જાણવા જેવી નહીં પણ જીવવા જેવી વાર્તા એટલે મારા પપ્પા સુપરહીરો

દમદાર ડાયલોગ્સ, ડિરેક્શન અને વાસ્તવિકતાને સહજતાથી દર્શાવતી આ વાર્તા ઇન્ટરનૅશનલ લેવલે પોંખાઈ ચૂકી છે જેને એકવાર તો સહપરિવાર સાથે જરૂરથી જોવી જોઈએ


કહેવાય છે કે બાળકના જીવનમાં તેનો સૌથી પહેલો દોસ્તાર તેનો ફાધર, તેના પપ્પા હોય છે. આ પિતા પોતાની સંતાન માટે જાણતા-અજાણતા કેટલીય મહેનત કરતો હોય છે. પોતાનું બાળક સમાજમાં કે દુનિયામાં કોઈનાથી પાછળ ન રહી જાય એ માટે તેને રાત-દિવસ તૈયાર કરવાની મથામણ એક પિતા જ કરતો હોય છે. બાળકની દરેક માંગણી પૂરી કરવામાં એક પિતા પોતાની જાત ન્યોછાવર કરી નાખતો હોય છે અને કદાચ એટલે જ એક પિતા પોતાની સંતાન માટે સુપરહીરો હોય છે.



આવા જ એક અદ્ભૂત વિષય પર 19મી જાન્યુઆરી એક ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ છે મારા પપ્પા સુપરહીરો. ફિલ્મનના કલાકાર છે અભિયન બેન્કર જેઓ આપણને ફિલ્મ રેવામાં બિત્તુ-બંગાના યાદગાર પાત્રમાં જોવા મળ્યા હતા. તેમની સાથે છે હેલ્લારો ફેમ શ્રદ્ધા ડાંગર અને બાળ કલાકાર ભવ્યા સિરોહી. આ ઉપરાંત ભૂષણ ભટ્ટ, ભરત ઠક્કર, પ્રિયંકા રાજા, જાનુશી ઓઝા અને મલ્લિકા સારાભાઈના પુત્ર તથા ભરતનાટ્યમ ડાન્સર રેવંતા સારાભાઈ મુખ્ય પાત્રમાં આપણને જોવા મળે છે. ફિલ્મને ડિરેક્ટ કરી છે દર્શન ત્રિવેદીએ જેઓ લકીરો, મૃગતૃષ્ણાજેવી ફિલ્મ આપી ચૂક્યા છે. ફિલ્મના લેખક છે રામ મોરી, સંગીત છે નિશીત મહેતાનું.

ફિલ્મની વાર્તા સાત વર્ષની કંકુ અને તેના માતાપિતા, ભાવલો અને તેજુ,ની આસપાસ ફરે છે. અમદાવાદની ઝૂંપડપટ્ટી અને કાચાપાકા મકાનોમાં વસતા શ્રમજીવીઓના બેકડ્રોપની આ ફિલ્મમાં કંકુના માતાપિતા ચાર રસ્તે ચડ્ડીગંજી અને સાડીદુપટ્ટા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે, એમાં મોંઘા સપના કેવા હોય એ તેમને ખબર પણ નથી. જ્યારે તેમની કંકુને તેની શ્રીંમત પરિવારની મિત્ર કિયારા પાસેથી સુપરહીરોની વાત જાણવા મળે છે અને પોતાની ફ્રેન્ડ પાસેથી મળેલી માહિતીના આધારે તેને વિશ્વાસ બેસે છે કે તેના પપ્પા પણ સુપરહીરો છે. બાળકોના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવેલી આ ફિલ્મમાં અનેક નાના મુદ્દાને ખૂબ સારી રીતે વણવામાં આવ્યા છે. પરિવારની આર્થિકસ્થિતી સારી ન હોવા છતાં તેઓ પોતાના જીવનમાં ખુશ છે. તેમની વચ્ચે સંપ છે, ઝઘડા છે, રિસામણા-મનામણા છે. આ ઉપરાંત ફિલ્મમાં સાયકલ જેવી પ્રોપર્ટીનો વપરાશ પણ સારી રીતે કરવામાં આવ્યો છે, જે એક સામાન્ય પરિવારના જીવનની ગતિનું પ્રતિનિધીત્વ કરે છે. અનેક મથામણ બાદ ભાવલો પોતાની કંકુ માટે સુપરહીરો બનશે કે નહીં એ જોવા જેવું છે.



મારા પપ્પા સુપરહીરોમાં નિશીથ મહેતાએ આપેલું સંગીત દરેક લાગણી અને પરિસ્થિતીને વધારે ધારદાર બનાવે છે અને એમાં વધારે પ્રાણ પૂરવાનું કામ કરે છે પાર્થ તારપરાના લિરીક્સ. સંગીત અને લિરીક્સ સાથે ત્રિવેણી સંગમ થાય છે દર્શન ત્રિવેદીના ડિરેક્શનનો. ફિલ્મમાં તેમણે નૅચરલ લાઇટીંગ એટલે કે સૂર્ય પ્રકાશનો જબરદસ્ત ઉપયોગ કરીને સીનને જાણે સજીવન કરી દીધા છે. એક નાનકડામાં ઓરડામાં છાપરેથી જ્યારે સૂર્યકિરણ ઘરમાં પ્રવેશે ત્યારે આખું ઘર ખીલી ઉઠે છે. કંકુનું કે ભાવલાનું નીંદરમાંથી ઉઠતી વખતે તેમના ચહેરા પર સૂર્ય કિરણનું આવવું એક સાવ સામાન્ય પરિવારની વાસ્તવિકતા દાખવે છે.

“મારા પપ્પા સુપરહીરો” એ દર્શન ત્રિવેદીની ડિરેક્ટર તરીકેની ત્રીજી ગુજરાતી ફિલ્મ છે અને આ ત્રણ ફિલ્મમાંથી એવી બીજી ફિલ્મ છે જે બાળકોના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી હોય. આ પહેલા તેમના જ ડિરેક્શનમાં બનેલી ફિલ્મ “મૃગતૃષ્ણા” બાળકોની સપનાની દુનિયા કેવી હોય એવા મસ્તમોલા વિષય પર બની હતી. વળી “મૃગતૃષ્ણા” અને “મારા પપ્પા સુપરહીરો” માં વધું એક સામ્યતા એ છે કે આ બંને ફિલ્મો ઇન્ટરનૅશનલ લેવલે પોંખાઈ છે. જૂન 2021માં થયેલા લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં “મારા પપ્પા સુપરહીરો” નું પ્રિમીયર કરાયું હતું. આ ઉપરાંત સાન ડિએગો ઇન્ટરનૅશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ” માં મારા પપ્પા સુપરહીરોએ બે એવૉર્ડ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. ફિલ્મને બેસ્ટ ફૅમિલી ફિલ્મઅને અભિનય બેન્કરને બેસ્ટ લિડિંગ એક્ટરનો એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2021 ટિબુરોન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવૉર્ડ એનાયત થયો હતો. 

લેખક વાર્તાનો જન્મદાતા કહેવાય અને અહીં આ વાર્તાનો જન્મદાતા છે રામ મોરી. સ્ક્રીનરાઇટર તરીકે રામ મોરીની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે. મળતી માહિતી મુજબ રામ મોરીએ આ વાર્તા સૌથી પહેલા મરાઠી ભાષામાં માઝા બાબા સુપરહીરો આહે ના નામથી તૈયાર કરી હતી જે પછીથી ગુજરાતીમાં મારા પપ્પા સુપરહીરો” ના નામે તૈયાર થઈ. આ ફિલ્મના પાત્ર ભાવલો અને તેજુ જેવા નામ પણ તેમણે પોતાના માતા-પિતાના નામ પરથી રાખ્યા હતા. 2020માં તૈયાર થયેલી આ વાર્તા ફિલ્મરૂપે લગભગ ત્રણ-સાડા ત્રણ વર્ષ પછી થિયેટરમાં રજૂ થઈ અને લોકહૈયે વખણાઈ પણ ખરી. તૂટી જવાના દહાડા તો ગ્યા, હવે તો આપણે ટકી જવાનું સે”, હેં મમ્મી, કોઈ આ રીતે પોતાની શક્તિ ભૂલી જાય?”, “તું છે ને સુવાનું ઓછું રાખ હૌં, સપના ઓછા આવે. જેવા ધારદાર સંવાદ પાત્રની લાગણીને બખૂબી વાચા આપે છે. 



કલાકારોની વાત કરીયે તો આ ફિલ્મમાં અભિનય બેન્કર અને શ્રદ્ધા ડાંગર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પહેલીવાર શ્રદ્ધાએ કોઈ ફિલ્મમાં મમ્મીનો રોલ ભજવ્યો છે, જે તેમના માટે એક ચેલેન્જ જ હતી. દોસ્તો, 19મી જાન્યુઆરીએ “મારા પપ્પા સુપરહીરો” અને “ઇટ્ટા-કિટ્ટા” વચ્ચે ક્લેશ થઈ હતી. આ બંને ફિલ્મો ફેમિલી એન્ટરટેઇનીંગ તો છે જ અને સાથે બાળકોને સાંકળીને બનેલી ફિલ્મ છે. એક ફિલ્મમાં બાળક દત્તક લેવાની વાત છે તો એક ફિલ્મમાં બાળક અને તેના સુપરહીરોની વાત છે. બંને ફિલ્મનો કેનવાસ એકબીજાથી તદન અલગ છે. એક પરિવાર પૈસે ટકે સદ્ધર છે જ્યારે બીજુ પરિવાર રોજનું કમાઈને રોજનું ખાય છે. તેમ છતાં બંને ફિલ્મનો એક કોમન પ્લસ પોઇન્ટ કે સંદેશ, જે કહો તે, એ છે કે બાળકો માટે તેમના માતા-પિતા કંઈપણ કરવા હંમેશા તત્પર હોય છે. બાળક જ્યારે નવું નવું સમજણું થતું હોય અને જ્યારે એનાથી પહેલી વખત દરવાજો ન ખૂલતો હોય અને પપ્પા ખોલી આપે ત્યારથી એના માનસમાં એવી છાપ હોય કે પપ્પા બધ્ધુ જ કરી શકે છે અને એટલે જ એના માટે એના પપ્પા સુપરહીરો હોય છે.

આ ઉપરાંત શ્રદ્ધા ડાંગરની જેમ રોનક કામદારે પણ ફિલ્મ “ઇટ્ટા-કિટ્ટા”માં પહેલીવાર પિતાની ભૂમિકા ભજવી છે. નોંધવા જેવી વાત એ છે જાન્યુઆરીમાં શ્રદ્ધા અને રોનકની ફિલ્મ એકબીજા સામે ક્લેશ થઈ હતી અને આવતા મહિને આ બંને કલાકારો વિજયગીરી બાવાની પિરીયડ ફિલ્મ કસૂંબોમાં એકબીજા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. પણ ત્યાં સુધી ફિલ્મ “મારા પપ્પા સુપરહીરો” ને એકવાર તો સહપરિવાર થિયેટરમાં જરૂરથી જોવી જોઈએ કેમ કે શ્રદ્ધા ડાંગરના જ શબ્દોમાં કહીયે તો આ ફિલ્મની વાર્તા જાણવાને બદલે જીવવા જેવી છે.

 

-       આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-       dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત