પેરન્ટિંગના ગુણ શીખવા હોય તો એકવાર ફિલ્મ ઇટ્ટા-કિટ્ટા જરૂરથી જોવા જજો

મનોરંજનના આ શંભુમેળામાં બાળકોની જીદ છે, યુવા માતા-પિતાની ઘેલછા છે અને વડીલોની સલાહ તથા ઠપકો પણ છે જેને લીધે આ ફિલ્મ સહપરિવાર ચોક્કસ માણવા લાયક બને છે

ઓહોહોહો... આજે તો આપણે જે ફિલ્મની વાત કરવી છે એની શરૂઆત જ ક્યાંથી કરૂં એ ખબર નથી પડતી. 2024માં ઢોલીવુડનું શુભારંભ એક અદ્ભૂત કહી શકાય એવા વિષય સાથે આજે થયું છે. જે ફિલ્મની આપણે વાત કરવી છે એ એક એવી ફિલ્મ છે જે નાના બાળકોથી માંડી દાદા-દાદી એટલે કે આબાલવૃદ્ધ સૌ કોઈ એકસાથે બેસીને જોઈ શકે છે. આ ફેમિલી ઇન્ટરટેઇનીંગ ફિલ્મ છે ઇટ્ટા-કિટ્ટા જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે અને જો ખરું પેરન્ટિંગ શીખવું હોય તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ.



ફિલ્મ ઇટ્ટા-કિટ્ટામાં મુખ્ય ભૂમિકામાં છે રોનક કામદાર, માનસી પારેખ ગોહિલ, અલ્પના બુચ અને પ્રશાંત બારોટ. આ સાથે જે પ્રમાણે આઇસક્રીમ પરની ચેરી આઇસક્રીમના સ્વાદમાં ચારચાંદ લગાવે છે એ પ્રમાણે આ ફિલ્મની વાર્તામાં ચારચાંદ લગાવવાનું કામ કરે છે જીયા વૈદ્ય અને પ્રિન્સી પ્રજાપતિ. આપણો સમાજ બાળક દત્તક લેવાના મુદ્દાને ઘણી ગંભીરતાથી જોતો આવ્યો છે અને આ જ ગંભીર વિષયને ખૂબ જ સહજ, ખાટા મીઠા પ્રસંગો અને લાગણીથી તરબોળ કરીને જાન્હવી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ આપણી સામે લઈને આવ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અભિન્ન શર્મા અને મંથન પુરોહિતની જોડીએ, જેમણે આ પહેલા ચાસણી નામની ફિલ્મ ડિરેક્ટ કરી છે.

આ એક સીન મારા મનમાં ઘર કરી ગયો છે કેમ કે જ્યાં બધાના ચહેરા
 પર ખુશી છે ત્યાં માત્ર જીયાની આંખોમાં ઝળઝળિયાં  છે,
અને એ શા માટે છે એ માટે ફિલ્મ ફરી એકવાર જોવી જ રહી
ફિલ્મ ઇટ્ટા-કિટ્ટાની વાર્તા પર આવીયે તો આ ફિલ્મમાં એક એવા યુવા કપલની વાત છે જેને કોક કારણસર બાળક ન થતું હોવાને લીધે તેઓ એક નહીં પણ બે બહેનોને બાળક દત્તક લેય છે. એક નાની છ-સાત વર્ષની છોકરી અને એક તેર વર્ષની. આ બે અનાથ બાળકોના દત્તક લીધા બાદ જરીવાલા પરિવારમાં કેવા કેવા કિસ્સાઓ બને છે, સાધારણ વાતમાંથી રમૂજ ક્યાંથી અને કેવી રીતે સર્જાય છે અને એથી વિશેષ પારકા સંબંધોમાં લાગણીનું સિંચન કરીને કઈ રીતે તેમને પોતીકા બનાવી શકાય છે એ ખરેખર જોવા જેવું છે.   


કલાકારોએ ભજવેલા પાત્રની વાત કરીયે તો પતિ તરીકે રોનક આમ તો કોઈનાથી ડરતો નથી પણ પોતાની મમ્મી અલપ્ના બુચ સામે પોતાના નિર્ણયને મોકળા મને જણાવતા તેની ફેંફેં થઈ જાય છે. વળી માનસીનું પાત્ર એક એવી પત્નીનું છે જે કોઈની પણ દરકાર કર્યા વિના બિંદાસ નિર્ણય લેવામાં વિશ્વાસ રાખે છે અને દાદીના પાત્રમાં અલ્પના બુચે જાણે જીવ રેડી દીધો છે. એક લાંબા સમય બાદ તેઓ ફિલ્મમાં નજર આવ્યા છે, છેલ્લે તેઓ હે, કેમ છો લંડન અને વિકીડાનો વરઘોડો જેવી ફેમસ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જીયા અને પ્રિન્સીના કામને જો અવગણીયે તો કદાચ આ લેખ અધૂરો ગણાય. આ બે બાળકીઓની એનર્જી અને કલાકારી તેમના પ્રોફેશનલ એક્ટર હોવાની સાબિતી આપવા પૂરતી છે. ફિલ્મના દરેક પાત્ર ઢોલીવુડના સ્ટિરીયોટાઇપ પાત્ર કરતા તદન અલગ છે.

મિત્રો, પેરન્ટિંગના ગુણ કેવી રીતે અમલમાં મૂકી શકાય છે એ માટે આ ફિલ્મ એકવાર તો પરિવાર સાથે જોવા જેવી છે. કોઈપણ વ્યક્તિ માટે બાળક દત્તક લેવું એ સરળ કામ નથી, ખાસ કરીને 13 વર્ષના બાળકને. દત્તક લીધા બાદ એ બાળકને પોતાના નવા પરિવારના વાતાવરણમાં એડજસ્ટ કરતા શીખવું પડે છે અથવા પરિવારજનોએ એ બાળકની જરૂરિયાતો મુજબ પોતે એડજસ્ટ કરવું પડે છે. ટૂંકમાં એકમેકને સ્વીકારીને, પ્રેમ અને હૂંફની લાગણીને ધ્યાનમાં રાખીને આગળ વધવામાં જ મજા છે. આ વાતને સાબિતીરૂપે ફિલ્મનો એક ડાયલોગ બંધબેસે છે કે 'જેમ શ્રદ્ધા મૂર્તિને ભગવાન બનાવે છે એમ પ્રેમ પણ પારકાને પોતીકા બનાવે છે.

ફિલ્મના પ્લસ પોઇન્ટ્સ પર વાત કરીયે તો આ ફિલ્મનો પહેલો સીન જેટલો ઇમોશન્સથી ભરપૂર છે એટલો જ છેલ્લો સીન પણ... આજના સમય પ્રમાણે ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ છે, જેનો શ્રેય રાઇટર અઝહર સૈયદ અને અંતિમા પવારને ફાળે જાય છે. ફિલ્મના કેટલાક સચોટ સંવાદ તમને સમાજની આડકતરી વિચારધારા દાખવશે. દત્તક લીધેલા બાળકોને હંમેશા એકસ્ટ્રા કેર અને અટેન્શનની જરૂરત હોય છે કેમ કે તેમના મનમાં પોતાના વાસ્તવિક માતા-પિતાથી વિખૂટા રહેવાનો રંજ ઘર કરી ગયો હોય છે અને કદાચ એટલે જ સમાજના પારકાઓને પોતીકા તરીકે સ્વીકારવામાં તેમને વધારે મહેનત કરવી પડે છે. આ વાત એ માતા-પિતા માટે પણ એટલી જ લાગુ પડે છે, જેઓ બાળક દત્તક લેવા માંગે છે. જેટલો પ્રેમ તેઓ પોતાના બાળકને આપવાની ઘેલછા રાખતા હોય છે એટલો જ પ્રેમ આ દત્તક લીધેલા બાળકોને પણ આપવો જરૂરી છે. ફિલ્મમાં આ વાતને શ્રીકૃષ્ણના દ્રષ્ટાંત દ્વારા કહેવામાં આવી છે, કે કાનુડો પણ દત્તક લેવામાં જ આવ્યો હતો.

આ ઉપરાંત ફિલ્મનું સંગીત કાબિલ-એ-તારીફ છે કેમ કે સંગીતની કમાન કેદાર-ભાર્ગવની જોડીના હાથમાં છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સહિત ફિલ્મના ગીત જેમ કે રંગિલી ફેમિલી (ગાયક સિદ્ધાર્થ ભાવસાર), કાનુડો કામણગારો રે જશોદા તારો (ગાયક – કિર્તીદાન ગઢવી અને ઐશ્વર્ય મઝમુદાર) ઘણાં કર્ણપ્રિય છે.  પડદા પાછળની વાત કરીયે તો અભિન્ન-મંથનના કેમેરાથી શૂટ થયેલી આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મની મેકિંગ દરમ્યાન સેટ પર ફિલ્મના પ્રોડ્યુસર, રાઇટર્સ દરરોજ હાજર રહેતા અને જે કંઈપણ સલાહ-સૂચનો તેમને મળતા તેમાં ચર્ચા-વિચારણા કરી ફેરફાર પણ કરવામાં આવતા, જે સામાન્યપણે ગુજરાતી ફિલ્મ મેકિંગમાં જોવા નથી મળતું.



આ ફિલ્મમાં બાળકોની જીદ છે, યુવા માતા-પિતાની ઘેલછા છે અને વડીલોની સલાહ તથા ઠપકો પણ છે. સાથે સાથે હ્યુમર, રોમાન્સ, ઝઘડા અને ગરબા તો ખરા જ... ટૂંકમાં આ ફિલ્મ ઇમોશન્સ અને મનોરંજનનો શંભુમેળો છે જેમાં દરેક વયજૂથના દર્શકો માટે એક ચોક્કસ મેસેજ છે અને એન્ટરટેઇનમેન્ટ પણ છે. માણસ જીવનમાં ભલે ગમે તેટલા લોકો સાથે ઇટ્ટા-કિટ્ટા કરે છેવટે તેને કોઈક તો એવા સથવારાની જરૂર પડે જ છે જે તેની સાથે બુચ્ચા કરીને તેને દરેક પરિસ્થિતીમાં સાથ આપે. ફિલ્મ ઇટ્ટા-કિટ્ટાને આપણે પાંચમાંથી ચાર રેટિંગ આંખ બંધ કરીને આપી શકીયે છીએ.

 






-     આર.જે. સચીન વજાણી (નાચીઝ)

-     dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત