ગુજરાતી ફિલ્મોની મેકિંગ આજે સ્ટુડિયોમાંથી બહાર નીકળીને લાઇવ લોકેશન પર પહોંચી ગઈ છે

 રેવા અને ચાલ જીવી લઈએ ભારતના કેટલાક રાજ્યોમાં જઈને શૂટિંગ કરી આવી છે જ્યારે ચબૂતરો અને હું તારી હીર જેવી ફિલ્મો શૂટિંગ માટે વિદેશયાત્રા કરી આવી છે


ફિલ્મ મેકિંગની પ્રક્રિયા હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. સિરીયલ્સથી માંડીને ફિલ્મો કઈ રીતે બને છે, એક્ટર, એક્ટ્રેસ કઈ રીતે કામ કરે છે, એક ગીતના નિર્માણ પાછળ કે એક સીન શૂટ કરવા પાછળ કેટલા લોકોની મહેનત લાગે છે, ફિલ્મ મેકિંગ દરમ્યાન ફિલ્મની આખી ક્રૂ વચ્ચે, કલાકારો વચ્ચે કેવા હસી મજાક થાય છે, કયા યાદગાર કિસ્સાઓ બને છે, તો ક્યાં કોઈની સાથે વાદ-વિવાદ થાય છે, એવી અનેકાનેક વાતો જાણવાનો લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે.



ફિલ્મ કે વેબ સિરીઝના નિર્માણની વાત કરીયે તો એ એક જટિલ પણ ક્રિએટીવ પ્રક્રિયા છે. અહીં સૌથી પહેલા લેખક પોતાના મનની વાત કાગળ પર ઉતારી એક વાર્તાને જન્મ આપે છે. ડિરેક્ટર એ વાર્તાનું સંવર્ધન કરી એનો સંપૂર્ણ ઘાટ ઘડે છે, જ્યારે નિર્માણકર્તા એ વાર્તાને પોષે છે. અભિનેતાઓ એ વાર્તાને પોતાના જીવનનું સત્ય સમજી એને પડદા પર નિભાવે છે અને છેવટે પ્રેક્ષકવર્ગ એ વાર્તા કહેવાનો ઉદ્દેશ આત્મસાદ કરી એને વધાવી લેય છે.

આજના આધુનિક જમાનાની ગુજરાતી ફિલ્મોની મેકિંગની વાત કરીયે તો ફિલ્મનો શેડ્યુઅલ અંદાજે 30-60 દિવસ જેટલો હોય છે. જોકે ફિલ્મનો કેનવાસ કેટલો વિશાળ છે, ફિલ્મ માટેનું બજેટ કેટલું છે, સીન કેટલા અઘરા છે, જેવા અનેક પરિબળો પર આ સમયગાળો આધારિત રહે છે. ફિલ્મ કે વેબ સિરીઝ બનાવવા માટે પ્રી-પ્રોડક્શન જેટલું જરૂરી છે એટલું જ જરૂરી પોસ્ટ-પ્રોડક્શન પણ છે. પ્રી-પ્રોડક્શનમાં કાસ્ટિંગ, લોકેશન, શૂટિંગ શેડ્યુઅલ, બજેટ જેવા અનેક પાસાઓ આવરી લેવાતા હોય છે જ્યારે પોસ્ટ-પ્રોડક્શનમાં એડિટીંગ, ગ્રાફિક્સ, પેકેજીંગ, માર્કેટિંગનો સમાવેશ કરવામાં આવે છે.

ટૂંકમાં ફિલ્મ એક એવો પ્રોડક્ટ બનીને બહાર આવે છે જેને બજારમાં લોકો સામે રજૂ કરવાનો હોય છે. આ પ્રોડક્ટ પ્રેક્ષકોને ગમી જાય તો ફિલ્મ સુપરહિટ નહીં તો દૂરથી જ રામ રામ... એક ફિલ્મને વધારે રોચક અને સુંદર બનાવવા માટે એમાં ગીતોને ઉમેરવામાં આવે છે, પછી એ ફિલ્મ ઢોલીવૂડની હોય, બોલીવૂડ હોય કે ટોલીવૂડની હોય. ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી ગરબા ન હોય ત્યાં સુધી એ ફિલ્મ લોકોના મનમગજમાં ઘર નથી કરતી. ફિલ્મ રોંગ સાઇડ રાજુ (2016) (ગોરી રાધાને કાળો કાન), નાડીદોષ (2022) (ચાંદલિયો ઉગ્યો રે), ફક્ત મહિલાઓ માટે (2022) (બોલ મારી અંબે), ચબૂતરો (2022) (મોતી વેરાણા ચોકમાં) અને સૈયર મોરી રે (2022) (ગોરી તમે મનડા લીધા મોહી રાજ) ના ગરબા આજે પણ ગરબા ઇવેન્ટમાં રાજીખુશીથી વગાડવામાં આવે છે.



ફિલ્મ મેકિંગમાં સૌથી મોટો પ્રશ્ન આવે છે લોકેશનનો. આ પ્રશ્નના નિવારણરૂપે કેટલીક ફિલ્મોને સ્ટુડિયોમાં ક્રોમા પર શૂટ કરવામાં આવે છે. 1970-80ની કેટલીક લોકપ્રિય બનેલી ગુજરાતી ફિલ્મો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મને કોઈ એક ચોક્કસ સેટ પર શૂટ કરવામાં આવી છે. એમાંની મોટાભાગની ફિલ્મો રાજા-મહારાજા, સાધુ સંતની જીવની પર આધારિત રહેતી. જેસલ તોરલ (1971), રાજા ભરથરી (1973), કુંવરબાઈનું મામેરૂ (1974),

શેઠ સગાળશા (1975) એના ઉત્તમ ઉદાહરણ છે. આમાંની મોટાભાગની ફિલ્મો મુંબઈ, વડોદરાના સ્ટુડિયોમાં નિર્માણ પામી હતી. જોકે રાજા મહારાજાઓના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મો આજે નથી બની રહી
, એ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે.

પહેલાની મોટાભાગની ફિલ્મો અને તેના કેટલાક સીન્સ અથવા ગીતો અલગ અલગ લાઇવ લોકેશન પર શૂટ થતા હતા જેમ કે રમેશ મહેતા અને મંજરી દેસાઈ પર ફિલ્માવાયેલું ફિલ્મ સંતુ રંગીલી (1976)નું ગીત મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી, ફિલ્મ મા-બાપ (1977) નું ફેમસ ગીત હું અમદાવાદનો રીક્ષાવાળો વગેરે વગેરે... પણ હાલમાં તો કેટલીય એવી ફિલ્મો આવી ચૂકી છે જે દેશ-વિદેશમાં જઈને કેટલાક દિવસનું શૂટિંગ કરી આવી છે. ધ્રુવ ભટ્ટની ફેમસ નવલકથા તત્મવસિ પરથી 2018માં રેવા ફિલ્મ બનાવવામાં આવી હતી, જે ગુજરાત અને મધ્ય પ્રદેશના 15 અલગ-અલગ લોકેશન પર શૂટ કરાઈ હતી. આમાંના મોટાભાગના લોકેશન નર્મદા નદીની આસપાસના લેવામાં આવ્યા હતા. ચાલ જીવી લઈએ (2019) હિમાચલ પ્રદેશના રમણીય લોકેશનમાં શૂટ કરાઈ હતી જ્યારે ફિલ્મ ચબૂતરો (2022) શિકાગો ખાતે અને હું તારી હીર (2022) વિલ્નિઅસ ખાતે શૂટ કરાઈ હતી. 2024માં આવનારી ધ્વનિ ગૌતમ દિગ્દર્શીત ફિલ્મ શુભ સાંજ અને ડાયરો લંડન ખાતે શૂટ કરવામાં આવી છે. આજની તારીખમાં ફિલ્મ મેકિંગની જે પ્રક્રિયા બદલાઈ છે એને જોતા ફિલ્મ મેકર્સ રિયલ લોકેશન પર જઈને શૂટિંગ કરવાને વધારે પ્રાધાન્ય આપતા થયા છે.

આ ઉપરાંત અમદાવાદ, કચ્છ, ભૂજ, મુંબઈ ગુજરાતી ફિલ્મોની શૂટિંગ માટે સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશનમાંના એક છે. આજની લગભગ દરેક ગુજરાતી ફિલ્મોમાં આપણે રિવરફ્રન્ટ જોતા જ હોઈએ છીએ અને એનાથી વિશેષ અમદાવાદની પોળનો નજારો પણ આપણને જોવા મળી જ જતો હોય છે. કહેવાનો તાત્પર્ય એ કે ફિલ્મની વાર્તા પ્રમાણે આજે ક્રોમાને બદલે લાઇવ લોકેશન પર થતું શૂટિંગ ફિલ્મ કે વેબ સિરીઝને રિયલ લૂક આપવામાં પાયાની ભૂમિકા ભજવે છે. જોકે લાઇવ લોકેશન પર શૂટિંગ કરવામાં અનેક પડકારો હોય છે તેમ છતાં એ પડકારોને સ્વીકારી આગળ વધવામાં એક અનોખી મજા છે.



 

- આર.જે. સચીન વજાણી 

- dhollywoodtalkies@gmail.com




 

Comments

  1. It’s a great change and very well covered by Mr. Sachin. Hats off

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત