ઢોલીવૂડની ફિલ્મો કેટલો વકરો કરે છે?

સામાન્ય પ્રેક્ષક વિચારતો જ હોય છે કે ઢગલાબંધ ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં આવે તો છે પણ શું ખરેખર એ કંઈ કમાણી-બમાણી કરે પણ છે??

પ્રેક્ષકવર્ગ કોઈપણ હોય, એ સમાન્યપણે વિચારતો જ હોય છે કે જે ફિલ્મ જોવા તે 300-500 રૂપિયાની ટિકીટ ખરીદે છે એ ફિલ્મ તેને મનગમતું અને પૈસાવસૂલ એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડે. આજની તારીખમાં લગભગ દર અઠવાડિયે એકાદ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એટલે કે એક વર્ષમાં ગુજરાતી પ્રજા માટે અંદાજે 50-52 જેટલી ગુજરાતી ફિલ્મ, નવા ફ્લેવર, નવા વિષય સાથે રિલીઝ થઈ રહી છે. જોકે આ વાત ઢોલીવૂડ માટે સારી છે કેમ કે આ ફિલ્મોની રિલીઝ પરથી, તેને મળેલા પ્રેક્ષકોના પ્રતિસાદ પરથી જાણવા મળે છે ફિલ્મ દર્શકોને પસંદ આવી કે નહીં. સાથે-સાથે સામાન્ય પ્રેક્ષકના મનમાં એ પ્રશ્ન પણ અહીં ઉદ્ભવે છે કે આ ગુજરાતી ફિલ્મો રિલીઝ થતાં, થઈ તો જાય છે પણ શું ખરેખર એ કંઈ કમાણી કરી પણ શકે છે કે માત્ર એન્ટરટેઇનમેન્ટના નામ પર પૈસાનું પાણી કરવામાં આવે છે? માત્ર ઢોલીવૂડ જ નહીં પણ બોલીવૂડ, ટોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોના પ્રેક્ષકને પણ આ સવાલ થવો વાજબી છે. માટે આજે આ સવાલના નિવારણરૂપે નજર નાખીયે એવી ગુજરાતી ફિલ્મો પર જેનો વકરો સાંભળીને ઉપરોક્ત સવાલનો જવાબ મળી જશે.



સામાન્યપણે એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શેડ્યુલ 25થી 60 દિવસનું હોય છે. આ શૂટિંગ પછી તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલે છે અને બાદમાં ફિલ્મ થિયેટર સુધી પહોંચે છે. ફિલ્મનો કેનવાસ કેટલો વિશાળ છે, તેમાં કામ કરનારા કલાકારોનો ફેનબેઝ કેટલો પ્રબળ છે, ફિલ્મની વાર્તા કેટલી રસપ્રદ છે, એવા અનેક પાસાઓ પર એક ફિલ્મનું ભવિષ્ય ટકેલું હોય છે. વ્યક્તિગત રીતે ભલે કોઈ ફિલ્મ આપણને પસંદ આવે કે ન આવે, પણ જો તેનું બોક્સ ઓફિસ કલેક્શન સારું હોય તો તેને હિટ-સુપરહિટ માનવામાં આવે છે. ટૂંકમાં જેટલો વધારે પ્રેક્ષક થિયેટર સુધી જશે, એટલું વધારે ફિલ્મનું બોક્સ ઓફિસ પર કલેક્શન થશે અને એટલી એ સફળ કહેવાશે.

આવી જ સફળ ફિલ્મોની લિસ્ટમાં 2019માં આવેલી સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ અભિનીત ફિલ્મ ચાલ જીવી લઈએરૂ.52.14 કરોડની કમાણી સાથે શીર્ષસ્થાને છે. આ ફિલ્મની વાર્તા દર્શકોને ઘણી ગમી હતી, ખાસ કરીને ફિલ્મનો એન્ડ. આ ફિલ્મ આજે પણ ગુજરતના કેટલાક શહેરોના થિયેટરમાં ચાલી રહી છે. “ચાલ જીવી લઈએ” ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને એને મરાઠીભાષામાં “ઓલે આલે”ના નામથી બનાવવામાં આવી હતી, જેને ફિલ્મના મૂળ ડિરેક્ટર વિપુલ મહેતાએ જ ડિરેક્ટ કરી હતી. મરાઠી વર્જનમાં સિદ્ધાર્થ રાંદેરિયાનું પાત્ર નાના પાટેકરે ભજવ્યું છે. 2023માં આવેલી ફિલ્મ ત્રણ એક્કા આ લિસ્ટમાં રૂ.26.11 કરોડની કમાણી સાથે બીજા ક્રમે છે. આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી જેવા યુવા કલાકારો જોવા મળ્યા હતા. નોંધવા જેવી બાબત એ છે કે પહેલા અને બીજા ક્રમની ફિલ્મના વકરા વચ્ચે અંદાજે અડધો અડધનો તફાવત છે. “ચાલ જીવી લઈએ” એ કુલ જેટલી કમાણી કરી છે એનાથી લગભગ અડધી કમાણીએ ફિલ્મ “ત્રણ એક્કા” અટકી પડી હતી. આ તફાવત પરથી એટલું તો ચોક્કસ કહી શકાય ફિલ્મનો વિષય જો દમદાર હોય અને એ દર્શકોના મનમાં ઘર કરી જાય તો ફિલ્મની સફળતાનો ઘોડો સતત દોડતો જ રહે છે. આખરે કોન્ટેન્ટ જ છે રાજા છે.



સૌથી વધારે કમાણી કરનારી ઢોલીવૂડની ફિલ્મોમાં ત્રીજા સ્થાને છે 1998માં આવેલી ફિલ્મ “દેશ રે જોયા દાદા પરદેશ જોયા”. પ્રાપ્ત આંકડાઓ મુજબ હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી, પિંકી પારેખ અભિનીત આ ફિલ્મે રૂ.22 કરોડની અધધ કમાણી કરી હતી. 1998માં આ રૂ.22 કરોડ એટલે આજના 50-70 કરોડ રૂપિયાથી પણ વધારે આંકી શકાય. આજની તારીખમાં જ્યારે પણ આ ફિલ્મનો ઉલ્લેખ થાય ત્યારે તેનું ટાઇટલ સોન્ગ અને ફટાણા નજર સમક્ષ ખડા થઈ આવે છે. આ ફિલ્મ બાદ 2022માં આવેલી સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા, વંદના પાઠક, સુપ્રિયા પાઠક, ધર્મેશ વ્યાસ, શ્રદ્ધા ડાંગર અને ભવ્ય ગાંધી અભિનીત ફિલ્મ કહેવતલાલ પરિવારએ રૂ.21.5 કરોડની, 2018માં આવેલી ફિલ્મ “શું થયુ? એ રૂ.21 કરોડ અને 2022માં આવેલી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” એ રૂ.20 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”માં અમિતાભ બચ્ચનનો એક નાનકડો કેમિયો પણ હતો.

આ તમામ ફિલ્મો બાદ આજની યુવા પેઢી જે ફિલ્મથી, ગુજરાતી ફિલ્મની ઘેલી થઈ એ ફિલ્મ એટલે કે “છેલ્લો દિવસ” નો નંબર આવે છે. 2015માં આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ રૂ.18 કરોડનો વકરો કર્યો હતો અને ઢોલીવૂડને આપ્યા હતા તેના ભવિષ્યના સ્ટાર્સ. કોલૅજ કાળમાં યુવાઓની મસ્તીને કારણે આ ફિલ્મ આજે પણ દર્શકોના મન પર રાજ કરે છે. “છેલ્લો દિવસ” બાદ નંબર આવે છે 2018માં આવેલી મલ્હાર ઠાકર અને દીક્ષા જોશીની ફિલ્મ “શર્તો લાગુ” નો જેણે અંદાજે રૂ.17.50 કરોડની કમાણી કરી હતી. આ યાદીમાં હવે નૅશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ફિલ્મ “હેલ્લારો” નો વારો આવે છે જેણે રૂ.16 કરોડની કમાણી કરી હતી. જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર, બ્રિંદા ત્રિવેદી નાયક, શચી જોશી, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, તર્જની ભાડલા, ડેનીશા ઘૂમરા અને કૌસાંબી ભટ્ટની જોડીવાળી આ ફિલ્મ અભિષેક શાહના દિગ્દર્શન હેઠળ તૈયાર થઈ હતી અને આજે પણ આ ફિલ્મના ગીતો નવરાત્રીમાં ધામધૂમથી વગાડવામાં આવે છે. 

રૂ.15 કરોડથી રૂ.10 કરોડના બ્રેકેટમાં માત્ર ત્રણ ગુજરાતી ફિલ્મો પોતાનું નામ નોંધાવી શકી છે. આ બ્રેકેટમાં 2015માં આવેલી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ રૂ.15 કરોડ, 2022માં આવેલી ફિલ્મ નાડી દોષ રૂ.13.50 કરોડ અને 2018માં આવેલી ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ રૂ.10 કરોડની કમાણી કરી શકી હતી. નોંધવા જેવી વાત એ છે કે આ બ્રેકેટમાં સામેલ ત્રણમાંથી બે ફિલ્મ ગુજ્જુભાઈ બ્રાન્ડની છે. ગુજ્જુભાઈ બ્રાન્ડે દર્શકોને રંગમંચ પર જેટલું એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડ્યું છે એટલું જ એન્ટરટેઇનમેન્ટ ફિલ્મમાં પણ પીરસ્યું હતું જેને દર્શકોએ વધાવી લીધું હતું.



આપણે અહીં જે ગુજરાતી ફિલ્મોની કમાણીની વાત કરી એ રૂ.10 કરોડથી વધારેની કમાણી કરનારી ફિલ્મો હતી. રૂ.10 કરોડ સુધી પણ ન પહોંચનારી અનેક ફિલ્મો છે, જેમાં ગોળકેરી (2020) રૂ.9 કરોડ, બે યાર (2014) રૂ.8.50 કરોડ, કરસનદાસ પે એન્ડ યુઝ (2017) રૂ.8 કરોડ અને લવની ભવાઈ (2017) રૂ.8 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં એવી અનેક ગુજરાતી ફિલ્મો છે જે નફાની દ્રષ્ટિએ કદાચ આ યાદીમાં સ્થાન ન મેળવી શકી હોય પણ દર્શકોના મન પર એવી ફિલ્મોએ છડેચોક પોતાની છાપ છોડી છે.

ફિલ્મના વકરાની વાત કરી પણ સાથે-સાથે અહીં એ જાણવું પણ જરૂરી છે કે એક ગુજરાતી ફિલ્મ બનાવવાનો અંદાજીત ખર્ચ કેટલો આવે છે? જોકે આ પ્રશ્નનો સચોટ જવાબ અનેક પાસાઓ પર આધાર રાખે છે, તેમ છતાં એક આઇડિયા મેળવવા માટે આપણે કહી શકીયે છે કે એક ગુજરાતી ફિલ્મ બનાવવા માટેનો અંદાજિત ખર્ચ રૂ.1.5 કરોડથી રૂ.2 કરોડની આસપાસનો હોઈ શકે છે. આ આંકડો ફિલ્મની વાર્તા, કલાકાર, સેટ, બજેટ જેવા અનેક પાસાઓ સાંકડી લેતો હોય છે. તેમ છતાં આ રૂપિયાની ગણતરીને બે ક્ષણ માટે બાજુમાં મૂકી દરેક ફિલ્મ મેકર્સ એ ઈચ્છતો હોય છે કે પોતે વધારે ફિલ્મો બનાવવા કરતા, સારી ફિલ્મો બનાવે જેથી કરીને દર્શકોને એક સારો કોન્ટેન્ટ પીરસી શકાય. સામાપક્ષે દર્શકોની પણ એ જવાબદારી બને છે કે ફિલ્મ જોવા થિયેટર્સ સુધી ચોક્કસ જાય અને સારા વિષયવસ્તુ સાથે આવેલી ફિલ્મને વધાવી લેય.




-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત