ગુજરાતી ફિલ્મો જોનારો વર્ગ આજે બદલાયો છે અને વાર્તા પણ બદલાઈ છે



સમયાંતરે ફિલ્મોની વાર્તા હવે સંતો, નવલકથાઓ જ નહીં પણ સામાજિક મુદ્દા, અંધશ્રદ્ધા, સસ્પેન્સ, પ્રેમ ત્રિકોણ જેવા અનેક મુદ્દાઓ પર બની રહી છે જેથી કરીને એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી શકાય અને ફિલ્મને સફળ બનાવી શકાય


ગુજરાતી ફિલ્મોની વાત કરો તો આજની યુવા પેઢીમાંથી ગણ્યા ગાઠ્યા એવા યુવાઓ મળશે જે ગુજરાતી ફિલ્મો જોતા હશે. હા, જો આ ગુજરાતી ફિલ્મો વિશે આપણે એ પેઢીને પૂછીયે જે આજે માતા-પિતા કે દાદા-દાદી બની ચૂકી છે, તો તેમની પાસેથી અદ્ભૂત ખજાનો જાણવા અને માણવા મળી શકે છે. જોકે આજે ગુજરાતી ફિલ્મોની રજૂઆત અને વાર્તા મહદઅંશે બદલાઈ ગઈ છે, તેમ છતાં આવો નજર કરીએ ગુજરાતી વાર્તાનાએ બદલાતા રૂપરંગની.

ગુજરાતી ફિલ્મોના એ જૂના દિવસો યાદ કરીયે તો છેક 1932માં જવું પડે જ્યારે પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ હતી. સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. આ શરૂઆત બાદ ગુજરાતી ફિલ્મોની ગાડી કાચબાગતિએ આગળ વધી રહી હતી પણ સ્વતંત્રતા સંગ્રામ અને વિશ્વયુદ્ધને લીધે કેટલાય વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો બનાવવામાં નહોતી આવી. આ મુદ્દાઓ થાડે પડ્યાના કેટલાક વર્ષો બાદ જ્યારે ફરીથી ગુજરાતી ફિલ્મો બનવાની શરૂઆત થઈ, ત્યારે એ શરૂઆત એવી ઝડપી હતી જાણે કે, રાજધાની ન હોય.





ગુજરાતી ફિલ્મો બનાવવાના એ સમયમાં મોટા ભાગની ફિલ્મો સંતો, સામાજીક મુદ્દાઓ અને નવલકથાઓ પર આધારિત હતી. મીરાબાઈ, રાણકદેવી, ગુણસંદરી, કરિયાવર, વડિલોના વાંકે, લીલુડી ધરતી જેવી ફિલ્મોએ લોકહૈયે પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું હતું. આ એ જ સમયગાળો હતો જ્યારે કોકીલા કિશોરચંદ્ર બલસારા એટલે કે હિન્દી સિને જગતની મા નીરુપા રૉય, અને દીના પાઠક જેવી અદાકારાઓએ ગુજરાતી ફિલ્મોથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી.

વળી આ સમયગાળામાં વધારે ફિલ્મી ટેક્નોલોજી કે ગ્રાફિક્સનો પણ વપરાશ થતો ન હતો. તેમ છતાં ઓછા સંસાધનમાં, અસરકારક ફિલ્મો એવી બનતી કે છેક ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતી લાવતી. 1969માં આવેલી ફિલ્મ કંકુ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાંતિલાલ રાઠોડ દિગ્દર્શીંત આ ફિલ્મમાં કિશોર ભટ્ટ, કિશોર જરીવાલા (હરીભાઈ જરીવાલા એટલે કે સંજીવ કુમારના સગા ભાઈ) અને પલ્લવી મહેતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નૅશનલ એવોર્ડ મળ્યો હતો અને પલ્લવી મહેતાએ 1970માં શિકાગો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બાજી મારી હતી.

કહેવાનો તાત્પર્ય એ છે કે એક સમયમાં સામાજીક મુદ્દાઓ અને સાહિત્ય આધારિત ગુજરાતી ફિલ્મો બનતી, સ્વીકારાતી અને વખણાતી. બદલાતા સમય સાથે 1970માં ફરી આ ઇન્ડસ્ટ્રીમાં ઓટ આવી પણ અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, શ્રીકાંત સોની, મહેશ-નરેશ કનોડિયા, મૂળરાજ રાજડા, રમેશ મહેતા, સ્નેહલતા, અનુપમા, ઇન્દુમતી રાજડા અને અસંખ્ય કલાકારોએ આ ઇન્ડસ્ટ્રીને ધગધગતી રાખવામાં મદદ કરી.







આજના સમયની વાત કરીયે તો કેવી રીતે જઈશ અને બે યારથી આ ઇન્ડસ્ટ્રીએ આધુનિક વાઘા પહેરીને નવો કોન્ટેન્ટ પીરસવાનું બીડુ ઝડપ્યું. ફિલ્મ છેલ્લો દિવસ એ નવી સફરમાં એક એવી લોકપ્રિય ફિલ્મ બનીને સામે આવી જેણે યુવાનોને પોતાની તરફ આકર્ષ્યા અને ઘેલા કર્યા. તે કૉફી કેમ મંગાઈથી લઈને કૉલેજના દોસ્તોની દરેક નાની મસ્તી
એ ફિલ્મમાં વણી લેવામાં આવી હતી. આજની ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો આપણને એ ફિલ્મોથી જ મળ્યા. રોંગ સાઇડ રાજુથી પ્રતિક ગાંધીએ પોતાની આગવી છાપ છોડી. આ ઉપરાંત ચાલ જીવી લઈએ જેવી ધમાકેદાર ફિલ્મ અત્યાર સુધી થિયેટર્સમાં જોવા મળી રહી છે જેને લીધે તે સૌથી વધારે વકરો કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મની રિમેક પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, જેમાં નાના પાટેકર પિતાના કેરેક્ટરમાં જોવા મળશે. છેલ્લો શૉ એ 95મા ઓસ્કર એવોર્ડમાં એન્ટ્રી પણ મેળવી હતી.

ગુજરાતી ફિલ્મો આજે વશ જેવી હોરર ફિલ્મો લઈને આવે છે (જેના પર અજય દેવગણ હિન્દી ફિલ્મ બનાવી રહ્યો છે), સેકેન્ડ ઇનિંગમાં મળતા પ્રેમની લાગણી બતાવવા હું અને તું જેવી ફિલ્મો આવે છે. બદલાતા સમય સાથે આજે ફિલ્મ મેકીંગની ટેક્નોલોજી બદલાઈ છે, ત્યાં તેનો વિષય પણ બદલયો છે. સંજય દત્તની ફિલ્મ નામ જોઈને સૌ કોઈને લાગતું કે ખરેખર વિદેશ જનારા પાછા ક્યારેય નથી આવતા પણ ગુજરાતી ફિલ્મ ચબૂતરોમાં ચાણક્ય પટેલે બતાવી દીધું કે માણસ ભલે પોતાનું ભવિષ્ય પોતાની માટી, પોતાના દેશથી દૂર વસાવવા ઈચ્છતો હોય, છેવટે એક દિવસ તે ઘરે પાછો ફરે જ છે.

ટૂંકમાં આજની તારીખે ગુજરાતી ફિલ્મો દરેક પ્રકારનું કોન્ટેન્ટ બનાવી રહી છે. આજના સમયને અનુરૂપ બનતી ગુજરાતી ફિલ્મો ઓડિયન્સને પણ પસંદ પડી રહી છે. માત્ર સંતો, સાહિત્ય અને સામાજિક મુદ્દાઓથી જ નહીં પણ અંધશ્રદ્ધા, પ્રેમ ત્રિકોણ (લવ ટ્રાયેંગલ), સ્ત્રીસશક્તિકરણ, ચોરી, સસ્પેન્સ જેવી થીમ પર આધારિત ફિલ્મો અને વેબ સિરીઝ બની રહી છે. આજનો ગુજરાતી ફિલ્મી કોન્ટેન્ટ એક ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને એ જ ચોક્કસ દિશામાં માર્કેટિંગ કરીને ફિલ્મને સુપરહિટ બનાવી શકાય. 


- આર.જે. સચીન વજાણી 

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત