2024માં મનોરંજનનો નવો ફ્લેવર લઈને આવી રહી છે ઢોલીવુડની ફિલ્મો

ફિલ્મ નિર્માતાઓએ રિલીઝ માટે જૂન સુધીની તારીખ લગભગ નક્કી કરી લીધી છે જેમાં ડેની જીગર આજે રિલીઝ થઈ ચૂકી છે અને હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અન્ય ફિલ્મોની



ઢોલીવુડે 2023માં જે પ્રમાણે ફિલ્મો આપી મનોરંજન પૂરુ પાડ્યું છે, એ પ્રમાણેનું મનોરંજન 2024માં પણ યથાવત્ રહેશે, એ વાતની ખાતરી છે. કેમ કે વર્ષ 2024 શરૂ થતાં પહેલા જ ફિલ્મ નિર્માતાઓએ જૂન 2024 સુધીની પોતાની ફિલ્મોની તારીખો લગભગ નક્કી કરી લીધી છે.



ઢોલીવુડે 2023માં અનેક એવા વિષયો પર ફિલ્મ બનાવી જેણે ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે 2024માં એવી અનેક ફિલ્મો હરોળબંધ આવવાની તૈયારીમાં છે, જે દર્શકોને જકડી રાખશે. આ વાત કહેવામાં કોઈ બેમત નથી કારણ કે આવનારી ફિલ્મોના જાહેર કરાયેલા ટીઝર અને ટ્રેલરને જે પ્રમાણે પ્રતિસાદ મળ્યો છે, એ ખરેખર કાબિલ-એ-તારીફ છે. સ્વાભાવિક છે કે નવા વર્ષમાં દર્શકો એવી ફિલ્મો જોવા માંગશે જે તેમને મનોરંજન પૂરુ પાડવાની સાથે કંઈક શીખવે, ટેન્શન ફ્રી કરી શકે તો વળી ક્યારેક ઈતિહાસના વીસરાઈ ગયેલા પાના ફરીથી વાંચી સંભળાવે. ચાલો એક નજર કરીયે આ નવા વર્ષમાં આવનારી ફિલ્મો પર.

આજે નવા વર્ષના પહેલા શુક્રવારની સાથે કૃષ્ણદેવ યાજ્ઞિકે ઢોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે કેમ કે યશ સોની અને તર્જની ભાડલા અભિનીત બહુચર્ચિત એક્શન ડ્રામા ફિલ્મ ડેની જીગર આજે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે, જેમાં યશ સોનીને ગુજરાતી સિંઘમના રૂપે દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મ પહેલા 8 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી જે કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. ગુજરાતી સિને જગતની આ પહેલી સ્પૂફ ફિલ્મ છે.  ડેની જીગરના પ્રમોશનના ભાગરૂપે બે ટ્રેલર પણ લૉન્ચ કરવામાં આવ્યા હતા અને ફિલ્મનું ગીત ચીકીન ધા પણ નવેમ્બરમાં જ લૉન્ચ કરી દેવામાં આવ્યું હતું. ઉતરાયણ સુધી આ ફિલ્મને સારી એવી ફૂટેજ મળી શકે છે કેમ કે ત્યાર બાદ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં જાનવી પ્રોડક્શન અને ગાયત્રી પ્રોડક્શન લઈને આવી રહ્યા છે ફિલ્મ “ઇટ્ટા-કિટ્ટ. આ ફિલ્મમાં પહેલીવાર રોનક કામદાર અને માનસી પારેખ એકસાથે રૂપેરી પડદા પર જોવા મળશે. ત્રીજી જાન્યુઆરીએ લૉન્ચ કરવામાં આવેલું આ ફિલ્મનું ટ્રેલર પણ દર્શકો દ્વારા ઘણું પસંદ આવી રહ્યું છે.

2023ના ફેબ્રુઆરી મહિનાની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં ઢોલીવુડની ફિલ્મો વચ્ચે ઘમાસાણ યુદ્ધ જોવા મળશે. બીજી ફેબ્રુઆરીએ અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ પરથી એ જ નામની બનેલી ફિલ્મ, જેમાં જોવા મળશે અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા, હિતુ કનોડિયા અને સંજય ગોરડિયા. મહત્વની વાત એ છે કે ફિલ્મ કમઠાણ હેલ્લારોના મેકર્સ દ્વારા બનાવવામાં આવી છે. આ ઉપરાંત મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્રા ગઢવી, રાગી જાની, કલ્પના ગાગડેકર, ફિરોઝ ઈરાની અને અન્ય કલાકારોને ચમકાવતી ફિલ્મ “લગ્ન સ્પેશિયલ” જે પહેલા બીજી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી એ હવે નવમી ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે.



વેલેન્ટાઇન ડેની ઉજવણી બાદ જ દેશપ્રેમની ગૌરવગાથા વ્યક્ત કરતી વિજયગીરી બાવાની મલ્ટી સ્ટારકાસ્ટ ફિલ્મ કસૂંબો 16મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મની ચર્ચા ત્યારથી થઈ રહી છે જ્યારથી વિજયવીરી બાવાએ પહેલીવહેલીવાર આ ફિલ્મની જાણકારી આપતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી હતી. મહિનાના અંતમાં એટલે કે 23 ફેબ્રુઆરીએ નાસૂર નામની સસ્પેન્સ, ડ્રામા અને સાયકો થ્રિલર ફિલ્મ થિયેટરમાં આવશે જેમાં હિતુ કનોડિયા, નીલમ પાંચાલ, ડેનિશા ઘુમરા, હેમિન ત્રિવેદી, હીના વર્દે તથા અન્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે આ ફિલ્મનું ટ્રેલર હજુ રિલીઝ કરવામાં નથી આવ્યું.

માર્ચ મહિનામાં ફરી એકવાર મલ્હાર ઠાકર મોટા પડદા પર જોવા મળશે અને આ વખતે તેની હીરોઇન હશે યુક્તિ રાંદેરિયા. પ્રિતસિંગ ગોહિલ લિખીત-નિર્દેશીત આ ફિલ્મનું નામ છે વેનિલા આઇસક્રીમ. આ ફિલ્મનું અત્યાર સુધી એક નાનકડું ટીઝર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અર્ચન ત્રિવેદી, વંદના પાઠક, મુની ઝા, છાયા વોરા જેવા ખ્યાતનામ કલાકારો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વુમન્સ ડેના દિવસે એટલે કે 8 માર્ચે સામાજિક મુદ્દાને બિંદાસ વ્યક્ત કરતી ફિલ્મ “ઝૂંપડપટ્ટી” રીલીઝ થશે. “ઝૂંપડપટ્ટી” ની વાર્તા પાર્થ ભટ્ટે લખી છે અને દિગદર્શન પણ તેમનું જ છે. આ ફિલ્મમાં ભાવિની ગાંધી, ભાવિની જાની, હેમાંગ દવે, આકાશ ઝાલા, દિશીતા ભટ્ટ જેવા કલાકારો મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. 



આ ઉપરાંત એવી ઘણી ફિલ્મો હાલમાં નિર્માણાધીન છે જે 2024માં રિલીઝ થશે. આમાંની મોટાભાગની ફિલ્મોનું શૂટિંગ પતી ગયું છે અને હાલમાં તે પોસ્ટ પ્રોડક્શન પ્રોસેસમાં ચાલી રહી છે. આમાંની જ કેટલીક ફિલ્મોની વાત કરીયે તો જે પ્રમાણે હિતેન કુમારે ફિલ્મ વશ અને આગંતુક પોતાના પાત્રથી દર્શકોને અભિભૂત કર્યા હતા, એ જ પ્રમાણે તેઓ ફરી એકવાર સાવ અનોખા અવતારમાં આપણને જોવા મળશે. નિશિથ કુમાર બ્રહ્મભટ્ટ નિર્દેશીત ફિલ્મ ચૂપ નું ટ્રેલર ડિસેમ્બર 2023માં જ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. આ મલ્ટી સ્ટારકાસ્ટવાળી આ ફિલ્મમાં હિતેન કુમાર ઉપરાંત મોરલી પટેલ, હેમાંગ દવે, આકાશ પંડ્યા, હીના વર્દે અને અન્ય કલાકારો જોવા મળશે.

વળી, આ વર્ષે અનેક એવી હીરો-હીરોઇનની જોડી આપણને ઢોલીવુડમાં જોવા મળશે જે પહેલા એકસાથે ક્યારે જોવા નથી મળી. કૃષ્ણદેવ યાજ્ઞિક ડેની જીગર બાદ, ત્રિશા ઓન ધ રોક્સ લઈને આવશે જેમાં જાનકી બોડીવાલા, રવિ ગોહિલ તથા હિતુ કનોડિયા એકસાથે જોવા મળશે. તો બીજીબાજુ પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમારના નિર્દેશનમાં અજબ રાતની ગજબ વાત” નામની ફિલ્મ રિલીઝ થશે જેમાં આરોહી પટેલ સાથે ભવ્ય ગાંધીની જોડી નિહાળવા મળશે.

માનસી પારેખની આ નવા વર્ષની બીજી ફિલ્મ એક હોરર ગુજરાતી ફિલ્મ હશે જેને ઉમંગ વ્યાસે ડિરેક્ટર કરી છે. આ ફિલ્મનું નામ ઝમકુડી રાખવામાં આવ્યું છે. માનસી પારેખ સાથે આ ફિલ્મમાં વિરાજ ઘેલાણીઓજસ રાવલચેતન દૈયાજયેશ મોરેસંજય ગોરડિયાસંજય ગલાસકરનિસર્ગ ત્રિવેદીભાવિની જાની જેવા અનેક પ્રતિભાવાન કલાકારો જોવા મળશે. આ ઉપરાંત ચિન્મય પુરોહિત લિખીત-નિર્દેશીત ફિલ્મ વાર તહેવાર” માં મોનલ ગજ્જરપરિક્ષીત તમાલિયાટીકુ તલસાણિયાઅનુરાગ પ્રપન્ન જેવા ખ્યાતનામ કલાકારો રૂપેરી પડદા પર એકસાથે અભિનય કરતા જોવા મળશે. માયથોલોજીકલ થ્રિલર “કબન્દા નામની ફિલ્મમાં તર્જની ભાડલા, શ્યામ નાયર અને બ્રિન્દા ત્રિવેદી જોવા મળશે. આ તમામ ફિલ્મોની તારીખ હાલમાં જાહેર કરવામાં નથી આવી પણ એટલું તો નક્કી છે કે આ તમામ ફિલ્મો 2024માં રૂપેરી પડદા પર દસ્તક લેશે જ. હાલમાં ફિલ્મ મેકર્સ તો પોતાનું કામ પૂરજોશમાં કરી રહ્યા છે પણ આવનારા સમયમાં દર્શકોની જવાબદારી પણ વધતી જોવા મળશે જેમાં તેમણે નક્કી કરવાનું છે કે દરેક ફિલ્મને યોગ્ય પ્રતિસાદ આપી કેટલા પ્રમાણમાં વધાવવી.

ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ કે વર્ષ 2024માં હોરર, કોમેડી, સસ્પેન્સ, ઐતિહાસીક, ફેમિલી ડ્રામા, માયથોલોજીકલ થ્રિલર જેવી અનેક ફિલ્મો જોવા મળશે, જે દર્શકોને મોહિત કરવાનું કામ કરતી રહેશે. 

"કબંદા" ફિલ્મ રિહાન ચૌધરી ફિલ્મ્સ
દ્વારા બનાવવામાં આવી છે.

ફિલ્મ "ઝમકૂડી"નું શ્રીગણેશ
કરતી વખતે લેવાયેલો ફોટો

ફિલ્મ "વાર-તહેવાર"ની શૂટિંગ પૂરી થયા
બાદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.




- આર.જે. સચીન વજાણી

- dhollywoodtalkies@gmail.com




 

Comments

  1. આખા વર્ષ નો ઈતિહાસ જણાવી દીધો
    દર્શકો ના પ્રતિસાદ ની ઈંતજારી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત