ઢોલીવૂડનો ટર્નિંગ પોઇન્ટ બની રહેશે ‘કસૂંબો’

જ્યાં ગુજરાતી ફિલ્મ નિર્માતા, નિર્દેશક, કોમેડી, ફેમિલી ડ્રામા જેવી ફિલ્મો બનાવી ઓડિયન્સને ગમતું પીરસે છે ત્યાં વિજયગીરી બાવાએ એ જ ઓડિયન્સને નવી ઐતિહાસિક વાર્તા પીરસી છે


વર્ષ 2024ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એટલે વિજયગીરી ફિલ્મોસની મલ્ટીસ્ટારર ઐતિહાસિક ફિલ્મ કસૂંબોઆજે સિનેમાગૃહમાં આવી ચૂકી છે. આ ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓ છેલ્લા પાંચેક વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને રિઝલ્ટ આજે સામે આવ્યું છે. જોકે વચમાં કોરોના કાળ આવી જતા આ ફિલ્મને થોડા સમય માટે બાજુમાં મૂકવી પડી હતી પણ ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરવામાં આવી હતી કે વિજયગીરી બાવા ગુજરાતી સિનેમાજગતમાં એક ઐતિહાસિક વાર્તા લઈને આવી રહ્યા છે, જેની સાથે અંદાજે 1000થી પણ વધારે લોકોનું નસીબ જોડાયેલું છે. વિજયગીરી બાવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ એટલે શૌર્ય, સમર્પણ અને સનાતનની વાત કરતી ફિલ્મ ‘કસૂંબો’.

ફિલ્મ ‘કસૂંબો’ એક એવી શૌર્યગાથા છે જે ઈતિહાસના પાનામાં ગુમનામ થઈ ચૂકી હતી. વિમલકુમાર ધામીની નવલકથા ‘અમર બલિદાન’ પરથી તૈયાર થયેલી ફિલ્મ ‘કસૂંબો’ એ 51 બારોટોના અમર બલિદાનની અમર ગાથા છે જેમણે દાદુ બારોટની સુકાની હેઠળ સનાતનની રક્ષા કરી અલ્લાઉદ્દીન ખિલજીને પરાસ્ત કર્યો હતો. ફિલ્મમાં દાદુ બારોટના મુખ્ય પાત્રમાં ધર્મેન્દ્ર ગોહિલે જાણે જીવ રેડી દીધો છે. તેમની પુત્રીના સુઝાનના પાત્રમાં જોવા મળે છે હેલ્લારો ફેમ શ્રદ્ધા ડાંગર અને સુઝાનના પતિ અમરનો રોલ કરી રહ્યો છે ઢોલીવૂડનો ચોકલેટી બૉય રોનક કામદાર. વાર્તાના વિલન અલ્લાઉદ્દીન ખિલજીના પાત્રને દર્શન પંડ્યાએ બખૂબી નિભાવ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં ફિરોઝ ઈરાની, જય ભટ્ટ, મોનલ ગજ્જર, તત્સત મુનશી, કલ્પના ગાગડેકર, દિપા ત્રિવેદી, મયૂર સોનેજી, રાગી જાની જેવા ખ્યાતનામ કલાકારો જોવા મળશે.



ફિલ્મ ‘કસૂંબો’ ની વાર્તા સનાતનના સંરક્ષણની છે, બારોટના શૌર્યની છે અને મા ભોમ માટેના સમર્પણની છે. ફિલ્મના કેટલાક ખાસ પાસાઓની વાત કરીયે તો આ ફિલ્મ માટે વિજયગીરી બાવાએ અમદાવાદમાં બોપલ પાસે અંદાજે 16 એકર જગ્યામાં આખો ગામડાનો સેટ ઊભો કર્યો હતો, જેના માટે મુંબઈ અને અલગ અલગ જગ્યાએથી 100થી પણ વધારે કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. 13મી સદીમાં લોકોના કોશચ્યુમ કેવા હતા, તેમની ભાષા કેવી હતી, તેમના રહેણાક કેવા હતા એવી દરેક પ્રકારની રિસર્ચ કર્યા બાદ ટીમ આગળ વધી હતી. વળી કલાકારો પોતાના પાત્રને ન્યાય આપી શકે એ માટે પણ તેમને તલવારબાજીની ટ્રેનિંગ ખાસ આપવામાં આવી હતી.

ફિલ્મ કસૂંબો’ ના મેકિંગ માટે વિજયગીરી બાવા પોતે એટલા એકાગ્ર હતા કે તેમને જ શોટ જોઈતા હતા એ જ શોટ તેમણે શૂટ કરાવડાવ્યા હતા. કોઈપણ પ્રકારનું બેકઅપ કે એકસ્ટ્રા શોટ લઈને તેઓ આગળ નહોતા વધ્યા. ફિલ્મનો કેનવાસ ઘણો વિશાળ છે માટે સ્વાભાવિક છે કે મેકિંગ વખતે થયેલી તકલીફો પણ વિશાળ જ હશે. આ ફિલ્મના શૂટ સમયે એક નાનકડી આગ લાગવાની ઘટના બની હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી તેમ છતાં ટ્વિનકલગિરી બાવાએ ટીમના સંરક્ષણ માટે રામાયણના પાઠ કર્યા હતા.



આ તો થઈ ફિલ્મ મેકિંગની વાતો. પણ ફિલ્મના ડિરેક્શન, ડાયલોગ્સ જેવા વિભિન્ન પાસાની વાત કરીયે. ફિલ્મ ‘કસૂંબો’ માટે વિજયગીરી બાવાએ મોટાભાગનું શૂટિંગ બોપલમાં તૈયાર કરેલા સેટ પર જ પાર પાડ્યું છે. જોકે એમાં પછીથી ગ્રાફિક્સ અને વીએફએક્સનો યુઝ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ અને વીએફએક્સની સરખામણીમાં આ ફિલ્મે બોલીવૂડ ફિલ્મોની જેમ કામ પાર પાડ્યું છે. ડાયલોગ્સની વાત કરીયે તો રામ મોરીએ દરેક પાત્રોને વીરરસને અનુરૂપ ડાયલોગ્સ આપ્યા છે. દા.ત. ફિલ્મમાં એક ડાયલોગ છે હાથમાં બંગડીયો હોવું, એ તો શૂરવીરોને દૂધ પાયાનું પ્રમાણ છે.’ ‘રણભૂમિમાં જે સામી છાતીએ બરોબરનો ઘા નઈ ઝીલે ને, તો મારા અખૂવન કૂકમાં ધૂળ પડશે. આવા તો અનેકાનેક પ્રેરણાદાયક ડાયલોગ્સથી ફિલ્મ ભરેલી છે.



સંગીતની વાત કરીયે તો ફરીએકવાર મેહુલ સુરતીનું સંગીત અહીં જાણે પથ્થરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. ખમકારે ખોડલ સહાય છે (પાર્થ તારપારા), કસૂંબો ટાઇટલ સૉન્ગ (પાર્થ તારપારા), લગ્ન ગીત (જયવંત ગંગાની) ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં વહેતી નદી જેવું કામ કરે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીથી માંડી એડિટીંગ ઓડિયન્સને સીટ પર જકડી રાખવાનું કામ કરે છે. ટૂંકમાં ‘કસૂંબો’ ઓડિયન્સ માટે પૈસા વસૂલ ફિલ્મ બનીને આવી છે. શૌર્ય અને વીરરસથી ભરપૂર આ ફિલ્મ દરેક ગુજરાતીને પોતાના ગુજરાતી હોવા પર ગર્વ કરાવતી ફિલ્મ છે. ઢોલીવુડમાં એક સમયે ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો સતત બનતી અને ઓડિયન્સ દ્વારા વધાવી લેવાતી. જેસલ-તોરલ, શેઠ સગાડશા, કુંવરબાઈનું મામેરું જેવી ફિલ્મો એના શ્રેષ્ઠ ઉદાહરણ છે. વહેતા સમય સાથે જેમ જેમ ઓડિયન્સનો ટેસ્ટ બદલાયો એમ એમ એ ઐતિહાસિક ફિલ્મોને બદલે ફેમિલી ડ્રામા, સોશિયલ મુદ્દાઓ, કોમેડી ફિલ્મ બનવા લાગી. હવે ફિલ્મ ‘કસૂંબો’ થી ફરી પાછી ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક ફિલ્મો બનવા લાગે તો નવાઈ નહીં, કેમ કે આ ફિલ્મ ઢોલીવુડ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે એ વાત તો સાચી..

 


 

-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત