાય છે. અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત આ ફિલ્મનું લેખનકાર્ય જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈધ, ચંદ્રકાંત શાહ અને નિરંજન થડેએ સંભાળ્યું હતું. આ ફિલ્મનું સંગીત રજત ધોળકિયાએ આપ્યું હતું જેમણે ‘મિર્ચ મસાલા’, ‘હોલી’ જેવી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. 105 મિનીટની આ ફિલ્મ પાંચ દેશોના સાત ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નોમિનેટ થઈ હતી.

હવે આજની લેટેસ્ટ ફિલ્મોની વાત કરીયે તો ગયા વર્ષે જ મહિલાઓની લાગણી અને જીવનીને ધ્યાનમાં રાખીને એક ધમાકેદાર ફિલ્મ આવી જેણે ઇન્ટરનૅશનલ લેવલે ઘણી નામના મેળવી અને અનેક એવૉર્ડ્સ પણ જીત્યા. માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, રત્નાપાઠક શાહ અભિનીત આ ફિલ્મ એટલે ‘કચ્છ એક્સપ્રેસ’. સુખી દામ્પત્ય જીવન જીવતા પતિ-પત્નીના સંબંધમાં ક્યારેક એવી પરિસ્થિતી આવે છે કે બંને પાત્ર વચ્ચેની હૂંફ અને લાગણી ઓછી થઈ જાય છે. એક પત્ની માટે તો એનો પતિ, પરમેશ્વર છે જ, પણ પતિ માટે માત્ર એનું કામ અને સફળતા જ સર્વસ્વ છે. એમાં પણ જ્યારે તે કોઈ ગંભીર ભૂલ કરી બેસે ત્યારે તો વાત વધારે વણસી જાય. આવા સમયે એક સ્ત્રીને મજબૂત ટેકો મળવો ઘણો જરૂરી છે જે ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્નાપાઠક શાહ અને વિરાફ પટેલના પાત્ર દ્વારા ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મનો એન્ડ ખાસ જોવા જેવો અને પ્રેરણાદાયી છે. એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે એ વિચારધારાને નાબૂદ કરીને આ ફિલ્મ દ્રઢપણે કહે છે કે એક સ્ત્રી જ પોતાની અને બીજી સ્ત્રીની સાચી દોસ્ત બની શકે છે.



ઉલ્લેખનીય છે કે આજની તારીખમાં મહિલાઓના પાત્રને ફિલ્મના મુખ્ય હીરો, તરીકે દર્શાવવામાં ફિલ્મમેકર્સ હજુ પણ વિચાર કરી રહ્યા છે. ‘હેલ્લારો’ જેવી ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ હોય કે, ‘વશ’ જેવી સુપરનેચરલ અને થ્રિલર ફિલ્મ હોય, આ ફિલ્મો પણ  સ્ત્રી પાત્ર દ્વારા જ આગળ વધારવામાં આવી હતી. વળી, મહિલાઓના પાત્રને જ્યારે પણ મુખ્ય નાયક તરીકે મોટા પડદા પર બતાવવામાં આવે છે ત્યારે સામાજીક મુદ્દાઓનો સપોર્ટ લેવામાં આવે છે, પછી ભલે એ કોઈપણ પ્રદેશ કે દેશની હોય. ગુજરાતી સિને જગતમાં આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’ મહિલાઓના શિક્ષણ અને આવતા અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ ‘31st બળાત્કાર જેવા વિષય પર આધારિત છે. આ ફિલ્મો દ્વારા ફિલ્મમેકર્સ ભલે કોઈ સામાજીક સંદેશ આપવા માંગતા હોય, પણ એક દર્શક તરીકે આપણે એ ન ભૂલવું જોઈએ કે મહિલાઓનું યોગદાન પણ ફિલ્મોમાં એટલું જ મહત્વનું છે જેટલું એક પુરુષનું. એક સમયે ફિલ્મ અને ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતો પણ આજે તેઓ ફિલ્મમાં મુખ્યસ્થાને જોવા મળે છે અને એટલે જ હવે આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં સ્ત્રીઓનું યોગદાન વધે એવી આશા રાખીયે છીએ.

 

 

 

-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com

 



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત