શું તમે સ્પૂફ ફિલ્મ વિશે કંઈ સાંભળ્યું છે?

ગયા શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ડેની જીગર ઢોલીવુડની પહેલી વહેલી સ્પૂફ ફિલ્મ છે, જોકે આ ફિલ્મ લોકોને પંસદ આવી કે નહીં એ પ્રશ્ન ગૌણ છે પણ મહત્વની વાત એ છે કે ડિરેક્ટરે અહીં એક અનોખો અખતરો જ કર્યો છે

 

વર્ષ 2024ની શરૂઆતમાં કૃષ્ણદેવ યાજ્ઞિક ડેની જીગર નામની ફિલ્મ લઈને આવ્યા છે. ફિલ્મમાં ડેની જીગરના પાત્રને ન્યાય આપે છે યશ સોની અને તેની એક્ટ્રેસ છે તર્જની ભાડલા. વિલન કેટેગરીના લીડર છે પ્રેમ ગઢવી અને તેના માટે કામ કરે છે ઓમ ભટ્ટ, રાહુલ રાવલ અને હીરલ પુનીવાલા. ફિલ્મની વાર્તા એકદમ સાધારણ. ફિલ્મના ગીત ચીકીન ધા અને ટાઇટલ સોન્ગને સારી રીતે પ્રમોટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ અતિસાધારણ એવી ફિલ્મમાં એવું તે શું છે કે ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક આવી સામાન્ય ગણાતી સ્ટોરી બનાવવા પાછળ મહેનત કરે?



દોસ્તો, ફિલ્મ મેકિંગની પ્રોસેસ જ્યારે પણ શરૂ કરાતી હોય છે ત્યારે અનેક પરિબળો પર વિચાર વિમર્શ કરવામાં આવે છે. નફા-નુકસાનની ગણતરી કરવામાં આવે છે. કયો એક્ટર, કયા કેરેક્ટર માટે ફીટ બેસે છે, ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલા અને કેવા ટર્ન એન્ડ ટ્વીસ્ટ છે જે ઓડિયન્સને જકડી રાખવામાં મદદ કરશે. આવા અનેકાનેક પાસાઓને ધ્યાનમાં રાખીને એક ફિલ્મ બનાવવામાં આવતી હોય છે. તેમ છતાં ગુજરાતી સિને જગતે વર્ષ 2024ની શરૂઆત એક એવા અખતરા સાથે કરી છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.


કૃષ્ણદેવ યાજ્ઞિક અને યશ સોનીની જોડી જે ઉત્સાહ સાથે ડેની જીગર લઈને આવી હતી એને દર્શકો પાસેથી ઈચ્છિત પ્રતિસાદ ન મળ્યો, એનું કારણ છે આ ફિલ્મનો નવો અંદાજ... આ ફિલ્મ એક સ્પૂફ ફિલ્મ છે જે ગુજરાતી સિને જગતમાં પહેલી-વહેલી વાર બનાવવામાં આવી છે. તો ચાલો વાત કરીયે આ સ્પૂફ ફિલ્મની જે આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ પણ છે અને માઇનસ પોઇન્ટ પણ...



સ્પૂફ એટલે શું?

સ્પૂફ એ કોમેડીનો જ એક પ્રકાર છે, જેને પેરોડી ફિલ્મ પણ કહી શકાય છે. અહીં ફિલ્મની વાર્તા આગળ વધારવા માટે અન્ય ફિલ્મો કે જે-તે પ્રખ્યાત કોમેડી અને યાદગાર સીન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કેટલીક ઓરિજીનાલિટી ઉમેરી એક પ્રકારનો મીઠો કટાક્ષ અથવા વ્યંગ કરવામાં આવે છે. ઉદાહરણ આપીને કહું તો ફિર હેરા ફેરીમાં મનોજ જોશીનો એક ફેમસ સીન છે જેમાં તે બૂટ વેચવા આવેલા અક્ષય કુમારને કહે છે કે – દેઢસો રૂપિયા દેગા – હવે આ નાનકડા ત્રણ શબ્દના ડાયલોગને અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ પ્રકારે ઉપયોગમાં લેવામાં આવે છે અને વ્યંગ (સટાયર) સર્જવામાં આવે છે. સ્પૂફ ફિલ્મમાં પણ કંઈક આ પ્રકારનું કામકાજ મોટાપાયે કરવામાં આવે છે.

 

વિશ્વની પહેલી સ્પૂફ ફિલ્મ વિશે જાણો છો?

ઢોલીવુડમાં સ્પૂફ ફિલ્મ બનાવવાનો પહેલી વખત પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ માટે કૃષ્ણદેવ યાજ્ઞિકનો આભાર માનવો જ રહ્યો.  પણ શું તમને ખબર છે વિશ્વની પહેલી સ્પૂફ ફિલ્મ કઈ હતી અને તે ક્યારે બની હતી? વિશ્વની પહેલી સ્પૂફ ફિલ્મ 1905માં બની હતી જેનું નામ હતું ધ લિટલ ટ્રેન રોબરી” અને આ ફિલ્મ 1903માં આવેલી ફિલ્મ ધ ગ્રેટ ટ્રેન રોબરીની પેરોડી હતી. “બિલેટ ફેરાટ” (લંડન રીટર્ન) એ 1921માં ભારતમાં રિલીઝ થયેલી સૌથી પહેલી કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મની વાર્તા લંડનથી પરત ફરેલા એક યુવાનના જીવન પર વ્યંગ કરતી હતી જે, તે સમયના સાંસ્કૃતિક મુદ્દાઓ સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરતો હોય છે.

 

સ્પૂફ ફિલ્મમાં વાસ્તવમાં હોય શું?

જે પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે સ્પૂફ એ કોમેડીનો એક પ્રકાર છે. અને જ્યારે આપણે કોમેડી ફિલ્મ (પેરોડી ફિલ્મ) જોવા બેસીયે ત્યારે દિમાગ સાઇડમાં મૂકીને ફિલ્મ જોવાનું કહેવામાં આવતું હોય છે. સ્પૂફ ફિલ્મમાં તો ખાસ કરીને ક્રિએટિવિટીના નામે એવી ધમાલ-મસ્તી અતિશ્યોક્તિ ભરી ભરીને બતાવવામાં આવે છે કે આપણને જોઈને જ નવાઈ લાગે. ફિલ્મ ડેની જીગરમાંથી જ આવા અનેક દાખલા આપણને મળી રહે છે. ફિલ્મમાં યશ સોની અને ઓમ ભટ્ટનો 3.5 મિનીટ લાંબો એક સીન છે જેમાં યશ, ઓમને પકડવા તેનો પીછો કરી રહ્યો છે અને આ ભાગાદોડી રસ્તા પરથી શરૂ થઈને સ્પેસ અને મંગળ ગ્રહ સુધી જઈ પહોંચે છે. હવે આવી ચૅઝ તો સ્પૂફ ફિલ્મમાં જ શક્ય છે, વાસ્તવિકતામાં નહીં. આ ઉપરાંત ક્લાઇમેક્સના એક સીનમાં જ્યારે ઓડિયન્સના ક્લોઝઅપ શૉટ્સ લેવામાં આવે છે ત્યારે યશનો ડાયલોગ છે કે આવી રીતે બધાના ક્લોઝઅપ શૉટ લેવા જશું તો પાર્ટ 2 બનાવવો પડશે. ટૂંકમાં જે પ્રમાણેની બિન્દાસ અને બેધડક કોમેડી આપણને કપિલ શર્માના શોમાં જોવા મળે છે એ જ પ્રમાણેની કોમેડી ફિલ્મમાં દાખવવામાં આવે છે.



 

સ્પૂફમાં ડેની જીગરને કેટલા માર્ક્સ મળવા જોઈએ?

કૃષ્ણદેવ યાજ્ઞિક અને યશ સોનીની જોડીએ ગયા વર્ષે ત્રણ એક્કા જેવી સફળ ફિલ્મ આપી હતી અને આ વર્ષે સ્પૂફ કોમેડીથી તેમણે કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મનું કલેક્શન ભલે ધાર્યા કરતા ઓછું હોય, ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈચ્છિત રિટર્ન ન આપી શકી હોય પણ આ ફિલ્મે ઢોલીવુડને જરૂરથી એક નવી દિશા દેખાડી છે. એક નવો ચીલો ચીતરવા માટે ફિલ્મ મેકર્સ પ્રશંસાના અધિકારી તો છે જ. બીજી બાજુ ગુજરાતી પ્રજાએ આવા પ્રકારની અનેક ફિલ્મો બીજી ભાષામાં ભલે જોઈ હોય પણ ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ જોવાની આદત હજુ તેમને નથી માટે ફિલ્મ મેકર્સે આવા પ્રકારની ફિલ્મ બનાવતા પહેલા જાજો વિચાર કરવો જ રહ્યો.

                                                     

                                         

        


આર.જે. સચીન વજાણી

- dhollywoodtalkies@gmail.com







Comments

  1. આ કંઇક નવું જાણવા મળ્યું. થેંક્યું ઢોલીવૂડ ટૉકીઝ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત